કળશ ૭

વિશ્રામ ૭૧

પૂર્વછાયો

ભૂપ કહે વરણી સુણો, એક સંશય છે મુજમન;

તે સંશય તો તમ વિના, હરનાર ન દિસે અન્ય. ૧

ચોપાઈ

કહે છે કોઈ તો કહેનારા, હતા આણંદમાં જન સારા;

ભલા થૈને ભુલ્યા કેમ ભાન, કર્યું ઈશ્વરનું અપમાન. ૨

મહાત્યાગી તપસ્વી તે સંત, જ્ઞાની ધ્યાની ને વૈરાગ્યવંત;

કોઈનો ન કરે કદી દ્વેષ, ઇચ્છે સર્વનું સારું હમેશ. ૩

તેવાનો કરતાં તિરસ્કાર, દયા દિલમાં ન આવી લગાર;

તેનું કારણ કહી સમજાવો, એહ સંશય છે તે તજાવો. ૪

કહે વર્ણિ સુણો વસુધેશ, કર્યો ઉરમાં અસુરે પ્રવેશ;

તેથી બુદ્ધિ થઈ વિપરીત, સમજ્યા નહિ હીત કે અહીત. ૫

થયું ભારત ભૂમિમાં જ્યારે, લડ્યા પાંડવ કૌરવ ત્યારે;

ભીષ્મ આદિ ભલા હતા જેહ, જમ્યા કૌરવનું અન્ન તેહ. ૬

અસુરે કર્યો એમાં પ્રવેશ, કર્યો પાંડવની સાથે ક્લેશ;

પરીક્ષિતમાં પેઠો કળિ જ્યારે, સાપ નાખ્યો ઋષીગળે ત્યારે. ૭

એમ અસુર પ્રવેશ જો કરે, સારા માણસની મતિ ફરે;

પેઠા આણંદમાં જે અસુર, કહું તે સુણિને ધરો ઉર. ૮

જ્યારે વન વિચર્યા વૃષનંદ, ગયા સિરપુરમાં સુખકંદ;

હતા અસુર વેરાગીને વેશ, તેણે શ્રીહરિનો કર્યો દ્વેષ. ૯

મારવાને આવ્યા પરિયાણી,1 વાત ત્યાંના નરેશે તે જાણી;

પક્ષ લઈ પ્રભુનો તેહ વાર, રાયે માર્યા વેરાગી હજાર. ૧૦

હતા કંસ જરાસંધ જેવા, આવ્યા આણંદમાં વેર લેવા;

પેસવાનો પામ્યા કેમ લાગ, કહું તે સાંભળો બડભાગ ૧૧

ફુલડોળનો ઉત્સવ ભારે, વરતાલે કર્યો હરિ જ્યારે;

જનોઈ દ્વિજપુત્રોને દીધી, વાલે વિપ્રની ચોરાશી કીધી. ૧૨

રાતે કરતા હતા તે રસોઈ, જાગતું ન હતું બીજું કોઈ;

આડાં2 લઈ લાડુ ખાંડતા હતા, ધમકારા તેના બહુ થતા. ૧૩

આડું એકનું તો પડે એવું, ભાસે ભીમ તણી ગદા જેવું;

શ્રીજી સાંભળીને જોવા ગયા, શ્રમ સારો જોઈ રાજી થયા. ૧૪

જોરથી પડતું આડું જેનું, તહાં નામ પુછી લીધું તેનું;

રહેનાર તે આણંદ ગામ, જાણ્યું હતું જેભાઈ નામ. ૧૫

થયું કાર્ય સમાપ્ત તે જ્યારે, ચાલ્યા સૌ સહુને ઘેર ત્યારે;

રસોયા દ્વિજ દર્શને આવ્યા, કહી વાત પ્રભુને રીઝાવ્યા. ૧૬

હતા કંઠમાં પુષ્પના હાર, આપ્યા તે દ્વિજોને તેહ વાર;

ભલો જેભાઈનો શ્રમ જાણી, સ્નેહે ભેટિયા સારંગપાણિ. ૧૭

તેને વાલે કહ્યું તેહ વાર, પુરમાં ન જશો પેરી હાર;

મતપંથીનો ત્યાં છે નિવાસ, માટે બહુ કરશે ઉપહાસ.3 ૧૮

કહે જેભાઈ હું નથી ડરતો, શંકા કોઈની ઉર નથી ધરતો;

પછી આણંદમાં ગયા જ્યારે, કરી લોકોએ ઠેકડી ત્યારે. ૧૯

હરિશંકર જે સગા ભ્રાત, તેણે જેભાઈને કહી વાત;

લોકની લાજથી શરમાઈ, તમે હાર ન કાઢશો ભાઈ. ૨૦

હાર પેરી બજારમાં ગયા, ઘણા લોક ત્યાં એકઠા થયા;

લાગ્યા મશ્કરી કરવા તમામ, વળી હાર તોડ્યો તેહ ઠામ. ૨૧

હાર તોડ્યા થકી તો નિદાન, થયું ઈશ્વરનું અપમાન;

તેથી દૈત્યોને ફાવિયો દાવ, કર્યો કાળજા માંહિ જમાવ. ૨૨

પછી શ્રીજી પધારિયા જ્યારે, અપમાન કર્યું અતિ ત્યારે;

ક્ષમા રાખી રહ્યા જગદીશ, પણ લક્ષમીજીને ચડી રીસ. ૨૩

તજી આણંદને ગયાં જ્યારે, સુખ શાંતિ સાથે ગયાં ત્યારે;

વેર વાળી અસુર થયા રાજી, ગયા તે પણ ત્યાં થકી પાજી.4 ૨૪

પાપે પીડા ચાલી પુરમાંઈ, એમ વર્ષ વીતી ગયાં કાંઈ;

અતિશે થયા જ્યારે હેરાન, આવ્યું પુરજનને પછી ભાન. ૨૫

મહાપુરુષનું અપમાન કીધું, તેથી આપણે આ દુખ લીધું;

એમ પસ્તાવો કરવા લાગ્યા, જાણે મોહનિદ્રા થકી જાગ્યા. ૨૬

પછી એક સમે વરતાલ, આવ્યા સંત સહિત વૃષલાલ;

ત્યારે આણંદના રહેનાર, મળીને કર્યો ચિત્ત વિચાર. ૨૭

હવે જો સુખની હોય આશ, જૈયે સ્વામિનારાયણ પાસ;

પ્રણમીને ક્ષમા માંગી લૈયે, આપે આશીષ તો સુખી થૈયે. ૨૮

નકી એવો કરી નિરધાર, થયા વરતાલ જાવા તૈયાર;

તહાં મુખ્ય મનુષ્ય મળેલ, કોઈ વિપ્ર ને કોઈ પટેલ. ૨૯

વિપ્ર શેલત નામ જેભાઈ, મલકાચન ભટ આવ્યા ધાઈ;

દવે પુજા ને બે દિનકર, શુક્લ શ્રીકૃષ્ણ પણ દ્વિજવર. ૩૦

પંડ્યા રઘુનાથ પરમ ઉદાર, પછી નામ કહું પાટીદાર;

અજુભાઈ ને વસનદાસ, પુત્ર બાવાજી તેહની પાસ. ૩૧

નારાયણગર બડદલાભાઈ, પગી સબડસિંહ આવ્યા ચાઈ;5

આવી બાઇયો પણ હરિજન, જેનાં છે રુડાં નિરમળ મન. ૩૨

હરિશંકર ને જયભાઈ, બંને સાથે લીધા હરખાઈ;

આવી શ્રીજીને કીધા પ્રણામ, ઘણી વિનતી કરી એહ ઠામ. ૩૩

મહારાજ અમે બહુ ભૂલ્યા, અપમાન કરી મન ફૂલ્યા;

કદી કરીયે નહીં અમે એમ, કોણ જાણે થયું એ તે કેમ. ૩૪

એહ પાપ થકી વારે વારે, આવે છે પુરમાં કષ્ટ ભારે;

આપો આશીષ તો સુખ થાય, અમે આવ્યા તે એવી ઇચ્છાય. ૩૫

સુણી બોલિયા શ્રીપરમેશ, તમે સંત તણી કર્યો દ્વેષ;

માટે સંત સેવે સુખ થાશે, એની આશીષે સંકટ જાશે. ૩૬

પછી સંતોને સૌ નમ્યા પાય, દીધી આશીષ સૌ મુનિરાય;

પ્રભુ ભજજો કહ્યું ધરી પ્યાર, સુખ પામશ સર્વ પ્રકાર. ૩૭

વળી શ્રીજીએ આશીષ દીધી, થશે સર્વ મનોરથ સિદ્ધિ;

પુત્ર ને વળી પૌત્ર તમારા, સતસંગી થશે બહુ સારા. ૩૮

સુણિ આશીષ ને શાંત થયા, પ્રણમીને પછી ઘેર ગયા;

ભગવાન ભજે ભલી ભાતે, સુખ શાંતિ થઈ સર્વ વાતે. ૩૯

વધ્યો તેનો ભલો પરિવાર, થયો સત્સંગી સર્વે ઉદાર;

રઘુવીરજીને ઘણી વાર, પધરાવ્યા આણંદ મોઝાર. ૪૦

માસ માસ સુધી રુડી રીતે, રાખ્યા સંતનાં વૃંદ સહીતે;

પધરામણી ઘર ઘર કીધી, ભેટ ભૂષણ વસ્ત્રની દીધી. ૪૧

હરિભક્ત આણંદના એવા, વખણાય એકાંતિક જેવા;

ધન લક્ષ્મીનારાયણ કાજ, દશ વિશાંશ આપે છે આજ. ૪૨

સારી સંતની સેવા સજે છે, ભાવે પ્રગટ પ્રભુને ભજે છે;

અહો ભૂપ પુછ્યું તમે જેહ, કહ્યું આખ્યાન મેં બધું એહ. ૪૩

કહું ચાલતી તેહ કથાય, વરતાલ હતા હરિરાય;

થોડા દિવસ નિવાસ કરીને, ચાલ્યા ગઢપુર પાછા ફરીને. ૪૪

ગાના ગામે ગયા ગિરધારી, ત્યાંથી બોચાસણે સુખકારી;

ગામને ગોંદરે જ્યારે આવ્યા, બંદુકોના ભડાકા કરાવ્યા. ૪૫

ગામ માંહી થયું જાણ એથી, સામા આવ્યા હરિભક્ત તેથી;

પ્રભુજી ગામ માંહી પધાર્યા, કાશીદાસને ઘેર ઉતાર્યા. ૪૬

વડલા હેઠ ગામ બહાર, ઉતર્યા સાધુ ને અસવાર;

કર્યો થાળ મુકુંદ બ્રહ્મચારી, જમ્યા ભાવથી ભવભયહારી. ૪૭

જમ્યા સંત કરીને રસોઈ, કાશીદાસે દીધું સીધું સોઈ;

હતો ઉતરતો જેઠ માસ, ચડ્યો કાંઇક મેઘ આકાશ. ૪૮

ચપળાનો6 થયો ચમકારો, દેખી બોલિયા ધર્મદુલારો;

મેઘ ચેતવણી આજ દે છે, જાઓ ઉતાવળા તે કહે છે. ૪૯

નહિ તો પછી ભાલ7 ભરાશે, તેહ ઉતરી કેમ જવાશે?

પણ એ નથી જાણતો એમ, વણ આજ્ઞાએ વરસીશ કેમ. ૫૦

એમ વાતમાં કરતા વિનોદ, જનને ઉપજાવ્યા પ્રમોદ;

રાતે પોઢીને ઉડ્યા પ્રભાતે, ચાલ્યા સંત ને સ્વાર સંઘાતે. ૫૧

કોઈ ગામમાં કરતા નિવાસ, ગયા ગઢપુર શ્રીઅવિનાશ;

જેમ કોઈ પ્રવાસ કરીને, ઘેર આવીને બેસે ઠરીને. ૫૨

તેમ ગઢપુરમાં ઘનશ્યામ, આવી પામિયા પરમ વિરામ;

ગઢડું એ થકી ઓળખાણું, સ્વામિનારાયણનું ગણાવ્યું. ૫૩

પુષ્પિતાગ્રાવૃત્ત

કમળતનય8 કેરુ સત્યલોક, વળિ હરિનું વઇકુંઠ છે અશોક;9

શિવકૃત કઇલાસ વાસ જેમ, ગઢપુરમાં સ્થિત અક્ષરેશ એમ. ૫૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઆણંદપુર ઉપદ્રવશમનં નામૈકસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે