કળશ ૭

વિશ્રામ ૭૨

પૂર્વછાયો

ઉત્સવ રથજાત્રા તણો, ગઢપુરમાં કર્યો ઘનશ્યામ;

નૌતમ લીલા નિરખીને, હરખ્યા હરિભક્ત તમામ. ૧

ચોપાઈ

કૃષ્ણજન્મ તણો દિન આવ્યો, સમૈયો તે તો સારો ભરાવ્યો;

વેદાંતાચાર્ય જે કહેવાય, હતો તે વટપત્તન માંય. ૨

સતસંગીની બહુ કરે દ્વેષ, બોલે શ્રીજીનું વાંકું વિશેષ;

કહે ધર્મ એનો એહ ટાણે, નથી તે વેદશાસ્ત્ર પ્રમાણે. ૩

એને હું વરતાલમાં મળિયો, બોલવામાં એને મેં તો કળિયો;

નથી ઐશ્વર્ય એનામાં કાંઈ, ભોળા લોકને ભરમાવે ભાઈ. ૪

એણે મારું કર્યું સનમાન, તે તો પામવા માન નિદાન;

નહિ તો વાદ હું બહુ કરત, એના મતને હું તોડત તરત. ૫

વસ્તીમાં એવી વાત ફેલાવી, સતસંગીયોને કાને આવી;

થયા સર્વે ઉદાસી અપાર, કર્યો એકઠા થૈને વિચાર. ૬

પ્રભુ પ્રત્યે લખ્યો એક પત્ર, વેદાંતાચાર્ય આવ્યો છે અત્ર;

તે તો દ્વેષ તમારો કરે છે, એ છે પાખંડી એમ કહે છે. ૭

એને જીતી શકે એવા જોઈ, સાધુ પંડિત મોકલો કોઈ;

ઘણા શાણા શિયાજી છે રાય, કરશે સભા મેળવી ન્યાય. ૮

એક ભક્ત હતા પ્રભુદાસ, પત્ર લૈ મોકલ્યા પ્રભુ પાસ;

તે તો આવ્યા પ્રથમ વરતાલ, મળ્યા જુસજીને તતકાળ. ૯

તેને સર્વે સમાચાર કહ્યા, પછી તે બેય ગઢપુર ગયા;

પ્રભુને કરી દંડપ્રણામ, આપ્યો પત્ર પછી તેહ ઠામ. ૧૦

પત્ર વાંચી પ્રભુજી હસે છે, મુક્તાનંદ મુનિને કહે છે;

વટપત્તનમાં તમે જાઓ, વેદાંતાચાર્યના સામા થાઓ. ૧૧

ભૂપ શાસ્ત્રીયોની સભા ભરશે, પક્ષપાત તજી ન્યાય કરશે;

મુક્તાનંદ કહે મહારાજ, એ તો છે અતિ દુષ્કર કાજ. ૧૨

એને મારાથી કેમ જીતાશે, કેમ પ્રશ્નના ઉત્તર થાશે;

કહે શ્રીજી મને પ્રભુ જાણો, ચિત્તમાં તમે ચિંતા ન આણો. ૧૩

કર્યા એમ કહીને વિદાય, રહ્યા શ્રીજી તો ગઢપુર માંય;

જ્યારે જ્યારે સભા પ્રભુ ભરે, તપની ત્યાગની વાત કરે. ૧૪

રીઝું હું તપ તીવ્ર કર્યાથી, એવો રીઝું ન બીજા કશાથી;

મોટા યજ્ઞ કરે ધન ખર્ચે, હીરા મોતી વડે મને અર્ચે. ૧૫

લાખો વિપ્ર કે સાધુ જમાડે, નાય તીર્થમાં પર્વ દહાડે;

એથી થાઉં પ્રસન્ન ન એવો, થાઉં તપથી પ્રસન્ન હું જેવો. ૧૬

માટે મુનિજન વનમાં વિચરતા, મને રીઝાવવા તપ કરતા;

ઇચ્છા જે જનને હોય જેવી, તપથી કરું પૂર્ણ હું તેવી. ૧૭

કરે તપ ને દમે નિજ દેહ, અતિ વાલો મને જન એહ;

એવી વાત સુણી બહુ બહુ, તપ કરવા લાગ્યા જન સહુ. ૧૮

નરનારીયો વૃદ્ધ ને બાળ, તપ કરવા લાગ્યાં તતકાળ;

જમે કોઈ તો એક જ વાર, કરે કોઈ તો ફળનો આહાર. ૧૯

કોઈ એકાંતરે દિન જમે, ચાંદ્રાયણ વ્રત કોઈને ગમે;

કોઈ એક જ શીંઘોડું ખાય, શીયાળે જળ શીતળે નાય. ૨૦

કોઈ તો પયપાન1 જ કરે, કોઈ તો જળથી પેટ ભરે;

કોઈ તો દૃઢ આસન વાળે, કોઈ નાસાગ્રને જ નિહાળે. ૨૧

કોઈ તો દિન ને રાત જાગે, કરે ભજન ને નિદ્રાને ત્યાગે;

કોઈ તો ધરે શ્રીજીનું ધ્યાન, કોઈ તો કરે ગુણનું ગાન. ૨૨

કોઈ રસક્સ જરીયે ન ચાખે, બાધા છાશની પણ તેહ રાખે;

તજી રાંધેલ અન્ન આહાર, કાચું કોરું જમે એક વાર. ૨૩

શ્વેતદ્વીપના મુક્ત છે જેહ, જોઈ અચરજ પામિયા એહ;

એક શ્રીજીને કરવા છે રાજી, અન્ય ફળની ન કાંઈ ઇચ્છાજી. ૨૪

તપ તીવ્ર જે જનનું જણાય, હરી તેના ઉપર રાજી થાય;

ધર્મસર્ગ શ્રદ્ધાદિક જેહ, મૂર્તિમાન આવ્યા સઉ તેહ. ૨૫

તેણે શ્રીજીની વિનતિ ઉચારી, તમે નાથજી નરતનુ ધારી;

પ્રતિપાદન પાળન સારુ, અતિ આ સમે કીધું અમારું. ૨૬

કૃત2 ત્રેતા ને દ્વાપર માંઈ, આવું કોઇયે કીધું ન ક્યાંઈ;

દીધું અમને તો જીવનદાન, એમ કહી થયા અંતરધાન. ૨૭

પૂર્વછાયો

આવી ગણેશની ચતુરથી, પૂજ્યા વિધિ સહિત વિઘ્નેશ;

ઝીલણી આવી એકાદશી, કર્યો ઉત્સવ એહ વિશેષ. ૨૮

ચોપાઈ

મુક્તાનંદ વડોદરે ગયા, હરિમંદિરમાં જઈ રહ્યા;

હરિભક્ત ભેળા સહુ થઈ, કહી વાત નરેશને જઈ. ૨૯

ભૂપે શાસ્ત્રીયો સૌને બોલાવી, સભા દરબાર માંહી ભરાવી;

વેદાંતાચારજે વાદ કીધો, મુક્તાનંદે તેને જીતી લીધો. ૩૦

એનો અન્યાય દેખી અપાર, દેશાધીશે કર્યો દેશપાર;

કૃપાનાથે તે સાંભળી કહ્યું, અરે એ તો ઘણું ખોટું થયું. ૩૧

સુણો ભૂપ અભેસિંહભાઈ, વડા પુરુષ તજે ન વડાઈ;

તેમ જે જન દુર્જન હોય, ન તજે દુરજનપણું કોય. ૩૨

ઉપજાતિ (સજ્જન તથા કૃતઘ્ની વિષે)

જે સજ્જનો સજ્જનતા ન મૂકે, જે દુર્જનો દુર્જનતા ન ચૂકે;

પીયૂષ3 હાળાહળ4 બેય જેમ, ભૂલે નહીં આપ સ્વભાવ તેમ. ૩૩

કૃતઘ્નીનું પોષણ જો કરાય, તથાપિ તે શત્રુ જરૂર થાય;

ઉછેરિયે જો અહિ5 દૂધ પાઈ, કોઈ સમે તે કરડે જ ભાઈ. ૩૪

કૃતઘ્નિને સંકટથી મુકાવે, તેને જુવે તે અતિ વૈર ભાવે;

જે વાઘને પિંજરમાંથી કાઢે, તેને કરે ચર્વણ6 કે ચાવિ ડાઢે. ૩૫

જો દુષ્ટને ભોજન મિષ્ટ દૈયે, તથાપિ તે દ્વેષ તજે ન હૈયે;

જો દૂધ ને સાકરથી સિંચાય, તો લીંબડો મિષ્ટ કદી ન થાય.7 ૩૬

સ્વાર્થે બગાડે પર કેરું કોઈ, કોઈ વિના સ્વારથ ક્રૂર હોઈ;

કોઈ કરે કષ્ટ ઉપાય આપે, બેઠા તણી ડાળ કુબુદ્ધિ કાપે. ૩૭

દુષ્ટો વિના સ્વારથ કોઈ દાડે, પોતે મરીને પરનું બગાડે;

માંખી પડીને નિજ પ્રાણ દે છે, ખરાબ ખાણું પરનું કરે છે. ૩૮

નિંદા કર્યાની પડી ટેવ જેને, અસાર કે સાર કશું ન તેને;

ભસે જ તેવો ખળ શ્વાન જે છે, સારાં નઠારાં સહુને ભસે છે. ૩૯

છે જેટલું દૈવત જેહમાંય, નિંદા કર્યાથી નહિ ન્યૂન થાય;

જે શર્કરાને કડવી કહેશે, રોગીષ્ટ તેને જન જાણિ લેશે. ૪૦

પુષ્પિતાગ્રાવૃત્ત

દિનકર નભમાં ઉદીત થાય, ઉર અકળાઇ ઉલૂક8 તો મુંઝાય;

અવગુણ રવિના કહે કદાપિ, પણ ન પ્રતાપ છુપ્યો રહે તથાપિ. ૪૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

મુક્તમુનિવટપત્તન ગમનં નામ દ્વિસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે