વિશ્રામ ૭૪
વૈતાલીય
અનકૂટ ભલી ભજાવિયો, પ્રભુએ આદ્રજમાં કરાવિયો;
પછિથી થઈ વાત તે કહું, સુણજો સ્નેહ ધરી જનો સહુ. ૧
હરિના જન મુખ્ય જે હતા, વળિ મોટા મુનિ જે કહાવતા;
પ્રભુ તે જન આગળ કહે, મન મારું વનમાં જવા ચહે. ૨
જનમાં નથી કાંઈ ગોઠતું, લવ માત્રે સુખ તો નથી થતું;
સહુ દ્યો મુજને રજા જવા, વનમાં જૈ સુખિયા સદા થવા. ૩
વિચરી વન જો કહો તમે, વળી પત્રો લખશું સુખે અમે;
કદિ જો કથશો જશો નહીં, તદપી હું નહિ રે રહું અહીં. ૪
જન સૌ શુભ ધર્મ પાળજો, મનનાં સર્વ વિકાર ટાળજો;
તજશો તનવાસના વળી, વસશો તો મુજ ધામમાં મળી. ૫
સુણિને જન સૌ દુઃખી થયાં, નયણેથી અતિ આંસુડાં વહ્યાં;
થઈ મૂર્છિત પૃથ્વિમાં પડ્યાં, નજિવાં1 શું વિધિયે જ તે ઘડ્યાં. ૬
સુણિને થઈ દુઃખિ નારિયો, બહુ તે સર્વ રુવે બિચારિયો;
દરિયાવચ નાવ ડૂબિયું, કે કલપાંતનું2 ટાણું આવિયું. ૭
ધરી ધીરજ સંત ઉચ્ચરે, પ્રભુજી કેમ કૃપા તજી અરે;
તજીને ઘર આવિયા અમે, તમ કાજે તરછોડિયા તમે. ૮
ન ઘટે તમને જ તાત રે, અતિ આવો વિશવાસઘાત રે;
રણમધ્ય કુવે ઉતારીને, તજશો પ્રૌઢ શિલા પ્રસારીને. ૯
નિજનાં ઘરબાર બાળિયાં, સુખ સર્વે તમમાં જ ભાળિયાં;
ગણિને મણિ શુદ્ધ સંઘર્યો, હિણ3 કર્મે કરિ કાચ તે ઠર્યો. ૧૦
હરિ ભૂલ અમારિ હોય તે, કરજો માફ કૃપાળુ તોય તે;
કરશો વળી આગના તમે, વિઠલા એમ જ વર્તશું અમે. ૧૧
સતસંગી મળી સહુ કહે, જળ જાતાં નહિ જંતુઓ રહે;
વનમાં પ્રભુ જો જશો તમે, તમ સંગે સહુ આવશું અમે. ૧૨
કરવા તમ સંગ પ્રીતડી, તજી સંસારી જનોની રીતડી;
કટુ બોલ સહૂ તણા સહ્યા, કુળધર્મો તજી કિંકરો4 થયા. ૧૩
તમને ભજવાની ભાતમાં, થઈ નિંદા બહુ નાતજાતમાં;
બહુ વૈરિ સગા સહુ થયા, તમને તોય હજી નથી દયા. ૧૪
અમમાં અતિ વાંક શો ઠર્યો, પ્રભુ તેથી બહુ કોપ છે કર્યો;
નમિએ મુખ ઘાસ લૈ અમે, જનના માફ કરી ગુના તમે. ૧૫
બહુ બાળક વાંક જો કરે, પણ માતા મનમાં નહીં ધરે;
જનનાં પ્રભુ માત તાત છો, ધન ધાન્યાદિક સર્વ વાત છો. ૧૬
જનની નિજ બાળને હણે, પણ જે પાપ નહીં કશું ગણે;
શિશુરક્ષણ કોણ તો કરે, વણમોતે શિશુ તેહ તો મરે. ૧૭
પ્રભુ જે ચુક હોય તે કહો, અમથા શીદ રિસાઇને રહો;
મુખબંધ કરી ન મારશો, દિલમાં ધારિ દયા વિચારશો. ૧૮
પૂર્વછાયો
સુણીને શ્રીહરિ બોલિયા, દયા લાવીને દીનદયાળ;
સંત તથા સતસંગીયો, સુણો સૌ સદ્બુદ્ધિવિશાળ. ૧૯
બહુ સતસંગ વધ્યો હવે, થયા આશ્રિત લોક અપાર;
સૌને અમારે સંભાળવા, બિજા કોઈને શિર નહિ ભાર. ૨૦
જો કોઈ રસના વશ દિસે, અને કોઈ ધરે અભિમાન;
કોઈક ઇરષા જો કરે, તેનું કોઈ ન રાખે ભાન. ૨૧
સૌ સરખા થઈને ફરે, રાખે મોટાની નહિ મરજાદ;
કોઈ ન ઠપકો ઠેસ દે, કોઈ રાખે જો કાંઈ પ્રમાદ. ૨૨
એક અમારે જ રાખવિ, સૌની ફિકર દિન ને નીશ;
તે અમને ગમતું નથી, લેવો ભાર અમારે જ શીશ. ૨૩
એવો અમારો સ્વભાવ છે, અમને તો ગમે વનવાસ;
એકાંતમાં અમને ગમે, બીજું કોઈ ગમે નહિ પાસ. ૨૪
માટે અમે વનમાં જશું, બધી તજી ઉપાધી એહ;
મૂળસ્વરૂપ સંભારણું, એહ જ્યાં લગી રહેશે દેહ. ૨૫
જો અમને હોય રાખવા, કરો એક મોટેરો કોય;
સંભાળ લે સતસંગની, કશી ફિકર અમને ન હોય. ૨૬
તે સુણી સૌ જન બોલિયા, સુણો શ્રીહરિ સુખના ધામ;
વાલા કહો તેના વચનમાં, અમે વર્તશું આઠે જામ. ૨૭
બાળક કે બુઢો હશે, હશે અભણ કે વિદ્વાન;
તોય તેનું કહ્યું માનશું, નહિ રાખીએ મન અભિમાન. ૨૮
તે સુણીને શ્રીહરિ કહે, દૃઢ એવો જો નિશ્ચય હોય;
જેને મોટેરો હું કરું, તેની આજ્ઞામાં રહો સહુ કોય. ૨૯
જે સંત મુજ જેવો હશે, તેને આપીશ એ અધિકાર;
તે મુનિએ પણ તરત તે, શિર લેવો ઉપાડી ભાર. ૩૦
માન મોટપ નથી ઇચ્છતા, એવા છે સંત વૈરાગ્યવાન;
પણ અમારું વચન આ, જેને કહું તે ધરવું કાન. ૩૧
હિંમત ધરીને હા કહો, એટલું કરવાનું કાજ;
તો રહિયે સતસંગમાં, અમે ક્યાંઈ ન જઈએ આજ. ૩૨
સંત ને હરિજન સૌ કહે, અમે એમ જ કરશું નાથ;
માટે રહો સતસંગમાં, તજશો ન અમારો સાથે. ૩૩
સુણીને શ્રીહરિ બોલિયા, જે છે પરમચૈતન્યાનંદ;
તેને મોટા કરી સ્થાપશું, અમે અંતરે ધરી આનંદ. ૩૪
પછી સભા સાંજે ભરી, મુખ્ય ચાર સ્થાપ્યા મુનિચંદ;
મુક્તમુનિ ને બ્રહ્મમુનિ, ચૈતન્યાનંદ નિત્યાનંદ. ૩૫
પાટ ઉપર ચાર ગાદિયો, ધરી ત્યાં તે બેસાર્યા સંત;
પૂજા કરી મહાપ્રભુજીયે, કરી આરતી હરખી અત્યંત. ૩૬
કૃષ્ણ કહે સહુ સાંભળો, મારા આશ્રિત છો જન જેહ;
આ ચાર સદ્ગુરુ જે કહે, તમે માનજો તરત જ તેહ. ૩૭
પ્રેમથી જે એને પૂજશે, ભલો રાખીને મનમાં ભાવ;
માનીશ પૂજા માહરી, એ છે ભવસાગરનાં નાવ. ૩૮
મુનિને માન ગમે નહિ, પણ આગ્રહ અતિશે જોઈ;
આજ્ઞા થકી બેઠા ગાદિયે, કાંઈ બોલી શક્યા નહીં કોઈ. ૩૯
હરિ કહે હવે તો અમે, સતસંગમાં કરશું વાસ;
સારાં વચન એવાં સાંભળી, પામ્યા હરખ સૌ હરિદાસ. ૪૦
સૌયે તે સદ્ગુરુ ચારની, પછી પૂજા કરી ધરી પ્રેમ;
આનંદની એલી થઈ, થાય દુકાળમાં ઘન જેમ. ૪૧
પ્રથમ તો મહાપ્રભુજીયે, એ જ સ્થાપિયા સદ્ગુરુ ચાર;
થંભ કહું તો સંભવે, સતસંગ તણા આધાર. ૪૨
સૌ સતસંગીને શ્રીજીયે, રજા આપી જવા નિજ ગામ;
વાત થઈ દેશોદેશમાં, તેથી શાંતિ થઈ સહુ ઠામ. ૪૩
પછી પ્રભુ ત્યાંથી પરવર્યા, લઈ સંતજનો નિજ સાથ;
દર્શન દેવા દાસને, ગયા કોલવડે કૃપાનાથ. ૪૪
ગયા ઉનાવા ગામમાં, ત્યાંથી બાલવે બહુ સુખદેણ;
મહાપ્રભુ ગયા માણસે, ઠર્યાં નિરખી જનનાં નેણ. ૪૫
ભાયાત નૃપના ત્યાં ભલા, પિથુભાઈ ને અણદાભાઈ;
જેઠીભાઈ આદિક જને, સહુએ સેવ્યા હરિ હરખાઈ. ૪૬
તૈયાર થઈને ત્યાં થકી, વૃષનંદ ગયા વ્યાહાર;
ગયા પ્રભુ ત્યાંથી ગેરીતે, ભલા ભક્ત વસે ભાવસાર. ૪૭
ગણેશભક્ત ભલા ગણું, પુત્ર જેચંદ ને હેમચંદ;
હરીચંદે પણ હેતથી, સેવ્યા શ્રીહરિ કરુણાકંદ. ૪૮
પામોલ પ્રભુજી પધારિયા, ત્યાંથી બામણવે બળવંત;
વડનગર પ્રભુ વીચર્યા, સાથે લઈને પાર્ષદ સંત. ૪૯
રાજ તણા અધિકારીયો, તથા જે હરિજન તે સ્થાન;
સામા આવ્યા સૌએ મળી, કર્યું શ્રીહરિનું સનમાન. ૫૦
વાજિંત્ર વાજતે ગાજતે, પધરાવિયા પુર મોઝાર;
સ્નેહ સહિત સેવા સજી, સૌએ જાણીને જગકરતાર. ૫૧
ચોપાઈ
થોડા દિવસ રહી તેહ ઠામ, ત્યાંથી ગુંજે ગયા ઘનશ્યામ;
વાલો વિસળનગર વિચરીયા, સમાચાર તે પુરમાં પ્રસરિયા. ૫૨
મોતીરામ તથા બળદેવ, તે તો સામા આવ્યા તતખેવ;
બીજા પણ હરિજન નરનારી, આવ્યાં સૌ અતિ આનંદ ધારી. ૫૩
સામી ભૂપની પાયગા5 આવી, સાથે વાજાં વિચિત્ર તે લાવી;
કર્યું શ્રીહરિનું સનમાન, ભાવે ભેટિયા શ્રીભગવાન. ૫૪
બળદેવને લાગ્યા કહેવા, કહો મામા તમારા છે કેવા;
બળદેવે ત્યાં એમ ઉચ્ચાર્યું, તેણે ઐશ્વર્ય જોયું તમારું. ૫૫
તેથી સારી રીતે વરતે છે, સતસંગનો પક્ષ કરે છે;
સુણી રાજી થયા સુખધામ, પછી પુરમાં પધારિયા શ્યામ. ૫૬
ધામધૂમથી ધર્મકુમાર, ઉતર્યા ધર્મશાળા મોઝાર;
ઉદેકુંવરબાઈ ધર્મવાળી, તેનો થાળ જમ્યા વનમાળી. ૫૭
સંત પાર્ષદ સૌને જમાડ્યા, પ્રભુજીને પલંગે પોઢાડ્યા;
સભા સાંજે સજી ભગવાન, મુક્તાનંદે કર્યું ભલું ગાન. ૫૮
સૂબો શહેરનો ઝૂમખરામ, આવ્યો કૃષ્ણનાં દર્શન કામ;
કરી દર્શન બેઠો તે જ્યારે, વાત શ્રીહરિએ કરી ત્યારે. ૫૯
કહે શ્રીપ્રભુ પૂરણકામ, સુબા સાંભળો ઝુમખરામ;
હરિભક્તનો દ્રોહ જે કરે, મહાપાપી તે માણસ ઠરે. ૬૦
પ્રાયશ્ચિત્તે છુટે મહાપાપી, દ્રોહપાપ ન છૂટે કદાપિ;
બીજાં પાપે પ્રભુ ક્ષમા રાખે, પણ ભક્તનો દ્રોહ ન સાંખે. ૬૧
લેજો જગત બધા માંહિ જોઈ, ભક્તદ્રોહી સુખી નથી કોઈ;
સુખી પ્રારબ્ધથી જો જણાય, જોતાં જોતાંમાં તે સુખ જાય. ૬૨
ભક્તદ્રોહીએ ખોયાં છે રાજ, ભક્તદ્રોહીએ ખોઈ છે લાજ;
ભક્તદ્રોહિ તે પંડે પીડાય, એને અંગે મહારોગ થાય. ૬૩
ભક્તદ્રોહીનો વંશ ન રહે, એમ મોટા મુનિજન કહે;
આસુરી જન હોય છે એવા, મંડે સત્સંગીને દુઃખ દેવા. ૬૪
જેની રક્ષા પ્રભુ કરનારા, તેને શું કરે પ્રાણી બિચારા;
જ્યારે આવે વિનાશનો કાળ, થાય વિપરીત બુદ્ધિ વિશાળ. ૬૫
ઘડો પાપનો જ્યારે ભરાય, ત્યારે નાશ તેનો પછી થાય;
હરિભક્ત તો નિર્દોષ હોય, પાપી તેને નડે બહુ તોય. ૬૬
કોઈનું ન બગાડે તે કાંઈ, તોય પાપી બળે મનમાંઈ;
કદી કોઈને દે નહિ ગાળ, તોય દુષ્ટને લાગે છે ઝાળ. ૬૭
પાપી ચિત્તમાં ન કરે વિચાર, કેમ સાંખશે જગકરતાર;
મરીને પછી નરકમાં જાય, પામે પીડા ઘણી પસતાય. ૬૮
એમ બોલ્યા ઘણું ઘનશ્યામ, ત્યારે બોલિયા ઝુમખરામ;
પ્રભુ હું અપરાધી તમારો, દ્રોહ ભક્ત તણો કરનારો. ૬૯
દીધાં મેં હરિભક્તને દુઃખ, રહ્યો આપ ચરણથી વિમુખ;
પણ આપનું ઐશ્વર્ય ભાળી, દ્રોહ કરવાની ટેવ મેં ટાળી. ૭૦
હવે માગું છું જોડીને હાથ, અપરાધ ક્ષમા કરો નાથ;
એમ બોલતાં ગદગદ વાણી, અતિ આંસુએ આંખો ભરાણી. ૭૧
એવું જોઈને અંતરજામી, કહે ઝૂમખરામને સ્વામી;
સભા આગળ નમ્રતા ધરો, ઉભા થૈને નમસ્કાર કરો. ૭૨
મન સૌનાં પ્રસન્ન જો થાશે, તેથી પાપ તમારાં તે જાશે;
પછી ઉભા થઈ એ જ ઠામ, ક્ષમા માગી કરીને પ્રણામ. ૭૩
સહુ બોલ્યા સભાસદ સાફ, પાપ કરશે મહાપ્રભુ માફ;
દૃઢ આશ્રય કૃષ્ણનો કરજો, પ્રીતિ પ્રગટ પ્રભુપદે ધરજો. ૭૪
એવી લીલા ઘણી એહ કાળે, કરી વીસળનગરમાં વાલે;
સ્થિતિ થોડા દિવસ ત્યાં ઠરાવી, એવામાં તો પ્રબોધિની આવી. ૭૫
દેશદેશના સંઘ તે આવ્યા, સંત સર્વને શ્યામે તેડાવ્યા;
સમૈયો તે થયો બહુ સારો, નહીં કોઈને વીસરનારો. ૭૬
સંઘ સૌ ગયા જ્યારે સ્વદેશ, ત્યારે પરવરિયા પરમેશ;
કડા ગામે ગયા કરતાર, ત્યાંથી છાલડીએ તેહ વાર. ૭૭
ગયા ડાભલે થૈને વસાઈ, ધેધુસણ ગયા જનસુખદાઈ;
મેઉ થઈને ગયા લાંઘણોજ, થયો હરખ ત્યાં જનને ઘણો જ. ૭૮
ભલા ભક્ત રામો ભાવસાર, બીજા પણ સતસંગી ઉદાર;
સામા આવીયા સામૈયું લૈને, પૂજ્યા શ્રીજીને બહુ માન દૈને. ૭૯
હનુમાનની જાયગા6 જેહ, જાણી ઉતરવા જોગ્ય તેહ;
સહુ શ્રીજીને ત્યાં તેડી ગયા, શ્રીજી જોઈને રાજી ન થયા. ૮૦
દીઠો ત્યાં સિદ્ધ બાવો અતીત, તેની રીત દીઠી વિપરીત;
જોયો ત્રીશ વરસનો જુવાન, તે તો બેઠો હતો તેહ સ્થાન. ૮૧
કંઠે રુદ્રાક્ષ અંગે ભભૂત, માથે ભગવું દીસે અવધૂત;
ઘણી બાઇયો બેઠેલી પાસે, કોઈ દોરા કે ચીઠીની7 આશે. ૮૨
ઘણા ચેલા કર્યા ગામમાંય, પ્રભુ જેવો તે થૈને પૂજાય;
એહ ગામનો મુખ્ય પટેલ, હતો તે પણ ચેલો થયેલ. ૮૩
તે તો એમ જાણે મનમાંઈ, આવો જોગી નથી બીજે ક્યાંઈ;
ચરણામૃત લે પગ ધોઈ, નવી નિત્ય જમાડે રસોઈ. ૮૪
હતી પુત્રી પટેલની એક, ગળી બાવાના જ્ઞાનમાં છેક;
તેહ ખવરાવે તો બાવો ખાય, જોઈ તાત તેનો રાજી થાય. ૮૫
બાવો પરચો તે ક્યારેક આલે, તેથી માનતા તેહની ચાલે;
અભિમાની થયો અતિ એથી, શ્રીજી સન્મુખ ઉઠ્યો ન તેથી. ૮૬
પગે લાગ્યો નહીં જોડી પાણિ,8 આંખો સાધુઓ ઉપર તાણી;
જોઈ એવું બોલ્યા જગરાય, અમે આંહીં ઉતારો ન થાય. ૮૭
પછી ત્યાંથી પ્રભુ પાછા ફરિયા, જૈને બીજી જગ્યામાં ઉતરિયા;
હરિભક્તોએ આપી રસોઈ, જમ્યા શ્રીજી મુની સહુ કોઈ. ૮૮
સભા સાંજે ભરી ભગવાને, ઘણા લોક આવ્યા તે સ્થાને;
બહુ આવ્યા તે બાવાના ચેલા, બાવે શીખવીને મોકલેલા. ૮૯
તેઓ આવીને ઉચર્યા એમ, તમે ઈશ્વર થૈ બેઠા કેમ;
કાંઈ પરચો દેખાડો જો અમને, અમે ઈશ્વર માનિયે તમને. ૯૦
હનુમાનની જગ્યામાં જે છે, બાવો ઈશ્વર જેવો તો એ છે;
કહે કૃષ્ણ સુણો સહુ ભાઈ, અમે પરચો ન આપીયે કાંઈ. ૯૧
પાળીયે ને પળાવિયે ધર્મ, કદી કરવા ન દૈયે કુકર્મ;
થોડા દિવસમાં લાગે છે અમને, બાવો પરચો દેખાડશે તમને. ૯૨
આ છે સાધુ જે સર્વ અમારા, મંત્ર જંત્ર ન જાણે બિચારા;
ધન નારીની પાસે ન ધસે, દેખી દુરથી વેગળા ખસે. ૯૩
મોક્ષ માટે કેવા ગુરુ કરવા, અને કેવા ગુરુ પરહરવા;
તેનાં લક્ષણ શાસ્ત્રે લખ્યાં છે, તે તો અમ દમ સત્ય કહ્યાં છે. ૯૪
ગુરુ પરચો દેખાડે તે સાચા, એવી ક્યાંઈ લખી નથી વાચા;9
બાજીગર10 બહુ પરચા દેખાડે, પણ મોક્ષે ન તે પહોંચાડે. ૯૫
ધર્મવાળા તે અમ કને આવો, બીજા બાવાની પાસે સિધાવો;
પ્રભુએ એવી બહુ કરી વાત, પછી પ્રગટીયું જ્યારે પ્રભાત. ૯૬
લોકો એવા સમાચાર લાવે, પુરો પરચો દેખાડીયો બાવે;
હતી પુત્રી પટેલની જેહ, બાવો લૈને જતો રહ્યો તેહ. ૯૭
ત્યારે સમજીયા સૌ જન મર્મ, કહે સારો તો સ્વામીનો ધર્મ;
જાણ્યા પ્રત્યક્ષ શ્રીપરમેશ, થયા આશ્રિત લોક વિશેષ. ૯૮
લાંઘણોજે કરી જે જેકાર, ગયા વડહમે વિશ્વઆધાર;
ત્યાંથી ડાંગરવે ગયા દેવ, ત્યાંથી ઝુલાસણે તતખેવ. ૯૯
પાનસર થઈને ગયા ઓળે, કરે દર્શન જન મળી ટોળે;
અડાલજ ગયા અંતરજામી, ત્યાંથી મોટેરે મુક્તના સ્વામી. ૧૦૦
પછી સાભ્રમતી ઉતરીને, ગયા શ્રીપુર સ્નેહ ધરીને;
આવ્યો સન્મુખ સત્સંગી સાથ, તેના નામ સુણો નરનાથ. ૧૦૧
લાલદાસ તથા હીરાચંદ, દામોદર સત્સંગી સ્વચ્છંદ;
કહુ કુબેરસિંહ ચોપદાર, એહ આદિ ઘણાં નરનાર. ૧૦૨
અતિ પ્રેમથી પૂજા કરીને, હાર તોરા ધરાવ્યા હરિને;
દરિયાપરે દરવાજે થૈને, ઉતર્યા નવાવાસમાં જૈને. ૧૦૩
પધરામણિયો નિત્ય થાય, સભા શોભિતી નિત્ય ભરાય;
નિત્ય આનંદનો ઘન11 વરસે, દિન સરસ દિવાળીથી દરસે. ૧૦૪
સત્સંગીને બહુ સુખ આપ્યું, કષ્ટ વિરહ વિજોગનું કાપ્યું;
કેટલાએક દિવસ રહ્યાજી, કર્યા સૌ સત્સંગીને રાજી. ૧૦૫
પુષ્પિતાગ્રાવૃત્ત
વિશળનગર આદિમાં વિરાજી, ગિરધર ગામ ઘણાં ઘણાં ફર્યાજી;
પરમપુરુષ શ્રીપુરે પધાર્યા, હરખ ઘણા હરિભક્તના વધાર્યા. ૧૦૬
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
આદ્રજગ્રામે સદ્ગુરુસ્થાપનનામ ચતુઃસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૪॥