કળશ ૭

વિશ્રામ ૭૫

પૂર્વછાયો

શ્રીપુરથી અશલાલીયે, ગયા ગોવિંદ ગરુડાધીશ;

ત્યાં સુખ દૈ સતસંગીને, ગયા જેતલપુર જગદીશ. ૧

ચોપાઈ

આનંદાદિક સંત જે બાર, ઠરાવ્યા સદગુરુ તેહ ઠાર;

તેમાં પ્રથમ કર્યા હતા ચાર, બીજા આઠ કર્યા એહ વાર. ૨

આત્માનંદ જે ભાઈ કહાવે, સ્વયંપ્રકાશાનંદ સુહાવે;

તથા માનુભાવાનંદ સ્વામી, એહ આદી પુરા નિષકામી. ૩

સર્વ જનને કહે સુખકારી, જેમ પૂજા કરો છો અમારી;

વળી આજ્ઞાઓ માનો છો જેમ, સદ્‌ગુરુઓને સેવજો તેમ. ૪

જેમ વિશ્વમાં કરવા પ્રકાશ, રવિ બાર કર્યા છે આકાશ;

તેમ પાડવા જ્ઞાનનું તેજ, કર્યા બાર આ સદ્‌ગુરુ એ જ. ૫

સુણી રાજી થયા જન સહુ, પૂજ્યા સૌએ ધરી પ્રેમ બહુ;

પછી પરવર્યા શ્યામ સુજાણ, ફરતાં ફરતાં તે ડભાણ. ૬

ત્યાંથી વાલો આવ્યા વરતાલ, થયા હરિજન નિરખી નિહાલ;

કહ્યું સૌએ કરીને પ્રણામ, અમે આપી છે જગ્યા આ ઠામ. ૭

તેમાં દેવનું સ્થાન કરાવો, આપની મુરતી પધરાવો;

આપ ફરવા પધારો છો જ્યારે, કરિયે તેનાં દર્શન ત્યારે. ૮

ગઢપુરમાં વાસુદેવ રૂપ, પધરાવ્યું છે આપે અનૂપ;

આપ ફરવા પધારો છો ત્યારે, કરે દર્શન તેહનાં ત્યારે. ૯

આપો એવો જ અમને આધાર, કરી દર્શન લૈયે આહાર;

હવેલી કરો આપને કાજે, ધર્મશાળામાં સંત બિરાજે. ૧૦

એવું સાંભળી સારંગપાણિ, રામદાસજીને કહી વાણી;

અતિ આગ્રહ છે હરિજનનો, અભિલાષ પુરું એહ મનનો. ૧૧

મારી મુરતિ હું થાપું આ ઠામ, ધરૂં નરનારાયણ નામ;

કહો ક્યાં પધરાવશું દેવ, તમે જગ્યા કહો તતખેવ. ૧૨

રામદાસ કહે જોડી હાથ, સુણો કોટિ બ્રહ્માંડના નાથ;

બદરીતરુ આંહિ છે જેહ, અતિ યોગ્ય છે આશ્રમ એહ. ૧૩

હીરાજી શિલપી હરિજન, બોલ્યા તે પ્રત્યે પ્રાણજીવન;

મૂર્તિ નર ને નારાયણ કેરી, લાવો બે જોઈ સારી ઘણેરી. ૧૪

પછી લાવ્યા બે મૂર્તિયો એહ, ગમી શ્રીહરિને મન તેહ;

પછી ઓરડો એક કરાવ્યો, બદરી પાસે સારો શોભાવ્યો. ૧૫

સિંહાસન તેમાં સરસ રચાવ્યું, ભાળી સૌ જનને મન ભાવ્યું;

ઉમરેઠ તણા રહેનાર, તેડાવ્યા વેદિયા તેહ ઠાર. ૧૬

હરિભાઈ અને ઘેલાભાઈ, જેની વેદવિદ્યા વખણાઈ;

તેણે આવી પ્રતિષ્ઠા કરાવી, પ્રભુએ પ્રતિમા પધરાવી. ૧૭

વિધિ વેદોક્ત રીત પ્રમાણે, કરી સર્વથા તેહ ઠેકાણે;

ભાખે સૌ પ્રત્યે અક્ષરભૂપ, એહ માનજો મારું સ્વરૂપ. ૧૮

જ્યારે હું ક્યાંઈ ફરવાને જૈશ, આમાં રહિ તમને સુખ દૈશ;

કરી દર્શન ભોજન કરજો, મને જાણી ભલો ભાવ ધરજો. ૧૯

નિજજનને શિખવવાને કાજ, પ્રતિમાને નમ્યા મહારાજ;

ભાઈ રામદાસે તેહ ઠામ, સ્તુતિ ઉચ્ચારી કીધા પ્રણામ. ૨૦

શાર્દૂલવિક્રીડિત

મૂર્તી ધર્મ થકી ધરી જુગ તનૂ આવ્યા વિશાળા વિષે,

મત્સ્યાદી અવતાર ભાર હરવા ચારૂ ધર્યા ચોવિશે;

દુર્વાસામુનિશાપ આપ રુચિયે આવ્યા વળી આ સમે,

એવા અક્ષરના અધીશ હરિને કીજે પ્રણામો અમે. ૨૧

ચોપાઈ

પછી પ્રણમ્યા મુનિ બ્રહ્મચારી, પ્રણમ્યા હરિજન નરનારી;

ધર્મશાળા હવેલીને કાજે, પછી જગ્યા કહી મહારાજે. ૨૨

તેની વિગત કહું સુણો રાય, જેહ સાંભળતાં સુખ થાય;

આજ મંદિર છે તહાં આવી, પોતે ચાલીને જગ્યા બતાવી. ૨૩

રૂપચોકી છે જ્યાં દક્ષણાદી, પાયો ત્યાંથી બતાવિયો આદિ;

તહાંથી દિશા પશ્ચિમમાંય, હરિમંડપ છે આજ જ્યાંય. ૨૪

કોઠો ત્યાં કરવો કહ્યો એક, ત્યાંથી ઉત્તરમાં જતા છેક;

ધર્મશાળાનો ખૂણો છે જ્યાંય, બીજો કોઠો કરો કહ્યું ત્યાંય. ૨૫

ચાલ્યા ત્યાંથી પૂરવ દિશમાંય, ગયા આજ કોઠો છે જહાંય;

કહ્યું આંહીં સુધી કરો સારી, સાધુઓની ઘરમશાળા ધારી. ૨૬

ત્યાંથી ચાલ્યા દક્ષિણદિશ માંહી, કહ્યું દરવાજો મુકજો આંહીં;

ત્યાંથી દક્ષિણમાં પરવરિયા, આજ છે હનુમાન ત્યાં ઠરિયા. ૨૭

ત્યાંથી દક્ષિણ માંહિ ભૂમિ છે, દલાભાઈએ જેહ આપી છે;

નિજને માટે ત્યાં કહે માવો, આંહીં બંગલો બેશ બનાવો. ૨૮

થયો બંગલો જે તેહ ઠામ, નારાયણમોલ1 છે તેનું નામ;

ત્યાંથી પશ્ચિમમાં ચાલી ગયા, રૂપચોકી છે ત્યાં ઉભા રહ્યા. ૨૯

કહ્યું આંહિ સુધી વંડો વાળો, કરી દીસતો રૂડો રૂપાળો;

રામદાસભાઈ બોલ્યા ત્યારે, કરશું આપ આજ્ઞાનુસારે. ૩૦

એવી મોટી જગ્યા થશે એમ, ત્યારે કુવા વગર ચાલે કેમ;

આજ મંદિરથી અહો રાય, કુવો છે એક પશ્ચિમમાંય. ૩૧

તહાં આવીને સુંદરશ્યામ, કહે કૂપ કરો એહ ઠામ;

કહી એમ પધાર્યા ઉતારે, રામદાસ મળ્યા વળી જ્યારે. ૩૨

મુખે બોલ્યા મનોહર માવો, કુવો તો એક તરત કરાવો;

રામદાસને તે બોલ ભાવ્યો, કુવો થોડા દિવસમાં કરાવ્યો. ૩૩

નિરખી તેનું નિર્મળ નીર, નાહ્યા તે જળ શ્યામ શરીર;

સંતે લૈ ચરણોદક રાખ્યું, ભરી પાત્ર તે કૂપમાં નાખ્યું. ૩૪

વળિ બોલિયા ધર્મકુમાર, આ ઠેકાણે અમે ઘણી વાર;

જ્ઞાનવાતો કરી છે અનૂપ, માટે નામ આનું જ્ઞાનકૂપ. ૩૫

ગણતાં મોટું તીર્થ ગણાશે, ગંગા ગોમતીથી શ્રેષ્ઠ થાશે;

કરશે આંહિ જે જન સ્નાન, તેને ઈશ્વરનું થશે જ્ઞાન. ૩૬

એવી શ્રીમુખની સુણી વાત, રીઝ્યા સંત ને હરિજનવ્રાત;2

રામદાસ બોલ્યા મુનિરાય, અતિ ધન્ય આ કૂપ ગણાય. ૩૭

સ્રગ્ધરા

તીર્થોનું તીર્થ તું છે, કળુષ3 સકળનો શત્રુ તું જ્ઞાનકૂપ,

નાહ્યા જેને સલીલે,4 અતિ રુચિ ધરીને કોટિ બ્રહ્માંડભૂપ;

છે તું ગંભીર કેવો, વળિ વરતુલ છે કૃષ્ણની નાભિ જેવો,

મોટો માની મહિમા, તુજ તટ અડશે દેવ દેવાધિદેવો. ૩૮

ચોપાઈ

પછી વાલાએ ચિત્ત વિચારી, કરી ગઢપુર જાવા તૈયારી;

રામદાસજીને વાત કીધી, જગ્યા કરવા ભલામણ દીધી. ૩૯

બાપુજી તથા રણછોડભાઈ, ઇત્યાદિક હરિજનને ચહાઈ;5

કહ્યું જગ્યાનું કામ આદરજો, સેવા દેવની આટલી કરજો. ૪૦

બોલ્યા સૌ જન જોડીને હાથ, જગ્યા સારી કરાવશું નાથ;

થશે તે સહુ આપ પ્રતાપે, તેની ચિંતા ન રાખશો આપે. ૪૧

વરતાલથી વાલો વિચરિયા, જૈને ગામ વલેટવે ઠરીયા;

વસોયે ગયા શ્રીવનમાળી, ત્યાંના ભક્તોનો ભાવ તે ભાળી. ૪૨

સામા આવ્યા જનો જેહ જેહ, મુખ્ય નામ કહું સુણો તેહ;

દવે દાદા તથા જગન્નાથ, એહ આદિક વિપ્રનો સાથ. ૪૩

તુળસીભાઈ તો પાટીદાર, વાલાભાઈ એ ભક્ત ઉદાર;

શિવો ગઢવી એ સત્સંગી સારા, એહ આદિક સામા પધાર્યા. ૪૪

સનમાન કરી સારી રીતે, પુરમાં પધરાવીયા પ્રીતે;

જમુનાબાઇએ કર્યો થાળ, જમ્યા તે દીનબંધુ દયાળ. ૪૫

સંત પાર્ષદને પણ સારી, આપી સૌએ રસોઇ વિચારી;

ભલો અંતરે આણીને ભાવ, લીધો લાખેણો સૌ જને લાવ. ૪૬

પ્રભુ ત્યાંથી પધાર્યા પલાણે, પછી સંચર્યા ત્યાંથી સંધાણે;

રધવાણજ ગયા મહારાજ, ત્યાંના સત્સંગીનું સર્યું કાજ. ૪૭

પછી ખેડે પધારિયા હરિ, ત્યાંના સત્સંગીએ સેવા કરી;

પ્રભુજી ગયા જેતલપુરમાં, જન આનંદ પામીયા ઉરમાં. ૪૮

વાલો ત્યાંથી પધાર્યા વસાઇ, હરખ્યાં સહુ બાઈ ને ભાઈ;

ગયા ધોળકે ધર્મકુમાર, પેખી ભક્તોનો પ્રેમ અપાર. ૪૯

રેવાશંકર આદિક જન, સામા આવ્યા હરખ ધરી મન;

વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા, પુરમાં પ્રભુને પધરાવ્યા. ૫૦

ગામ સોંસરા થઈને નિસરિયા, જૈને ચિખલી તળાવે ઉતરીયા;

ત્યાં તો કીધો અવલબાયે થાળ, જમ્યા તે પ્રભુ જનપ્રતિપાળ. ૫૧

કૃષ્ણ ત્યાંથી ગયા એહ કાળે, જવારદ થઈને અડવાળે;

ગયા ત્યાં થકી સુંદરિયાણે, વનાશાયે પૂજ્યા તેહ ટાણે. ૫૨

ગયા સારંગપુર સુખકારી, ત્યાંથી ગઢડે ગયા ગિરધારી;

ગામોગામની લીલા ગણાવે, ત્યારે તો તેનો અંત ન આવે. ૫૩

આ તો મેં કહી સંક્ષેપ માત્ર, સુણશે જન જેહ સુપાત્ર;

ગણ્યાં જે જે પ્રસાદીનાં ગામ, તેનાં સંભારશે સહુ નામ. ૫૪

ગઢપુરમાં રહ્યા ગિરધારી, કરે દર્શન સૌ નરનારી;

ગિરધારી ફર્યા જે જે ગામે, સતસંગ વધ્યો તેહ ઠામે. ૫૫

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર વિચર્યા વિશેષ ગામે, બહુ ઉપદેશ કર્યો જ તેહ ઠામે;

દૃઢ હરિજન હીમરાજ જેવા, દૃઢ સતસંગિ થયા અનેક એવા. ૫૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયે નરનારાયણ સ્થાપનનામ પંચસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે