કળશ ૭

વિશ્રામ ૭૬

પૂર્વછાયો

વર્ણિ કહે અભેસિંહજી, સુણો તમે થઈ સાવધાન;

ભક્ત ભલા હેમરાજશા, એક એનું કહું આખ્યાન. ૧

ચોપાઈ

હરિભક્ત તણાં આખ્યાન, સુણીયે થઈને સાવધાન;

તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુપદમાં ઉપજાવે. ૨

ધ્રુવ પ્રહ્‌લાદ આદિક કેરાં, લખ્યાં આખ્યાન એવાં ઘણેરાં;

જેણે ભક્તિ કરિ શિર સાટે, સહ્યાં સંકટ સત્સંગ માટે. ૩

થયા સત્સંગી આ સમે એવા, ધ્રુવજી અને પ્રહ્‌લાદ જેવા;

હરિભક્ત ભલા હેમરાજ, એની વાત કહૂં હવે આજ. ૪

વીશામોઢ વણિક કહેવાય, ધંધુકામાં ઘણો સમુદાય;

સહુ સેવક ગોસાઇજીના, રહે એને જ એક આધીના. ૫

ધંધુકાથી પાંચ ગાઊ જાણું, ગામ નામ છે સુંદરિયાણું;

હેમરાજ રહે શાહુકાર, ધંધુકામાં જ્ઞાતી વ્યવહાર. ૬

બડા વૈષ્ણવ એ વખણાય, વૈષ્ણવાગ્રમાં અગ્ર ગણાય;

આવે એકાદશી જેહ વાર, ત્યારે કરે નહીં ફળાહાર. ૭

જાય ધંધુકે ચાલીને પ્રીતે, કુડલી1 મણ ઘીની સહીતે;

લીયે સાકર ને લોટ ત્યાંથી, મરજાદી2 જમાડે શ્રદ્ધાથી. ૮

એમ એકાદશી બધી કરે, તેમાં તો પગ પાછો ન ભરે;

એક વલ્લભ સ્વામીને ભજે, બીજા દેવ સમગ્રને તજે. ૯

વળી વૈદકમાં3 વખણાય, ધનવંતરી તુલ્ય ગણાય;

ક્ષય કે પતરોગ મટાડે, હોય દર્દ ગમે તે હટાડે. ૧૦

તેના સુતને થયો સતસંગ, તેથી શેઠ થયા મનભંગ;

પુત્રે મૂળ ધરમ તજી દીધો, નવો ધર્મ અંગીકાર કીધો. ૧૧

એમ મનમાં મુઝાય હમેશ, પણ કહી ન શકે તેને લેશ;

પ્રભુપ્રેરિત આવ્યા એ ટાણે, સ્વામી ગોપાળ સુંદરિયાણે. ૧૨

આવી ઉતર્યા મંદિરમાંય, વનાશા પુજાશા આવ્યા ત્યાંય;

બેય ભાઇએ આવી શિર નામ્યાં, કરી દર્શન આનંદ પામ્યા. ૧૩

વનાશાને સ્વામી કહે જાઓ, તવ તાતને બોલાવી લાવો;

વનાશા કહે એ નહીં આવે, ગમે તે જન જૈને બોલાવે. ૧૪

કહે સ્વામી કે’જો મંદવાડ, એક સાધુની જોવી છે નાડ;

વનાશા કહે જૈ કરભામી, પિતા ચાલો બોલાવે છે સ્વામી. ૧૫

શેઠ કે’ સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક;

માંદા સાધુનું સાંભળ્યું નામ, ત્યાં તો ચાલીયા તર્ત અકામ. ૧૬

પોતે આવીયા મંદિરમાંય, કહ્યું સ્વામીએ શેઠને ત્યાંય;

જુવો શેઠ અમારી આ નાડી, શું છે રોગ તે દીયો દેખાડી. ૧૭

સ્વામીએ નિજ કર લાંબો કીધો, શેઠના હાથમાં હાથ દીધો;

શેઠે નાડી ગ્રહી જેહ વાર, સ્વામીએ બતાવ્યો ચમત્કાર. ૧૮

છંદ હરિગીત

નાડી ગ્રહી કરની તહાં તો ચટકીને ચાલી ગઈ,

બાહુ તપાશા બેય ત્યાંથી કંઠમાં જતી રહી. ૧૯

પગની વિલોકી પ્રીતશું તે સબકી ગૈ સાથળ વિષે,

સાથળ વિષે બહુ શોધતાં તો ક્યાંઈ નાડી ના દિસે. ૨૦

પછિ કાનમૂળ કપોળ કંઠ નિવાસ નાડીનો જહાં,

તે સ્થળ સમસ્ત તપાશિયાં પણ લેશ નહિ નાડી તહાં. ૨૧

તો પણ અતી તન તીવ્ર તેજસ્વી દિસે છે તે સમે,

આશ્ચર્યકારી એવું તન નિજ આતમા એમાં રમે. ૨૨

રહિ આંગુળી ને અગ્ર તેને ખૂબ ખેલાવી તહીં,

જૈ નેત્ર જમણે સદ્ય તે ચક્રીત બહુ કીધું સહી. ૨૩

ઇત્યાદિ બહુ આશ્ચર્ય જોઈ શેઠ અચરજ પામીને,

નિજ શીશ ચરણે નામિયું ઈશ્વર ગણી એ સ્વામીને. ૨૪

આવી કળાવો યોગની શ્રીકૃષ્ણ તે જાણે સહી,

સ્વામી સ્વયં ભગવાન છો એમાં કશો સંશય નહીં. ૨૫

સ્વામી કહે સરવોપરી સાક્ષાત સહજાનંદજી,

શરણું ગ્રહો તે સ્વામીનું એ આપશે આનંદજી. ૨૬

ચોપાઈ

એમ સદગુરુનો સંગ થયો, જાણ્યા શ્રીજીને સંશય ગયો;

જેમ વર્ષાદ જોગે જરુર, અવની માંહી ઉગે અંકુર. ૨૭

એમ દૈવીને ઉપજે જ્ઞાન, શબ્દ સદ્‌ગુરુના સુણી કાન;

હેમરાજ સુબુદ્ધિ સંજુક્ત, એ તો અક્ષરધામના મુક્ત. ૨૮

ભક્તિ કરવા ધર્યો અવતાર, તેને સમજતાં લાગે ન વાર;

અતિ ઉત્તમ બંધાયું અંગ, શિર સાટે કર્યો સતસંગ. ૨૯

સગાવાલા લખે પત્ર આમ, તમે ખોટું કર્યું એ તો કામ;

બાપ દાદાનો વૈષ્ણવ ધર્મ, તમે તેનો તજ્યો કેમ મર્મ. ૩૦

તેનો ઉત્તર લખવાને માંડ્યો, નથી વૈષ્ણવ ધર્મ મેં છાંડ્યો;

સહજાનંદ ધર્મકુમાર, એ છે વિષ્ણુ તણો અવતાર. ૩૧

તેની દાસ થયો હવે હુંય, માટે હું પણ વૈષ્ણવ છુંય;

થયા વિઠ્ઠલનાથજી જ્યારે, તેના શિષ્ય થયા મોઢે ત્યારે. ૩૨

તજ્યો બાપદાદા તણો ધર્મ, કર્યું મેં પણ એવું જ કર્મ;

સતસંગ કર્યો શિર સાટે, લખશો નહિ તજવાને માટે. ૩૩

એવામાં કોઈ ગોસાંઇ જેહ, આવ્યા સુંદરિયાણામાં તેહ;

જાણ્યું જે શિષ્ય છે હેમરાજ, એ તો મોટો શ્રીમંત છે આજ. ૩૪

માટે સેવા ઘણી સારી કરશે, સાતમેં રુપૈયા ભેટ ધરશે.

ત્યાં તો કોઇએ જૈ વાત કહી, થયા છે શેઠ સત્સંગી સહી. ૩૫

માટે નહિ પધરામણી કરે, ભેટ એકે રુપૈયો ન ધરે;

ત્યારે ગોસાંઇએ રચ્યો ઠાઠ, ભર્યા ટોપ પ્રસાદિના આઠ. ૩૬

ઠોર4 પુરી ને ગુંજાં5 મીઠાઇ, ભરી વિધ વિધની તેહ માંઇ;

મોકલી હેમરાજને ઘેર, શેઠ સમજીયા ઠગવાની પેર. ૩૭

શેઠે રાખી પ્રસાદી ન કાંઈ, નાણું મુક્યું નહીં ટોપ માંઈ;

ટોપલા તે પાછા લઈ ગયા, જોઈ ગોસાંઈ દિલગીર થયા. ૩૮

પછી ત્યાંથી તો થૈને નિરાશ, ધંધુકામાં કર્યો જઈ વાસ;

મોઢ વાણિયા સૌને બોલાવ્યા, સમાચાર બધા સંભળાવ્યા. ૩૯

અતિ અંતરે થઈને ઉદાસી, સૌની આગળ વાત પ્રકાશી;

સારા શ્રીમંત વૈષ્ણવ જેહ, લીધા સ્વામિનારાયણે તેહ. ૪૦

ધર્મ વૈષ્ણવી જો તુટી જાશે, બાળબચ્ચાં અમારાં શું ખાશે;

માટે જો દિલમાં દયા ધરો, તેનો કાંઇક ઉપાય કરો. ૪૧

સુણી એક બોલ્યો જન ન્યાય, એનો અમથી ઉપાય શો થાય;

સ્વામી સમજાવીને લે છે જેમ, તમે રાખોજી સમજાવી તેમ. ૪૨

થયા વિઠ્ઠલનાથ સુભાગી, તેણે કોઈની મદદ ન માગી;

ઉપદેશ દઈ દઈ નેક, લીધા અન્યના શિષ્ય અનેક. ૪૩

ઉપદેશ કરો તમે એવો, કરે સ્વામિનારાયણ જેવો;

પરધર્મીને લઈ નવ શકો, નિજપંથ તો સાચવો પક્કો. ૪૪

સાચવી ન શકે જે ગરાસ, તેને ક્યાંથી વધાર્યાની આશ;

એવું સાંભળી બોલ્યા ગોસાઈ, જે છે સ્વામિનારાયણ ભાઈ. ૪૫

કાંઈ તે વશિકરણ કરે છે, તેથી લોકોને વશ કરી લે છે;

કૈંક વેદાંતી વશ કરી લીધા, કૈંક ઢુંઢિયાને શિષ્ય કીધા. ૪૬

કૈંક તો હતા મુસલમાન, કર્યા તેઓને હિંદુ સમાન;

એવી શક્તિ જો હોત હમારી, શીદ માગત મદદ તમારી. ૪૭

અમે કીધો અમારો ઉપાય, પણ તેથી તો કાંઈ ન થાય;

પરસાદ ઘણો મોકલાવ્યો, તે તો રાખ્યો નહિ પાછો આવ્યો. ૪૮

માટે એવો કરો નિરધાર, મુકો સત્સંગીને નાતબહાર;

તેથી પંથ અમારો રહેશે, અમારાં બાળ આશિષ દેશે. ૪૯

સુણી સહુએ કર્યો ત્યાં ઉચ્ચાર, એ તો શેઠ છે આબરુદાર;

નાતબહાર કેમ મુકાય, એને કોઇથી કહિ ન શકાય. ૫૦

પણ રાખશું વાત હૃદયમાં, કરશું એમ કોઇ સમયમાં;

એમ કરતાં ઘણા દિન ગયા, હેમરાજશા પણ વૃદ્ધ થયા. ૫૧

મોટાં સંકટ સાંખ્યાં અનેક, રાખી સત્સંગની પણ ટેક;

કર્યા શ્રીમુખે હરિએ વખાણ, થયું ગ્રંથમાં તે તો લખાણ. ૫૨

આવ્યો શેઠનો આયુષ્ય અંત, આવ્યા તેડવા શ્રીજી ને સંત;

ત્રણ પુત્ર આવ્યા શેઠ પાસ, કરું નામ હું તેના પ્રકાશ. ૫૩

વનોશા પુજોશા તથા જેઠો, ભગો ભત્રીજો પણ આવી બેઠો;

કર્યા શેઠને સૌએ પ્રણામ, કહ્યું કાંઇ બતાવો છો કામ. ૫૪

ત્યારે શેઠ બોલ્યા સવિવેક, સતસંગની રાખજો ટેક;

આવે સંકટ જો કોઈ સમે, તોય ટેક ન છોડશો તમે. ૫૫

આ તો સંસાર છે નાશવંત, સાચા એક શ્રીજી ભગવંત;

માટે શ્રીજી રીઝે તેમ કરવું, બીજા કોઈ થકી નહીં ડરવું. ૫૬

તમે ધીરજ ધરજો સદાય, નકી શ્રીહરિ કરશે સહાય;

સુણી ઉચ્ચર્યા સૌ જણ ચાર, અમે ટેક અચળ ધરનાર. ૫૭

મહાકષ્ટ જો પડશે કદાપિ, સતસંગ ન તજીયે તથાપિ;

શુદ્ધ ધર્મ પિતાનો જો હોય, તજે તે તો કુપુત્ર જ કોય. ૫૮

ઉપજાતિ (કુપુત્ર વિષે)

જે ધર્મ કેરા ગુરુ હોય સારા, નિષ્કામ આદી વ્રત પાળનારા;

તે તાતનો ધર્મ તજી જ જાય, કુપુત્ર તે તો ગણતાં ગણાય. ૫૯

તાતે કરી જે શ્રમથી કમાણી, પુત્રે કુમાર્ગે કરિ ધૂળધાણી;

જોતાં દરિદ્રી બહુ તે જણાય, કુપુત્ર તે તો ગણતાં ગણાય. ૬૦

જે ચોર જાર વ્યસની થયેલો, અધર્મના પક્ષ વિષે ગયેલો;

અખાદ્ય વસ્તુ પણ જેહ ખાય, કુપુત્ર તે તો ગણતાં ગણાય. ૬૧

તાતે દિધેલું પરમાર્થ દાન, જે ભૂમિકા6 કે ધનધાન્ય યાન;7

તે પાછું લેવા ચિત્તમાં ચહાય, કુપુત્ર તે તો ગણતાં ગણાય. ૬૨

પિતા તમારો તપતે ફળ્યો છે, સત્સંગ ચિંતામણિ તો મળ્યો છે;

તે વ્યર્થ કાઢી નહિ નાંખશુંજી, સ્વશીશ સાટે કરિ રાખશુંજી ૬૩

ચોપાઈ

સુણી શેઠ થયા બહુ રાજી, પછી અક્ષરધામે ગયાજી;

પછી દેહ દહનક્રિયા8 જેહ, વનાશાયે કરી બધી તેહ. ૬૪

પછી નાતની રીત પ્રમાણે, માંડ્યું કારજ કરવા તે ટાણે;

લખી કંકોતરી ગામોગામ, નિજ નાત તેડાવી તે ઠામ. ૬૫

ખાંડ ઘી મળી સો મણ લીધાં, ભાત ભાતનાં પકવાન કીધાં;

ધંધુકામાં હતા જેહ દ્વેષી, તેણે કીધો વિચાર ત્યાં બેસી. ૬૬

હવે કરીયે ઉપાય અભંગ, એનો છોડાવીયે સતસંગ;

લાગ આવ્યો છે આપણો સારો, શ્રમ કરશું તે સુફળ થનારો. ૬૭

નાતનો મત લૈ એહ ટાણે, શેઠિયા ગયા સુંદરિયાણે;

ચારે ભાઈને પાસે બોલાવ્યા, નાતનો ડર દઈને ડરાવ્યા. ૬૮

તમે સત્સંગનો પક્ષ લેશો, નાતબાર તો નિશ્ચે રહેશો;

મળીને નાત મોકલ્યા અમને, સમજાવા આવ્યા અમે તમને. ૬૯

અમે તો છૈયે હેતુ તમારા, માટે માનો ઉચ્ચાર અમારા;

નહિ તો પકવાન રખડશે, વૃદ્ધ ડોસાનું કાર્ય બગડશે. ૭૦

કંઠી સ્વામી તણી તોડી નાંખો, વલ્લભી પંથની કંઠી રાખો;

નાત તો દંડ લેવા કહે છે, પણ અમને વિચાર રહે છે. ૭૧

અમે કહીયે તે તમ હિત સારું, ભલા થઈ માનો વેણ અમારું;

સુણી બોલ્યા વિનોશાહ વાણી, વાત પ્રહ્‌લાદની ઉર આણી. ૭૨

ઘણા મચ્છરના ભય થકી, હવેલી જે કોઈ ન નકી;

તેમ નાતનો ડર દીલ ધારી, નહીં તજીયે આ કંઠી અમારી. ૭૩

છે આ સત્સંગ તો શિર સાટે, નહિ તજીયે તે લાજને માટે;

સુણી શેઠીયા બોલીયા ત્યારે, આવે કારજનો દિન જ્યારે. ૭૪

કંઠી એક જ દિન કાઢી નાખો, બીજે દિનથી ભલે વળી રાખો;

નહિ તો નાતબાહાર કરશે, દિકરા દિકરી કેમ વરશે. ૭૫

એવી વાત ઘણી સંભળાવી, પણ તેઓને કાંઇ ન ભાવી;

ત્યારે શેઠિયા બોલ્યા બધાય, હવે છે એક છેલો ઉપાય. ૭૬

નાતની થાય પંગત જ્યારે, તમો ભાઇયો ચારેને ત્યારે;

અમે રાખીયે પૂરીને ઘરમાં, વાત જુઠી ચલાવીયે નરમાં. ૭૭

સૌએ સત્સંગ દીધો છે છોડી, કંઠી સ્વામીની તો નાખી તોડી;

એવી લોકમાં ફેલાશે વાત, જમી જાશે તેથી બધી નાત. ૭૮

આટલી વાત તો તમે માનો, તેથી જશે તમને આવવાનો;

તેથી ટેક તમારી ન જાશે, રહ્યું નાતનું માન ગણાશે. ૭૯

સુણી બોલ્યા વિનોશાહ વાણી, અમે જુક્તિ તમારી તો જાણી;

સતસંગ છોડ્યો કહેવાય, ત્યારે પૃથ્વી રસાતળ જાય. ૮૦

ધર્મ છોડ્યો કહે એમ કરવું, અતિ ઉત્તમ એ થકી મરવું;

દિકરા દિકરી નહિ વરશે, ત્યાગી થૈને ભજન તો તે કરશે. ૮૧

અથવા પ્રજા જેહ ઉછરશે, જેવો સમય તેવું અનુસરશે;

અમે તો રહે જ્યાં સુધી અંગ, છાનો નહિ રાખીયે સતસંગ. ૮૨

માટે સતસંગ તજવાની વાત, હવે બોલશો નહિ તમે ભ્રાત;

સુણીને ગયા શેઠો રીસાઈ, જઈને પછી ધંધુકામાંઈ. ૮૩

ગામોગામમાં મોકલ્યા પત્ર, જમવા કોઇ જાશો ન તત્ર;

જશે તે રહેશે નાત બહાર, એવો નક્કી કર્યો નિરધાર. ૮૪

તેથી જમવાને કોઈ ન ગયું, સગું સંકટે કોઈ ન થયું;

એમ કારજનો દિન ગયો, શેઠપુત્રોને શોક ન થયો. ૮૫

વનાશાહ કહે હરખાઈ, પુત્ર હીરા તથા ભગાભાઈ;

જાઓ ગઢપુર શ્રીહરિ પાસ, કરો વિનતિનાં વચન પ્રકાશ. ૮૬

ભક્તવત્સલ હે ભગવંત, આવ્યો ઢુંકડો દિવસ વસંત;

સમૈયો કરી સુંદરીયાણે, તમે નાત અમારી આ ટાણે. ૮૭

જમે સતસંગનો સમુદાય, ત્યારે ડોસાનું કારજ થાય;

એમ કહિ હરિને તેડી આવો, વળી વાત બધી સંભળાવો. ૮૮

એવું સાંભળી ભગો ને હીરો, ગયા ગઢપુર તે શૂરવીરો;

વાટમાં જતાં એમ વિચારે, પૂરા ભાગ્યે પ્રભુજી પધારે. ૮૯

પુષ્પિતાગ્રાવૃત્ત

પરમ પુનિત ભાગ્ય હોય ત્યારે, પ્રગટ પ્રભુ પધરાય ઘેર ત્યારે;

જપ તપ કરતાં જુગો જ જાય, દરશન તોય ન તેહનું જ થાય. ૯૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

હિમરાજશાહાખ્યાન કથનનામ ષટ્‌સપ્તતિતમો વિશ્રામઃ ॥૭૬॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે