કળશ ૭

વિશ્રામ ૭૭

પૂર્વછાયો

ભગો હીરો હરિભક્ત બે, ગામ સુંદરિયાણાના શેઠ;

ત્રીકમજીને તેડવા, ઠર્યા જૈ ગઢપુરમાં ઠેઠ. ૧

ચોપાઈ

બેઠા જ્યાં હતા શ્રીઘનશ્યામ, કર્યા પ્રેમથી દંડ પ્રણામ;

પ્રભુને પદ શીશ નમાવી, બધી વાત કહી સંભળાવી. ૨

વનાભાઇએ મોકલ્યા અમને, અમે તેડવા આવિયા તમને;

રમો ત્યાં આવી રંગ વસંત, આવે સત્સંગી સંત અનંત. ૩

ઘણાં તૈયાર છે પકવાન, જમે ગોપ ને ગોપી સમાન;

ત્યારે ડોસાનું કારજ થાય, અતિ ઉત્તમ એહ ગણાય. ૪

એવા સાંભળીને સમાચાર, મુક્તાનંદને પૂછ્યો વિચાર;

બોલ્યા મુક્તમુની તેહ ટાણે, સમૈયો કરો સુંદરિયાણે. ૫

સહ્યું સંકટ આપણે કાજ, એની ઇચ્છા પૂરો મહારાજ;

સમૈયો પછી ત્યાં જ ઠરાવી, કંકોતરીયો લખી મોકલાવી. ૬

કહ્યું આનંદસ્વામીને નાથે, તમે જાઓ આ શેઠની સાથે;

કરો સામાન1 ઉત્સવ કેરો, જોશે રંગ ગુલાલ ઘણેરો. ૭

એવી આજ્ઞા ચડાવીને માથે, ગયા સ્વામી તે શેઠની સાથે;

માઘ માસની પડવે વિચારી, કરી કૃષ્ણે જવાની તૈયારી. ૮

ગઢપુર તણા સંઘ સહીત, પ્રભુજી ગયા ત્યાં ધરી પ્રીત;

સામા સત્સંગી સૌ મળી આવ્યા, ભાત ભાતનાં વાજીંત્ર લાવ્યા. ૯

સ્નેહથી સનમાન કરીને, પુરમાં પધરાવ્યા હરિને;

જેઠાભાઈની મેડીયે સારો, અવિનાશીને આપ્યો ઉતારો. ૧૦

બ્રહ્મચારી ને સાધુઓ જૈને, રહ્યા મંદિરમાં સ્વસ્થ થૈને;

તથા સામત ખાચર ઘેર, ધર્મકુળ ઉતર્યું રુડી પેર. ૧૧

જયા ને લલિતાનો ઉતારો, ગાંધી ભાણજીને ઘેર સારો;

દાદા ખાચર આનંદ ભરિયા, ભગાભાઈને ઘેર ઉતરિયા. ૧૨

પછી શ્રીહરિ ત્યાંથી સંચરિયા, પાકશાળા જોવા પરવરિયા;

પાક ભાળી કહ્યું ભગવાને, આટલે શું થશે પકવાને. ૧૩

ઘણા સંઘનો થાશે મેળાવો, માટે સામાન બીજો મગાવો;

લાવો ચાળીશ મણ ખાંડ ઘૃત, કહે શેઠ તૈયાર છે તર્ત. ૧૪

ખપે તેને દેશું પકવાન, ન ખપે તેહને તો આમાન્ન;2

પાક વિપ્રોના જુદા કરાશે, જેને જેમ ફાવે તેમ થાશે. ૧૫

કહે હરિ દ્વિજ સૌને જમાડો, ધંધુકે નોતરાં પહોંચાડો;

તહાં સત્સંગના જે અરિ છે, તેણે ચોરાશી બંધ કરી છે. ૧૬

એવાં વચન કહ્યાં મહારાજે, ત્યારે વિપ્રોને તેડવા કાજે;

રાજારામ તણા જેહ પુત્ર, પુરુષોત્તમ વિપ્ર પવિત્ર. ૧૭

તેને મોકલ્યા ધંધુકે ગામ, બધા વિપ્રોને બોલાવા કામ;

બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, ધંધુકાની કહું હવે વાત. ૧૮

ગામ સુંદરિયાણાથી જ્યારે, ગયા ગોસાંઇ ધંધુકે ત્યારે;

બોલ્યા મોઢ વણિક પ્રતિ એહ, હોય સત્સંગી બ્રાહ્મણ જેહ. ૧૯

તેને ચોરાશી બહાર મુકાવો, નહિ તો સતસંગ છોડાવો;

ન તજે તો કરાવવો ક્લેશ, દયા દિલમાં ન રાખવી લેશ. ૨૦

વણિકે બધા વિપ્ર બોલાવ્યા, જાણી ભોજન બ્રાહ્મણો આવ્યા;

વણિકે કર્યો એમ ઉચ્ચાર, મુકો સત્સંગીને નાતબહાર. ૨૧

સગો ભાઈ કે ભાણેજ હોય, નાતબહેર મુકવો તોય;

નારી સ્વામિનારાયણ ભજે, તોય તેને તેનો પતિ તજે. ૨૨

નહિ ખવરાવવું નહિ ખાવું, મરે તોય મશાણ ન જાવું;

સગાનું આવતું હોય સ્નાન, નિજ ઘેર જ ન્હાવું નિદાન. ૨૩

એવો પક્કો કરો બંદોબસ્ત, થાય સત્સંગનો જેમ અસ્ત;

મળ્યા ત્યાં હતા વિપ્ર અનેક, બોલ્યો વાલમ બ્રાહ્મણ એક. ૨૪

સત્સંગ તજાવતાં ભાઈ, ઘણા ઘર માંહી થાશે લડાઈ;

જમ્યા વિના જો બાળક રહેશે, નાખી નીસાસા શાપ તે દેશે. ૨૫

થાય બહુ જન મન સંતાપ, લાગે એ થકી તો મહાપાપ;

પરમેશ્વરથી દિલ ડરે, એ તો કામ એવું નવ કરે. ૨૬

જોર જુલમથી ધર્મ છોડાવે, મહાપાપી તે મ્લેચ્છ3 કહાવે;

એવું અલ્લાઉદીન આચરતો, જોર જુલમે મુસલમાન કરતો. ૨૭

નહીં જ્ઞાન તણો ઉપદેશ, નહિ પ્રશ્ન કે ઉત્તર લેશ;

મરો કે થાઓ મુસલમાન, એટલું જ તે આપતો જ્ઞાન. ૨૮

સારા આચાર્ય ઉપદેશ દેતા, સમજાવી સ્વધર્મમાં લેતા;

જોર જુલમથી ધર્મ ચલાવ્યો, સુણવામાં એવો નથી આવ્યો. ૨૯

ધર્મ તો મન માંહિ રહે છે, નહીં ઉપરનો ડોળ એ છે;

મનમાં નહિ જો સમજાય, તેની કંઠી તોડાવે શું થાય. ૩૦

શીદ ક્લેશ કર્યાનું વિચારો, દિલ માંહી દયા કાંઈ ધારો;

સુણી બોલિયો શેઠ અજ્ઞાની, ધર્મભ્રષ્ટ ઉપર દયા શાની. ૩૧

દુઃખ દૈ ગભરાવવો એવો, એને આપણા ધર્મમાં લેવો;

શિષ્ય સ્વામિનારાયણના છે, દુઃખ દેવાને જોગ્ય ઘણા છે. ૩૨

ઉંધે માથે કુવા માંહિ ટાંગે, તોય પાપ તેનું નહિ લાગે;

એનાં બાળબચ્ચાં દુઃખી થાય, તોય દિલમાં ન ધરવી દયાય. ૩૩

સતસંગીની ગાય જો હોય, દયા તે પર કરવી ન તોય;

નહીં માનો અમારી જો વાત, નહીં ચોરાશી કરીયે જ ભ્રાત. ૩૪

પછી વિપ્રોએ કીધો વિચાર, આપ્યો શેઠને ઉત્તર સાર;

સતસંગી છે વિપ્ર વિશેષ, આખી નાતમાં ઉપજે ક્લેશ. ૩૫

નાતબહાર નહીં જ મુકાય, ભલે હોય થવાનું તે થાય;

એમ કહી ગયા વિપ્ર સમસ્ત, બાંધ્યો વાણિયાએ બંદોબસ્ત. ૩૬

હોય ધર્મમાં મૂડી વાવરવી, નહીં વિપ્રની ચોરાશી કરવી;

એમ વીતી ગયા બહુ દન, હિમરાજ શાહે તજ્યું તન. ૩૭

તેની પાછળ કરવી ચોરાશી, વિપ્ર તેડાવ્યા ધંધુકાવાસી;

જવા સૌ થયા તે તો તૈયાર, વાણિયાઓએ કીધો વિચાર. ૩૮

વિપ્ર સર્વ જો સત્સંગી થાશે, તેથી ધર્મ તેનો વધી જાશે;

પછી બ્રાહ્મણ સૌને બોલાવ્યા, સારાં વચન કહી સમજાવ્યા. ૩૯

કહ્યું હે બ્રાહ્મણો એહ ટાણે, ન જશો તમે સુંદરિયાણે;

સતસંગી સહિત દ્વિજ જેહ, અમે આંહિ જમાડશું તેહ. ૪૦

હતી ચોરાશી કરવાની બંધી, છુટી થૈ હવે એ સંબંધી;

સુણી સૌ બ્રાહ્મણો ખુશી થયા, તેથી સુંદરિયાણે ન ગયા. ૪૧

વનાશાહે તે સાંભળી વાત, હૃદયમાં થયા રળિયાત;

ખર્ચ તો ત્યાંના વાણિયા ખમશે, મુજ તાત નિમિત્ત દ્વિજ જમશે. ૪૨

ઘણા હરિજનના સંઘ આવ્યા, જુદા જુદા ઉતારા કરાવ્યા;

નાત નાતના બ્રાહ્મણ કેરા, થાય તે સમે પાક ઘણેરા. ૪૩

શ્રીજીને અરથે બ્રહ્મચારી, કરે સારી રસોઈ સુધારી;

સંત હરિજન માટે અથાક, દાળ ભાત કર્યાં બહુ શાક. ૪૪

સંત હરિજન પંક્તિયો થાય, પીરસે જઈને જગરાય;

વીત્યા એવી રીતે દિન ચાર, આવી પંચમી તે શુભ વાર. ૪૫

વાલે ખાંતે કર્યો રંગખેલ, થઈ રંગની રેલમ છેલ;

અતિશે જ ઉડાડ્યો ગુલાલ, થયા નિરખીને ભક્તો નિહાલ. ૪૬

જ્યારે ગામમાં બહુ ભીડ થઈ, ત્યારે ગામથી પૂર્વમાં જઈ;

સારો શોભિતો મંચ બંધાવ્યો, માવે ત્યાં રંગખેલ મચાવ્યો. ૪૭

મણ સાત ગુલાલ ઉડાડ્યો, અતિ અદ્‌ભુત ખેલ દેખાડ્યો;

ક્ષત્રિ કેસરજીયે જ તત્ર, શ્યામને શિર ધારિયું છત્ર. ૪૮

પછી વાજતે ગાજતે નાથ, પધાર્યા પુરમાં સહુ સાથ;

જેઠાભાઈના ગોખમાં બેઠા, બેઠા સંત ને હરિજન હેઠા. ૪૯

ચારે ભાઈ ઉપર ભગવાન, અતિશે જ થયા મહેરબાન;

આપ્યાં અંગનાં વસ્ત્ર ઉતારી, લીધાં તેઓએ પૂજવા ધારી. ૫૦

જેમ ઉદ્ધવને મહારાજે, આપી પાદુકા પૂજવા કાજે;

ભગાભાઈને આપિયો ખેશ, હેતે પૂજવા કાજ હમેશ. ૫૧

જેઠાભાઈને આપ્યું અંગરખું, નિત્ય પ્રેમથી પૂજવા સરખું;

પુજાભાઈને તો સુરવાળ, આપ્યો કરુણા કરીને કૃપાળ. ૫૨

વનાભાઈને તો આપી પાગ, લક્ષ રાખીને પૂજવા લાગ;

પ્રાપ્ત થાય ચિંતામણિ જેમ, રુદે રાજી થયો સહુ તેમ. ૫૩

નાના ગોપાળાનંદને નાથે, આપ્યો રુમાલ હેતથી હાથે;

સૌને શ્રીહરિ સ્નેહથી મળિયા, ત્રિવિધ તાપ તેહના ટળિયા. ૫૪

વળી રીઝીયા જેને ગોવિંદ, આપ્યાં છાતીમાં ચરણારવિંદ;

પછી આંગણા માંહિ પધારી, નાયા બાજોઠે બેસી મુરારી. ૫૫

વનાભાઇયે પોતાને ઘેર, બ્રહ્મચારી પાસે રુડી પેર;

રસોઈ કરાવી રાજી થૈને, જમ્યા ત્યાં જગજીવન જૈને. ૫૬

પોઢ્યા જૈ જેઠાભાઈને વાસ, ઉઠ્યા બે ઘડીયે અવિનાશ;

મોડજી જે ગરાશીયા નાતે, તેને ઘેર જઈ જગતાતે. ૫૭

સભા સાંજે સજી ઘણી સારી, ઘણી જ્ઞાનની વાત ઉચ્ચારી;

ભક્ત મૂળ પટેલ ત્યાં આવ્યા, ગાડું શેલડીનું ભરી લાવ્યા. ૫૮

ભીલાં ગોળનાં પણ હતાં એમાં, ગળ્યો સ્વાદ સુધા જેવો તેમાં;

આવી શ્રીજીને અર્પણ કીધાં, પ્રભુએ સંત સર્વને દીધાં. ૫૯

સતસંગી સહુ એમ જાણે, આવો અવસર નહિ મળે નાણે;

માટે સેવા સારી રીતે કરીયે, હાથ ઠારીને અંતરે ઠરીયે. ૬૦

પછી ત્યાં થઈ ભીડ વિશેષ, ગયા પાદર શ્રી પરમેશ;

તહાં મંચની ઉપર બેસી, ઘણી વાત કરી ઉપદેશી. ૬૧

વાત સાંભળીને બહુ સારી, થયાં આશ્રિત બહુ નરનારી;

સંતે રાસમંડળ તણી રીતે, ગાયાં કીર્તન પ્રીત સહીતે. ૬૨

પ્રભુમૂર્તિ વિષે તેહ વાર, દીસે તેજ તણો તે અંબાર;

જોઈ કોઈને થાય સમાધી, મટે તેહની આધિ ને વ્યાધી. ૬૩

જેણે જોયો એવો મહિમાય, તેણે સતસંગ કેમ તજાય;

એવો દેખાડી પરમ પ્રતાપ, પછી પુરમાં પધારિયા આપ. ૬૪

જઇને જેઠાભાઈને ઘેર, રાતે પોઢી રહ્યા રુડી પેર;

થયું બીજા દિવસનું સવાર, થયા ચાલવા નાથ તૈયાર. ૬૫

વનોશાહ કહે ભગવાન, પડ્યું છે હજુ તો પકવાન;

માટે આજ રહો મહારાજ, કાલે ચાલજો સહિત સમાજ. ૬૬

કહે કૃષ્ણ જો ઝાઝું જણાતું, બબે લાડવા બંધાવો ભાતું;

પછી તેમ કર્યું તેહ કાળ, પછી ચાલીયા દીનદયાળ. ૬૭

સતસંગી વખાણે અનેક, રાખી સત્સંગની ભલી ટેક;

એવી તો કોઇથી ન રખાય, ધન્ય તેહનાં માત પિતાય. ૬૮

પ્રભુજીને વળાવાને કાજ, આવ્યો પાદર સર્વ સમાજ;

ચારે ભાઈ પગે લાગ્યા જ્યારે, તેને શ્રીહરિએ કહ્યું ત્યારે. ૬૯

માગો માગો તે દઊં વરદાન, તમે છો મહામુક્ત સમાન;

માગતાં મન શંકા ન ધરવી, હોય ઇચ્છા તે ખુલ્લી ઉચ્ચરવી. ૭૦

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુ નિજજનને પ્રસન્ન થૈને, મુદિત કરે મનના મનોર્થ દૈને;

સકળ સુનિધિ આપવા સમર્થ, હરિજન લે ન વિનાશવંત વ્યર્થ. ૭૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

હિમરાજશાહાખ્યાનકથનનામ સપ્તસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે