કળશ ૭

વિશ્રામ ૭૮

પૂર્વછાયો

હરિકથામૃત પાન તે, કરતાં નૃપતિ તેહ ઠામ;

હરે હરે મુખ ઉચ્ચરે, કાં તો જય જય શ્રીઘનશ્યામ. ૧

ચંદ્રાવળા

ભૂપતિને બ્રહ્મચારી કહે છે ધરિને હરિનું ધ્યાન,

હરિલીલામૃત હું કહું છું તે કરો કથામૃતપાન;

કરો કથામૃતપાન સૂરીતે પીયુષપાન કરે જેમ પ્રીતે,

ઘુંટડે ઘૂંટડે વારંવાર હે અભેસિંહ કરો ઉચ્ચાર;

      જય જય શ્રીઘનશ્યામ. ૨

ભક્ત વનાશા આદિક ભાઈ વદિયા મળતાં વેણ,

પ્રેમથી તનપુલકાવળી1 આવે નીર ભરાયાં નેણ;

નેણ ભરાયાં નીર અતિશે માતવિછોયા2 બાળક દિસે,

ગદગદ કંઠ કર્યો ઉચ્ચાર હે પરમેશ્વર પ્રાણઆધાર. જય꠶ ૩

ઓ પ્રભુ આપ તણી ઇચ્છાથી ઉપજે વિશ્વ અનેક,

પાલન કરનારા પણ આપે ઈશ્વર સૌના એક;

ઈશ્વર સૌના એક તમે છો સુખમય સાગર સર્વ સમે છો,

જો ઉલટાવો અક્ષિવિલાસ3 વિશ્વ સકળનો થાય વિનાશ. જય꠶ ૪

શ્રીહરિ આપ સમર્થ સદા છો છે ઐશ્વર્ય અપાર,

ભવ બ્રહ્મા તમને જ ભજે છે પૂરણ રાખી પ્યાર;

પૂરણ રાખી પ્યાર પૂજે છે તે થકી તેનું કામ સુજે છે,

દેવ બધાય તમારા દાસ દર્શનની ઉર રાખે આશ. જય꠶ ૫

આપ તણી આજ્ઞા જ પ્રમાણે વરસે છે વરસાદ,

આપ તણી આજ્ઞાથી સાગર મૂકે નહીં મરજાદ;4

મૂકે નહિ મરજાદ કદાપિ પાળ વગરનો તેહ તથાપિ,

આપની આજ્ઞાથી યમરાય જમપુરમાં જીવને લઈ જાય. જય꠶ ૬

જો પ્રભુ અમને આપ કહો છો દેવાનું વરદાન,

તો અમને તમે એટલું આપો રહે તમારું ધ્યાન;

રહે તમારું ધ્યાન નિરંતર અન્ય વિચાર રહે નહિ અંતર,

માગિયે અન્ય વળી વર એક તૂટે નહિ સતસંગની ટેક. જય꠶ ૭

આપની પાસે ભક્ત ન ઇચ્છે દૈહિક સુખ દયાળ,

પુત્ર તથા પરિવાર ન માગે માગે નહિ ધન માલ;

માગે નહિ ધન માલ વડાઈ રાજસમૃદ્ધિ તથા પ્રભુતાઈ,

માગે નહિ નિજ શત્રુવિનાશ એક જ આપની ભક્તિની આશ. જય꠶ ૮

પાંડવમાયે5 મુખથી માગ્યો સંકટકાળ સદાય,

જેથી નિરંતર અંતર માંહિ સ્મરણ તમારું થાય;

સ્મરણ તમારું થાય તે દેજો અમને પણ પ્રભુ એમ રહેજો,

નાત સગા થકી થાય ન રાગ અંતરમાં ઉપજે વૈરાગ. જય꠶ ૯

દયા કરી વળી દર્શન દેજો આવિ અમારે ગામ,

દાસ તણા પણ દાસ અમોને ગણજો દીન ગુલામ;

ગણજો દીન ગુલામ તમારા અવગુણ જોશો નહિ જ અમારા,

અમ સરખા હરિભક્ત અનેક ઇષ્ટ અમારે તો તમે એક. જય꠶ ૧૦

કેમ વિજોગ થકી રહેવાશે અંતર થાય ઉદાસ,

રાતદિવસ અમને પ્રભુ રાખો પદઅરવિંદની6 પાસ;

પદઅરવિંદની પાસ જ રાખો ભજન અમે કરીયે ભવ આખો;

એમ ઉચ્ચારણ કરતા એહ ધીરજ ધરિ શક્યા નહિ તેહ. જય꠶ ૧૧

ધર્મકુમારે ધીરજ દીધી મધુરવચન કહી સાર,

હે હરિભક્ત નહીં ગભરાશો આવશું બીજી વાર;

આવશું બીજી વાર આ ઠામે તમને મળવા હળવા કામે,

હું તમથી નહિ દૂર જઈશ દિલમાં દર્શન નિત્ય દઈશ. જય꠶ ૧૨

તમને હરિજન જાણી અમારા દ્વેષ કરે છે જેહ,

અવસર આવે એ સહુ લેશે પાપ તણું ફળ તેહ,

પાપ તણું ફળ તેહને થાશે પાપ તણો ઘટ જ્યારે ભરાશે,

દેવકીના સુત માર્યા સાત ત્યાં સુધી કંસનિ કીધી ન ઘાત. જય꠶ ૧૩

એમ કહી કહી પાછા વાવ્યા શેઠ ગયા સ્વસ્થાન,

સંતસમાજ સહિત પધાર્યા ભેંસજાળે ભગવાન;

ભેંસજાળે ભગવાન જઈને ભાતું જમ્યા ભલી ભાત લઈને,

ત્યાંથી વિહાર કરી તતકાળ દુર્ગપુરે ગયા દીનદયાળ. જય꠶ ૧૪

દ્વેષ કર્યો હરિજનનો જેણે તેને તેનું પાપ,

પક્વ થઈને પ્રગટ્યું ત્યારે પામ્યા કષ્ટ અમાપ;

પામ્યા કષ્ટ અમાપ અભાગી કોઈકની તો દુકાન જ ભાગી,

કોઈનો ન રહ્યો પરિવાર નિર્દય કોઈ ગયા જમદ્વાર. જય꠶ ૧૫

આખ્યાન આ હિમરાજનું હેતે જે સુણશે નરનાર,

સત્સંગમાં દૃઢ સ્નેહ ધરીને પામે ભવજળ પાર;

પામે ભવજળ પાર કરીને થાય નિવાસ સમીપ હરિને,

ધન્ય ધર્યો જનનો અવતાર જેહ ભજે ભવતારણહાર. જય꠶ ૧૬

હે રાજન હિમરાજ શાહનો પવિત્ર જે પરિવાર,

સંકટ સાંખે નાત તણું નિત હજી છે નાતબહાર;

હજી છે નાતબહાર તે અન્યા પુત્રોને કોઈ ન આપે કન્યા,

એવું સંકટ સહી સદાય પ્રગટ પ્રભુના તે ગુણ ગાય. જય꠶ ૧૭

ચોપાઈ

પછી જૈ પ્રભુ બોટાદમાંય, ફુલદોલ ઉત્સવ કર્યો ત્યાંય;

સમૈયો તહાં સારો ભરાયો, શોભા પામ્યો તે સૌથી સવાયો. ૧૮

પૂર્વછાયો

બોટાદમાં બહુનામિયે, પુષ્પદોલ ઉત્સવ કર્યો જેહ;

વિસ્તારથી તેહ વરણવું, સુણો ધરિને મનમાં સ્નેહ. ૧૯

ચોપાઈ

હતા ગઢપુરમાં મહારાજ, તેનાં દર્શન કરવાને કાજ;

ગયા બોટાદથી ઘણા જન, તેણે ઇચ્છા ધરી એવી મન. ૨૦

પુષ્પદોલનો ઉત્સવ જેહ, કરે બોટાદમાં પ્રભુ તેહ;

કંકોતરિયો લખી મોકલાવે, દેશ દેશના સંઘ તેડાવે. ૨૧

ઘણો મોટો સમૈયો ભરાય, ગામ બોટાદ પ્રખ્યાત થાય;

લીલા ગ્રંથમાં તે તો લખાય, જુગોજુગ લગિ તેહ વંચાય. ૨૨

જ્યાં જ્યાં લીલા કરી ઘનશ્યામે, તીર્થ ભૂમિ થઈ તેહ ઠામે;

માટે કહિયે જઈ પ્રભુ પાસ, પ્રભુ પુરશે આપણિ આશ. ૨૩

એવું ધારીને ચાલીયા એહ, તેમાં મુખ્ય હતા કહું તેહ;

ભગોદોસી ભલા હરિભક્ત, રહે ઘરમાં ને મનમાં વિરક્ત. ૨૪

ચકુ કરશન ને નાનચંદ, જેને વાલા શ્રીધર્મનો નંદ;

મૂળચંદ ને હીરો વસાણી, ભજે શ્રીજીને ઉત્સાહ આણી. ૨૫

ભક્ત કેશવજી છે પારેખ, જેના નામથી શોભે આ લેખ;

ભક્ત અમરશી જે કંસારા, પ્રભુ પ્રગટને તે ભજનારા. ૨૬

એહ આદિક કૃષ્ણના દાસ, ગયા ગઢપુરમાં પ્રભુ પાસ;

સ્તુતિ સ્નેહ સહિત ઉચારી, સુણિ રીઝિયા શ્રીગિરધારી. ૨૭

કહે ભક્તો અહી ભગવાન, ધર્મનંદન કરુણાનિધાન;

અમે આવ્યા છૈયે ધરિ આશ, નાથ અમને ન કરશો નિરાશ. ૨૮

સમૈયો પુષ્પદોલનો સ્વામી, કરો બોટાદમાં બહુનામી;

કંકોતરીયો લખી મોકલાવો, દેશ દેશના સંઘ તેડાવો. ૨૯

સંતમંડળ ફરવા ગયેલાં, જે જે ગામમાં જઇને રહેલાં;

આવે બોટાદ સર્વ સમાજ, એવી આજ્ઞા કરો મહારાજ. ૩૦

ગઢપુરમાં ને વરતાલમાંય, જેમ સારા સમૈયા ભરાય;

લીલા બોટાદમાં કરો એવી, સદા સૌને સંભારવા જેવી. ૩૧

લીલા ગ્રંથમાં તે તો લખાય, ગામ લીલાનું સ્થાન ગણાય;

સુણી બોલિયા શ્રીમહારાજ, તમે સાંભળો ભક્તસમાજ. ૩૨

જ્યાં જ્યાં ભારે સમૈયા ભરાય, ઘણાં માણસની ભીડ થાય;

આવે ગાડાં ને ઘોડાં અપાર, રહે ગામમાં ને કોઈ બહાર. ૩૩

કથા વાતમાં સર્વનું ધ્યાન, વાહનાદિકનું નહિ ભાન;

ત્યારે તે ગામના સરદાર, બંદોબસ્ત બધો રાખનાર. ૩૪

એમ બોટાદમાં કોણ કરશે, કોઇ વાહન જો છુટાં ફરશે;

કરે જો કોઇનો ભંજવાડ,7 તેની આવે કદાપિ જો રાડ. ૩૫

કાં તો સંઘની ચીજ ચોરાય, ચોકી કરવાને કોણ ચહાય;

એવું કામ જો તમથી કરાય, તો ત્યાં સારો સમૈયો ભરાય. ૩૬

બોલ્યા હરિજન ધારીને ધીર, ત્યાં છે ખાચર નામે હમીર;

તથા કાનો પટેલ છે જેહ, બાર ગામના છે મુખી તેહ. ૩૭

બંદોબસ્ત તે રાખશે બહુ, સુખથી રહેશે જન સહુ;

કહે શ્રીજી તહાં જાઓ તમે, આજ કાલમાં આવશું અમે. ૩૮

જેવો ભાળશું સર્વનો ભાવ, નકી ત્યાં આવિ કરશું ઠરાવ;

એમ કહિ કર્યા સૌને વિદાય, ચોથે દિન ત્યાં ગયા હરિરાય. ૩૯

હમીર ખાચરનો દરબાર, ઉતર્યા જઈ વિશ્વઆધાર;

પૂર્વમુખ ઓરડાની ઓશરિયે, સ્વજનોની સભા ભરી હરિયે. ૪૦

પલંગે બિરાજ્યા પરમેશ, પછી ઉચ્ચર્યા શ્રી અખિલેશ;

સમૈયો પુષ્પદોલનો જે છે, આંહીં કરવાનું ભક્તો કહે છે. ૪૧

દેશ દેશના સંઘ ભરાય, એથી કોઈને અડચણ થાય;

બંદોબસ્ત તેનો કોણ કરશે, કોણ ચિત્તમાં ચિંતા તે ધરશે? ૪૨

ત્યારે ખાચર બોલ્યા હમીર, તથા કાનો પટેલ અમીર;

અમો બે કરશું બંદોબસ્ત, સુખથી રહે સંઘ સમસ્ત. ૪૩

પ્રભુ જો કૃપા આપની હશે, તેથી સર્વ સારાં વાનાં થશે;

સુણી એવું બોલ્યા અવિનાશ, સાંઢગઢ છે આ ડુંગર પાસ. ૪૪

સમૈયો ભલો તે સ્થળ ભરશું, લીલા બોટાદ પાસે જ કરશું;

સર્વ સામાન કરવો તમારે, અમે ગઢપુર જાશું સવારે. ૪૫

કંકોતરીયો લખાવશું બહુ, સંત હરિજન આવશે સહુ;

ગઢપુરમાં લીલા કરી જેવી, થશે બોટાદમાં પણ તેવી. ૪૬

સુણી રાજી થયા સર્વ દાસ, ગયા ગઢપુર શ્રીઅવિનાશ;

બધે પત્ર લખી મોકલાવ્યા, સંત હરિજન સૌને તેડાવ્યા. ૪૭

ત્યાં તો બોટાદના હરિજને, મોટો હરખ ધરી નિજ મને;

કર્યો સામાન સર્વ તૈયાર, પકવાન પડાવ્યાં અપાર. ૪૮

નાનચંદનાં ઘર નવાં સારાં, લિંબડાવાળાં પૂરવદ્વારાં;

તેમાં સારી કરી પાકશાળા, કર્યા મોતૈયા લાડુ રુપાળા. ૪૯

હરિભક્તોને વાધ્યો ઉત્સાહ, જેવો પોતાને ઘેર વિવાહ;

કર્યો સૌ મળી એવો વિચાર, ઉતારાનો કરો નિરધાર. ૫૦

ગામોગામના સંઘ ભરાશે, ક્યાં ક્યાં ઉતારા તેહના થાશે;

સભા શ્રીજી કિયે સ્થળે ભરશે, બધા સાધુ ક્યાં આવી ઉતરશે. ૫૧

દેવી રાંગળીનો વડ જ્યાંય, સર્વે સાધુઓ ઉતરે ત્યાંય;

તથા તેહ તળાવની પાળે, લીંબડાના છે ઝાડ વિશાળે. ૫૨

સભા તે સ્થળે શ્રીહરિ ભરશે, ઉંચા મંચમાં આસન કરશે;

જગ્યા છે નદીને સામે પાર, દિશા તો દક્ષિણાદિ મોઝાર. ૫૩

જે જે સંઘ હશે આવનારા, તે તો ત્યાં કરશે જ ઉતારા;

પાવડા ને કોદાળિયો લૈને, તે તે જગ્યાયે હરિજન જૈને. ૫૪

જગ્યા જોઈ સુધારવા લાગ્યા, ઝાઝી રાત સુધી કૈક જાગ્યા;

કામ પોતાના ઘરનું જો હોય, કદી પાવડો ઝાલે ન કોય. ૫૫

શાક પૈસાનું જો ઘેર લાવે, તે મજૂર પાસે ઉપડાવે;

એવા શ્રીમંત કોમળ અંગે, મંડ્યા પાવડા લૈને ઉમંગે. ૫૬

સાચા મનથી કરે શ્રમ એવો, આખે અંગે વળે પરસેવો;

ભાળે ભક્તિ એવી એહ સ્થાન, અંબરીષનું ઉતરે માન. ૫૭

કર્યું સાફ તે વાળી મેદાન, જળ છાંટ્યું વળી તેહ સ્થાન;

કરી વળીયો ને વાંસની વાડ, પાસે ઝુકી રહ્યાં ભલાં ઝાડ. ૫૮

ઉંચે બુંગણ બંધાવ્યાં એવાં, શોભે તે તો ચંદરવા8 જેવાં;

છાંયો શીતળ સુંદર લાગે, જોતાં ભૂખ ને તરસ તો ભાગે. ૫૯

ઘણાં ગાદલાં ગોદડાં લાવ્યા, ઘાસ મેખોના9 ગંજ કરાવ્યા;

શુદી તેરશ આવી સુહાતી, ત્યાં તો સંઘ આવ્યો ગુજરાતી. ૬૦

એને આદર આપીને સારો, આપ્યો ઉતરવાને ઉતારો;

બહુ સારી કરી બરદાશ, તેમાં કાંઇ ન રાખી કચાશ. ૬૧

ઘેરે આવે સગા મિજમાન, એવું થઈ ન શકે સનમાન;

ધન્ય બોટાદના હરિજન, રહે હાજર રજની ને દન. ૬૨

આવ્યો ચૌદશનો દિન જ્યારે, આવ્યાં સંતનાં મંડળ ત્યારે;

તે તો દુરથી એવાં દેખાય, પ્રભાતે રાતું વાદળ થાય. ૬૩

એ તો શ્રીજી આવ્યાની એંધાણી, તે તો સૌ હરિભક્તોયે જાણી;

રવિ ઉગવાનો હોય જ્યારે, રાતો આભ પ્રથમ થાય ત્યારે. ૬૪

સંતને વડ હેઠે ઉતારો, આપ્યો તે લાગ્યો સર્વને સારો;

અતિ ધન્ય તે વડઅવતાર, મહિમા વધ્યો અપરમપાર. ૬૫

મોટા સંત અક્ષરમુક્ત જેવા, જેની છાયામાં ઉતર્યા એવા;

પધાર્યા પછી પ્રાણઆધાર, સાથે કાઠીના સો અસવાર. ૬૬

પોણોસો ભલા તે સાથે પાળા, ઢાલ તરવાર બંદુકવાળા;

લડવૈયા પરાક્રમી પૂરા, જેણે જીત્યા કામાદિક શૂરા. ૬૭

સંઘ ગઢપુરનો પણ આવ્યો, રથ ગાડાં ઘણાં સંગે લાવ્યો;

એવું સાંભળી થઈને ઉમંગી, ચાલ્યા સામૈયે સૌ સતસંગી. ૬૮

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, તેની ગર્જનાથી ભૂમિ ગાજે;

વાજે ભુંગળ તાલ મૃદંગ, સુણી સૌને વધે ઉછરંગ. ૬૯

ઢોલ ત્રાંસાં તથા શરણાઈ, વાજે નોબત લાગે નવાઈ;

મળી ચાલ્યાં ઘણાં નરનાર, ગાય કીર્તન હરખે અપાર. ૭૦

ચાલ્યા સામૈયું કરવાનું કામ, તેનાં મુખ્ય કહું હવે નામ;

ભક્ત હમીર ને સુત દાહો, ચાલ્યા લેવા અલૌકિક લાહો. ૭૧

ભક્ત માતરો ધાધલ નામ, ભક્ત ગોદડ સગુણધામ;

ભક્ત નાથાનું પણ ભલું મન, એહ આદિ કાઠી હરિજન. ૭૨

ભગોદોશી ભલા હરિભક્ત, એ તો અક્ષરધામના મુક્ત;

શેઠ કરશન ને નાનચંદ, ચકુરામજી ને મૂળચંદ. ૭૩

એક કેશવજી હીરા બેય, ભલા ભક્ત ભવાન કહેય;

શેઠ કરશનજી હકુભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ. ૭૪

કહું કંસારા ભક્ત અમરશી, મોતીભાઈની પણ મતિ સરશી;

સોની વાઘો ભુલો તથા તળશી, નારાયણ સોની બુદ્ધિ અચળશી. ૭૫

સોની ભુલો ને સોની દયાળ, વેણીરામ તો વિપ્ર શ્રીમાળ;

જગન્નાથ તથા ભગવાન, અને ગોવિંદ પણ ગુણવાન. ૭૬

વિપ્ર નરસિંહ ને મોનો પંડ્યો, શિવો હરખો તે ભજનમાં મંડ્યો;

પરમો અણદો અને રામો, દમો વિશરામ સદબુદ્ધિ પામ્યો. ૭૭

ગંગારામ ને બેચર જદુ, એના સદ્‌ગુણ તે શા હું વધું;

ભગો મેરાઈ દેવજી નામ, પુજો સુતાર પણ નિષ્કામ. ૭૮

જેઠો મૂળજી પરમો કુબેર, પ્રભુને ભજે તે રુડી પેર;

બોઘો રગનાથ નામે મેરાઈ, થયા મુક્ત તે હરિગુણ ગાઈ. ૭૯

હવે સોની પરજીયા જાણો, ધનોભક્ત હમીર ને રાણો;

મિયાં મસ્તી સિપાઇની જાત, ભગો મધો બે દલવાડી નાત. ૮૦

સોનબાઈ વણિક જીવુબાઈ, હીરુ ને મધુ પણ વખણાઈ;

બાઈ રતન તથા બાઈ માન, રાજુબાઈ મહા ધર્મવાન. ૮૧

નાની તેજુ કમર ધર્મવાળી, હિરબાઈ ત્યાં વિપ્ર શ્રીમાળી;

રામબા રૂપબા માનબાઈ, બાઈ કુંવર કુંભાર ગણાઈ. ૮૨

એહ આદિક બહુ નરનારી, ગયાં હરિ સનમુખ હર્ષ ધારી;

ચાલ્યા સૌ તે ચૌટા વચે થઈ, તાજપરના ઝાંપા ભણી જઈ. ૮૩

જાળવાળી જ્યાં છે ભલી ધાર,10 ભેટ્યા ત્યાં સૌને ભક્તિકુમાર;

કર્યો પુરુષોએ દંડપ્રણામ, વંદે વામાઓ સૌ તેહ ઠામ. ૮૪

આવે નેણમાં પ્રેમનાં નીર, થાય રોમાંચ સૌને શરીર;

સૌને બોલાવીને તેહ સ્થાન, ભુજા ભીડી ભેટ્યા ભગવાન. ૮૫

સખા શ્રીજીના જે હતા સંગે, મળ્યા તે પણ સૌને ઉમંગે;

હતા બોટાદના ભક્ત લાવ્યા, હાર તોરા તે હરિને ધરાવ્યા. ૮૬

ભજે જેને ભવાની મહેશ, પ્રભુ પુરમાં કરે છે પ્રવેશ:

એ તો અચરજની વડી વાત, ધન્ય તે પુરના જનજાત. ૮૭

પુષ્પિતાગ્રાવૃત્ત

અખિલ જગતના અધીશ જેહ, ધરિ નરદેહ પધારિયા જ તેહ;

નયનથી નિરખ્યા સુનેહ આણી, અતિશય ધન્ય ગણાય એહ પ્રાણી. ૮૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિબોટાદપુરવિચરણનામાષ્ટસપ્તતિતમો વિશ્રામઃ ॥૭૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે