કળશ ૭

વિશ્રામ ૭૯

પૂર્વછાયો

બોટાદ પુરમાં પેસતાં, વાલે કેવો ધર્યો તનવેશ;

તે નિત્ય ધરિયે ધ્યાનમાં, હેતે સાંભળો હે વસુધેશ. ૧

ચોપાઈ

કિનખાબનાં ઝાકઝમાળ, ધર્યાં ડગલી તથા સુરવાળ;

રેટો સોનેરી કોરનો સારો, ધર્મનંદને મસ્તકે ધાર્યો. ૨

કેડ્યે પણ રેટી એવો જ કશિયો, જોતાં હરિજનને મન વશિયો;

ધોળો રૂમાલ રાખ્યો તે હાથે, ધર્યાં હેમકડાં મુનિનાથે. ૩

બાજુબંધ ને પોંચીયો ધારી, વેઢ વીંટીયો પણ બહુ સારી;

કોટે ઉતરી સોનાનો દોરો, પુષ્પના હાર પુષ્પનો તોરો. ૪

રોઝે ઘોડે થયા અસવાર, તેની શોભા તણો નહિ પાર;

ગુણવંતો ગરુડ છે જેહ, રોઝા ઘોડારૂપે થયો તેહ. ૫

ધાર્યું નરતનુ ભૂપના ભૂપે, ત્યારે પક્ષી થયો પશુરૂપે;

શંખલાદનું1 શોભે પલાણ, થાય વિધ વિધ તેનાં વખાણ. ૬

મોંઢે રૂપાનિ પૂતળીવાળો, બહુ મોવડ2 શોભે રૂપાળો;

કંઠે રૂપાનો હુલર3 ભારી, સારી ડુમચી4 પાછળ ધારી. ૭

હય હંસ તણી ગતિ ચાલે, દેવો આકાશમાં રહિ ભાળે;

શોભે સંગે કાઠી અસવાર, એના અંગે ઉમંગ અપાર. ૮

દાદો ખાચર સોમલો સૂરો, વસતો અલૈયો બળે પૂરો;

જીવો મુળુ નાજો અને રામો, ઘેલો નાગમાલો મુદ પામ્યો. ૯

નાનભક્ત રાઠોડ ધાધલ, વાઘાનું મન પણ નિર્મળ;

મામૈયો તથા માતરો ઘેલો, ડોસો સોમલો મોકો ને વેલો. ૧૦

ભક્ત માણશિયો ઝીણોભાઈ, પુજોભાઈ તથા કાકોભાઈ;

હરિભાઈ જેઠાભાઈ કાયો, જેઠો ભક્ત ભલો જ ગણાયો. ૧૧

ભક્ત સુજો તથા ભક્ત વરસો, એક એકથી સત્સંગી સરસો;

નદીમાં થઈ અસ્વારી ચાલી, તાજપરના ઝાંપામાં મહાલી. ૧૨

કરે ચમર મુકુંદ બ્રહ્મચારી, છત્રી પાળા રતનજીએ ધારી;

છડિધર બોલે જય જયકાર, આવ્યા દર્શને લોક અપાર. ૧૩

વાજે ભુંગળ તાલ મૃદંગ, ઢોલ ત્રાંસાં ને ચંગ5 ઉપંગ;6

ઘણા હરિજન કીર્તન ગાય, બોલે શ્લોક મોટા મુનિરાય. ૧૪

કોઈ ભક્ત ઉડાડે ગુલાલ, દીસે અવની ને આકાશ લાલ;

આવી ચૌટા વચે અસવારી, કરે વંદન સૌ નરનારી. ૧૫

અબળા કોઈ આશિષ દે છે, કોઈ માવનાં મીઠડાં લે છે;

કરે પુરુષ પરસ્પર વાત, ભાઈ આપણાં ભાગ્ય અધાત. ૧૬

પ્રભુ અક્ષરધામના વાસી, ક્યાંથી નિરખિયે નેત્ર વિકાશી;

લીલા ઉત્તમ આ સ્થળે થાશે, તીર્થ ગઢપુર તુલ્ય ગણાશે. ૧૭

રથ ગાડાં તણો નહિ પાર, એ તો ચાલે તે અસ્વારી લાર;7

એમ કુંભારવાડામાં થૈને, ઉતર્યા રાંગળી વડે જૈને. ૧૮

હતો ગાડા ઉપર પલંગ, કિનખાબનું ગાદલું સંગ;

વળી ઓછાડ પાથર્યો હતો, દુધફીણ જેવો ચળકતો. ૧૯

હતો તકિયો ઓઠીંગણ કાજ, વિરાજ્યા ત્યાં શ્રીજીમહારાજ;

સભા થૈ પ્રભુ આગળ સારી, ઘટે તેમ બેઠાં નરનારી. ૨૦

જ્ઞાનવાત કરી મહારાજે, સ્નેહે સાંભળી સર્વ સમાજે;

ભક્ત લંઘો નામે વલીભાઈ, સારી લૈને આવ્યા શરણાઈ. ૨૧

તેણે રાગ આલાપિયા એવા, ડોલે સાંભળી તુંબરુ જેવા;

સુણી રીઝિયા શ્રીઘનશ્યામ, માગો માગો કહ્યું તેહ ઠામ. ૨૨

મુખથી તમે માંગશો જેહ, એહ અવસરે આપીશ તેહ;

એમ વાલે કહ્યું ત્રણ વાર, વલીભાઈ બોલ્યા તેહ ઠાર. ૨૩

નથી માયિક વસ્તુની આશ, રાજી કરવા ઇચ્છુ અવિનાશ;

કર્યો આગ્રહ શ્રીભગવાને, પણ માગ્યું નહીં વરદાને. ૨૪

ત્યારે હાથનો બાજુ ઉતારી, નાખ્યો તેના ઉપર કૃપાકારી;

જાણે શ્રીહરિની કૃપા જેહ, બની બાજુને આકારે તેહ. ૨૫

દીસે હરિની દયામય દૃષ્ટિ, જાણે થઈ કરુણામૃત વૃષ્ટિ;

પછી લૈને સરોદા સતાર, સંતે ગાવણું કીધું તે ઠાર. ૨૬

શ્રીજી સાંભળી ડોલવા લાગે, મોર મેઘનાદે જેમ જાગે;

સંધ્યા સમય થયો તહાં જ્યારે, કરી આરતિ ને ધુન્ય ત્યારે. ૨૭

ગામના જનોને કહે માવો, મેમાનોને ઉતારો કરાવો;

પછી ઉતારો કરવાને કામ, ગયા મેમાન કરીને પ્રણામ. ૨૮

દાદા ખાચર આદિક જેહ, તથા બાઇયો જે હતી તેહ;

તેઓને ભગા શેઠને ઘેર, આપ્યો ઉતારો તે રુડી પેર. ૨૯

બિજાને પણ જ્યાં ઘટે જેમ, આપ્યા ઉતારા સર્વને એમ;

દાહા ખાચરને દરબાર, ગયા તે પછી પ્રાણઆધાર. ૩૦

કર્યો ઉતારો ત્યાં કૃપાનાથે, પછી પાર્ષદોને લઈ સાથે;

નાનચંદજી શેઠને ઘેર, પધાર્યા પ્રભુજી રુડી પેર. ૩૧

તેને ઘેર હતી પાકશાળા, બેઠા ત્યાં જઈ દીનદયાળા;

બેસી બાજોઠે શ્રીભગવાન, શુદ્ધ જળથી કર્યું પોતે સ્નાન. ૩૨

કોરાં વસ્ત્ર ધરીને કૃપાળ, જમ્યા ત્યાં પકવાનનો થાળ;

સંત હરિજનને ત્યાં જમાડ્યા, સારી રીતે સંતોષ પમાડ્યા. ૩૩

સૌને ઉતારે સંભાળ લીધી, ઘાસ ચંદી આદિક પણ દીધી;

પછે જૈ દાહા ખાચર ઘેર, પ્રભુ પોઢી રહ્યા રુડી પેર. ૩૪

પ્રભુ પોઢી ઉઠીને પ્રભાતે, કરી નિત્યક્રિયા ભલી ભાતે;

વિનતી કરી સર્વ સમાજે, ત્યારે વસ્ત્ર ધર્યાં મહારાજે. ૩૫

ભક્ત આધીન છે ભગવાન, કરે ભક્તની ઇચ્છા સમાન;

કીનખાબ તણો સૂરવાળ, કૃપાનાથે પેર્યો તતકાળ. ૩૬

ડગલી કીનખાબની ધારી, તેમાં બુટ્ટા શોભે બહુ ભારી;

રોમરોમ બ્રહ્માંડ રહે છે, જાણે એ જ આ તો ચળકે છે. ૩૭

માથે મંડિલ બાંધીયું કેવું, જોતાં મોરમુગુટના જેવું;

કેડે બાંધિયો રેટો રુપાળો, જરીયાન તણા બુટ્ટાવાળો. ૩૮

ધાર્યો હાથમાં રુડો રુમાલ, ચાલે ચોકમાં ચટકતી ચાલ;

આવ્યા કાઠીયો થૈ અસવાર, બીજા હરિજન આવ્યા અપાર. ૩૯

વાજે ઢોલ ત્રાંસાં શરણાઈ, ચાલે હરિજન કીર્તન ગાઈ;

ઘણાં તાલ મૃદંગ બજાવે, લોક દર્શન કરવાને આવે. ૪૦

ચાલે અસવારી આગળ પાળા, ધર્યાં હથિયાર હિંમતવાળા;

જાણે અસુરોને જીતવા કાજે, અસવારી સજી મહારાજે. ૪૧

ચાલ્યા ચૌટા વચ્ચે અવિનાશી, નિરખે સહુ નગરનિવાસી;

જેણે નિરખિયા જગતઆધાર, તેનાં પુણ્ય તણો નહિ પાર. ૪૨

ચાલ્યા કુંભારવાડામાં થૈને, રાંગળિ વડ આગળ જૈને;

લીંબડા છે તળાવની પાળે, તહાં મંચ રચ્યો તેહ કાળે. ૪૩

બેઠા તે પર શ્રીમહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;

મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ આદિક નિષકામી. ૪૪

લૈને નરઘાં સરોદા સતારે, કર્યું ગાવણું સરસ પ્રકારે;

એ તો સૌ મુક્ત અક્ષરધામી, એના ગાયામાં શી હોય ખામી. ૪૫

સુણી રાજી થયા મહારાજ, કહ્યું ધન્ય છો સંતસમાજ;

પછી ગાવણું બંધ રખાવી, પ્રભુએ જ્ઞાનવાત ચલાવી. ૪૬

કરી અદ્‌ભુત વાત અથાગ, સુણી ઉપજે જ્ઞાન વિરાગ;

ધરે ધર્મ અધર્મને ત્યાગી, થાય ભક્ત ભલા બડભાગી. ૪૭

કૈક દાસના દિલ તણી વાત, પછી કહેવા લાગ્યા સાક્ષાત;

જેના મનમાં હતો ઘાટ જેવો, કહ્યો શ્રીજીએ તે સમે તેવો. ૪૮

દેવાયીત જે હાલીડો નામ, તે તો બેઠો હતો તેહ ઠામ;

તેને શ્રીજી કહે સુણ ભાઈ, બધી જાણું હું તારી ઠગાઈ. ૪૯

બાંધી કંઠી ને તિલક કરે છે, પણ કર્મ કુડાં આચરે છે;

માનતો નથી વચન અમારું, કેમ થાશે કલ્યાણ તે તારું. ૫૦

ત્યારે નશીતપરનો નિવાસી, બોલ્યો રાવળ વદન વિકાસી;

દેવાયીત છે આબરુદાર, કરે કેમ તે તો દુરાચાર. ૫૧

સુણી બોલિયા શ્રીજી સાક્ષાત, તારી પણ બધી જાણું છું વાત;

નથી તું સતસંગીએ સાચો, ધર્મ પાળવામાં ઘણો કાચો. ૫૨

દેવાયીત ને રાવળને તે સ્થાન, જીવા ખાચરે તો કરિ સાન;

તેથી ઉઠી ગયો બેઉ સાથ, બોલ્યા જીવો ખાચર જોડી હાથ. ૫૩

કૃપાળુ છો તમે પરમેશ, જીવ ભૂલતો આવ્યો હમેશ;

જીવના અવગુણ જુવો જ્યારે, કોઈ કલ્યાણ પામે ન ત્યારે. ૫૪

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, ભગવાનનો મહિમા છે ભારી;

તે જો જીવ જથારથ જાણે, કેમ પાપ કરે કોઈ ટાણે. ૫૫

ઉપજાતિ (અંતર્યામી વિષે)

જે પાપનો ઘાટ કશો ઘડીશ, તે જાણશે આ જગનો અધીશ;

એવો રહે જો મનમાં ઉચાટ, તેનાથી તે કેમ ઘડાય ઘાટ. ૫૬

જે શ્રીહરીનો મહિમા ન જાણે, ઇચ્છા કુકર્મો કરવાનિ આણે;

જાણે પ્રભુ ક્યાં નજરે જુવે છે, અજ્ઞાનિ પૂરો જન મૂર્ખ એ છે. ૫૭

આંખો મિચીને ઉરમાં વિચાર, જે કીજીયે તે પ્રભુ જાણનાર;

એવો નકી જો વિસવાસ હોય, તો પાપનું કર્મ કરે ન કોય. ૫૮

સર્વે ક્રિયા અંતરજામિ જાણે, તથાપિ બોલે નહિ એહ ટાણે;

દેહાંત થાતાં ફળ તેનું દેશે, તે પાપ ને પુણ્યનું લેખું લેશે. ૫૯

જો અંધકારે રવિરાજ વીતે, કે ભોંયરામાં રહિ ગુપ્ત રીતે;

ક્રિયા કરે કાંઇ કરે વિચાર, શ્રીજીથિ છાનું ન રહે લગાર. ૬૦

સત્સંગ થૈને સમજે ન આમ, કુસંગિ તે નાસ્તિક તેનું નામ;

નિશ્ચે મરીને નરકે જ જાય, ખચીત8 ત્યાં તે બહુ માર ખાય. ૬૧

જો પાપ કે પુણ્ય ગણે ન પ્રાણી, સત્સંગ કીધો મનમાં શું જાણી;

સ્વછંદ છે સૌ પશુ પક્ષિ જેમ, તેવી રિતે તે વિચર્યો ન કેમ. ૬૨

ઠગાઇ કીધે પ્રભુ ના ઠગાય, એનાથિ છાનું કશું ના રખાય;

રીઝે ન દાંભિક ડોળ દેખી, ભૂલે નહીં તે નિજ ભક્ત લેખી. ૬૩

ચોપાઈ

વાત કરતા હતા હરિ જ્યાંય, આવ્યા વર્ણિ મુકુંદ તે ત્યાંય;

બોલ્યા વિનતિ કરી તેહ વાર, સ્વામી થાળ થયો છે તૈયાર. ૬૪

સુણી અશ્વે થયા અસવાર, ગયા પાકશાળાની મોઝાર;

કરી સ્નાન જમ્યા ભગવાન, પછી આરોગ્યાં સોપારી પાન. ૬૫

ત્યાં તો સંતની પંગતી થઈ, પીરશું પ્રભુએ પોતે જઈ;

મોતીયા લાડુ લઈ હાથમાંય, પીરસે ત્રિભુવનપતિ ત્યાંય. ૬૬

પછી સંઘ તણા સહુ જન, જમ્યા શ્રીજીનું માની વચન;

દાદા ખાચરનો દરબાર, જૈને પોઢિયા પ્રાણઆધાર. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

પુરજન પણ ધન્ય ધન્ય તેહ, જનતન પામિ થયા કૃતાર્થ જેહ;

પ્રભુ ભજી ધ્રુવ અંબરીષ જેમ, અમર રહ્યા રહેશે અમર્ત્ય9 તેમ. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

બોટાદપુરકૃત-શ્રીહરિચરિત્રવર્ણનનામૈકોનાશીતિતમો વિશ્રામઃ ॥૭૯॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે