વિશ્રામ ૮૦
પૂર્વછાયો
ત્રિજે પોર પોઢિ ઉઠિયા, સુખસાગર શ્રીમહારાજ;
દર્શન કરવાને આવીયો, પુરનો સતસંગી સમાજ. ૧
ચોપાઈ
કહે હરિજન હે મહારાજ, સુણો અરજી અમારી આ આજ;
સારી રીતે સજો અસવારી, ગાજતે વાજતે ગિરધારી. ૨
પુરમાં ઘણે ઠામ પધારો, મહિમા એહ પુરનો વધારો;
હોળિકાનો છે આજ દહાડો, અતિ ઝાઝો ગુલાલ ઉડાડો. ૩
છબિ આપની જો નિરખાય, પુરના જનો પાવન થાય;
ત્યાં તો અસ્વાર પણ સહુ આવ્યા, ભક્તિનંદનને મન ભાવ્યા. ૪
રોઝે ઘોડે ચડ્યા મહારાજ, ચાલ્યો આગળ સર્વ સમાજ;
સૌએ ઝાલી ગુલાલની ઝોળી, જાણે રંગમાં હોય ઝબોળી. ૫
ચાલે ધીમે ધીમે અસવારી, કહે સૌ જન શોભે છે સારી;
ફાંટે ફાંટે ઉડાડે ગુલાલ, દિસે અવનિ ને આકાશ લાલ. ૬
વાજે ઢોલ ત્રાંસાં શરણાઈ, ગુલાલે તો બજાર છવાઈ;
એમ આખી બજારમાં ફરિયા, રાંગળીવડે જૈને ઉતરિયા. ૭
બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;
ગવૈયા મુનિએ કર્યું ગાન, સુણી રીઝિયા શ્રીભગવાન. ૮
પડી સાંજે ગાયો ગોડી રાગ, એમાં પણ અતિ જ્ઞાન વિરાગ;
પછી આરતિ ને ધુન્ય કરી, ભગાદોશી પ્રત્યે બોલ્યા હરી. ૯
તમે સંઘના જનને જમાડો, ઘાસ ચંદી બધે પહોંચાડો;
અમે તો હવે જાશું ઉતારે, સૌની સંભાળ લેવી તમારે. ૧૦
એમ કહી હરિ અસ્વાર થયા, દાદા ખાચરને ઘેર ગયા;
પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, જાગ્યા જીવનપ્રાણ પ્રભાતે. ૧૧
નિત્યકર્મ કર્યું મુનિનાથે, લીધા અસ્વાર સૌ નિજ સાથે;
ગાજતે વાજતે ગિરધારી, સભા ભરવાને સ્થાને પધારી. ૧૨
બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;
ભગાભાઈ આદિક મળિ સંગ, દેગડાં ભરીને લાવ્યા રંગ. ૧૩
કોથળા ભરી લાવ્યા ગુલાલ, મુક્યો કૃષ્ણ પાસે તેહ કાળ;
તાંસળાં ભરિ ત્રિભુવનનાથે, નાખ્યો રંગ તે સર્વને માથે. ૧૪
સૌને રસબસ કીધા તે કાળ, પછી ઉપર નાખ્યો ગુલાલ;
ત્યાં તો વાજિંત્ર વાજે અપાર, બોલે સૌ જન જય જયકાર. ૧૫
એવી લીલા નિરખવાને કાજ, સુર સહિત આવ્યા સુરરાજ;
કરે ગગને રહી પુષ્પવૃષ્ટિ, ધન્ય ધન્ય કહે એહ સૃષ્ટિ. ૧૬
ધન્ય ધન્ય તે બોટાદ ગામ, મોટું તીર્થ થયું તે ઠામ;
જાત્રા કરવાનું આવશે જન, લીલા સંભારશે નિજ મન. ૧૭
સર્વ જનને લઈ નિજ સાથ, પછી નાવા પધારિયા નાથ;
ત્યાંથી પશ્ચિમમાં વાડી જેહ, કુવો તેમાં છે ઉત્તમ તેહ. ૧૮
તેમાં ઉતરીને નાયા નાથ, નાયો તે પછી ત્યાં સહુ સાથ;
ગંગા ગોમતી ને સરસ્વતી, આવ્યા ત્યાં સર્વ તીર્થના પતી. ૧૯
દિવ્ય દૃષ્ટિવાળા જન દેખે, પણ પ્રાકૃત જન નહિ પેખે;
કોરાં વસ્ત્ર ધરીને કૃપાળ, થયા અસ્વાર દીનદયાળ. ૨૦
વાજતે ગાજતે રુડી રીતે, ગયા પાકશાળા ભણી પ્રીતે;
પૂર્વદ્વારની ઓશરીમાંય, હતો ઢોલીયો ઢાળેલો ત્યાંય. ૨૧
બિરાજ્યા જઈ ત્યાં બળવંત, બેઠા આગળ હરિજન સંત;
બ્રહ્મચારીએ ત્યાં કર્યો થાળ, બેઠા જમવાને જનપ્રતિપાળ. ૨૨
રુડું પહેર્યું પીતાંબર અંગ, સારે પાટલે બેઠા શ્રીરંગ;
બીજા પાટલા પર મૂક્યો થાળ, તેમાં પિરસી રસોઈ રસાળ. ૨૩
જમ્યા જુક્તિથી શ્રીઅવિનાશ, મુખ ધોઈ લીધો મુખવાસ;
ત્યાં તો સંતની પંગત થઈ, પિરશું પ્રભુએ પોતે જઈ. ૨૪
લાડુ લ્યો એમ કરતાં ઉચ્ચાર, ફર્યા પંગતમાં બહુ વાર;
સંત પાર્ષદ સૌને જમાડ્યા, સખા સૌને સંતોષ પમાડ્યા. ૨૫
જમાડ્યા બીજા સૌ હરિજનને, કર્યાં મુદિત તે સર્વનાં મનને;
દાહા ખાચરનો દરબાર, જૈને પોઢિયા પ્રાણઆધાર. ૨૬
ત્રીજે પહોર ઉઠ્યા ઉછરંગે, બેઠા ઓશરી માંહિ પલંગે;
ત્યાં તો મલ્લ આવ્યા ગંગારામ, બોલ્યા પ્રેમ કરીને પ્રણામ. ૨૭
આપો આજ્ઞા તો અંતર ધરિયે, મલ્લકુસ્તી તણા ખેલ કરિયે;
આપી આજ્ઞા પ્રભુજીએ જ્યારે, ખૂબ ખેલ કર્યા તેણે ત્યારે. ૨૮
ખભા ઠોકીને બે જણા લડે, ગાજે બ્રહ્માંડ પડછંદા પડે;
રમ્યા બહુ હરિ રીઝાવા કાજ, જોઈ રાજિ થયા મહારાજ. ૨૯
માગી માગી કહ્યું ઘનશ્યામે, ગંગારામ બોલ્યા તેહ ઠામે;
મહારાજ માગું વરદાન, નિરંતર રહે આપનું ધ્યાન. ૩૦
દેશ કાળ ગમે તેવો હોય, મન ડગમગ થાય ન તોય;
માગું હેત સદા હરિજનમાં, બીજી ઇચ્છા નથી મારા મનમાં. ૩૧
એવું સાંભળિ દીનદયાળ, તથા અસ્તુ બોલ્યા તતકાળ;
પછી વસ્ત્ર પ્રસાદિનાં આપ્યાં, નિજચરણ બે છાતીમાં છાપ્યાં. ૩૨
દાહાભક્તે પછી તેહ ઠામ, પૂજ્યા પ્રેમથી શ્રીઘનશ્યામ;
રુડાં ચંદન પુષ્પ ચડાવ્યાં, વસ્ત્ર ભૂષણ ભાવે ધરાવ્યાં. ૩૩
આરતી રુડી રીતે ઉતારી, સ્તુતિ સ્નેહ સહિત ઉચ્ચારી;
તે પછી ભગા દોશીને ઘેર, કરિ પધરામણી રુડી પેર. ૩૪
શેઠ શ્રીજીને તેડવા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;
સંત હરિજન કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય. ૩૫
ઘેર આવ્યા પ્રભુ એવી રીતે, શેઠે પૂજા કરી ઘણિ પ્રીતે;
પગ ધોઈ પાદોદક પીધું, ભાલ ચંદને ચર્ચિત કીધું. ૩૬
વસ્ત્ર ભૂષણ ભાવે ચડાવ્યાં, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યાં;
આરતી અતિ હરખે ઉતારી, સ્તુતિ તે પછી શેઠે ઉચ્ચારી. ૩૭
ઈન્દ્રસભાનો રાગ
જય જય પ્રભુ જગદાધારા, દીનબંધુ ધર્મદુલારા. ટેક.
પ્રભુ અતિ ઐશ્વર્ય તમારું, ચિતમાં નિત્ય નિત્ય વિચારું;
તમે સકળ જગત સ્રજનારા, દીનબંધુ ધર્મદુલારા. ૩૮
રચી ભૂમિ સરસ શોભાતી, રચ્યાં પશુ પક્ષી જન જાતી;
રચ્યા સૂરજ શશિયર તારા, દીનબંધુ ધર્મદુલારા. ૩૯
સહસ્રાનન1 ગુણગણ2 ગાવે, ઉચ્ચરતાં અંત ન આવે;
વદશે શું વેદ બિચારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૦
તમે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, શુભ ધર્મમરમ સમજાવ્યો;
નવ જાણે લોક નઠારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૧
હતો પિબેક પૂરો પાપી, તમે સદ્ગતિ તેને આપી;
તમે છો પ્રભુ અધમોદ્ધારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૨
તમે જુગ ચારેના ધર્મો, વરતાવ્યા કરી શુભ કર્મો;
તમે સત્ર3 કર્યા બહુ સારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૩
તમે ઘેર અમારે આવ્યા, મુનિમંડળ સાથે લાવ્યા;
કર્યા પાવન અમને પ્યારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૪
છે અદ્ભુત શક્તિ તમારી, તમે છો પ્રભુ વિશ્વવિહારી;
અખિલેશ્વર ઇષ્ટ અમારા, દીનબંધુ ધર્મદુલારા. ૪૫
ચોપાઈ
સુણી રીઝિયા શ્રીભગવાન, કહ્યું માગો માગો વરદાન;
કહે શેઠ માગું સતસંગ, માગું તવ પદ પ્રેમ અભંગ.4 ૪૬
મારા વંશમાં જન થાય જેહ, ધર્મવંશી સાથે ધરે સ્નેહ;
ગણે આચાર્ય શ્રીજી સમાન, મને એ જ આપો વરદાન. ૪૭
એવા શબ્દ સુણીને દયાળ, તથા અસ્તુ બોલ્યા તતકાળ;
શેઠે સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં, પાળા સર્વને પણ પહોંચાડ્યાં. ૪૮
ભગો દોશી ભલા બુદ્ધિમાન, કેવું માગિ લીધું વરદાન;
પુત્ર પૌત્રાદિને સતસંગ, માગ્યો તે અતિ ઉત્તમ અંગ. ૪૯
ઉપજાતિ (સત્સંગી પુત્ર વિષે)
જો પુત્ર જેનો સતસંગિ થાય, પિતા દિલે શાંતિ સદા પમાય;
કુટુંબ આખું સતસંગિ હોય, તો તીર્થમાં વાસ સમાન સોય. ૫૦
જેનિ પ્રજા છે સતસંગવાળી, તે તો પિતા પૂરણ ભાગ્યશાળી;
શ્રીસ્વામિનારાયણનું જ નામ, કાને પડે ઉત્તમ એહ ધામ. ૫૧
સત્સંગ જેવો શુભ ધર્મ છોડી, જેણે બિજે મારગ બુદ્ધિ જોડી;
તે પુત્રને તો ગણવો ગમાર, ધિક્કાર ધિક્કાર હજારવાર. ૫૨
શ્રીજી તણી જ્યાં પ્રતિમા પુજાતી, કથા સદા કૃષ્ણ તણી કરાતી;
ત્યાં શુષ્કવેદાંત કથા કરાય, તે તીર્થમાં જેમ મશીદ થાય. ૫૩
ભલો પ્રભુનો બળિરાય ભક્ત, કુપુત્ર બાણાસુર તો અભક્ત;
પુલસ્ત પોતે શુભ વિપ્રવર્ણ, તેના થયા રાવણ કુંભકર્ણ. ૫૪
જોતાં પ્રજા થાય કુસંગિ જેની, તો તે પિતાને મન શાંતિ શેની;
જો વંશ એવો જ દિસે થનારો, તે વંશથી તો નિરવંશ સારો. ૫૫
કુસંગિ છે પુત્ર કળત્ર5 જેને, દિસે મહાદુઃખ સદૈવ તેને;
રુંધાઇ એવા ઘરમાં રહેવું, જણાય તે તો જમધામ જેવું. ૫૬
પિતા મરે પુત્ર કુસંગિ થાય, પિતા તણો ધર્મ નહીં પળાય;
તે શ્રાદ્ધ સારી સુત પિંડ દેય, તો તાત તે પિંડ કદી ન લેય. ૫૭
ચોપાઈ
ભગાભાઈએ ચિતમાં વિચાર્યું, માગ્યું વરદાન સર્વથી સારું;
એની બુદ્ધિ વિચક્ષણ6 બહુ, સુણિ એમ કહે જન સહુ. ૫૮
પ્રભુ ત્યાંથી ચાલ્યા રુડી પેર, પધરામણી થઈ ઘેર ઘેર;
કૃપાસિંધુ ફર્યા ઠામ ઠામ, પ્રસાદીનું કર્યું આખું ગામ. ૫૯
દાદા ખાચરનો દરબાર, બિરાજ્યા જઈ જગકરતાર;
સંત હરિજનની સભા થઈ, ગાયું સંતોએ વાજિંત્ર લઈ. ૬૦
પછી ગાવાનું બંધ કરાવી, શ્યામે જ્ઞાનની વાત સુણાવી;
આરતી ધુન્ય પણ તહાં કરી, વાળું કરવા પધારિયા હરી. ૬૧
પાકશાળામાં સૌને જમાડ્યા, ચંદી ઘાસ ઘોડાને પહોંચાડ્યા;
પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, ઉઠ્યા બીજને દિવસ પ્રભાતે. ૬૨
કરી નિત્યક્રિયા મુનિનાથે, પછી સૌ જનને લઈ સાથે;
અશ્વ ઉપર અસ્વાર થૈને, બિરાજ્યા મંચ ઉપર જૈને. ૬૩
દેશ દેશના હરિજન જેહ, પુજા કરવાને આવિયા તેહ;
પૂરા પ્રેમથી પૂજન કરે, ભેટ ભગવાન આગળ ધરે. ૬૪
પછી સૌ જનને કહે માવો, પોત પોતાને ગામ સિધાવો;
ધર્મ પાળજો ધીરજ ધારી, વાત રાખજો મનમાં અમારી. ૬૫
હરિજનનું તો માહાત્મ્ય જાણી, સંપ રાખજો ઉત્સાહ અણી;
વળી કરીયે સમૈયો જ્યાં અમે, ત્યારે તે સ્થળે આવજો તમે. ૬૬
કહે સંતોને શ્રીઘનશ્યામ, ફરો જાઓ જુદે જુદે ગામ;
પોત પોતાનું મંડળ લૈને, ઉપદેશ કરો તહાં જૈને. ૬૭
મોનો પંડ્યો કહે મહારાજ, મારે ઘેર રસોઈ છે આજ;
માટે આજ્ઞા એવી કરો નાથ, સિધાવે જમીને સહુ સાથ. ૬૮
એવી આજ્ઞા કૃપાનાથે કીધી, જન સહુયે તે શિર ધરી લીધી;
પ્રભુયે કીરતન ગવરાવ્યાં, સુણી સૌ જનને મન ભાવ્યાં. ૬૯
પછી અશ્વે થઈ અસવાર, પેઠા પુર માંહિ પ્રાણઆધાર;
ભક્ત લાખેણો બોઘો લુહાર, એનો ઓરડો પૂરવ દ્વાર. ૭૦
જોયો ઓશરી માંહિ પલંગ, વિરાજ્યા પ્રભુ આણિ ઉમંગ;
મોનો પંડ્યો કહે મહારાજ, પધારો હવે ભોજન કાજ. ૭૧
જઈ ભોજન કરવાને સ્થાને, કર્યું ભોજન શ્રીભગવાને;
પછી સંતની પંગત થઈ, પીરશું પ્રભુયે તહાં જઈ. ૭૨
દાદા ખાચર આદિક જેહ, સતસંગી જમ્યા સહુ તેહ;
પછી ચાલવા કીધી તૈયારી, આવ્યા કાઠી સજી અસવારી. ૭૩
ગામના પરગામના જન, આવ્યા સૌ કરવા દરશન;
વાજે વાજિંત્ર વિવિધ પ્રકાર, બોલે સૌ જન જય જયકાર. ૭૪
તાજપરને ઝાંપે થઈ ગયા, શેંથળીનિ વાવ્યે ઉભા રહ્યા;
શિલા મોટી હતી એક સારી, બેઠા તે પર શ્રીગિરધારી. ૭૫
સંઘના જન દરશન કરે, આજ્ઞા લૈને સ્વદેશ વિચરે;
ગયા સમઢિયાળે ઘનશ્યામ, સૌને દર્શન દીધાં તે ઠામ. ૭૬
ત્યાંથી સંચર્યા સૌ જન સાથે, ગામ નાગલપર મુનિનાથ;
ભક્ત બોટાદના હતા જેહ, પાછા વાળતાં નવ વળે તેહ. ૭૭
વળો વળો કહે અવિનાશી, સર્વે સાંભળી થાય ઉદાસી;
વિજોગે ન ધરી શકે ધીર, આવે નેણમાં સર્વને નીર. ૭૮
બોલે ગદગદ કંઠે વચન, ક્યારે દેશો ફરી દરશન;
પ્રેમ બોટાદવાસીના જેવો, માગે મોટા મોટા મુનિ એવો. ૭૯
વાલે ધીરજ દૈ પાછા વાળ્યા, ત્યારે તે સહુ ઘર ભણી ચાલ્યા;
પ્રેમ ઉત્તમ એહનો જાણ્યો, પ્રભુયે પણ પૂરો વખાણ્યો. ૮૦
સંઘ ગઢપુરનો લેઈ સાથ, ત્યાંથી ગઢડે ગયા મુનિનાથ;
લીલા બોટાદમાં કરી જેહ, સર્વે સત્સંગિ સંભારે તેહ. ૮૧
જાતાં વળતાં બોટાદ મોઝાર, વિચર્યા છે પ્રભુ ઘણી વાર;
ગામ બોટાદની રજ જે છે, પ્રભુજીની ચરણરજ તે છે. ૮૨
મહિમા પ્રભુનો મન ધરશે, જાત્રા બોટાદની તે તો કરશે;
લીલા બોટાદની સુણે જેય, પળમાં થાય પાવન તેહ. ૮૩
સતસંગમાં દૃઢ મતિ થાય, તેથી પાપ તેનાં બળિ જાય;
શ્રોતા સૌ અતિ આનંદ પામી, બોલો જય સહજાનંદસ્વામી. ૮૪
પુષ્પિતાગ્રાવૃત્ત
ધરમ તનુજનાં ચરિત્ર જેહ, શ્રવણ કર્યાથિ કરે પવિત્ર તેહ;
નરતન ધરિને સુણે ન કાને, નર નહિ તેહ સદા પશુ સમાને. ૮૫
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
બોટાદપુરે હુતાશન્યુત્સવવર્ણનનામાશીતિતમો વિશ્રામઃ ॥૮૦॥