કળશ ૭

વિશ્રામ ૮૧

પૂર્વછાયો

ગુણનિધી ગઢપુર વિષે, રહિ કરે ચરિત્ર વિચિત્ર;

જે સુણતાં જન જગતમાં, મહાપાપીયે થાય પવિત્ર. ૧

ચોપાઈ

વળી એક સમે ધરી ઉરમાં, અન્નકૂટ કરી ગઢપુરમાં;

સાથે સંત લઈ ચાલ્યા ફરવા, કોટી જીવનાં કલ્યાણ કરવા. ૨

ગયા સુંદરિયાણે શ્રીહરી, ત્યાંથી કૌકે ગયા કૃપા કરી;

ચિત્રાસર ગયા ધર્મનિધાન, કર્યું સાભ્રમતી માંહિ સ્નાન. ૩

ગયા જેતલપુર જન કાજ, મોલમાં ઉતર્યા મહારાજ;

ગંગામાએ કર્યો થાળ સારો, જમ્યા પ્રાણજીવન પ્રભુ પ્યારો. ૪

અશલાલી ગયા અવિનાશી, પામ્યા આનંદ ત્યાંના નિવાસી;

ગયા શ્રીપુરમાં સુખરાશ, નવાવાસમાં કીધો નિવાસ. ૫

સર્વ હરિજનને સુખ આપ્યું, કષ્ટ આપ વિજોગનું કાપ્યું;

વિચર્યા તહાંથી વનમાળી, વાલો જઇને વસ્યા અશલાલી. ૬

ગયા જેતલપુર જગતાત, રહ્યા ત્યાં જઈ બે ત્રણ રાત;

વડ હેઠ સભા સજી સારી, બેઠા એક સમે ગિરધારી. ૭

દવે ઈશ્વર વિપ્રનું નામ, મુમધા ગામમાં જેનું ધામ;

બ્રહ્મરાક્ષસ વળગેલો એને, પ્રભુ પાસ તેડી લાવ્યા તેને. ૮

પ્રભુને દેખીને લાગ્યો બળવા, બરાડા પાડી લાગ્યો કકળવા;

પુછ્યું શ્રીજીયે કોણ છું તુંય, બોલ્યો તે બ્રહ્મરાક્ષસ છુંય. ૯

પછી બોલ્યા વળી પરમેશ, આવ્ય મારા શરીરમાં પેસ;

બોલ્યો તે તમમાં ન પેસાય, તવ દૃષ્ટિથી દાઝી મરાય. ૧૦

ઉચ્ચર્યા ફરીથી અક્ષરેશ, સંતમાં સતસંગીમાં પેસ;

ત્યારે બોલિયો રાક્ષસ ત્યાંય, તેમાં પણ મુજથી ન પેસાય. ૧૧

વર્તમાન ધરમ નવ પાળે, મારું જોર તે ઉપર ચાલે;

પૂરો ભક્ત તમારો ન થાય, તેના તનમાં મેં પેસી શકાય. ૧૨

બાઇયોમાં હશે કોઈ એવી, મને તેમાં જવા રજા દેવી;

એવી સાંભળીને એની વાણી, બાઇયોને કહે પદ્મપાણિ. ૧૩

સુણો બાઇયો આ જે કહે છે, તમોમાં આવવાને ચહે છે;

બોલી બાઇયો સૌ તેહ ટાણે, પાળશું ધર્મ આજ્ઞા પ્રમાણે. ૧૪

આંહીં મોકલશો નહિ એને, આપો શ્રીહરિ સદ્‌ગતિ તેને;

કહે રાક્ષસને હરિરાય, જા તું બદરીકઆશ્રમ માંય. ૧૫

કરી તપ ધરજે નરઅંગ, પછી થાશે તને સતસંગ;

મારી ભક્તિ કરીને તે ઠામ, અંતે પામીશ અક્ષરધામ. ૧૬

બ્રહ્મરાક્ષસ તે તહાં ગયો, વિપ્ર ઈશ્વર સત્સંગી થયો;

કહે વર્ણિ હે ભૂપ ઉદાર, સુણો એહ આખ્યાનનો સાર. ૧૭

વળગે ભૂત કે પ્રેત જેને, સતસંગી ન સમજવો તેને;

શિવ બ્રહ્મા આદિ દેવ જે છે, સતસંગીને ચરણે નમે છે. ૧૮

ત્યારે ભૂત શા માત્ર બિચારું, શી રીતે તે નડી શકનારું?

હોય ગડબડિયો ભક્ત જેહ, મંત્ર1 જંત્ર2 સાચા ગણે તેહ. ૧૯

ભૂત તેના જ ચિત્તને ઝાલે, મૂઠ ચોટ તેના પર ચાલે;

તેના તનને નજર પણ લાગે, હરિજનથી તો તે સહુ ભાગે. ૨૦

ભૂત પ્રેત ગણાય છે કેવા, દેવલોકના ભંગિયા જેવા;

જેને રાજાનો આશ્રય હોય, ભંગિયો તેને શું કરે કોય. ૨૧

પુષ્પિતાગ્રાવૃત્ત

દૃઢ હરિજન હોય સત્ય જેહ, કદિ પણ ભૂત થકી ડરે ન તેહ;

પ્રભુવિણ પર મંત્ર જંત્ર જાણે, નિજ મન લેશ પ્રતીતિ તે ન આણે. ૨૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

જયતલપુરે શ્રીહરિ-બ્રહ્મરાક્ષસોપદ્રવનિવારણનામૈકાશીતિતમો વિશ્રામઃ ॥૮૧॥

 

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે