કળશ ૭

વિશ્રામ ૮૨

પૂર્વછાયો

જીવન જયતલપુર થકી, ગયા મેમદાવાદ મોઝાર;

સેવા સજી સતસંગિયે, ધરી અંતરે હેત અપાર. ૧

ચોપાઈ

અંબારામ ને દુર્લભરામ, પંડ્યા ઈશ્વર સદ્‌ગુણધામ;

બીજા પણ સતસંગી સમેત, પૂજ્યા શ્રીહરિને ધરી હત. ૨

ગામબાર પૂરવ દિશ માંય, વડ હેઠ વિસામો છે ત્યાંય;

હરિકૃષ્ણે કર્યો ત્યાં ઉતારો, વડ જોઈને શોભિત સારો. ૩

વિપ્ર તે ગામના વિદવાન, આવ્યા દર્શન કાજ તે સ્થાન;

ઝીણાં પ્રશ્ન પૂછ્યાં મહારાજે, કહ્યું તે સમે તેહ સમાજે. ૪

એનો ઉત્તર અમથી ન થાય, કહો આપ કરીને કૃપાય;

પછી કૃષ્ણે તે ઉત્તર કહ્યા, સુણીને રાજી સૌ વિપ્ર થયા. ૫

દૈવી જીવનો સંશય ગયો, નિશ્ચે શ્રીહરિનો તેને થયો;

મેમદાવાદથી મહારાજ, ચાલ્યા સંતનો લઈને સમાજ. ૬

કેટલાએક ગામમાં જૈને, નિજ દાસને દર્શન દૈને;

કાંઈ કરવાનું કામ વિશેષ, પલાણે ગયા શ્રીપરમેશ. ૭

જતાં ગામના ગોંદરામાંય, મળ્યાં ભક્ત વખતબાઇ ત્યાંય;

તેણે પ્રેમથી કીધા પ્રણામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ. ૮

તમે વેલાલનાં વસનાર, કેમ આવ્યાં પલાણા મોઝાર;

ત્યારે બાઈ બોલ્યાં જોડી હાથ, મારું પિયર આંહિ પ્રાણનાથ. ૯

પિતા રઘુનાથદાસ છે મારો, પ્રભુ તેહને ઘેર પધારો;

કર્યો આગ્રહ અત્યંત પેર, ત્યારે કૃષ્ણ ગયા તેને ઘેર. ૧૦

દિઠો ઓટલો આંગણે સારો, હરિકૃષ્ણે કર્યો ત્યાં ઉતારો;

રઘુનાથદાસે દિધું માન, ભલે આવ્યા કહ્યું ભગવાન. ૧૧

ત્યાં તો સૌ મળિને સતસંગી, આવ્યા દર્શન કાજ ઉમંગી;

પ્રભુદાસ ભલા પાટીદાર, વસનદાસ તો તેના કુમાર. ૧૨

તેના પુત્ર તો કરશનદાસ, તેને તેડી આવ્યા પ્રભુ પાસ;

પ્રભુને પગે તેને લગાડ્યા, હરિયે શિર હાથ અડાડ્યા. ૧૩

જાણ્યું જે કૃષ્ણદાસ છે નામ, ત્યારે બોલિયા શ્રીઘનશ્યામ;

આ તો કૃષ્ણના દાસ જ થાશે, નહિ દુનિયાના દાસ ગણાશે. ૧૪

એ તો ઉત્તમ ભક્ત નિવડશે, આખા કુળનું કલ્યાણ તે કરશે;

કહ્યું સૌ જને જોડીને હાથ, આજ રાત રહો આંહીં નાથ. ૧૫

થયા તોય જવાને તૈયાર, રઘુનાથદાસે તેહ ઠાર;

સૌને સૂખડીના લાડુ દીધા, શ્રીજીયે ને જને જમી લીધા. ૧૬

વસનદાસની સ્ત્રી ગુણધામ, તેનું પણ છે વખતબાઈ નામ;

તે તો દરશન કરવાને આવ્યાં, સાથે અવલ કસનબાને લાવ્યાં. ૧૭

ભેટ ભગવાન આગળ ધારી, નમ્યાં જય મહારાજ ઉચ્ચારી;

વિનતી કર જોડીને કીધી, દયાસિંધુયે આશિષ દીધી. ૧૮

હવે કરશનદાસની વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

થઈ શ્રીહરિની તેને દયા, તેથી ભક્ત અનન્ય તે થયા. ૧૯

પૂર્વછાયો

હરિજન કરશનદાસજી, ગામ પલાણાના પાટીદાર;

આખ્યાન ઉચરું એહનું, સતસંગી રિઝે સુણનાર. ૨૦

ચોપાઈ

ધ્રુવ પ્રહ્‌લાદનાં આખ્યાન, સુણતાં થાય પાવન કાન;

એવા ભક્ત ઘણા થયા આજ, તન ધન કર્યાં કૃષ્ણને કાજ. ૨૧

એવા ભક્તની સુણતાં કથાય, પાપીજન તો નહીં રાજી થાય;

વેદવ્યાસે એવાં જ આખ્યાન, એ જ માટે લખ્યાં છે નિદાન. ૨૨

થયાં ઉમરલાયક જ્યારે, પિતાએ પરણાવિયા ત્યારે;

નારિ નામે હતી હેતાબાઈ, હરિભક્ત ભલી વખણાઈ. ૨૩

શાસ્ત્ર રીતે કર્યો ઘરવાસ, થયો પુત્ર નારાયણદાસ;

તેહ પણ ભલો ભક્ત જ ભાસે, પરણાવિયો કરશનદાસે. ૨૪

પછી તેને થયો પુત્ર જેહ, ભૂલો નામે ભલો ભક્ત તેહ;

ત્રણે જણ થયા સત્સંગી તેવા, સેવ્યા આચાર્ય સદ્‌ગુરુ સેવ્યા. ૨૫

નારાયણદાસની જેહ નારી, તજી તન ધામ માંહિ પધારી;

થયા રાજી નારાયણદાસ, ભજશું સુખે શ્રીઅવિનાશ. ૨૬

માતાએ પણ ઉપદેશ દીધો, અતિ વૈરાગ્ય ઉત્પન્ન કીધો;

પુત્ર ને પૌત્ર એ બડભાગી, તેણે ત્યાગી થવા રજા માગી. ૨૭

સુણી રાજી થયાં હેતાબાય, રાજી થૈ આપી બેને રજાય;

ત્યારે લઈ તેને કરશનદાસ, આવ્યા ભગવત્પ્રસાદજી પાસ. ૨૮

સાધુ કરવાને બે સુત દીધા, બેને સાધુ આચારજે કીધાં;

તેનું ધર્મપ્રસાદજીદાસ, પાડ્યું નામ પુરી થઈ આશ. ૨૯

નામ નિર્મળદાસ બીજાનું, કુળ દિપાવ્યું તેણે પિતાનું;

તજીયો બાળાપણથી સંસાર, ધન્ય ધન્ય એનો અવતાર. ૩૦

ગયા કરશનદાસ તો ઘેર, ભજે શ્રીપ્રભુને રુડી પેર;

હતું પોતા તણું ઘર જ્યાંય, કર્યું બાઇયોનું મંદિર ત્યાંય. ૩૧

પછી ઈશ્વરની જ ઇચ્છાએ, નિજ દેહ તજ્યો હેતાબાએ;

કૃષ્ણદાસ પાસે હતું જેહ, દિધું વરતાલે દેવને તેહ. ૩૨

પોતે લક્ષ્મીનારાયણ પાસ, વરતાલમાં કીધો નિવાસ;

સેવે આચાર્યને કરી પ્રીત, કથા વારતા સાંભળે નિત્ય. ૩૩

એવા તો અતિ વૈરાગ્યવાન, હતા કૃતયુગમાં1 કોઈ સ્થાન;

પણ આજ તો વૈરાગ્યવાળા, ભક્ત સત્સંગમાં બહુ ભાળ્યા. ૩૪

પણ જ્યાં સુધી જીવતા હોય, મહિમા તેનો જાણે ન કોય;

તન ત્યાગીને ધામમાં જાય, પછી પાછળથી વખણાય. ૩૫

સુણીયે એવાનાં આખ્યાન, ઉપજે ઉર વૈરાગ્ય જ્ઞાન;

કૃષ્ણદાસની સમજણ જેવી, પ્રભુ આગળ માંગીયે એવી. ૩૬

મહારાજ થઈ મહેરબાન, કથા સાંભળવા કર્યા કાન;

કથા સાંભળી સર્વે સમાજ, બોલો જય જય શ્રીમહારાજ. ૩૭

પુષ્પિતાગ્રાવૃત્ત

જન કરશનદાસની કથાય, સુણિ સમઝે જન તે પવિત્ર થાય;

પ્રભુપદ ઉપજે વિશેષ પ્રીત, અધરમસર્ગ થકી રહે અભીત. ૩૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

પલાણાગ્રામે કૃષ્ણદાસાખ્યાનકથનં નામ દ્વ્યશીતિતમો વિશ્રામઃ ॥૮૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે