વિશ્રામ ૮૩
પૂર્વછાયો
કહ્યું આખ્યાન કૃષ્ણદાસનું, કથા ચાલતી તે કહું ભાઈ;
પલાણાથી પ્રભુ પરવર્યા, દીનબંધુ સદા સુખદાઈ. ૧
ચોપાઈ
વિચર્યા વસો ગામમાં વાલો, ધર્મરક્ષક ધર્મનો લાલો;
દવે દાદાને ઘેર ઉતારો, કર્યો તે લાગ્યો સર્વને પ્યારો. ૨
ત્યાં તો નાયા અગાશીમાં લાલ, જમનાબાઇએ કર્યો થાળ;
જમીને પ્રભુ ત્યાં રહ્યા રાત, સ્વજનોને કરી જ્ઞાનવાત. ૩
બીજે દિન વિચર્યા વૃષલાલ, વાલો આવિયા શ્રીવરતાલ;
જઈ વાસણ સુતાર ઘેર, ઉતર્યા પ્રભુજી શુભ પેર. ૪
ગયા નરનારાયણ સ્થાન, ધરી ભેટ નમ્યા ભગવાન;
રામદાસજી આદિક સંત, ભાવે તેને ભેટ્યા ભગવંત. ૫
રામદાસજીનો ગ્રહી હસ્ત, જોઈ જગ્યા ફરીને સમસ્ત;
વાલે જગ્યા જોઈને વખાણી, કહ્યું જુક્તિ ભલી તમે આણી. ૬
થતો હતો નારાયણમોલ, તેને જોઈ બોલ્યા હરિ બોલ;
જોવા જોગ જગ્યા થશે સારી, ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી. ૭
એમ કહિને પધાર્યા ઉતારે, જમ્યા જીવન ને સંત ત્યારે;
થોડા દિવસ કરીને નિવાસ, કરી જ્ઞાનની વાત પ્રકાશ. ૮
પછી પરવરિયા અલબેલ, પીપળાવ થઈને ગુડેલ;
ભલા ભક્ત ગરાશિયા ત્યાંય, જેનું નામ જીભાઈ ગણાય. ૯
તેણે સેવા સજી શુભ રીતે, બીજા ભક્તોએ પણ પૂજ્યા પ્રીતે;
એક બાઇ અવલબાઈ નામ, પાટીદાર વસે તે ઠામ. ૧૦
તેણે સંતને દીધી રસોઈ, પૂજ્યા શ્રીહરિને સમો જોઈ;
શત મોર ધરી પ્રભુ પાસે, મારી ભક્તિ અનન્ય હુલાસે. ૧૧
વળી બાઈ બોલી તેહ વાર, મને કોઈ નથી પાળનાર;
મારે આ લોક ને પરલોક, લેજો સંભાળ ઉત્તમશ્લોક.1 ૧૨
કહ્યું નાથે તથાસ્તુ તે ઠામ, વળી જીભાઈને કહ્યું આમ;
રાખજો આ બાઈની સંભાળ, તમે ક્ષત્રિ છો જનપ્રતિપાળ. ૧૩
એવી દૈને ભલામણ સારી, કૃષ્ણે ચાલવા કીધી તૈયારી;
પછી કોઈ સમે અહો રાય, મોટી ધાડ પડી ગામમાંય. ૧૪
ઘર અવલનું લૂટવા આવી, જૈને ઝીભાઈએ અટકાવી;
કેટલાએકને નાખ્યા મારી, ઘાવ પોતાને ત્યાં વાગ્યા ભારી. ૧૫
ધન્ય ધન્ય છે ક્ષત્રિનો ધર્મ, વખાણે લોક સૌ તેનું કર્મ;
અંતકાળે આવ્યા ભગવાન, તેને તેડી ગયા નિજ સ્થાન. ૧૬
હરિજન અરથે તજ્યો દેહ, મોટા મુક્ત વખાણે છે તેહ;
ગામ ગુડેલથી ગિરધારી, ગયા ગઢપુર ભવભયહારી. ૧૭
વળી કોઈ સમાની કથાય, કહું તે તમે સાંભળો રાય;
કરી જન્માષ્ટમી ગઢપુરમાં, ફરવાનિ ઇચ્છા ધરિ ઉરમાં. ૧૮
ગયા સારંગપુર ઘનશ્યામ, રહ્યા થોડા દિવસ તેહ ઠામ;
આવ્યો ભાદરવો ભલો જ્યારે, કારિયાણીયે સંચર્યા ત્યારે. ૧૯
કરી કાર્તિકી પુનમ ત્યાંય, ઘણી લીલા કરી હરિરાય;
સૂરો ખાચર લોયાના જેહ, આવ્યા તેડવા કારણ તેહ. ૨૦
દાદા ખાચર બોલિયા વાણી, ચાલો ગઢપુર સારંગપાણિ;
મોટીબા વળી બોલિયાં એમ, પ્રભુ લોયે પધારશો કેમ. ૨૧
લક્ષ્મીબાગનાં વંતાક જેવાં, બીજે ગામ થતાં નથી એવાં;
આ છે વંતાકનું ટાણું આજ, ચાલો ગઢપુર શ્રીમહારાજ. ૨૨
ગઢડાનાં વંતાક વખાણ્યાં, ગર્વગંજને અંતરે આણ્યાં;
ગયા લોયે શ્રીધર્મદુલારો, શોકઉત્સવ ત્યાં કર્યો સારો. ૨૩
દૈવી માયાયે2 વંતાક કીધાં, સુરાભક્ત નાણું દઈ લીધાં;
ન મળે મૃત્યુલોકમાં જેવાં, અતિ ઉત્તમ વંતાક એવાં. ૨૪
ગઢપુરના નિવાસીનો ગર્વ, ઉતરી ગયો તે સમે સર્વ;
ઇચ્છારામ ને રામપ્રતાપ, નિજ દેશ ગયા હતા આપ. ૨૫
પ્રભુદર્શન ચિત્ત ચહાઈ, આવ્યા તે સમે તે લોયામાંઈ;
શાકઉત્સવનો જે વિસ્તાર, લખ્યો છે ઘણા ગ્રંથ મોઝાર. ૨૬
માટે સંક્ષેપમાં કહિ વાત, સુણો ભૂપ અભેસિંહભ્રાત;
માઘ માસ સુધી લોયા ગામે, ઘણી લીલા કરી ઘનશ્યામે. ૨૭
પછી ત્યાંથી પધાર્યા પંચાળે, દયા બહુ કરિ દીનદયાળે;
ઝીણાભાઈ તણે દરબાર, ઉતર્યા જઈ પ્રાણઆધાર. ૨૮
ગામ બહાર પલાશના3 વનમાં, ઉતર્યા સંત હરખીને મનમાં;
હાલ છત્રી કરાવી છે જ્યાંય, સભા ભરતા મહાપ્રભુ ત્યાંય. ૨૯
તહાં ફાગણી પુનમ રાતે, રમ્યા રાસ પ્રભુ ભલિ ભાતે;
વડનું ઝાડ સુંદર ભાળી, સંત સાથે ફર્યા પાડી તાળી. ૩૦
ભક્તિધર્મ સહિત ભક્તિજાતે,4 દીધું દિવ્ય દર્શન મધ્યરાતે;
બીજે દિવસ બે હોજ કરાવ્યા, તેમાં રંગ રચાવી ભરાવ્યા. ૩૧
પાંચસે પિચકારી કરાવી, સંત પ્રત્યેકને તે અપાવી;
એક કોરે બ્રહ્માનંદ રહ્યા, બીજી તરફ નિત્યાનંદ થયા. ૩૨
બેય ભાગે વેંચાઇને સંત, રમ્યા રંગનો ખેલ અત્યંત;
મંચ ઉપર માવ બિરાજી, જોઈ ખેલ થયા બહુ રાજી. ૩૩
પછી સારિ સજી અસવારી, ગામ પૂર્વે ગયા ગિરધારી;
સાબળી નદીમાં કર્યું સ્નાન, આવ્યા ઉતારે શ્રીભગવાન. ૩૪
સભા સાંજે સજી ધર્મતન, આવ્યા સુરતના હરિજન;
પૂજ્યા પ્રેમ ધરિને અથાક, અતિ સારો ધરાવ્યો પોશાક. ૩૫
વળી અદ્ભુત એક ચરિત્ર, કહું સાંભળો પરમ વિચિત્ર;
મોટું નરવરકોટ છે ગામ, સારા ક્ષત્રિ વસે તેહ ઠામ. ૩૬
પ્રભુ મળવાનિ ઇચ્છા તે રાખે, ભાવથી નિત્ય પ્રાર્થના ભાખે;
એક દિવસ છ માસનું બાળ, ત્યાં તો બોલી ઉઠ્યું તતકાળ. ૩૭
પ્રભુને મળવા જો ચહાઓ, સદ્ય5 સોરઠ દેશમાં જાઓ;
ગુણવંત પંચાળું છે ગામ, મળશે પ્રભુજી તેહ ઠામ. ૩૮
એવું સાંભળી તેઓ સિધાવ્યા, પંથ લાંબે પંચાળામાં આવ્યા;
સાંભળ્યો શ્રીહરિનો પ્રતાપ, પ્રણમ્યા ધરિ પ્રેમ અમાપ. ૩૯
કર્યાં ભેટ કટાર6 કમાન,7 હતાં તે તો મહા મુલવાન;
સ્નેહે શ્રીજીનો આશ્રય કર્યો, સતસંગી તણો વેષ ધર્યો. ૪૦
પંચાળા માંહિ શ્રીપરમેશ, વળિ લીલા કરી છે વિશેષ;
પાંચસેં સંતને લઈ સાથ, ઘણા દિવસ વસ્યા છે ત્યાં નાથ. ૪૧
હતું સૂર્યગ્રહણ એક ટાણે, ત્યારે નાવા ગયા તે ઠેકાણે;
ગામથી વાયુખૂણમાં સારો, જહાં છે મહાદેવનો આરો. ૪૨
સારું છે શિવનું એક સ્થાન, સરિતામાં કર્યું તહાં સ્નાન;
નદીનાં મત્સ્ય આદિ બોલાવી, શ્યામે સૌને સમાધિ કરાવી. ૪૩
શ્રીજીએ શિવને નવરાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યાં;
દાન વિપ્રોને બહુ વિધિ દીધાં, સંત બ્રાહ્મણે ભોજન કીધાં. ૪૪
શિવનો ઓટલો અને દેરું, પ્રસાદિનું છે સ્થાન ઘણેરું;
પંચાળા માંહી લીલા અપાર, હરિએ કરિ છે બહુ વાર. ૪૫
પછે ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ, ગયા શ્રીજી જિરણગઢ ધામ;
હરિનૌમિ આવી એહ કાળે, કર્યો ઉત્સવ ત્યાં વૃષલાલે. ૪૬
પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ, ગયા ગિરધર ગઢપુરધામ;
આવી અક્ષયત્રીજ જે કાળે, વળી વાલો આવ્યા વરતાલે. ૪૭
નારાયણમોલમાં કર્યો વાસ, આવ્યા દર્શન કરવાને દાસ;
દેશ દેશના પણ હરિજન, આવ્યા બહુ કરવા દરશન. ૪૮
સભામંડપ છે આજ જ્યાંય, એક ખેતર તો હતું ત્યાંય;
વટપત્તનનો8 સંઘ આવ્યો, તેણે ઉતારો ત્યાં જ ઠરાવ્યો. ૪૯
બીજા ધારુ9 તળાવને તીર, ઉતર્યા જોઈ નિર્મળ નીર;
જ્ઞાનબાગમાં આમલા પાસ, ઉતર્યા કોઈ તો હરિદાસ. ૫૦
અશ્વે થૈ શ્રીહરિ અસવાર, ફર્યા તે સર્વ સંઘ મોઝાર;
એમ સર્વને દર્શન દૈને, નારાયણમોલમાં બેઠા જૈને. ૫૧
દવે દાદા વસોના નિવાસી, કહ્યું તેણે અહી સુખરાશી;
આજ આવી અમારે ઉતારે, જમો થાળ કૃપા કરો ભારે. ૫૨
પછી ધારુતળાવને તીર, જમવા ગયા શ્યામશરીર;
પુત્રી જમનાએ કીધી રસોઈ, ભગવાન જમ્યા ભાવ જોઈ. ૫૩
એમ જનનિ જોઈ ઘણિ પ્રીત, જમે જીવન જન હિત નિત્ય;
ઓટો ધારુતળાવને તીર, બેઠા તે ઉપરે નરવીર. ૫૪
સભા સંતની સારી ભરાણી, બેઠા હરિજન બહુ મુદ આણી;
બેઠી બાઇયો પણ કાંઈ દૂર, નેહે નિરખવા હરિમુખ નૂર.10 ૫૫
જ્ઞાનવાત કરી હરિ ઘણી, પુરુષોત્તમ સ્વરૂપ તણી;
દિવ્યભાવ વિશેષ દેખાડ્યો, અતિ આનંદ સૌને પમાડ્યો. ૫૬
સભામાંહિથી જ્યારે સિધાવ્યા, નારાયણબાગ છે તહાં આવ્યા;
તહાં ખેતર સુંદર જોઈ, બોલ્યા શ્રીહરિ હર્ષીત હોઈ. ૫૭
આંહીં નરનારાયણ કાજે, બાગ થાય તો તે બહુ છાજે;
એવી વાણી કહી અલબેલે, સુણી વરતાલવાસી પટેલે. ૫૮
હેતે બોલ્યા તે જોડીને હાથ, સત્યસંકલ્પ છો તમે નાથ;
સંઘ ઉતરે છે આંહિ આવી, પૂજે છે આપને પધરાવી. ૫૯
માટે રમણભૂમિ રુડિ એહ, અમે આપને અર્પિયે તેહ;
લેખ સૌએ મળી કરિ દીધો, કૃપાનાથને અર્પણ કીધો. ૬૦
નથુભક્ત તથા હરિભાઈ, પાળા બેને કહે સુખદાઈ;
તમે આ સ્થળ બાગ બનાવો, ફુલઝાડ વિચિત્ર રોપાવો. ૬૧
કુવો એક તો તરત કરાવો, સ્થિતિ ત્યાં દાદાગુરુની11 ઠરાવો;
એવી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે, કરાવ્યો કુવો તેહ ઠેકાણે. ૬૨
જળ જોવાને શ્રીહરિ આવ્યા, દાદાગુરુએ તહાં નવરાવ્યા;
ચરણોદક કૂપમાં નાખ્યું, ભલું માહાત્મ્ય કૂપનું ભાખ્યું. ૬૩
ચર્ચિ કેસર ચંદન સાર, પ્રભુને ધર્યા પુષ્પના હાર;
કરિ લીલા ઘણી ઘનશ્યામ, પધાર્યા પછી ગઢપુરધામ. ૬૪
વળી એક સમે અવિનાશી, કરી આસોની પૂરણમાસી;
ચાલ્યા ગઢપુરથી ગિરધારી, કારિયાણીયે જનસુખકારી. ૬૫
દેવા દર્શન જનને ઉદાર, ગયા ધોલેરે ધર્મકુમાર;
સતસંગી સામા આવ્યા ઘણા, મુખ્ય નામ કહું તેહ તણાં. ૬૬
પુજાભાઈ બનેસિંહ જાણો, વરહાભાઈ ત્રિજા પ્રમાણો;
ડોસાભાઈ તથા ખીમાભાઈ, આવ્યા એહ આદિક હરખાઈ. ૬૭
પુજાભાઈ તણે દરબાર, ઉતર્યા જઈ પ્રાણઆધાર;
ધનતેરશ ચૌદશ કાળી, કર્યા ઉત્સવ આવિ દીવાળી. ૬૮
ફુલીબા ને અજુબાએ મળી, ભગવાનની ભક્તિમાં ભળી;
અન્નકૂટ તણો જે સામાન, સજિ રાખ્યો હતો તેહ સ્થાન. ૬૯
ભાત ભાત રસોઈ કરાવી, ધર્મપુત્રની પાસે ધરાવી;
કર્યો ઉત્સવ હરખી અત્યંત, જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત.. ૭૦
થોડા દિવસ રહી સુખધામ, વૃષપુત્ર ગયા વડગામ;
ગયા પાનડ અને આખોલ, ત્યાંથી તામસે કરતા કલ્લોલ. ૭૧
ત્યાંથી ગુડેલ જૈ ગિરધારી, આવ્યા વરતાલ વિશ્વવિહારી;
એટલામાં પ્રબોધિની આવી, હરિભક્ત તણે મન ભાવી. ૭૨
દેશદેશના સંઘ અપાર, સમૈયા પર આવ્યા આ ઠાર;
આજ મંદિર પાછળ જ્યાંય, સારી છત્રી કરાવી છે ત્યાંય. ૭૩
સભામાં બિરાજ્યા સુખદાઈ, અંગે ઓઢીને પીળી રજાઈ;
સર્વ સંત તથા સતસંગી, કરે દર્શન અંગે ઉમંગી. ૭૪
જ્ઞાનવાત કરી ઘણી સારી, સુણતાં સહુને સુખકારી;
પોતે પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, નવા ભક્તોને નિશ્ચે કરાવ્યો. ૭૫
વળી બોલિયા શ્રીમહારાજ, તમે સાંભળો સર્વ સમાજ;
સમૈયો આંહિ કરિયે જે વારે, તમને લખિયે છૈયે ત્યારે. ૭૬
હરિનવમી પ્રબોધિની જેહ, હવેથી તો સમૈયા બે તેહ;
નક્કી કરશું જ વરતાલ માંહી, માટે આવજો સૌ તમે આંહીં. ૭૭
કદી કોઈના આગ્રહ વડે, જો અમારે બીજે જાવું પડે;
તોય આવવું અહિ તમારે, બીજે તીર્થ જવું નહિ ત્યારે. ૭૮
એમ આજ્ઞા કરી અવિનાશી, પોઢ્યા ઉતારે જૈ સુખરાશી;
બીજે દિન ભાત ભાત ભોજન, જમ્યા નાથ જમ્યા મુનિજન. ૭૯
વીતી કાર્તિકી પૂનમ જ્યારે, શ્યામે સૌને રજા દીધી ત્યારે;
ગયા હરિજન નિજ નિજ ગામ, ગયાં મંડળ ફરવાનું કામ. ૮૦
પુષ્પિતાગ્રાવૃત્ત
કરિ હરિ વરતાલથી વિહાર, ગઢપુર જૈ સ્થિરતા કરી સુઠાર;
મન ગઢપુર તુલ્ય આ અમારું, ગણી વૃષનંદ વસો સદૈવ સારું. ૮૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિલોયાગ્રામે શાકઉત્સવ પંચાળગ્રામે પુષ્પદોલોત્સવ જીર્ણદુર્ગે હરિનવમી
તથા વૃત્તાલયે પ્રબોધિન્યુત્સવ કરણનામ ત્ર્યશીતિતમો વિશ્રામઃ ॥૮૩॥
॥ ઇતિ શ્રીહરિલીલામૃતે ચારુતરાખ્ય સપ્તમ કલશઃ સમાપ્તઃ ॥