વિશ્રામ ૯
પૂર્વછાયો
હરિ હતા હાથરોલિયે, અને ત્યાં જ હતા સઉ સંત;
ત્યાં જે જે લીલા કરી, કહું તે સુણો નૃપ ગુણવંત. ૧
ચોપાઈ
પછી શ્રીહરિ એક દહાડે, જમવા ગયા બારમુવાડે;
જતાં મારગે વનમાં વિચરતાં, એક સાધુ દીઠા તપ કરતા. ૨
અન્ન જળ ત્રણ દિવસ તજેલું, અતિશે તપ તીવ્ર સજેલું;
સાદ શ્રીહરિનો સુણ્યો જ્યારે, ધ્યાનમાંથી જાગ્યા તેહ ત્યારે. ૩
પ્રભુને કર્યો દંડ પ્રણામ, ત્યારે બોલિયા સુંદર શ્યામ;
આવું તપ કળિમાં ન આચરવું, નિજ કાયાનું રક્ષણ કરવું. ૪
ઉપજાતિ (તીવ્રતપનિષેધ વિષે)
મનુષ્યનો દેહ અમૂલ્ય એહ, ભક્તિ કર્યામાં ઉપયોગી તેહ;
તે દેહનું રક્ષણ નિત્ય કીજે, તપે કરીને નહિ ત્યાગિ દીજે. ૫
જો દેહનો ત્યાગ તપે કરે છે, તો આત્મઘાતી જન તે ઠરે છે;
પ્રભૂ રિઝાવા તપ કાજ જાય, એથી પ્રભુ તો ઉલટા રિસાય. ૬
જુદા જુદા છે જુગધર્મ જેહ, શાસ્ત્રો સુણીને સમઝો જ તેહ;
દેહાંત જે આ કળિમાં કરે છે, તે તો તપસ્વી નરકે ઠરે છે. ૭
કરે મહાપાપ કદાપિ કોય, દેહાંત જો વારણ1 તેનું હોય;
તે નિષ્કૃતિ2 આ કળિમાં ન કીજે, સચ્છાસ્ત્રથી તે સુણી મર્મ લીજે. ૮
સમાજથી ભિન્ન પડી ન જાવું, સૌથી તપસ્વી અતિશે ન થાવું;
દોડે વિશેષે સહુનાથિ જેહ, થાકી રહે અંતરિયાળ3 એહ. ૯
વિશેષ સૌથી તપ જે ચહાય, માંદો પડે કે તનને તજાય;
જમાય છે ભોજન ગ્રાસ ગ્રાસે, આખો મુખે મોદક કેમ માશે. ૧૦
સેના થકી આગળ કોઈ જાય, મરે અને મુરખમાં ગણાય;
લડે ચમૂમાં4 રહિ શત્રુ સામે, તે શૂરવિરો જશ પૂર્ણ પામે. ૧૧
જો સંત ઇચ્છો અમને રિઝાવા, સમાજથી ભિન્ન થશો ન આવા;
જો પોતપોતે મનને રિઝાવો, ભલે કરો તે તપ તીવ્ર આવો. ૧૨
વર્ણી કહે સાંભળ હે નરેશ, સમાજમાં છે સુખ તો વિશેષ;
સત્સંગ ઇચ્છે સનકાદિ જેવા, સદા કરે સંત તણી જ સેવા. ૧૩
શ્રી નૈમિષારણ્ય વિષે મુનિયો, સુણે મળી કુષ્ણકથા જુનીયો;
શ્રી શ્વેતદ્વીપાખ્ય નિવાસિ જેહ, વસે સદા સજ્જિ5 સમાજ તેહ. ૧૪
સમાજ જો શ્રીભરતે ન સેવ્યો, તેને પડ્યો ત્યાં મૃગદેહ લેવો;
સમાજ માંહી ન રહ્યા જ જેહ, ચળ્યા મુનિ સૌભરી આદિ તેહ. ૧૫
માટે કહે શાસ્ત્રપુરાણકાર, સત્સંગ કેરો મહિમા અપાર;
સંતો તણી તો સજિયે જ સેવા, સુજ્ઞાન વિજ્ઞાન વિશેષ લેવા. ૧૬
સૌનાથી પોતે અતિ શ્રેષ્ઠ થાવા, પ્રભુ વિષે પ્રેમ ઘણો જણાવા;
એકાંત બેસી તપ ઉગ્ર માંડે, કુસંગ થાતાં સતસંગ છાંડે. ૧૭
શ્રીજી ગયા આપ સ્વધામ જ્યારે, સૌથી વધૂ શોક જણાવી ત્યારે;
જેણે પિવા લોટ હંમેશ માંડ્યો, તેણે સમૂળી સતસંગ છાંડ્યો. ૧૮
શ્રીવાસુદેવાખ્ય સુબ્રહ્મચારી, તેને પૂછ્યો પ્રશ્ન જને વિચારી;
સત્સંગમાં કોણ સદા વસે છે? સત્સંગથી કોણ કદી ખસે છે? ૧૯
અથ ગતાગતભેદ:6
વદે સુવાણી સુણિ વાસુદેવ, વસે જ જે સન્ત સજે જ સેવ;
એ યોગમાંહિ નહિ માંગયોએ, તે તો હતો પિષ્ટ7 પિતો હતો તે. ૨૦
કહે અચિંત્યાખ સુણીજી રાય, હવે કહું શ્રીહરિની કથાય;
સાધુ સમીપે વનમાં વિચારી, કહ્યું હરિએ હિતકારિ ધારી. ૨૧
ચોપાઈ
એમ દૈ સંતને ઉપદેશ, પેંડા આપ્યા પોતે પરમેશ;
પેંડા તે જમીને પીધું નીર, ત્યારે રાજી થયા નરવીર. ૨૨
સંતમંડળમાં સંત રહ્યા, બારમુવાડે બળવંત ગયા;
બ્રહ્મચારીએ ત્યાં કાર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૨૩
હાથરોલિયે શ્રીહરિ આવ્યા, ભાળી ભક્ત તણે મન ભાવ્યા;
સંઘ સુરતનો એવે ટાણે, આવ્યો દર્શન કરવા ડભાણે. ૨૪
બ્રહ્માનંદે કહ્યું કૃપા કરી, હાથરોલિયે આજ છે હરી;
થોડા દિવસમાં આવશે આંહીં, રહો ધૈર્ય ધરી મન માંહી. ૨૫
સંભળાવિયાં એવાં વચન, પણ દર્શનાતુર તેહ જન;
હાથરોલિયે જૈ હરિ પાસ, કર્યાં દર્શન થૈ પુરી આશ. ૨૬
બોલ્યા જાલમસિંહ તે ઠામ, ઘોડાસર વિચરો ઘનશ્યામ;
પાલખી એક આણી છે અમે, તેમાં આજ બિરાજોજી તમે. ૨૭
મારી પાલખી પાવન થાય, પરશે પ્રભુ આપના પાય;
પછી બેસીને પાલખીમાંય, ગયા સંત સહિત હરિ ત્યાંય. ૨૮
ઘોડાસરમાં પેઠા ઘનશ્યામ, ઘણી ત્યાં તો થઈ ધૂમધામ;
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, આગે ભૂપની અસ્વારી છાજે. ૨૯
રાયે પાલખી કંધે ઉપાડી, છડીદાર બોલે ત્યાં અગાડી;
આખા ગામમાં લૈ ગયા ફરવા, પુર પોતાનું પાવન કરવા. ૩૦
પ્રભુ દરબારમાં પધરાવ્યા, પછી પૂજાનો સામાન લાવ્યા;
રાયે પૂજા કરી બહુ પ્યારે, વળી વિનતિ કરી વારે વારે. ૩૧
કહ્યું જે મુજ લાયક કામ, હોય તે કહો સુંદરશ્યામ;
બોલ્યા ત્રિભુવનનો ધણિ ત્યારે, યજ્ઞ કરવો ડભાણ અમારે. ૩૨
પણ રાખે છે વેર વેરાગી, બીજા પણ જે અધર્મી અભાગી;
કરે કાંઈ ઉપદ્રવ ખરો, માટે આપ સહાયતા કરો. ૩૩
કરે રક્ષણ યજ્ઞનું કર્મ, ક્ષત્રિનો તે સનાતન ધર્મ;
સુણી ભૂપ કહે જોડી હાથ, ભીલ લાખ લાવું મુજ સાથ. ૩૪
આવે રાવણ જેવાની ફોજ, તોય મારું હું કરતાં રમોજ;8
સુણી બાલિયા સુંદરશ્યામ, ભીલ લાખ તણું નથી કામ. ૩૫
રાયધણજી આદિ રાયજાદા, કોઈ અસ્વાર ને કોઈ પ્યાદા;9
કચ્છ દેશ વિષે વસનારા, જે છે જુદ્ધકળા જાણનારા. ૩૬
ઝાલાવાડના ક્ષત્રિય ઝાલા, મહા જોરવાળા મતવાલા;
જેનું ગામ તાવી તલસાણું, નથી કોઈનું જગમાં અજાણ્યું. ૩૭
તથા મેંથાણના પુજાભાઈ, જેની બરછી બહુ વખણાઈ;
એવા આવેલા છે અમ સાથે, હથીયાર ભલાં ધરી હાથે. ૩૮
જ્યારે ખોખરા મેમદાવાદ, કર્યો વેરાગીયે વિખવાદ;
સલકીના દયાળજી પગી, અમ પાસે હતા તે અડગી. ૩૯
હાથરોલી તણા ભગુ ખાંટ, જેની કોઈ ન પકડે ફાંટ;10
ગામ ડાંગરાના અગરાજી, ત્યારે તે પણ પાસે હતાજી. ૪૦
જેણે હિમતે હાથ દેખાડ્યા, જુદ્ધ વેરાગીયોને નસાડ્યા;
તેહ ત્રણ જણને સાથે લેશું, પછી વેરાગીયો તે કરે શું. ૪૧
કહ્યું છે બ્રહ્માનંદને અમે, ઘણા કોળી તેડાવજો તમે;
બામણોલી ને વરતાલવાસી, આવશે એવા બીજા મેવાસી.11 ૪૨
કાઠિયાવાડના કાઠી શૂરા, આવશે તે પરાક્રમી પૂરા;
ત્યાંથી નીકળ્યા છે હાલહાલ, એ તો આવશે આજ કે કાલ. ૪૩
માટે થોડાક લૈ શૂરવીર, અમ સાથે ચાલો તમે ધીર;
પછી રાજાએ કીધી તૈયારી, સજી સારિ રીતે અસવારી. ૪૪
નૃપની જ્યાં નોબત ગડગડી, દશ હજાર કામઠી ચડી;
પાલખીમાં બેઠા પરમેશ, કરે અમર પોતે નરેશ. ૪૫
જ્યાં તે પાદર સુધી સિધાવ્યા, કાઠી કાઠિયાવાડથી આવ્યા;
મુખ્ય ગામનાં નામ ગણાવું, બધાં ગણતાં તો પાર ન લાવું. ૪૬
મુખ્ય તો ગઢપુરના નિવાસી, જેને આધીન છે અવિનાશી;
દાદો ખાચર ખાચર જીવો, મુળુ ખાચર પણ કુળદીવો. ૪૭
મોટા ભક્ત વળી નાંગમાલો, ઘેલા ધાધલને ધર્મ વાલો;
લલિતા ને જયા રાજબાઈ, અમુલાં ને અમર પણ ડાઈ. ૪૮
એહ આદિક બહુ નરનારી, આવ્યાં ગઢપુરથી રુચિ ધારી;
કરિયાણા ને કોટડા કેરા, વાંકિયાના આવ્યા ગરઢેરા. ૪૯
ભડલી ને ઇંતરિયું ગુંદાળું, ઝીંઝાવદર ગામ ખંભાળું;
કારિયાણી ને સારંગપુર, ખાંભડાના કાઠી પણ શુર. ૫૦
ગામ નાગડકું ને કુંડળ, આવ્યું બોટાદ બગડ સબળ;
વળી આવ્યા ગરાસિયા જેહ, તેનાં નામ ગણાવું હું તેહ. ૫૧
ગઢાળી તથા પીપળી તણા, આવ્યા ત્યાંના ગરાસિયા ઘણા;
જમનાવડ સોરઠ માંહી, આવ્યા ત્યાંના ગરાસિયા ચાહી. ૫૨
ધોલેરા કરમડ ભેંસજાળ, આવ્યા રોજકાના મહીપાળ;
ક્ષત્રિ ઝીંઝર ને જસકાના, આવ્યા વાગડથી મોટા નાના. ૫૩
ગંગા સાગરમાં મળે જેમ, મળ્યા સર્વ તે સૈન્યમાં તેમ;
ગંગા સાગરનો ઘૂઘવાટ, એવો અશ્વ તણો હહણાટ. ૫૪
ક્ષીરસાગરમાં શોભે શ્યામ, તેવા શોભે ત્યાં પૂરણકામ;
શોભે સાગરમાં રત્ન જેમ, શૂરા સ્વારીમાં શોભે છે તેમ. ૫૫
જેમ ઉછળ નીર તરંગ, તેમ ઉછળે ચપળ તુરંગ;12
જેવાં સિંધુમાં નાવ દેખાય, રથ પાલખી તેવા જણાય. ૫૬
જેવા સાગરમાં શોભે ગ્રાહ,13 એવા હાથિયો શોભે અથાહ;
જળમાં ફરે માછલાં જેમ, નાના મોટા ફરે ભીલ તેમ. ૫૭
ચંદ્ર દેખી નિધી ઉભરાય, તેમ સૌ હરિદર્શને ધાય;
વળે પાછા બીજા જાય પાસે, ભરતી ઓટની તુલ્ય ભાસે. ૫૮
હરિ હરખિયા કાઠિને જોઈ, કહે કાઠી જેવા નહીં કોઈ;
કાઠી માયાળુ ને કાઠી શૂરા, પ્રેમભક્તિ વિષે પણ પૂરા. ૫૯
પછી ત્યાં જોઈ વૃક્ષ વિશાળ, ઊતર્યા જઈ દીનદયાળ;
સભા ત્યાં તો સજી બહુ સારી, શોભે તે વચે શ્રીગિરધારી. ૬૦
એવામાં અમદાવાદ કેરો, આવ્યો સત્સંગિ સંઘ ઘણેરો;
વાજે તે વિષે તાલ મૃદંગ, ગાય ઉચ્છવિયા સઉમંગ. ૬૧
વાજે ત્રાંસાં ને ઢોલ અપાર, બોલે જન બહુ જયજયકાર;
કરું મુખ્યનાં નામ પ્રકાશ, દામોદર નથુ ભટ લાલદાસ. ૬૨
હીરો ભક્ત ને મોહનલાલ, જેને વાલા શ્રીકૃષ્ણ કૃપાળ;
ભક્ત ગોવિંદ ને વજેરામ, હરજીવન હીમતરામ. ૬૩
ક્ષત્રિ કુબેરસીંહ ચોપદાર, બીજા ભક્ત તણો નહીં પાર;
ગંગામાં આવ્યા જેતલપરથી, અવલોકવા કૃષ્ણ આદરથી. ૬૪
અશલાલી ને વેલાળ કેરા, મછિયાવના આવ્યા ઘણેરા;
વળી આવ્યા વડોદરાવાસી, નેણે નિર્ખવાને અવિનાશી. ૬૫
ઘણાં ગામ થકી સંઘ આવ્યા, ભારે ભારે ભલી ભેટ લાવ્યા;
પ્રણમ્યા પ્રભુને ધરી પ્રેમ, પુછે શ્રીપ્રભુ કુશળ ક્ષેમ.14 ૬૬
થયો આનંદ જે તેહ તકે, શેષ શારદા વરણી ન શકે;
ભુલ્યા સૌ ખાન પાનનું ભાન, જુવે ચંદ્રચકોર સમાન. ૬૭
જેવો આનંદ અક્ષરધામે, એથિ પણ અધિકો એહ ઠામે;
ઉપજ્યો જન સર્વને ઉર, પ્રગટ્યું અતિ પ્રેમનું પુર. ૬૮
પુષ્પિતાગ્રાવૃત્ત
જનમન પ્રગટ્યો સુપ્રેમ એમ, કવિજન કોઈ કહી શકે જ કેમ;
અનુભવ કરતાં જણાય કાંઈ, પણ ન સમાય વિશેષ વાણિમાંઈ. ૬૯
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે સપ્તમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિઘોડાસર-વિચરણસંઘાગમનનામ નવમો વિશ્રામઃ ॥૯॥