કળશ ૮

વિશ્રામ ૧૦

પૂર્વછાયો

નરનારાયણ થાપિયા, ભુજનગરમાં ભગવાન;

કહે અચિંત્યાનંદજી, હવે એહ કહું આખ્યાન. ૧

ચોપાઈ

એક અવસરે કચ્છિ સમાજ, આવ્યો ગઢપુર દર્શન કાજ;

કરી વિનતિ હરીની અનેક, કહ્યું મંડળ મોકલો એક. ૨

ભુજમાં ભલું ધામ કરાવો, પ્રતિમા આપની પધરાવો;

એવો આગ્રહ જોઇને બહુ, કૃષ્ણ વૈષ્ણવાનંદને કહ્યું. ૩

તમે મંડળ લૈને સિધાવો, ભુજમાં ભલું ધામ કરાવો;

થાશે મંદિર તૈયાર જ્યારે, અમે આવશું ત્યાં પછિ ત્યારે. ૪

એવી આજ્ઞા ધરી નિજ શીશ, ગયા વૈષ્ણવાનંદ મુનીશ;

ભુજમાં ભલું ધામ કરાવ્યું, થોડા માસમાં તે થઈ આવ્યું. ૫

હરિનૌમિ તણો આવ્યો દન, ત્યારે કચ્છ તણા હરિજન;

સમૈયા પર ગઢપુર આવ્યા, સર્વ સારા સમાચાર લાવ્યા. ૬

મલ્લભક્ત ભલા ગંગારામ, સારા સુતાર હીરજી નામ;

તેવા સારા સુંદરજી સુતાર, જેનો પ્રભુપદમાં બહુ પ્યાર. ૭

એહ આદિ ઘણા સતસંગી, આવ્યા કચ્છના વાસી ઉમંગી;

પ્રભુને પ્રણમ્યા બહુ પ્રીતે, સમૈયો ત્યાં કર્યો શુભ રીતે. ૮

પછી એક દિવસ અવિનાશી, સ્વસ્થ બેઠા હતા સુખરાશી;

બોલ્યા કચ્છિ કરીને પ્રણામ, સુણો હે સુખસાગરશ્યામ! ૯

થયું મંદિર ભુજમાં તૈયાર, મૂર્તિ થાપવા તેહ મોઝાર;

કરુણા કરી આપ પધારો, હરિભક્તનો હરખ વધારો. ૧૦

એવી વિનતિ સુણીને અપાર, થયા નાથ જાવાને તૈયાર;

મુક્તાનંદ અને બ્રહ્માનંદ, ગોપાળાનંદ આદિનાં વૃંદ. ૧૧

દાદા ખાચર સોમલો સૂરો, પ્રેમી ભક્ત ગણાય જે પૂરો;

કાકોભાઈ પુજાભાઈ ખોડો, જેનો પ્રેમ નહીં કાંઈ થોડો. ૧૨

એહ આદિ ગૃહસ્થને સાથે, લીધા કચ્છ જવા મુનિનાથે;

બ્રહ્મચારી તથા ઘણા પાળા, સાથે લીધા ભલા ધર્મવાળા. ૧૩

ભલાં ભાતાનાં ગાડાં ભરાવ્યાં, લખું કંદોઈ પાસે કરાવ્યાં;

ચાલ્યા ગઢપુરથી શુભ કાળે, રહ્યા રાત જઈને ખંભાળે. ૧૪

બીજે દિન ગયા કોટડે ગામ, ત્યાંથી સરધાર સુંદરશ્યામ;

પાડાસણ થઇને કાળિપાટ, રાજકોટ તણી લિધિ વાટ. ૧૫

રાજકોટથિ ચાલિયા રાજ, મવામાં ગયા સહિત સમાજ;

વાગુદડ ગયા શ્રી ભગવાન, દીધાં દાસને દર્શનદાન. ૧૬

ત્યાંથિ ખીરસરે ગયા હરી, વડા ગામ થઈને ખોખરી;

જૈને ત્યાં થકિ વણથળી ભાળી, મોડે ગામ ગયા વનમાળી. ૧૭

અલૈયે થઈને શેખપાટ, ગયા ભાદરે નિજજન માટ;

હડિયાણે થઈ હરિરાય, ભલિભાતે ગયા ભુજમાંય. ૧૮

સામા આવ્યા ઘણા સતસંગી, લાવ્યા વાજિંત્ર વિવિધ ઉમંગી;

પુરમાં મહારાજ પધાર્યા, ગંગારામને ઘેર ઉતાર્યા. ૧૯

વીત્યા સંવત શતક અઢાર, અગણ્યાએશિયું તેહ વાર;

વદી ચૈત્ર ચતુર્દશી જ્યારે, પહોંચ્યા ભુજમાં પ્રભુ ત્યારે. ૨૦

જોઈ ઉતરવા જોગ્ય સારા, આપ્યા સંત જનોને ઉતારા;

વળી જે જનને ઘટે જેમ, આપ્યા સર્વને ઉતારા એમ. ૨૧

જોયું મંદિરનું જઈ કામ, ઘણા રાજિ થયા ઘનશ્યામ;

પ્રતિષ્ઠાનું મુરત જોવરાવ્યું, શુદી વૈશાખી પાંચમે આવ્યું. ૨૨

વેદિયા વિપ્ર સારા બોલાવી, વિધિ વેદ પ્રમાણે કરાવી;

મુર્તિ નરનારાયણ કેરી, પધરાવી બે પ્રીતે ઘણેરી. ૨૩

ઘણા બ્રાહ્મણને ત્યાં જમાડ્યા, દૈને દાન સંતોષ પમાડ્યા;

જમ્યા વર્ણિ તથા જમ્યા સંત, જમ્યા હરિજન પણ ત્યાં અનંત. ૨૪

આવ્યાં દર્શને બહુ નરનાર, કચ્છમાં કર્યો જયજયકાર;

પછિ શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા, ફરતા ગામ હળવદ આવ્યા. ૨૫

વાંકાનેર ગયા ત્યાંથી વાલો, ત્યાંથી ચોટીલે ધર્મનો લાલો;

સાયલે ગયા સુંદરશ્યામ, ગયા ત્યાંથિ નાગડકે ગામ. ૨૬

લોયા ગામે ગયા સંતસ્વામી, ત્યાંથિ બોટાદમાં બહુનામી;

દાદા ખાચરને દરબાર, પ્રીતે ઉતર્યા પ્રાણઆધાર. ૨૭

ત્યાંથી ગઢડે ગયા ગિરધારી, નિરખી હરખ્યાં નરનારી;

કચ્છ દેશની લીલાની વાત, દેશદેશ તે થઈ પ્રખ્યાત. ૨૮

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવરકૃત કચ્છમાં ચરિત્ર, શ્રવણ કરે જન થાય તે પવિત્ર;

સુણિ હરિજન ચિત્ત રાજી થાશે, ગુણ હરિના ગણિ નિત્યનિત્ય ગાશે. ૨૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીભૂજનગરે નરનારાયણસ્થાપનનામ દશમો વિશ્રામઃ ॥૧૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે