કળશ ૮

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

વસ્યા વળી ગઢપુર વિષે, મહાપ્રભુજિ ચાતુરમાસ;

જન્માષ્ટમી ને પ્રબોધની, કરી અભયનૃપ આવાસ. ૧

જોબન પગી ને કુબેરજી, નારાયણગિરી હરિજન;

વિચરીયા વરતાલથી, સમૈયે કરવા દરશન. ૨

ચોપાઈ

લખીને અક્ષરાનંદે પત્ર, મોકલ્યો તેહની સાથે તત્ર;

કરી વિનતિ લખેલું તે માંહી, સંતમંડળ મોકલો આંહીં. ૩

આંહિ હોય ઝાઝા જન જેમ, થાય કામ ઉતાવળું તેમ;

હરિભક્તે નમાવિને માથ, આપ્યો પત્ર પ્રભુજિને હાથ. ૪

અદ્‌ભૂતાનંદનું એહ વારે, માવે મંડળ મોકલ્યું ત્યારે;

પોતે તો રહ્યા ગઢપુરમાંય, વસંતોત્સવ પણ કર્યો ત્યાંય. ૫

જવા ઇચ્છા કરી વૃષલાલે, ફુલદોળ ઉપર વરતાલે;

સાથે લૈ વૃષવંશિ સમાજ, ચાલ્યા ગઢપુરથી મહારાજ. ૬

રહ્યા બોટાદમાં જઈ રાત, પરવરિયા ઉઠીને પ્રભાત;

ફરતાં ફરતાં બહુ ગામ, આવ્યા મેળાવ્ય સુંદર શ્યામ. ૭

આવ્યા વરતાલમાં અવિનાશ, નારાયણ મો’લમાં કર્યો વાસ;

ભક્ત વાસણ કેરે સદન, ઉતર્યા ધર્મવંશના જન. ૮

હતા સંદેશા સૌને કહાવ્યા, દેશદેશ થકી સંઘ આવ્યા;

રંગખેલનો સામાન જેહ, કર્યો વરતાલના જને તેહ. ૯

પીચકારિયો ઝાઝી કરાવી, રાખ્યા અબિર ગુલાલ મંગાવી;

ભલા રંગના હોજ ભરાવ્યા, ભાળિ સૌ જનને મન ભાવ્યા. ૧૦

જ્ઞાનબાગમાં આમલા પાસ, પછિ આવિયા શ્રીઅવિનાશ;

હરિકુંડ પાસે ઉભા નાથ, સંતકુંડ પાસે સંત સાથ. ૧૧

સખા પાર્ષદ જે હતા સંગે, પ્રભુ પાસે રહ્યા તે ઉમંગે;

પીચકારિયો હાથમાં લીધી, રંગ ખેલવા તૈયારી કીધી. ૧૨

કહે સંત પ્રભુ ઓરા આવો, પીચકારિ પ્રથમથી ચલાવો;

કહે કૃષ્ણ ચલાવોજિ તમે, તે પછીથિ ચલાવશું અમે. ૧૩

જિજ્ઞાસાનંદે આગળ આવી, પ્રભુ પર પિચકારી ચલાવી;

બીજા સંતોયે પણ રંગ ભરી, પિચકારિયો ચાલતિ કરી. ૧૪

પછી શ્રીહરિ ને હરિસંગી, મંડ્યા રંગ ઉડાવા ઉમંગી;

અન્ય અન્ય ઉડાડે ગુલાલ, થયાં અવનિ ને આકાશ લાલ. ૧૫

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, જેજેકારથી બ્રહ્માંડ ગાજે;

આવ્યાં નિરખવા દેવ વિમાન, પુષ્પવૃષ્ટિ કરે કરે ગાન. ૧૬

એમ ખૂબ કરી રંગખેલ, પછી નાવા ચાલ્યા અલબેલ;

થયા માણકિયે અસવાર, સાથે સત્સંગી સંત અપાર. ૧૭

પગી જોબનને કહે નાથ, ચાલો જૈયે આપણે સહુ સાથ;

ખોડિયાર છે માતા તમારી, ત્યાં જવાની છે ઇચ્છા અમારી. ૧૮

પગી બોલ્યા નમી પ્રભુ પાગ્ય, અહો માતા તણાં ધન્યભાગ્ય;

પછી ત્યાં પધાર્યા મહારાજ, સાથે લૈ નિજ સર્વ સમાજ. ૧૯

જઇ સોનારકુઈ નિહાળી, ત્યાંથી દક્ષિણમાં દેવી ભાળી;

ઉતર્યા પ્રભુજી વડ પાસ, જોયો માતાનો જૈને આવાસ. ૨૦

છાંટ્યો દેવીને રંગ તે કાળ, વળિ છાંટ્યો વિશેષ ગુલાલ;

અક્ષરેશે કહી વાણિ એવી, હરિભક્ત થઈ હવે દેવી. ૨૧

પ્રભુ અશ્વીયે અસવાર થયા, પીપળાદે કુવે પછી ગયા;

દક્ષણાદું તે કૂપનું થાળું, તેમાં પાણી ભરાવ્યું રુપાળું. ૨૨

નાહ્યા તે વિષે શ્યામશરીર, નાખ્યું ભક્તે તે કૂપમાં નીર;

કોરાં વસ્ત્ર ધરી સજિ સ્વારી, આવ્યા ઉતારે વિશ્વવિહારી. ૨૩

જગજીવન ત્યાં જમ્યા થાળ, શાક પાક રસોઈ રસાળ;

શ્યામે સંતને પિરસી જમાડ્યા, પરિપૂર્ણ સંતોષ પમાડ્યા. ૨૪

પછિ પોઢિ રહ્યા પરમેશ, જાગ્યા જ્યારે પ્રહર દિનશેષ;1

મુકુંદાનંદે જળ લાવી દીધું, કૃપાનાથે તેનું પાન કીધું. ૨૫

ધોળિ શેલડી આપી સુધારી, આપ્યાં દાડમ બીજ સમારી;

જમ્યા જુક્તિયે તે જગદીશ, જે છે ઈશ્વરનાયે અધીશ. ૨૬

છત્રિ છે ગોમતી તટ આજ, સભા ત્યાં જૈ સજી મહારાજ;

કરી જ્ઞાન વૈરાગ્યની વાત, પ્રશ્ન ઉત્તર કીધા અઘાત. ૨૭

આરતી ધૂન્ય ત્યાં કરી ત્યારે, પછી કૃષ્ણ પધાર્યા ઉતારે;

જમ્યા થાળ અધિક ઉમંગે, પછી પોઢ્યા પ્રભુજી પલંગે. ૨૮

પરમેશ્વર ઉઠ્યા પ્રભાતે, કરી નિત્યક્રિયા ભલિ ભાતે;

બામણોલિયાના ફળિયામાં, ઓરડો દક્ષણાદિ દિશામાં. ૨૯

ગંગામાનો હતો ત્યાં ઉતારો, થયો તૈયાર ત્યાં થાળ સારો;

પ્રભુ ત્યાં જમવાને પધાર્યા, જમી જનમન હરખ વધાર્યા. ૩૦

ગંગામાયે ધરાવ્યો પોશાગ, શોભ્યો શ્યામને અંગે અથાગ;

જ્ઞાનબાગમાં નિષ્કુળાનંદે, બાંધ્યો હિંડોળો અધિક આનંદે. ૩૧

સંચર્યા તહાં શ્રીમહારાજ, સર્વે હરિજન સંત સમાજ;

હિંડોળામાં બિરાજિયા હરી, માથે મુગટ મનોહર ધરી. ૩૨

નિષ્કુળાનંદે વાંસળિ લાવી, હરિના હાથ માંહિ ધરાવી;

બહુનામીયે તે તો બજાવી, સૌને વિસ્મયતા ઉપજાવી. ૩૩

હેતે હરિને જનોયે ઝુલાવ્યા, અમરો2 બહુ નિર્ખવા આવ્યા;

જેજેકાર થયો જગ માંઈ, જોતાં કસર રહી નહિ કાંઈ. ૩૪

જામિનીનો3 સમય થયો જ્યારે, અવિનાશી પધાર્યા ઉતારે;

એમ આનંદમાં દિન જાય, સૌના હૈયામાં હરખ ન માય. ૩૫

ચલાવ્યું કામ મંદિર તણું, પાસે રહિને પ્રભુજીયે ઘણું;

ઇંટવાડે જઈ સહુ સાથે, માવો લેતા ઇંટો નિજ માથે. ૩૬

તેથી સંઘના સૌ સતસંગી, ઇંટો ઉપાડે અધિક ઉમંગી;

ઘણા ગામના ઠાકોર હોય, માથે ઇંટો ઉપાડે તે તોય. ૩૭

કરે ઝડપથિ જે કોઇ કામ, ઘણું રીઝે તેને ઘનશ્યામ;

કચરાળાં કર્યાં દિસે અંગ, શ્યામ દાબે તેને છાતિસંગ. ૩૮

આપે છાતીમાં ચરણની છાપ, કોઈને તો વખાણે છે આપ;

આપે કોઈને હાર પ્રસાદી, જેહ ઇરછે છે ઇંદ્ર બ્રહ્માદી. ૩૯

મૂર્તિયોનું જ્યાં ચાલતું કામ, તહાં જોવા ગયા ઘનશ્યામ;

નારાયણભાઈ સાથે હિરાજી, કરતા હતા મૂર્તિયો તાજી. ૪૦

છબિયોની છબી જોઈ સારી, બહુ રીઝ્યા રુદે ગિરધારી;

ભેટ્યા બે જનને ભિડિ બાથ, માવે એને માથે મુક્યા હાથ. ૪૧

અક્ષરાનંદ બોલિયા વાણી, સ્નેહે સાંભળો શારંગપાણી;

મૂર્તિ લક્ષ્મીનારાયણ કેરી, નથી મળતી અમે બહુ હેરી.4 ૪૨

હસી બોલિયા અંતરજામી, પોતે સર્વજ્ઞ સંતના સ્વામી;

મૂર્તિયો મહાદૈવડ વાળી, રમાનાથ રમાની રુપાળી. ૪૩

અતિ પાવન છે પુરાતનની, મનવૃત્તિ હરે હરિજનની;

તે તો છે વટપત્તન માંય, મોટા સંતને મોકલો ત્યાંય. ૪૪

સુણિ શ્યામના એવા ઉચ્ચાર, સૌને આનંદ ઉપજ્યો અપાર;

મુક્તાનંદ અને નિત્યાનંદ, થયા તૈયાર જાવા સ્વછંદ. ૪૫

કહે કૃષ્ણ જજો વટપુરમાં, મારી મૂર્તિ સંભારજો ઉરમાં;

તેથી મૂર્તિયો બે પ્રાપ્ત થાશે, તેમાં દૈવત ઝાઝું જણાશે. ૪૬

મોકલ્યા એવી આગન્યા કરી, અક્ષરાનંદને કહે હરી;

હવે ઝડપથી કામ ચલાવો, થાય મંદિર તેમ કરાવો. ૪૭

આવતે વર્ષ કાર્તિક માસે, કામ મૂર્તિ પ્રતિષ્ઠાનું થાશે;

માટે ચિત્તમાં એવું વિચારી, કરી રાખજો સઘળી તૈયારી. ૪૮

અક્ષરાનંદ કહે મહારાજ, કરશું ઉતાવળ થકી કાજ;

હરિનવમીનો અવસર આવ્યો, તે સમૈયો કરીને સિધાવો. ૪૯

પ્રભુને તે ગમ્યું મન માંહી, હરિનવમી કરી ભલિ આંહીં;

સમૈયો કરીને ઘનશ્યામ, ગયા ગિરધર ગઢપુર ધામ. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર વરતાલ માંહિ આવી, શુભ નિજધામનું કામ તે ચલાવી;

કૃત જનમન માંહિ મોદ ભારે, છબિ શુભ એહ વસો હૃદે અમારે. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે પુષ્પદોલોત્સવ તથા હરિનૌમીઉત્સવકરણનામૈકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે