કળશ ૮

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

વાલો આવ્યા વરતાલથી, ગઢપુર વિષે ગુણવંત;

ઘણા કાઠિ ગરાશિયા, સાથે હતા હરિજન સંત. ૧

ચોપાઈ

તહાં વીત્યા દિવસ ત્રણ ચાર, ત્યારે ઉચ્ચર્યા વિશ્વઆધાર;

જન કાઠિ ગરાશીયા જેહ, પરગામથી આવ્યા છો તેહ. ૨

જૈને નિજ ઘર કામ સંભાળો, મારી આજ્ઞા તે પ્રેમથિ પાળો;

રહ્યા જનક વિદેહી તે જેમ, રહો સંસારમાં તમે તેમ. ૩

બોલ્યા હરિજન જોડિને હાથ, ઘેર કેમ જૈયે અહો નાથ;

નેણે નિરખિયે મુરતિ તમારી, આવે પાંપણો આડિ અમારી. ૪

એટલોય વિજોગ તમારો, સહી ન શકે જીવ અમારો;

કેમ વસિયે અમે જઈ દૂર, સદા રાખોજિ આપ હજૂર. ૫

સુણી બોલિયા શ્રીભગવાન, મન ધરજો તમે મારું ધ્યાન;

મારી મૂર્તિ અખંડ દેખાશે, મારો કદિયે વિજોગ ન થાશે. ૬

તમ દ્વારાયે દેશ મોઝાર, હજિ કરવાં છે કામ અપાર;

જોઇ ધર્મની રીત તમારી, ઘણાં ભક્ત થશે નરનારી. ૭

માટે નિજ નિજ ઘેર પધારો, કરો સતસંગનો ત્યાં વધારો;

હવે આવે પ્રબોધની જ્યારે, વરતાલ જશું સહુ ત્યારે. ૮

તહાં દેવપ્રતિષ્ઠા કરશું, સૌથિ સરસ સમૈયો ભરશું;

ત્યારે આવજો થૈને તૈયાર, સાથે લાવજો અશ્વ શ્રીકાર. ૯

એવો ઉત્સવ એ સમે થાશે, સૌથી શ્રેષ્ઠ ચરિત્ર ગણાશે;

જેમ માળામાં મેર જણાય, તે તો સર્વેથી શ્રેષ્ઠ ગણાય. ૧૦

તેમ જન્મચરિત્ર જે મારાં, હરિજનને હરખ આપનારાં;

પ્રતિષ્ઠા રમાનાથની જેહ, લીલા સર્વોપરી થશે તેહ. ૧૧

માટે આવજો ત્યાં ધરી પ્રીત, સગા સ્નેહિ કુટુંબ સહીત;

એવાં વચન કહી હરિરાય, કર્યા તે હરિજનને વિદાય. ૧૨

રથજાત્રા તણો દિન આવ્યો, શ્યામે ઉત્સવ સારો કરાવ્યો;

ગઢપુરના નિવાસી જે જન, કરી ઉત્સવ હરખિયા મન. ૧૩

પૂર્વછાયો

એવી કથા શુભ સાંભળી, રુદે રીઝ્યા અભેસિંહરાય;

પ્રશ્ન ઉત્તમ એક પૂછવા, એને ઇચ્છા થઈ ઉરમાંય. ૧૪

અહો અચિંત્યાનંદજી, તમે કહ્યું જે મૂર્તિયો માટ;

નિત્યાનંદ ને મુક્તમુની, ગયા વટપત્તનની વાટ. ૧૫

તેઓએ ત્યાં જઇ શું કર્યું, ક્યાંથિ લાવ્યા મૂર્તિયો તેહ;

વિસ્તારથી શુભ વારતા, મને આપ સુણાવો એહ. ૧૬

વર્ણિ કહે વસુધાપતિ, સુણો તેહ કથાનો સાર;

બે સદ્‌ગુરુ જે સંચર્યા, ગયા વટપત્તન મોઝાર. ૧૭

ચોપાઈ

તહાં મૂર્તિયો માટે તપાસ, કરવામાં ન રાખી કચાશ;

જોયાં સર્વે સલાટનાં ધામ, પૂછ્યું મૂર્તિ માટે ઠામઠામ. ૧૮

જોયા દેશિ વિદેશ અપાર, મુરતીયો તણા વેચનાર;

ઘણી મૂર્તિયો નેણે નિહાળી, ભલી લેવા લાયક નહિ ભાળી. ૧૯

સમૈયો હરિનવમીનો આવ્યો, જવા વરતાલ તે નહિ ફાવ્યો;

મૂર્તિ લીધા વિના ન જવાય, મુનિ અંતરમાં અકળાય. ૨૦

સુતા જામનિમાં પછી જ્યારે, દીધાં દર્શન શ્રીજીએ ત્યારે;

શ્રીમુખે બોલ્યા સુંદરશ્યામ, એક વાણિયાનું લીધું નામ. ૨૧

મુનિ મનમાં તમે ન મુંઝાઓ, તેહ વાણિયાને ઘેર જાઓ;

પુરાતનની બે મૂર્તિ રહી છે, તે તો તેહને પ્રાપ્ત થઈ છે. ૨૨

કેને અર્પણ કરવી એહ, તેની ચિંતા તો કરે છે તેહ;

તમે માગશો તો મન ધરશે, નકી તમને તે અર્પણ કરશે. ૨૩

સુણી વાલાના વદનની વાત, મુનિ મનમાં થયા રળિયાત;

પ્રભાતે ઉઠિ તતપર થયા, તેહ વાણિયાને ઘેર ગયા. ૨૪

ભલી મૂર્તિયો બે તહાં ભાળી, નિશ્ચે રાજિ થયા તે નિહાળી;

મૂર્તિ લક્ષ્મીનારાયણ કેરી, જોતાં ભાસે તે સુઘડ ઘણેરી. ૨૫

મુનિયે તેહ મૂર્તિયો માગી, સુણી રાજિ થયો સદભાગી;

મૂર્તિ આપવા કીધો વિચાર, દાઝ્યા દિલ માંહિ દ્વેષિ અપાર. ૨૬

સુણ્યું સ્વામિનારાયણ નામ, દ્વેષી બોલિ ઉઠ્યા તેહ ઠામ;

એને મૂર્તિયો આ ન અપાય, એ તો પાખંડિ છે જગમાંય. ૨૭

કહે વર્ણિ સુણો નરરાય, એવા દુષ્ટ જગતમાં જણાય;

સારા કામમાં અડચણ કરે, પુણ્ય પાપ વિચાર ન ધરે. ૨૮

ઉપજાતિવૃત્ત (દુષ્ટ સ્વભાવ વિષે)

દીસે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો, દુરાગ્રહી હોય મમત્વ તેનો;

પુણ્ય ક્રિયામાં પણ આવિ આડે, પોતા તણું ને પરનું બગાડે. ૨૯

જો ક્યાંથી તેહ પીયૂષ1 લેય, ન પાય પીયે પણ ઢોળિ દેય;

તે જેમ માંખી નિજ દેહ પાડે, બિજા તણું ભોજન તે બગાડે. ૩૦

મનુષ્યને સર્પ ડસે કદાપિ, તેથી ક્ષુધા તો ન ટળે તથાપિ;

વિનાર્થ તેને પરપ્રાણ લેવો, અધર્મિનો હોય સ્વભાવ એવો. ૩૧

જો દીનને દાન દયાળુ દે છે, તે દેખિને દુષ્ટ બળી મરે છે;

જો લાભ કે હાનિ ન હોય એને, આવે અદેખાઇ તથાપિ તેને. ૩૨

કરે કદાપી પરમાર્થ કોઈ, બળી મરે છે જન દુષ્ટ જોઈ;

વિશ્વોપકારી જળવૃષ્ટિ થાય, જોઈ જવાસો2 બળિને સુકાય. ૩૩

પોતે ભલું કામ કરે ન ક્યારે, બીજો કરે ત્યાં જઈને નિવારે;

ન હોય તેમાં લવ લાભ લેવો, તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો. ૩૪

અધર્મિનો સે’જ સ્વભાવ એ છે, જે તે પ્રકારે પરને નડે છે;

પ્રકાશ દે સૂર્ય શશી સ્વભાવે, તથાપિ આડો ખળ રાહુ આવે. ૩૫

અપાર વીંછી અહિયો3 અપાર, વળી વિશેષ વછનાગ4 સાર;

એવાં મહા ઝેર લઈ અનેક, ઘડ્યો અદેખો જન દુષ્ટ એક. ૩૬

અપૂજ્ય જે બે પ્રતિમા રહેલી, તે આપવાને વણિકે કહેલી;

તે પ્રૌઢ ધામે પધરાવવાની, અધર્મિને વાત ઉરે ન માની. ૩૭

ચોપાઈ

ઇચ્છા વણિકનિ તો ફરિ ગઈ, ચિંતા મુનિયોના ચિતમાં થઈ;

હેતે હૈયામાં સંભાર્યા હરિ, પ્રભુએ ત્યારે પ્રેરણા કરી. ૩૮

સૂર્યોદયથી નાસે અંધકાર, નાઠો તે રીતે ખોટો વિચાર;

બુદ્ધિ નિર્મળ થૈ તેનિ જ્યારે, મુનિને આપી મૂર્તિયો ત્યારે. ૩૯

એક શકટ5 વિષે પધરાવી, વરતાલની વાટે ચલાવી;

વળી ચિતમાં વાત વિચારી, આ તો મૂર્તિયો છે બહુ સારી. ૪૦

દુર્ગપુર માંહિ મંદિર થાય, તેમાં આ છબિ પધરાવાય;

રાજા ઉત્તમનો દરબાર, શોભા તો પામે અપરમપાર. ૪૧

માટે શ્રીજીને દેખાડવાને, લૈને ત્યાં જ જૈયે તેહ બાને;

ત્યાંના હરિજન દેખશે જ્યારે, તહાં રાખશે મૂર્તિયો ત્યારે. ૪૨

બીજી મૂર્તિયો વરતાલ માટે, લાવશું વળિ કોઇક ઘાટે;

એવો નિશ્ચે કરી નિરધાર, ચાલ્યા દુર્ગપુરે બારોબાર. ૪૩

જ્યારે આવ્યા બોચાસણ ગામ, બહુ વૃષ્ટિ થઈ તેહ ઠામ;

ગામમાં કાશિદાસને ઘેર, પ્રતિમાઓ મુકી રુડિ પેર. ૪૪

ગયા ગઢપુર તે મુનિજન, કર્યા શ્રીહરિનાં દરશન:

શ્યામે પૂછ્યા સમાચાર જ્યારે, શિર નામિ બોલ્યા સંત ત્યારે. ૪૫

આપ છો પ્રભુ અંતરજામી, સરવજ્ઞ છો સંતના સ્વામી;

કરો છોજિ મનુષ્યચરિત્ર, માટે પૂછો છો વાત વિચિત્ર. ૪૬

પછી મૂર્તિયોના સમાચાર, સંભળાવ્યા સહિત વિસ્તાર;

અમે આપને દેખાડવાને, લાવતા હતા તે પ્રતિમાને. ૪૭

થઈ વૃષ્ટિ બોચાસણ ગામ, માટે મૂર્તિયો મૂકી તે ઠામ;

પ્રતિમાઓ છે શોભતી સારી, નામ લક્ષ્મીનારાયણ ધારી. ૪૮

સુણી બોલિયા શ્રીહરિ વાણી, અમે ઇચ્છા એ દેવની જાણી;

આમ્રરસ6 તણો કરવા આહાર, રહેશે ચરોતરનિ મોઝાર. ૪૯

વરતાલમાં કરશે નિવાસ, તહાં પૂરશે ભક્તોની આશ;

કહે સંત સુણો બહુનામી, એક મૂર્તિમાં કાંઇ છે ખામી. ૫૦

નીચેના જમણા હાથમાંય, ગદા જોઇયે ચક્ર છે ત્યાંય;

નીચે ડાબે હાથે ચક્ર હોય, ગદા ધારિ છે તે હાથે તોય. ૫૧

કહે શ્રીહરિ સહુ શુભ થાશે, સંતો ચિંતા તમારિ તે જાશે;

સુણી શ્રીહરિની શુભ વાણી, સંતે સર્વથા સત્ય પ્રમાણી. ૫૨

ગઢપુર માંહિ શ્રીઅવિનાશ, કર્યો ચાતુરમાસ નિવાસ;

કરી લીલા અનેક પ્રકાર, સુખ દાસને દીધાં અપાર. ૫૩

કૃષ્ણજન્મ તણો દિન આવ્યો, વાલે ઉત્સવ સારો કરાવ્યો;

જળઝીલણિ તે આવી જ્યારે, કર્યો ઉત્સવ ઉત્તમ ત્યારે. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિ તણિ મુરતી તથા રમાની, વૃતપુર મંદિર માંહિ થાપવાની;

વટપુર થકિ લાવિયા સુસંત, સુણિ હરિકૃષ્ણ રુદે રીઝ્યા અનંત. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વટપત્તનાત્ શ્રીલક્ષ્મીનારાયણપ્રતિમાઆનયનનામ દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે