કળશ ૮

વિશ્રામ ૧૩

રથોદ્ધતા

વર્ણિરાજ હરિની કથા કહે, ભૂપ સ્નેહ ધરિને સુણી લહે;

જેમ શ્રેષ્ઠ ઘનનાદ સાંભળી, મોદવંત બહુ મોરમંડળી. ૧

હે નરેશ વરતાલને વિષે, શ્રેષ્ઠ ધામ શિખરો થયાં દિસે;

શ્વેત હોય શિખરો હિમાચળે, એ જ એનિ ઉપમા ભલી મળે. ૨

અક્ષરાખ્ય મુનિ વાક્ય ઉચ્ચરે, તે આનંદમુનિ ચિત્તમાં ધરે;

આજ સર્વ શ્રમ આપણો ફળ્યો, પૂર્વ પુણ્યનિધિ માનિયે મળ્યો. ૩

વાત એહ લખિ એક કાગળે, મોકલાય મુનિનાથ આગળે;

તેહ પત્ર વૃષપુત્ર વાંચશે, રાજિ રાજિ હૃદયે ઘણા થશે. ૪

પત્ર એક લખિયો પવિત્ર તે, ચિત્ત ભાવ તણું ચારુ ચિત્ર તે;

તેહ માંહિ વચનો લખી ધર્યાં, પ્રાણનાથ શિખરો પુરાં કર્યાં. ૫

જોવરાવિ સુમુહૂર્ત સંચરો, મૂર્તિયોનિ થિર થાપના કરો;

છે વિરાટ તન તુલ્ય મંદિરો, તે સજીવ છબિ થાપિને કરો. ૬

દેશદેશ લખિ કુંકુમાક્ષરી,1 મોકલ્યાનું કરજો તમે હરિ;

હર્ષ સર્વ હરિભક્ત પામશે, આવિ જેમ મધમક્ષિ જામશે. ૭

ઇંદ્ર ચંદ્ર દિવસેંદ્ર2 દેવતા, ભૂતનાથ3 યમ ભારતી4 પિતા;5

ચિત્ત ચિંતવન નિત્ય સૌ ધરે, વાસ્તુ આવિ હરિ કે સમે6 કરે? ૮

તે ચરિત્ર તવ દેખવા તણી, સર્વ ચિત્ત ઉતકંઠતા ઘણી;

પ્રાણનાથ ઝટથી પધારજો, આવિ હર્ષ અમને વધારજો. ૯

પત્ર તેહ લઈ જૂસજી પગી, સંચર્યા દુરગધામની લગી;

જેમ પત્ર લઈ રુક્મિણી તણો, વિપ્ર સંચરિત વેગથી ઘણો. ૧૦

જૈ પ્રણામ પ્રભુને પ્રિતે કર્યો, પત્ર ધર્મસુતને કરે ધર્યો;

વાંચિ પત્ર હરખ્યા હરી બહુ, તેહ હર્ષ તણિ વાત શી કહું. ૧૧

દ્વારિકાનિ રચના દિલે ગમે, વિશ્વકર્મ રચિ રૂડિ જે સમે;

તે સુણી હરખ જે થયો હતો, એથિ હર્ષ અધિકો થયો છતો. ૧૨

બોલિયા પ્રભુજિ જુસજી ભણી, માગ્ય માગ્ય મુખથી વધામણી;

આજ હર્ષ અતિ ઊપજ્યો મને, વાંછિતાર્થ વરદાન દૌ તને. ૧૩

જૂસજી પ્રણમિ બોલિયા હસી, હે દયાળુ દિલમાં રહો વસી;

નાથ નિત્ય ભજું પૂર્ણ નેહથી, એથિ અન્ય કશિ વાંછના નથી. ૧૪

તે તથાસ્તુ હરિએ મુખે કહ્યું, જૂસજી હરખ પામિયા બહુ;

ધન્ય ધન્ય હરિભક્ત તેહને, વાસના ન કશિ અન્ય જેહને. ૧૫

પત્ર વાંચિ સહુને સુણાવિયો, ભક્ત સર્વ મન તેહ ભાવિયો;

હર્ષ એથિ ઉપજ્યો અતિ ઘણો, જાણિ મર્મ મન માંહિ તે તણો. ૧૬

શાર્દૂલવિક્રીડિત

મુક્તાનંદ મુનીંદ્ર બ્રહ્મમુનિ ને નિત્યાખ્યનંદો મુની,

ગોપાળાખ્ય મુની મહાગુણનિધી જાણે સુરીતી જુની;

લાધો ને હરજી સુમંત્રિ હરિના સેવા સજે સર્વદા,

તે સૌ રાજિ થયા રુદે અતિ ઘણા તે પત્ર વાંચી મુદા. ૧૭

સૌને પૂછિ સુપેર વિશ્વપતિએ જ્યોતિષી બોલાવિયા,

જોશીજી પુરુષોત્તમાખ્ય દ્વિજ શ્રી રૂવાદના આવિયા;

બીજા ભટ્ટ મયાખ્યરામ પણ ત્યાં આવ્યા પ્રભૂ આગળે,

પુછ્યું શુદ્ધ મુહૂર્ત ને વળિ કહ્યું આપો લખી કાગળે. ૧૮

ઉપજાતિવૃત્ત

તે એક તો ગર્ગ સમાન જાણો, બૃહસ્પતી તુલ્ય બીજા પ્રમાણો;

અનેક વિદ્યા ભણિ જેહ જાણે, મુહૂર્ત જોયું મળિ તેહ ટાણે. ૧૯

મુહૂર્ત આવ્યું શુભ દ્વાદશીયે, તે શુક્લપક્ષે તિથિ કાર્તિકીયે;

પોઢી ઉઠે શ્રીહરિ શેષશાયી, મુહૂર્ત તે તો સહુ સિદ્ધિદાયી. ૨૦

કૃષ્ણ પછી કાગળ ત્યાં મગાવ્યો, વૃત્તાલયે મોકલવા લખાવ્યો;

મુહૂર્તનો વાસર શુદ્ધ જેહ, શ્યામ લખાવ્યો શુભ જાણિ તેહ. ૨૧

વળી બિજી વાત કરી પ્રકાશ, હે અક્ષરાનંદ અનન્યદાસ;

વડોદરા સૂરત આદિ દેશ, કંકોતરીયો લખજો વિશેષ. ૨૨

શ્રીમંત સર્કાર શિયાજિરાવ, જેનો ભલો છે મુજ માંહી ભાવ;

કંકોતરી ત્યાં લખજો જરૂર, તે મંત્રિને મોકલશે હજૂર. ૨૩

દંઢાવ ને કાનમ આદિ દેશ, ને વાંસદા ધર્મપુરે વિશેષ;

ખંભાતના ભૂપ ભલા નવાબ, તેને લખાવો લખિ ઈલકાબ.7 ૨૪

ચરોતરે ને દશકોશિ માંય, છે આબરૂદાર સુભક્ત ત્યાંય;

લખો વળી શ્રીપુર જાણિ સારું, લખો બધામાં લિખિતં અમારું. ૨૫

હાલાર પાંચાળ સુરાષ્ટ્ર કચ્છ, કંકોતરી ત્યાં લખશું જ સ્વચ્છ;

તેની ન ચિંતા કરવી તમારે, તે કામ તો છે કરવું અમારે. ૨૬

કર્યા અમે મંદિર કારભારી, તે સાચવે છે મરજી તમારી;

તે સર્વને એમ તમે કહેજો, સામાન સર્વે ધન ખર્ચિ લેજો. ૨૭

ઘી ખાંડ ને સાકર અન્ન જેહ, અખૂટ લેજો અતિ શુદ્ધ એહ;

જે જે દિસે ખેતર આસપાસ, ત્યાં તો થશે સંઘ તણો નિવાસ. ૨૮

તે માટે તે સ્વચ્છ કરાવી રાખો, ત્યાં આવશે તે તક લોક લાખો;

સુખે રહે ત્યાં સહુ બાઈ ભાઈ, એવી કરી ઉત્તમ જોગવાઈ. ૨૯

અમે મુનિ નિષ્કુળને જ ધારી, અગાઉથી મોકલશું વિચારી;

જાણે બધી ઉત્તમ જુક્તિ જેહ, કરાવશે મંડપ આવિ એહ. ૩૦

જે વેદમૂર્તી ક્રિયમાણ જાણે, વિશેષ જેને જન સૌ વખાણે;

એ તો વસે છે ઉમરેઠ ગામ, ઘેલા તથા છે હરિભાઇ નામ. ૩૧

ત્રિજા કૃપારામ સુવિપ્ર જેહ, તેઓ વસે છે પણ ગામ તેહ;

જાણે ભલી કર્મઠ કેરિ રીતી, પ્રભુપદે છે પરિપૂર્ણ પ્રીતી. ૩૨

તેડાવજો તે નિજ શિષ્ય સંગે, તે કુંડનું કામ કરે ઉમંગે;

જે જે હુતદ્રવ્ય8 ગણી બતાવે, તે લાવજો જ્યાં થકિ જેહ આવે. ૩૩

વરૂણિમાં વિપ્ર વરાય જેહ, ઠરાવશું આવિ અમે જ તેહ;

સિધા તણી તો કરવા સફાઈ, તેડાવજો જે બહુ સુજ્ઞ બાઈ. ૩૪

ગંગાખ્ય માતા ગુણવંતિ જેહ, તેડાવજો તર્ત લખી જ તેહ;

બિજાં વસે છે ઉમરેઠ માંઈ, બે રૂપબાઈ વળિ માનબાઈ. ૩૫

બે નાથિ ને બેન કુમારિ સારી, વેણી તથા છે કુશળા સુનારી;

વડોદરામાં પણ મોંઘિબાઈ, જે શ્રેષ્ઠ સત્સંગ વિષે ગણાઈ. ૩૬

ગંગા વસે શ્રીપુર માંહિ ત્રીજી, રેવા તહાં છે વળિ બાઈ બીજી;

વસો વિષે છે જમનાં જતન, છે મેમદાવાદ નિવાસિ અન્ય. ૩૭

સુખાખ્ય બાઈ સુખબાઇ કાશી, વળી તહાં છે ઉમિયા નિવાસી;

રહે વળી ત્યાં રળીયાત બાઈ, સતી સિતાથી પણ તે સવાઈ. ૩૮

છે પીપળાવાખ્ય પવિત્ર ગામ, હેતાખ્ય બાઈ ઠરિ તેહ ઠામ;

જાણો સહૂ અક્ષરમુક્ત એહ, ધર્યા મહી9 માંહિ મનુષ્ય દેહ. ૩૯

વસંતતિલકા

  ગંગાજિ ભક્ત હરિનાં નડિયાદ કેરા,

  એવાં જ ઉત્તરકુમારિ ભલાં ઘણેરાં;

  રેવાજિ નામ ભલિ બાઈ તહાં રહે છે,

  સર્વે સુજાણ સતિ એમ જનો કહે છે. ૪૦

ઉપજાતિવૃત્ત

તેડાવવા તે બધિ બાઇયોને, ત્યાં મોકલાવો દ્વિજ ભાઇયોને;

વૃત્તાલવાસી વનમાળિ ગોર, ડાહ્યાખ્ય મેતા પણ તેહ ઠોર. ૪૧

સંજાય ગામે શુભ છે મુકામ, છે નામ અંબાપદ યુક્ત રામ;

તે વિપ્ર સારા ત્રણ જો સિધાવે, બાઈ બધીને જઈ તેડિ આવે. ૪૨

તે બાઇયો સર્વ પ્રવીણ પૂરી, રસોઇ કામે નથિ તે અધૂરી;

જે જે સમે જ્યાં શુભ કામ હોય, આવે તહાં જોગ ન હોય તોય. ૪૩

તે સર્વને કામ ભલાં ભળાવો, સેવો વડી પાપડ તે કરાવો;

સેવો તણા તંતુ રચે રુપાળા, જાણે દિસે તંતુ સુપદ્મવાળા. ૪૪

વિવેકથી તે વડિયો બનાવે, જેમાં અતિ ઉત્તમ સ્વાદ આવે;

સજે વળી પાપડ સ્વચ્છ એવા, પૂરેપૂરા પૂનમચંદ્ર જેવા. ૪૫

રસોઇયા સૂરતના જ સારા, વડોદરાના પણ રાંધનારા;

જે પાકશાસ્ત્રે નિપુણો અથાક, ભણેલ રૂડા નળ ભીમપાક.10 ૪૬

તેડાવિ પકવાન ઘણાં પડાવો, ભંડાર મોટા બહુધા ભરાવો;

અનેક સંભાર તણાં અથાણાં, મગાવજો ઉત્તમ આપિ નાણાં. ૪૭

જે ગામ છે ત્યાં થકિ આસપાસ, જ્યાં જ્યાં વસે મૂજ અનન્ય દાસ;

આજ્ઞા અમારી ભલિ એમ ભાખો, તૈયાર સૌ કાષ્ઠ તૃણાદિ રાખો. ૪૮

ધર્મે કર્યો રાજસુ જજ્ઞ જેવો, એથી થશે ઉત્તમ જજ્ઞ એવો;

માટે થવું સર્વ જને સહાયી, ન જાણશો બાળક ખેલ ભાઈ. ૪૯

વડોદરે છે નર નારુપંત, સત્સંગિ પૂરા અતિ સ્નેહવંત;

અમાત્ય11 છે તે નરનાથ કેરા, મગાવવા ત્યાં થકિ તંબુ દેરા. ૫૦

ચોખી ભલી ચંદનિયો મગાવો, તંબૂ ખેડા ખેતરમાં કરાવો;

જ્યાં ઝાડપાણી તણિ જોગવાઈ, ભલી હવા હોય વિશેષ ભાઈ. ૫૧

ત્યાં આવશે જે સરદાર સારા, તેના થશે તંબુ વિષે ઉતારા;

તે કારણે કાંચન કુંભવાળા, મગાવજો તંબુ રુડા રુપાળા. ૫૨

જ્યારે હજારો જન ત્યાં ભરાશે, ત્યારે તહાં તો બહુ ભીડ થાશે;

માટે બધી સીમ સુધી સફાઈ, કરાવિ રાખો ભલિભાત ભાઈ. ૫૩

નવે નિધી અષ્ટ સુસિદ્ધિ જેહ, ત્યાં આવશે સૌ તક જાણિ તેહ;

જનો તણાં કામ જને કરાશે, દેવો તણાં દેવ થકી જ થાશે. ૫૪

ગણેશ ગંગેશ12 સુરેશ13 શેષ, ધનેશ14 હંસેશ15 શશી દિનેશ;

સેવા વિષે તત્પર સૌ રહેશે, તે આ સમે લાભ અલભ્ય લેશે. ૫૫

નક્કી લખી વાત થવાનિ એમ, લખે વિધાતા દૃઢ લેખ જેમ;

એ રીતનો પત્ર પુરો લખાવ્યો, તે જુસજીના કરમાં અપાવ્યો. ૫૬

સિધાવિયા જુસજિ પંથ રૂપે, વેગે ઘણે જેમ ગરૂડ ઊડે;

જ્યાં અક્ષરાનંદમુની નિવાસ, તે પત્ર મૂક્યો જઈ તેનિ પાસ. ૫૭

ઉત્સાહ વાધ્યો ઉર વાંચિ પત્ર, સૌને બધી વાત સુણાવિ તત્ર;

આનંદ વાધ્યો અતિ ઘેર ઘેર, જાણે વધી લક્ષ્મિ તણી લહેર. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃષસુત હરિનો સુપત્ર વાંચી, સુણિ પ્રતિમા પધરાવવાનિ સાચી;

જનમન ઉપજ્યો ઉમંગ એમ, પ્રગટ પ્રમાણ મળે પ્રભુજી તેમ. ૫૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયે શ્રીલક્ષ્મીનારાયણપ્રતિષ્ઠામુહૂર્તનિર્ધારણનામ ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે