કળશ ૮

વિશ્રામ ૧૪

શાર્દૂલવિક્રીડિત

વાંચ્યો પત્ર પ્રભૂ તણો મુનિવરે તે અક્ષરાખ્યે સહી,

બોલાવી વરતાલના હરિજનો તે વાત સૌને કહી;

તે તો આતુરતાથ પત્ર તણિ તો જે વાટ જોતા હતા,

ઇચ્છા પૂર્ણ થવાથિ એહ સહુને હૈયે વધી હર્ષતા. ૧

જે રીતે જન લોભિને જર1 તણી ભંડાર ભારે જડે,

કે ચિંતામણિ ચિત્તમાં ચિતવતાં પાસે જ આવી પડે;

કે ઇંદ્રાસન એહને જ મળતાં ઉત્સાહ જેવો થશે,

વાલાનો શુભ પત્ર વાંચિ જનને ઉત્સાહ એવો દિસે. ૨

મોટા હર્ષથિ અક્ષરાખ્યમુનિ ને આનંદસ્વામી મળી,

કંકોત્રી હરિનામથી બહુ લખી તે મોકલાવી વળી;

ધારી ધર્મપુરે સુ વાંસદપુરે શ્રીપત્તને2 સુરતે,

પો’ચાડી વટપત્તને વળિ બહુ સ્થાને સુમુહૂરતે. ૩

લૈ પત્રી વનમાળિ ગોર વિચર્યા ડાહ્યા મહેતા ગયા,

અંબારામ તથા સહોદર વળી તેના સુપંથે થયા;

આપી પત્ર વળી કહ્યું હરિ તણી ભક્તા ભલી બાઇયો,

તે સૌને ઝટ લાવજો રસવતી3 કાર્યો દિસે ડાહિયો. ૪

શ્રીજીયે પણ સ્વચ્છ દુર્ગપુરથી પત્રી લખાવી ઘણી,

તે તો સોરઠ કચ્છ આદિ સઘળે લૈ મોકલાવી ગણી;

ઝાલાવાડ હલાર ગોહિલ ધરા રાજા પ્રજા સર્વને,

કંકોત્રી લખી મોકલાવિ હરિયે રાખે ન જે ગર્વને. ૫

આખા ને પીપલાણું ગામ તહિં છે નારાયણાખ્યો દવે,

મે’તા શ્રીનરસિંહ નામ પણ જે તે ગામમાં છે હવે;

તેઓને લખ્યું જે કુટુંબ સહિતે સૌ સદ્ય ત્યાં આવજો,

શાણાં સ્ત્રીજન છે તમો ઘર તણાં સાથે સહૂ લાવજો. ૬

તે કંકોતરિયો લઈ દ્વિજ ગયા તે હું કહું છું ઠરી,

લક્ષ્મીરામ નિવાસિ દુર્ગપુરના સાખે સુદેરાસરી;

ડોસો બેચર બાળકૃષ્ણ રઘુનાથાખ્યો જિવો જાણવો,

લાલો ને હરજીવનાખ્ય સુભગ એ તો ઉરે આણવો. ૭

શ્રીબોટાદ નિવાસી ભક્ત હરિના મોનાખ્ય બે બ્રાહ્મણો,

જેઠાભાઈ ત્રવાડિ એક દ્વિજ તો શ્રીમાળિના તે ગણો;

લૈને કુંકુમપત્રિકા દ્વિજવરો સ્નેહે ઘણે સંચર્યા,

દેશોદેશ વિષે ઘણી ઝડપથી પ્રત્યેક ગામે ફર્યા. ૮

ઉપજાતિવૃત્ત

વૃત્તાલયે મંદિર કારભારી, કામે મચ્યા સૌ મનમાં વિચારી;

ગાડાં ભરીને બહુ માલ લાવે, વડી વખારો લઇને ભરાવે. ૯

ગાડાંનિ હેડો4 વન માંહિ ચાલે, મુસાફરોને નહિ માગ5 આલે;

છે ચોકિયાં6 ને છકિયાં7 ભરેલાં, ઘણાંક જોડેલ દિસે તરેલાં.8 ૧૦

જો તાણતાં તાણિ નહીં શકાય, તો બેલ9 તે ત્યાં પણ બેસિ જાય;

“ધણી મરે” એમ ધણી કહે છે, જાણે ન કેને શિર ગાળ એ છે. ૧૧

અરણ્યમાં ને વળિ ગામમાંય, ગાડાં તણા તો ઘઘડાટ થાય;

ત્યાં પોઠિયા ઉપર માલ લાવે, તેનો નહીં પાર ગણ્યાથિ આવે. ૧૨

તે ધન્ય વૃત્તાલય પાટિદાર, પગી બધાને કહું ધન્યકાર;

ક્ષુધા તૃષાનું નહિ કાંઈ ભાન, મચ્યા રહે સૌ થઈ સાવધાન. ૧૩

બાઈ ઘણી ત્યાં સત્સંગી આવી, સેવો વડી પાપડ દે બનાવી;

સિધાં તણી કોઇ કરે સફાઈ, વિવાહથી તેહ ગણે નવાઈ.10 ૧૪

અમીન કે કો11 ઉમરાવ જેવા, ચરોતરી જે હરિભક્ત એવા;

તે તો તજીને બધિ લોકલાજ, સુધારવા સીમ કરે સુકાજ. ૧૫

સન્માર્જની12 લૈ પૃથ્વી સુધારે, કોદાળિ કોઈ કર માંહિ ધારે;

દેવો કહે છે નભમાંથિ હેરિ, શી ભક્તિ રાજા અમરીષ કેરી. ૧૬

કાષ્ઠો તણી ને તૃણગંજ જોઈ, કહે જ વિંધ્યાચળ તુલ્ય કોઈ;

કામે મચેલા જન તો હજારો, કહે મહાયજ્ઞ અહીં થનારી. ૧૭

પ્રસિદ્ધિ થૈ દેશ વિદેશમાંય, લાખો જનો વૃત્તપુરે ભરાય;

વેચાણ થાશે બહુ એમ ધારી, વેપારિયોયે કરિ મોંઘવારી. ૧૮

તૈયાર સામગ્રિ સમસ્ત કીધી, સૌયે મળી વાત વિચારિ લીધી;

કંકોતરી ત્યાં લખિ મોકલાવો, લખો હરીને હરિ સદ્ય આવો. ૧૯

શ્રી અક્ષરાનંદજિયે હુલાસે, કહ્યું મહાભક્ત કુબેર પાસે;

તમે તથા જોબનભાઇ બેય, લખો હરીને લખવાનું જેય. ૨૦

બેયે મળીને પછી રૂડિ રીતે, કંકોતરી ત્યાં લખિ પૂર્ણ પ્રીતે;

હે રાય તે હું તમને સુણાવું, ઉત્સાહ ઝાઝો ઉર માંહિ લાવું. ૨૧

કંકોતરીનું ધોળ

કંકુવરણી લખાવી કંકોતરી, લખ્યું સ્વસ્તિ શ્રીગઢપુરગામ,

  પ્રિતમજી પધારજો; ꠶ ટેક

સર્વ ઉપમા લાયક શ્રીહરી,

  ધર્મનંદન ધર્મના ધામ... પ્રિતમજી꠶ ૨૨

લખિયે વરતાલથી વાલમા,

  ભક્ત જોબન કુબેરદાસ... પ્રિતમજી꠶

પૂરા પ્રેમ થકી અમે પ્રણમિયે,

  પૂરી કરવા અમો તણિ આશ... પ્રિતમજી꠶ ૨૩

તમે પત્રમાં જે જે લખ્યું હતું,

  તે તો સર્વે કર્યું તે તૈયાર... પ્રિતમજી꠶

કૃપાનાથ કૃપા કરિને હવે,

  કોટિ બ્રહ્માંડના કરતાર... પ્રિતમજી꠶ ૨૪

ધામ શિખરો સહીત તૈયાર છે,

  કોડે મૂરતિયો પધરાવા કાજ... પ્રિતમજી꠶

ધામ પૂર્વાભિમુખનું ભલું થયું,

  મોટી મેહેર કરી મહારાજ... પ્રિતમજી꠶ ૨૫

તેમાં પ્રતિમાઓ છે પધરાવવી,

  મધ્યે લક્ષ્મીનારાયણ રૂપ... પ્રિતમજી꠶

બીજા મંદિરમાં પણ બહુ ભલી,

  સ્થાપો આવીને મૂરતી અનૂપ... પ્રિતમજી꠶ ૨૬

કરી ઉત્સવ અદ્‌ભૂત ઓપતો,

  જન જોઈ હૈયે હરખાય... પ્રિતમજી꠶

એવું ઉત્તમ ચરિત્ર કરો હરી,

  લીલા સર્વોપરી તે લખાય... પ્રિતમજી꠶ ૨૭

વાત વંચાશે અક્ષરધામમાં,

  કોટી કલ્પ સુધી રહેનાર... પ્રિતમજી꠶

ભાગ્યશાળી ભરતખંડના જનો,

  સ્નેહે સાંભળશે નરનાર... પ્રિતમજી꠶ ૨૮

સર્વે સામગ્રી અંહિ તૈયાર છે,

  ક્યારે આવશો કરુણાનિધાન... પ્રિતમજી꠶

અવિનાશી હવે આપ આવજો,

  દેવા દાસને દર્શનદાન... પ્રિતમજી꠶ ૨૯

ઇચ્છારામ ને રામપ્રતાપજી,

  સાથે લાવો સહિત પરિવાર... પ્રિતમજી꠶

નૃપ અભયનો વંશ અતિ ઘણો,

  સાથે લાવજો સૌ નરનાર... પ્રિતમજી꠶ ૩૦

જીવો ખાચર ભક્ત સુજાણ છે,

  તેના સહુ જનને લઈ સાથ... પ્રિતમજી꠶

સંત વર્ણિ ને પાર્ષદ સૌ લઇ,

  અતિ વેગે અનાથના નાથ... પ્રિતમજી꠶ ૩૧

દેશ દેશના સંઘ સોયામણા,

  સાથે લૈ તમે શ્રી ભગવાન... પ્રિતમજી꠶

અસવારી સજી રાણા રાજિયા,

  સાથે લૈ આવે ડંકા નિશાન... પ્રિતમજી꠶ ૩૨

મહારાજ મુરત આવ્યું ઢુંકડું,

  માટે પત્ર વાંચી હાલહાલ... પ્રિતમજી꠶

ઘણું શું લખિયે ઘનશ્યામજી,

  તમે વિશ્વવિહારી છો લાલ... પ્રિતમજી꠶ ૩૩

ઉપજાતિવૃત્ત

કંકોતરી તો લખી એવિ રીતે, પ્રભૂ ભણી મોકલવા સુપ્રીતે;

બાપૂજિ નામે દ્વિજ જોળમાંય, ને જૂસજિ મોકલિયા જ ત્યાંય. ૩૪

દ્વિજે પછી દુર્ગપુરે જઈને, હતા હરી હાજર ત્યાં થઈને;

પ્રણામ કીધા ઉર પ્રેમ આણી, તે પત્ર આપ્યો વદિ મિષ્ટ વાણી. ૩૫

સર્વે સમાચાર વળી સુણાવ્યા, વૃત્તાલયેથી જન જે કહાવ્યા;

હરી સુણીને હરખ્યા અપાર, તે પત્ર વાંચ્યો લઈ વારવાર. ૩૬

સન્માન સ્નેહે દ્વિજ કેરું કીધું, ભાવે ભલું ભોજનદાન દીધું;

તે વિપ્ર સાથે વૃષવંશરાય, કર્યા મુનિ નિષ્કુળને વિદાય. ૩૭

કહ્યું કરો મંડપ કુંડ જૈને, સુજાણ વિપ્રોનિ સલાહ લૈને;

અમે કરીને અનકોટ આંહીં, સ્વારી સજી આવશું સદ્ય ત્યાંહી. ૩૮

તે વિપ્ર ને નિષ્કુળ સંત જેહ, જ્યારે પહોંચ્યા વરતાલ તેહ;

જાણ્યું જનોયે સુરશ્રેષ્ઠ એ છે, શ્રીવિશ્વકર્મા સહ નારદે છે. ૩૯

સમીપ આવ્યા દ્વિજ સંત જ્યારે, તે બેયને ઓળખિયા જ ત્યારે;

પ્રણામ કીધા પદમાં પડીને, જે સ્વામિનારાયણ ઉચ્ચરીને. ૪૦

સર્વે સમાચાર દ્વિજે સુણાવ્યા, તે ભક્ત સૌના મન માંહિ ભાવ્યા;

તે વિપ્રની વાત અમુલ્ય જાણી, જેવી ઋષિની વરદાન વાણી. ૪૧

વાણી ઋષિયે ધ્રુવને સુણાવી, તને પ્રભૂજી મળશે જ આવી;

તે વાણિ લાગી ધ્રુવને સુ જેવી, લાગી જનોને દ્વિજ વાણી એવી. ૪૨

તેડાવિયા ત્યાં ઉમરેઠવાસી, જે વેદના અંગ ભણે તપાસી;

ઘેલા નહીં તો પણ નામ ઘેલા, તે આવિયા ત્યાં સહુથી પહેલા. ૪૩

તથા કૃપારામ ઋષિજી આવ્યા, તે આપ સાથે બહુ શિષ્ય લાવ્યા;

દુર્વાસ નામે મુનિ જેમ આવે, ઘણાક શિષ્યો નિજ સંગ લાવે. ૪૪

દ્વિજે મુની નિષ્કુળને મળીને, અન્યોન્યના સંમત સાંભળીને;

છે કુંડ ને મંડપ શાસ્ત્રગ્રંથ, તેના તપાસ્યા પરિપૂર્ણ પંથ. ૪૫

આરંભિયો મંડપ એ પ્રમાણે, જે માંહિ શંકા નહિ કોઇ આણે;

તે જેમ સંતો શ્રુતિપંથ ધાય, કલ્પિત માર્ગે કદિયે ન જાય. ૪૬

કરાવિયું શોધન ભૂમિ કેરું, જેવું લખ્યું શાસ્ત્ર વિષે ઘણેરું;

કરી પરીક્ષા શુભ ભૂમિકાની, જણાઇ તે ઉત્તમ સૌથિ ત્યાંની. ૪૭

વિપ્રે પદાર્થો વરતી13 કહેલાં, તે ખોદતાં ત્યાં થકિ નીકળેલા;

એથી સહૂને દૃઢ ઊર આવ્યું, પ્રાચી14 દિશા સાધન ત્યાં કરાયું. ૪૮

તે દેવમંદિરથિ પૂર્વ માંય, રચાવવા મંડપ શ્રેષ્ઠ ત્યાંય;

લાંબો પહોળો ભરિ હાથ વીશે, ઓટો કરાવ્યો દ્વિજ ને મુનીશે. ૪૯

ચારે ખૂણે ત્યાં ધરિ થંભ ચાર, બબે બીજા તે મળિ થંભ બાર;

સમાંતરે તે ધરિયા સમસ્ત, ભરી ભરીને તૃતીયાંશ હસ્ત. ૫૦

તે જાણિયે દ્વાદશ જ્યોતિલિંગ, હરિ રિઝાવા ધરી થંભઅંગ;

સેવા વિષે હાજર તે થયાં છે, આધાર થૈ મંડપનાં રહ્યા છે. ૫૧

તે ઓટલાનો તૃતિયાંશ જેહ, ચોખૂણ વચ્ચોવચ જોઇ તેહ;

ઉંચી કરી વેદિ સુહસ્તમાન, તે મૂર્તિયોનું અધિવાસ થાન. ૫૨

ચારે ખૂણે ત્યાં પણ થંભ ચાર, ઉભા કર્યા સુંદર એહ વાર;

તે થંભ લાંબા દશ હાથ જાણો, બીજા બધા પાંચ કર પ્રમાણો. ૫૩

તે પંચમાંશે15 ખણિ16 પૃથ્વિમાંય, ઘાલ્યા બધા થંભ વિચારિ ત્યાંય;

દિશાંક17 અંગૂળ18 પ્રમાણ થૂળ,19 તે સાગના શુદ્ધ સુવર્ણતુલ્ય. ૫૪

તે વેદિના ચાર સુથંભ કેવા, છે ધર્મના પાવ પવિત્ર જેવા;

તે ઊપરે ગોઠવિ આડિ20 ચાર, ને બાર થંભે પણ એ પ્રકાર. ૫૫

પ્રત્યેક થંભે જડિ21 ઊભિ એમ, તે છાપરા માંહિ જડાય જેમ;

વેદી તણા થંભશિરે વિચારી, કાષ્ઠો ઉભાં ચાર પવિત્ર ધારી. ૫૬

તે ઉપરે ઉત્તમ મોરવાયો,22 સુવર્ણથી શોભિત તે સવાયો;

રંગેલ રૂડો સુવિચિત્ર રંગે, જાણે ધર્યો હોય કિરીટ23 અંગે. ૫૭

ચારે દિશે મંડપ મધ્યભાગે, મુક્યાં ભલાં દ્વાર વિચિત્ર લાગે;

સારું સવા બે કર છે પહોળું, બ્રહ્મા તણા તે મુખતુલ્ય તોળું. ૫૮

તે આગળે ત્યાં થકિ હસ્ત દૂર, બબે કર્યા થંભ ઉભા જરૂર;

શિરે ધરી આડિ વળી સુઠામ, તેનું ધર્યું તોરણદ્વાર નામ. ૫૯

શ્રીકૃષ્ણનાં આયુધ ચાર જેહ, કાષ્ઠો તણાં શુદ્ધ બનાવિ તેહ;

માંડ્યાં લઈ તોરણ દ્વારશીશ, તેની હવે હું વિગતી કહીશ. ૬૦

પ્રાગ્દક્ષિણે પશ્ચિમ ઉત્તરે તે, ત્યાં શંખચક્રાદિ અનુક્રમે તે;

ગદા તથા પદ્મ ત્રિધા પ્રકારે, દિસે ધર્યાં તોરણ નામ દ્વારે. ૬૧

ચારે દિશાયે શુભ વેદિ પાસે, રચ્યા રુડા કુંડ ભલા જ ભાસે;

ચોખૂણ ચારુ ત્રણ મેખળા છે, શું અગ્નિનાં ઉત્તમ ધામ આ છે. ૬૨

ઈશાનખૂણે ગ્રહપીઠ હેર્યું, અગ્નિખુણે પીઠ ગણેશ કે;

વાસ્તુ તણું નૈરુતમાં નિહાળ્યું, વાયવ્ય ભદ્રાસન પીઠ ભાળ્યું. ૬૩

શીરે તથા મંડપ ચાર પાસે, ઢાંકી લિધાં વસ્ત્ર વિચિત્ર ભાસે;

રાખ્યાં ઉઘાડાં શુભ દ્વાર ચાર, રાખ્યું કરી એટલે એહ વાર. ૬૪

ઊદીચિમાં24 મંડપ એક નાનો, તે મૂર્તિને સ્નાનવિધિ કર્યાનો;

ચારે દિશાએ ભરિ હાથ બાર, બિજું બધું પૂર્વ તણે પ્રકાર. ૬૫

તેમાં કરાવ્યાં ત્રણ સ્નાનપીઠ, તે દક્ષિણે મધ્ય ઊદીચિ દીઠ;

પ્રાચી25 દિશે કર્મકુટી કરાવી, મુકાય જેમાં મુરતી મગાવી. ૬૬

પધારશે શ્રીહરિ આંહિ જ્યારે, વિશેષ શોભા બનવાનિ ત્યારે;

શરીરમાં જીવન જેમ આવે, ત્યારે જ શોભા તનની જણાવે. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

રુચિ ધરિ રચના મુની ઘણેરી, કરી ભલિ મંડપ તેમ કુંડ કેરી;

વૃષસુત તણિ વાટ તો જુવે છે, દરશન કે દિવસે થશે કહે છે. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે

શ્રીલક્ષ્મીનારાયણપ્રતિષ્ઠાંગમંડપકુંડનિર્માંણનામ ચતુર્દશો વિશ્રામઃ ॥૧૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે