કળશ ૮

વિશ્રામ ૧૫

પુષ્પિતાગ્રાવૃત્ત

વળિ વરણિ કહે સુણોજિ રાય, ગઢપુર કેરિ કહું હવે કથાય;

હરિજન સહુને કહ્યું કૃપાળે, તતપર સર્વ થજો જવા વૃતાલે. ૧

લઇ નિજ પરિવાર સર્વ સંગે, સહુ મુજ સંગ સુસંઘમાં ઉમંગે;

અધિક હરખ રાખિ એમ આવો, હય રથ આદિ સજી સ્વસંગ લાવો. ૨

અભયતનુજ ઉત્તમાખ્ય પાસે, હરિવર વાણિ વદે વળી હુલાસે;

સ્વજન સહિત મિત્ર સંગ લૈને, જવું વરતાલ જરૂર સજ્જ થૈને. ૩

હય1 બહુ વખણાય છે અહીંના, જનમન એમ ગણે સહુ તહીંના;

હય શુભ લઈ સંગ તેહ માટે, નૃપ વિચરો વરતાલ કેરિ વાટે. ૪

નૃપવિભૂષણ2 છે નિશાન3 ડંકો,4 છડિ ચમરે વરતાય રાય વંકો;5

હય રથ સુખપાલ જે રુપાળો, બહુ અસવાર તથા પવિત્ર પાળા. ૫

વૃષભ6 શકટ ઉંટ ભારદારી, બહુ જળ કેરિ પખાલ7 લેવિ સારી;

સુણિ હરિમુખની સુમિષ્ટ વાણી, ગણિ હિતકારિ નરેશ ચિત્ત આણી. ૬

પછિ નરપતિ અન્ય જેહ જીવો, ભડ હરિભક્ત સુકાઠિ કૂળ દીવો;

પ્રભુ દરશન કાજ તેહ આવ્યા, હરિમુખ શબ્દ ભલા તહાં સુણાવ્યા. ૭

વિચરવું વરતાલ સજ્જ થૈને, ચમુ8 ચતુરંગ9 સમસ્ત સંગ લૈને;

સ્વજન સહિત આવશોજિ જ્યારે, તમ થકિ ઉત્સવ શોભશે જ ત્યારે. ૮

સુણિ નરપતિએ કબૂલ કીધું, સુખકર વાક્ય શિરે ચડાવિ લીધું;

જઇ નિજ દરબાર સૌ જનોને, કહિ શુભ વાત જવાનિ મંત્રિયોને. ૯

ભગુજિ રતનજી પ્રભુનિ પાસ, સુભટ10 સુપાર્ષદ બેય શ્રેષ્ઠ દાસ;

ભડ નર રણ માંહિ ભીમ જેવા, રિપુદળ લક્ષ થકી હઠે ન એવા. ૧૦

જુગજણ11 સમિપે કહે કૃપાળ, ઝટ તઇયાર થજો જવા વૃતાલ;

તજવિજથિ12 તપાસી તંબુ દેરા, સજ કરજો સહ લૈ જવા ઘણેરા. ૧૧

અવર સુભટ ભીમ અન્ય દેવો, ખપ પડતાં નિજ કામ માંહિ લેવો;

પરમ પુનિત પાર્ષદો ઘણા છે, ખપ પડતાં સહુ તે તમો તણા છે. ૧૨

ઉપજાતિવૃત્ત

પછી બિજા ભક્તજનો ભલેરા, બોલાવિયા શ્રીહરિએ ઘણેરા;

તે એક તો ભક્તનું નામ નાન, બિજો ભુલો તે પણ તે સમાન. ૧૩

કહું ત્રિજો તો મકવાણ કાળો, રાઠોડ ગોપાળજિ પ્રેમવાળો;

ઇત્યાદિ પ્રત્યે ઉચર્યા મુરારી, સામગ્રિ ઘોડાનિ સજોજિ સારી. ૧૪

દાદાદિ સારા સરદાર કાજ, સજો રૂડો ઉત્તમ અશ્વસાજ;

ભૂપાળને લાયક હોય જેમ, તમે કરો ઉત્તમ તેહ તેમ. ૧૫

ખોગીર13 કાઠાં દળિયો14 લગામ, ને પેગડાં સજ્જ કરો તમામ;

રૂપાળિ રાશો શુભ મોરડા15 તે, સજાવજો શોભિત સારિ ભાતે. ૧૬

સામાન સર્વે શુભ શંખલાદી,16 કરાવજો ઉત્તમ રીત આદી;

તેમાં વળી ભર્ત્ત ભલાં ભરાવો, કોઈકમાં મોતિ હિરા મઢાવો. ૧૭

ખાંતે રચાવો ખડિયા17 રુપાળા, જનો જુવે ગુર્જર દેશવાળા;

પાણી તણા પોટલિયા18 મગાવો, પ્રત્યેક અસ્વાર કને રખાવો. ૧૮

આજ્ઞા સુણી શીશ ચડાવિ એહ, તૈયારિ વાસ્તે વિચર્યા જ તેહ;

રાઠોડ ખોડોજિ ફિફાદ કેરા, જે ભક્ત પ્રેમી કહિયે ઘણેરા. ૧૯

સ્વગામથી શ્રીજિ સમીપ આવ્યા, પલાણ તે ઉત્તમ ત્યાંથિ લાવ્યા;

કલ્યાણ શ્રી પીઠવડી નિવાસી, લૈ ઘાસિયા19 ઉત્તમ તે તપાસી. ૨૦

ઉમંગથી શ્રીજિ સમીપ આવ્યા, તે ઘાસિયા ભેટ ભલા ધરાવ્યા;

રાઠોડ ગીગો વશરામ જે છે, તે બેય તો ખાલપુરે રહે છે. ૨૧

હામો પિયાવાપુરનો નિવાસી, તે લાવિયા એવી જ વસ્તુ ખાસી;

વીરો તથા પાર્ષદ એક રાજો, તેને કહે શ્રીહરિ સજ્જ થાજો. ૨૨

તમે સજો ઉંટ રુડા તમારા, સજાવજો સૌ શણગાર સારા;

કોઈ પરે નોબત20 ગોઠવાશે, કોઈ પરે ભાર ભલા ભરાશે. ૨૩

કોઠારિ છે કૃષ્ણજિ જેનું નામ, તેને કહે તે પછિ મેઘશ્યામ;

વસ્તૂથિ કોઠાર ભરો તમારો, કુબેરનાથી પણ શ્રેષ્ઠ સારો. ૨૪

સહાયતામાં દઉં સંત જેહ, તેનાં સુણો નામ સુણાવું તેહ;

ગોપાળસ્વામીકૃત શિષ્ય જેને, કહે પુરુષાયુત નંદ તેને. ૨૫

છે શિષ્ય નિત્યાખ્ય મુનીંદ્ર કેરા, મુની ભુમાનંદ ભલા ઘણેરા;

છે માનજી પાર્ષદ જે ગણાય, ત્રણે તમોને કરશે સહાય. ૨૬

ગામો થકી માલ ઘણો મગાવો, ઘી ગોળ અન્નાદિ બહૂ ભરાવો;

થશે અહીં ઉત્તમ અન્નકોટ, એવું કરો કે ન પડે જ ખોટ. ૨૭

રસ્તે પડે વાસણની જરૂર, તે તો ખરીદો દઇ ખૂબ નૂર;21

સાથે જ કોઠાર ભરેલ જેમ, લૈ આવજો વસ્તુ સમસ્ત તેમ. ૨૮

પછી પ્રભુએ નિજ ભાઇ બેય, તેડાવિયા આપ સમીપ તેય;

કહ્યું તહાં એમ કુપાળુ નાથે, તૈયાર થાજો પરિવાર સાથે. ૨૯

ભાઈ તમે બેય ભુજા અમારી, પવિત્ર જે સર્વ પ્રજા તમારી;

આધાર સત્સંગ તણો ગણાશે, તમોથિ આ ઉત્તમ કામ થાશે. ૩૦

જયા લલિતાદિક બાઇ જેહ, તેને કહે કૃષ્ણ કૃપાળુ તેહ;

સામાન જે જે અનકોટ કેરો, તે તો કરો સજ્જ તમે ઘણેરો. ૩૧

વૃતાલ જાવા પણ એ વારે, તૈયારિ તો છે કરવી તમારે;

તેમાં તમોને શ્રેમ તો જણાશે, તથાપિ શ્રદ્ધાથિ સુકામ થાશે. ૩૨

બાઈ કહે હે કરુણાનિધાન, અમે તમારું ધરીયે જ ધ્યાન;

તેથી ન લાગે શ્રમ તીલમાત્ર, રહે સદા શીતળ ચિત્ત ગાત્ર.22 ૩૩

બાઈ અમૂલાં અમરાખ્ય જેહ, સુતા જિવા ખાચર કેરિ તેહ;

તેને કહે શ્રીહરિજી ઉમંગે, તૈયાર થાજો સહુ બાઈ સંગે. ૩૪

કંદોઇ સારા લખુ જેનું નામ, તેને કહે સુંદર મેઘશ્યામ;

ચકૂજિ કલ્યાણ રઘૂજિ જેહ, પુત્રો તમારા હરિભાઇ તેહ. ૩૫

તે સૌ મળી સૂખડિયો બનાવો, વૃત્તાલ જાતાં સહુ સાથે લાવો;

તે સંઘમાં એક દુકાન સારી, જમાવજો સુખડિની તમારી. ૩૬

ભલા ભલા ભૂપતિ તેહ ભાતાં, ખરીદિ લેશે ઝટ પંથ જાતાં;

ગરીબ શ્રીમંત સહૂ મનુષ્ય, તેથી થશે તત્ક્ષણ તે પ્રતુષ્ય.23 ૩૭

પંચોળિ છે નાગર જેનું નામ, કરે સદા વૈદક કેરું કામ;

તેને કહ્યું સંઘ વિષે સિધાવો, ધન્વંતરી તુલ્ય ભલા સુહાવો. ૩૮

પ્રેમો ખિમો ને વળિ એક વાલો, સુતાર સારા ગણિ ધર્મલાલો;

કહે તમે શસ્ત્ર સજી તમારાં, સાથે જ લેજો બહુ હોય સારાં. ૩૯

જો કોઈ ગાડું રથ ખોટકાય, તો તે જ ટાણે તહિં સજ્જ થાય;

મેખો24 ઘણી તો કરવા જ માંડો, બિજાં બધાં કામ હવેથિ છાંડો. ૪૦

લુહાર વાઘો સતસંગી સારો, તેને કહે ધર્મ તણો દુલારો;

તમે તમારાં શુભ શસ્ત્ર લૈને, વૃત્તાલ ચાલો તમ સજ્જ થઈને. ૪૧

વાટે ધરિ25 આદિક કાંઈ ભાગે, તો શસ્ત્ર તે ત્યાં બહુ કામ લાગે;

ઘણા જનોને લઈ સાથ જાવું, વિચારવું ત્યાં બહુ આવું આવું. ૪૨

કહે ભગૂજિ પ્રતિ ત્યાં પ્રભૂજી, સુણો તમોને પણ હું કહુંજી;

ગાડાં ઘણાં ગામ થકી મગાવો, તંબૂ તથા ભાર બિજો ભરાવો. ૪૩

સત્સંગિ છે માંડવધાર માંય, ગોવો જિવો નામ પટેલ ત્યાંય;

ધનો હિરો ને હરિભક્ત તેજો, લીંબા રુડાને પણ સાથે લેજો. ૪૪

એવા સમાચાર તહાં કહાવો, ગાડાં લઈને સહુ આંહિ આવો;

તે કાર્તિકી ઉજ્વળ26 બીજ જ્યારે, જરૂર આવો ગઢપુર ત્યારે. ૪૫

ખોપાળું છે ગામ ખચીત સારું, જહાં રહી નામ જપે અમારું;

પટેલ કાળી સતસંગિ સારો, તેને લખો ગાડું લઈ પધારો. ૪૬

છે ગામ રૂડું વળિ કારિયાણી, કહાવવી ત્યાં પણ એવિ વાણી;

પટેલ ત્યાં રાઘવજી કહાવે, ગાડાં લઈ તે પણ આંહિ આવે. ૪૭

જેરાજ શ્રી લાઠિદડે રહે છે, અનન્ય સારા હરિભક્ત એ છે;

ઇત્યાદિ ગામો હરિભક્ત કેરાં, ગાડાં મગાવો તહિથી ઘણેરાં. ૪૮

એવું સુણી કાગળ ત્યાં લખાવ્યા, તેના સમાચાર તહાંથિ આવ્યા;

ગાડા મગાવ્યાં પ્રભુ આપ સારું, છે દેહ ને દ્રવ્ય બધું તમારું. ૪૯

જે જે કહો તે પણ લાવિ દીજે, જો શીશ માગો નહિ ના કહીજે;

જો થાય સદ્‌ભાગ્ય ઉદે અમારું, તો ભક્તિનું કામ મળે તમારુ. ૫૦

દીપોત્સવીને વળતે જ વારે, કાં કાર્તકી બીજ ગણાય ત્યારે;

ગાડાં લઈ આવશું દુર્ગપૂર, જાત્રાર્થ વૃત્રાલ જવા જરૂર. ૫૧

પછી સહૂ પંડિત સાધુ પાસ, પ્રભુજિએ વેણ કર્યું પ્રકાશ;

સાથે તમે પુસ્તક સર્વ લેજો, ગાડાં ભરાવી સમિપે રહેજો. ૫૨

વેદાંત ને ન્યાય સુધર્મશાસ્ત્ર, તે તો તમારાં જગમાં જયાસ્ત્ર;27

સંભારિ રામાનુજભાષ્ય લેજો, જે જોઇયે તે ન વિસારિ દેજો. ૫૩

રસ્તે અમે જ્યાં કરિયે મુકામ, તમે કરો ત્યાં ઉપદેશ કામ;

આવે જનો ત્યાં મળિને અનેક, વાતો કરો સૌ પ્રતિ એક એક. ૫૪

અસ્વારિ સારી સજિ હેતુ એહ, જોવા મળે લોક અનેક તેહ;

તે સર્વને જ્ઞાન ભલું સુણાવો, સત્સંગમાં લૈ કુમતો સજાવો. ૫૫

ન આશ્રિતો વૈભવ દેખિ થાય, વૈરાગ્ય જ્ઞાન જ થતા જણાય;

સંતો વિષે સદ્‌ગુરુતા જણાશે, તો તેથિ સત્સંગ વિશેષ થાશે. ૫૬

પંથે જતા હોય પ્રવાસિ કોય, તેને સુણાવો સતધર્મ તોય;

ઉભા રહો કે વળિ ક્યાંઇ બેસો, જો કોઈ આવે ઉપદેશ દેશો. ૫૭

મોટા મખો28 ઉત્સવ જે કરાવ્યા, ભલા સમૈયા બહુધા ભરાવ્યા;

એ સર્વના કારણ કેરિ વ્યક્તિ,29 પામે જનો જેથિ અનન્ય ભક્તિ. ૫૮

સંતે સુણી શ્રીમુખ કેરિ વાણી, બોલ્યા નમીને જુગ જોડિ પાણી;

આજ્ઞા તમારી સુણિ એ પ્રમાણે, પ્રવર્ત્તશું હે પ્રભુ સર્વ ટાણે. ૫૯

વેદાંતિ જૈની30 જવનો31 તથાપિ, સત્સંગિ થાશે સ્વમતો ઉથાપિ;

સામર્થ્ય તે કાંઈ નહીં અમારું, ઐશ્વર્ય તે તો પ્રભુજી તમારું. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુર પથ સંઘમાં જવાને, તતપર તેહ વિષે વળી થવાને;

જનજન પ્રતિ જે કહ્યું કૃપાળે, વરણન તેહ સુણ્યું ભલું ભુપાળે. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયવિચરણાર્થકથનનામ પંચદશો વિશ્રામઃ ॥૧૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે