કળશ ૮

વિશ્રામ ૧૬

રથોદ્ધતા

શ્રીજિ સાથે વરતાલ તો જવા, લાગિયા સુજન સજ્ય સૌ થવા;

ઠામ ઠામ જનજૂત1 જ્યાં મળે, એ જ વાત થતિ સર્વ સાંભળે. ૧

કોઇ વસ્ત્ર સિવડાવવા નવાં, હર્ષયુક્ત હૃદયે થતાં હવાં;

કોઇ સજ્જ કરતા સુવાહનો, શસ્ત્ર સજ્જ કરતા ઘણા જનો. ૨

સોનિ મોચિ દરજી સુતારને, લોહકામ કરતા લુહારને;

પા ઘડીક નવરાશ ના મળે, ગ્રાહકો લડિ લડી અને વળે. ૩

ધોબિ લોક બહુ લૂગડાં ધુવે, રાત્રિયે ન શ્રમ પામિને સુવે;

તોય પાર નહિ કામ તો પડે, લાવ્ય વસ્ત્ર કહિને જનો લડે. ૪

વસ્ત્ર શસ્ત્ર ખરિદી કરાય છે, ભીડ ભારિ ચઉટે ભરાય છે;

થાકિ જાય વ્યવહારિ વાણિયા, થાકિ જાય સજતાં સરાણિયા. ૫

સર્વ કારિગર આપ આપણી, મોંઘવારિ કરિ તે સમે ઘણી;

મુલ ચાર ગણું માલનું થયું, મોઘું મોઘું ઘડિમાં થતું ગયું. ૬

બેય રાજદરબારમાં બહુ, ધામધૂમ કરવા મચ્યા સહૂ;

જાવું હોય વડિ જેમ જાનમાં, તેમ સર્વ દરશાય તાનમાં. ૭

કોઇ સાજ હયનો સજાવવા, મંડિયા ભલિ રિતે ભજાવવા;

અન્યનાથિ ઉતકૃષ્ટતા2 થવા, હોંશ રાખિ સહુ મંડતા હવા. ૮

કોઇ અશ્વગતિને સુધારવા, ખોડ3 હોય ખરિ તે મટાડવા;

ખૂબ ગામથિ બહાર ખેલવે, અન્ય એક હય સાથે મેળવે. ૯

ગાયિયોથિ પડદા જુના તજ્યા, શોભિતા સરવ તે નવા સજ્યા;

જેમ વસ્ત્ર જન સૌ જુનાં તજે, ને વિવાહ સમયે નવાં સજે. ૧૦

ઘૂઘરા ઘટિત ઘાટ લાવિયા, જોઇ જોઇ રથમાં જડાવિયા;

જેમ નારિપદ હોય ઝાંઝરો, તેમ થાય ઝણકાર તો ખરો. ૧૧

ઝૂલ મૂલ ખરચી કરાવિયો, વેલ ભાત ભલિની ભરાવિયો;

તાર સાર જરિયાનના ભર્યાં, ગુછ સ્વચ્છ કરિ રેશમી ધર્યા. ૧૨

છત્ર તત્ર છબિલાં કરાવિયાં, ભાળિ ભૂપ મન માંહિ ભાવિયાં;

જેવિ હોય ઘનની નભે ઘટા, તેવિ તેનિ દરસે રુડી છટા. ૧૩

વાવટા વિવિધ રંગના કર્યા, મેઘચાપ સરખા મનોહરા;

ચારુ ચામર નવાં કરાવિયાં, જાણિયે શું સ્વરગેથિ આવિયાં. ૧૪

સજ્જ કીધિ તરવાર તો ઘણી, શત્રુદંશ કરનારિ નાગણી;

સાફ કીધિ બરછી બહુ ભલી, હોય જેવિ ચળકંતિ વિજળી. ૧૫

ઢાલ મોટિ પર રંગ ઢાળિયા, કાંતિમાન સુકુબા4 ઉજાળિયા;

સજ્જ કીધી છરિયો કટારિયો, જે દિસે કમર માંહિ સારિયો. ૧૬

શાસ્ત્રિ સંત નિજ પુસ્તકો સજે, નૈષધાદિ5 નહિ કાવ્ય તે તજે;

વેદ શાસ્ત્ર સ્મૃતિયો સુધર્મની, રાખિ સાથ ભલિ ભક્તિકર્મની. ૧૭

ભક્ષપાત્ર જળપાત્ર ખોખરાં, તે તપાસી બદલી લિધાં ખરાં;

વસ્ત્ર જીર્ણ જુગતીથી સાંધિયાં, જેમ ધર્મ નિજ તેમ બાંધિયાં. ૧૮

આવિ ત્યાં તિથિ ધનત્રયોદશી, સર્વ ભક્તજનને મને વશી;

કૃષ્ણ પૂજિ શુભ ઉત્સવે કર્યો, હર્ષ પૂર્ણ હઇડા વિષે ધર્યો. ૧૯

લાગિયા અધિક સંઘ આવવા, શ્યામ સાથ મળિને સિધાવવા;

કોઈ ગામ તણિ શ્રેષ્ઠ મંડળી, ગાય તાલ મરદંગ લૈ વળી. ૨૦

પૂર્વછાયો

વર્ણિ કહે નૃપ સાંભળો, જે જે દેશથિ આવ્યા જેહ;

નામ થોડાં સંઘવી6 તણાં, તમને સુણાવું તેહ. ૨૧

ચોપાઈ

ભુજના તો સુંદરજિ સુતાર, ગંગારામાદિ મલ્લ અપાર;

કચરો ને પદમશી નામ, એનો આધોઈ ગામ મુકામ. ૨૨

કહું ભક્ત ધમડકા કેરા, રાયધણજિ સુભક્ત ઘણેરા;

રામસિંહ તથા અદોભાઈ, કરણીબા તથા માનબાઈ. ૨૩

કચ્છનાં એહ આદિક જન, આવ્યાં કૃષ્ણ ચતુર્દશી દન;

આવ્યા સોરઠના સતસંગી, મુખ્ય નામ કહું છું ઉમંગી. ૨૪

જુનાગઢના આવ્યા કારભારી, સાથે લઇને ભલી અસવારી;

શોભે સુંદર ડંકો નિશાન, ભાસે જોતાં તે ભૂપ સમાન. ૨૫

માણાવદર ને માંગરોળ, જામનગર ને ગોંડળ ધ્રોળ;

આવ્યા એહ આદિક કારભારી, સાથે સારિ સજી અસવારી. ૨૬

જેતપુરના ને ભાવનગરના, ઝાલાવાડના સૌ નરવરના;

કારભારિયો આવિયા એમ, જેનો જેવો અધિકાર જેમ. ૨૭

વળાથિ7 આવ્યા હરભમરાય, સાથે શોભિત સેના જણાય;

ધન્ય તે વલ્લભીપુર પતિ, જેનો પ્રેમ પ્રભુપદે અતિ. ૨૮

આવ્યા મેથાણના કાકોભાઈ, પુજો માલો હાલુ જીજીબાઈ;

તાવીના અદોજિ ને ભારોજી, અખોભાઈ આવ્યા થઈ રાજી. ૨૯

જેઠીજી ભીમજી ને પુજોજી, તેની સાથે તો સંઘ ઘણોજી;

તાડિયાના તો ભગવાનભાઈ, જેની સાથે ઘણાં ભાઈ બાઈ. ૩૦

રાજકોટ રાજાના પ્રધાન, તે તો આવ્યા દુરગપુર સ્થાન;

મેંગણીના માનસિંહરાય, સતસંગમાં શ્રેષ્ઠ ગણાય. ૩૧

એ તો આવ્યા સારો સંઘ લૈને, વરતાલ જવા સજ્જ થૈને;

લોધિકાના તો જીભાઈ જેહ, સારો સંઘ લઈ આવ્યા તેહ. ૩૨

સુણો ભૂપ અભેસિંહ રાય, ભલા ભક્ત તમારા પિતાય;

ખેંગાભાઇ તે જેહનું નામ, આવ્યા તે પણ ગઢપુર ધામ. ૩૩

સરતાનજી તો પાડાસણના, થાય ભક્તો વિષે ભલી ગણના;

વડાળીના મઘોભાઈ જાણો, ખાંભાના જેઠીભાઈ પ્રમાણો. ૩૪

કાળીપાટ વાગુદડ ગામ, માખાવડ એક ગામનું નામ;

હકોભાઈ કાંકશિયાળી કેરા, એહ આદિક આવ્યા ઘણેરા. ૩૫

મયારામ ને પર્વતભાઈ, તેની સાથે ઘણાં ભાઇ બાઈ;

નારાયણ દવે આખાના જેહ, આવ્યા સહિત કુટુંબથી તેહ. ૩૬

પીપલાણાના નરસિ મહેતા, આવ્યા તે પરિવાર સમેતા;

ભૂપ પંચાળાના ઝીણાભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ. ૩૭

ઉનાના આવ્યા શેઠ ગણેશ, જેના સંઘમાં જન તો વિશેષ;

દીવબંદરથી પ્રેમબાઈ, સંઘ લૈને આવ્યાં હરખાઈ. ૩૮

દાદોભાઈ તે જમનાંવડના, ભક્ત પ્રહ્લાદની તડોવડના;8

કોટડું વાંકિયું ને ખંભાળું, વાવડી કરિયાણું ગુંદાળું. ૩૯

સતસંગી ત્યાંના સરદાર, આવ્યા સંઘ લઈને અપાર;

ગઢાળીના હઠીભાઈ આવ્યા, આંબાશેઠને પણ સંગ લાવ્યા. ૪૦

હરિભાઈ ત્યાંના હરિભક્ત, એ તો પ્રભુપદ માંહિ આસક્ત;

આવ્યા બોટાદના હરિજન, એ તો ભક્ત ભલા છે અનન્ય. ૪૧

કારિયાણિ ને સારંગપુર, લાઠીદડ નથી ત્યાં થકી દૂર;

ઝીંઝાવદર ને રોહીશાળા, ત્યાંના ભક્ત આવ્યા પ્રેમવાળા. ૪૨

આવ્યા ભક્ત ગોરડકાના પણ, ચાંદુ ઉગો પુજો વિસામણ;

સુરો ભક્ત તહાં રહે સારો, ભાવે પ્રગટ પ્રભુ ભજનારો. ૪૩

ભક્ત જીવા તથા ભક્ત ઘેલા, ગામ લૂવારા માંહિ રહેલા;

આસોંદરના જીવો તથા રુડો, જેના અંતરમાં પ્રેમ ઉંડો. ૪૪

ઝીંઝુડાના આવ્યા હરિજન, સુણો નામ તેનાં હે રાજન;

એક વાઘો ખુમાણ ને દાનો, એમાં એકે નથી છેક છાનો. ૪૫

મોદી આંબો ને વીઠલ માધો, જેણે સૌ પુરુષારથ સાધ્યો;

શેઠ મીઠો તથા વશરામ, ધર્મશી તો પટેલનું નામ. ૪૬

ગામ પીઠવડીના પટેલ, હરજી હરિભક્ત થયેલ;

હીરો પુજો ભગો મુળોભાઈ, ભાયા રુડાની ભક્તિ સવાઈ. ૪૭

શેલણાના વાસુર ખુમાણ, ભમોદરાના ઓઘડ જાણ;

સારા સેંજળના સરદાર, નામે શાર્દૂલ દીલના ઉદાર. ૪૮

સુત ત્રણ સાથે લૈ આવી વસિયો, કાંથડ મેરામણ ને માણશિયો;

તેમાં માણશિયો ભલો ભક્ત, રહે માયાથી મનમાં વિરક્ત. ૪૯

શાર્દૂલવિક્રીડિત

ભક્તિ ભક્તિતનૂજની ભલી કરી તે ભાવ રાખિ ભલો,

સેવા સંત તણી સજી જગતમાં જોયો ભલો જેવલો;9

પામીને મનુષાવતાર કરવું જે જે ઘટે તે કર્યું,

માટે માણશિયો સુનામ ધરથી10 ધારી વિધાતા ધર્યું. ૫૦

સોરઠો

જે ન ભજે ભગવાન, જનો જનાવર જાણવા;

કર્યું કૃષ્ણગુણ ગાન, માણશિયો માણસ ખરો. ૫૧

ચોપાઈ

લોયા નાગડકું ભેંસજાળ, આવ્યા ત્યાંના જનો તતકાળ;

કુંપો ખાચર કોરડા કેરા, આવ્યા તે જન લૈને ઘણેરા. ૫૨

ચાસકેથી આવ્યાં બાઇ ભાઇ, આવ્યાં બગડ થકી જાનબાઇ;

પુત્ર ખાચર દેહો ને રામો, સાથે લાવ્યાં દેખાડવા ધામો. ૫૩

રાણપરથી બડેમીયાં આવ્યા, પુત્ર આલમભાઇને લાવ્યા;

મછિયાવ થકિ બાપુભાઈ, સજી અસવારિ આવિયા ધાઈ. ૧૪

ગામ વાગડ સુંદરિયાણું, વળી ઝીંઝર રોઝકા જાણું;

આવ્યા ત્યાંના ઘણા હરિભક્ત, પ્રભુપદમાં જે પૂરા આસક્ત. ૫૫

ભીમનાથના મહાંતજીયે, મોકલ્યા નિજજનને ખુશીયે;

ગાંફથી મનુભા મહીનાથ, આવ્યા અસ્વારિ લૈ નિજ સાથ. પ૬

ધોલેરાથી આવ્યા નૃપ ધાઈ, પુજોભાઈ તથા ભોજોભાઈ;

વરહોભાઈ ને ભક્ત ખીમો, શેઠ ડોસો ચાલે ધીમો ધીમો. ૫૭

એહ આદિક સંઘ અપાર, આવ્યા દુર્ગપત્તન મોઝાર;

ચારે તરફથિ નદીયો જેમ, મળે સાગરમાં આવિ તેમ. ૫૮

ગઢપુરમાં આવે જનવૃંદ, પ્રભુને મળી પામે આનંદ;

કોઈ તો આવ્યા દીવાળીમાંય, અન્નકૂટે આવ્યા કોઇ ત્યાંય. ૫૯

ગામમાં તો ઘણી ભીડ થઈ, કોઇ ઉતર્યા વાડિયે જઈ;

અન્નકૂટનો ઉત્સવ કીધો, લાવ ભક્તજને ભલો લીધો. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

વિચરણ વરતાલ શ્યામ સંગે, ગઢપુર સંઘ સું આવિયા ઉમંગે;

વરણન કરિ વર્ણિયે સુણાવ્યું, સુણિ નૃપના મનમાં ભલું જ ભાવ્યું. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયગમનાર્થ-દુર્ગપુરેસંઘાગમનનામ ષોડશો વિશ્રામઃ ॥૧૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે