કળશ ૮

વિશ્રામ ૧૭

ઉપજાતિવૃત્ત

સત્સંગિ સંતે અનકોટ કીધો, જમી દયાસિંધુ પ્રસાદ દીધો;

બિજે દિને તો યમબીજ આવી, ભલી રિતે તે પણ ત્યાં ભજાવી. ૧

જેનૂં ભલું ઉત્તમ ભૂપ નામ, તેને કહે સુંદર મેઘશ્યામ;

યમે જમીને યમુનાંજિ ઘેર, આપ્યાં હતાં વસ્ત્ર અનેક પેર. ૨

તે માટે આજે યમબીજ જાણી, તે રીતે રૂડી અસલી વખાણી;

છે પાંચુબાઈ ભગિની તમારી, જમો રસોઈ જઈ તેનિ સારી. ૩

જયા લલીતા વળિ પાંચુબાઈ, ને નાનબાઈ તવ તાતજાઈ;1

તે સર્વને સુંદર વસ્ત્ર દેવાં, જોતાં બિજે ક્યાંઇ જડે ન એવાં. ૪

છે પાંચનો પુત્ર પવિત્ર જેહ, કહે સહુ કાંથડ નામ તેહ;

તેને વળી વસ્ત્ર રુડું અપાય, તો તેનિ માતા બહુ રાજિ થાય. ૫

આજ્ઞા સુણી ઉત્તમ કૃષ્ણદાસ, જમ્યા જઈને સહજાનિવાસ;2

તેને તથા કાંથડ નંદ તેનો, આપ્યાં સુવસ્ત્રો હક જાણિ એનો. ૬

પછી મહારાજ સમીપ આવી, તે વાત સર્વે વિગતે સુણાવી;

જમ્યો જઈ હું સહજાનિવાસ, આપી સુવસ્ત્રો કરિ પૂર્ણ આશ. ૭

દોહરો

  સહજા નંદકુમારની, સુત સમ સહજાનંદ;

  નિરખી સહજાનંદજી, ઉપજ્યા સહજાનંદ.3

ઉપજાતિવૃત્ત

સંધ્યા સમે સુંદર બીજ જોઈ, ત્યાં કલ્પના કીધિ કવીંદ્ર કોઈ;

વૃત્તાલ જાવા શિવ આવતા છે, શું ચિહ્ન તેનૂં દરશાવતા છે. ૯

ત્રિજે દિને તો તિથિ ત્રીજ જાણી, જમ્યા જનો અંગ ઉમંગ આણી;

જવા થતાં તત્પર સૌ જણાય, અશ્વાદિ સદ્વાહન ત્યાં સજાય. ૧૦

ડંકો થયો નોબતના સુજ્યારે, સજી લિધાં વાહન સર્વ ત્યારે;

ડંકો બિજો સાંભળતાં જ વાર, આવી ઉભા સૌ નૃપને દુવાર. ૧૧

ભક્તે પ્રભુને પ્રતિ અંગ અંગ, ધરાવિયાં વસ્ત્ર વિચિત્ર રંગ;

ધરાવિયાં ભૂષણ ભાત ભાત, શું એક જીભે કહું એહ વાત. ૧૨

પ્રહર્ષિણી

શોભે છે સુખનિધિ તે સમે સુ કેવા, જે દીસે નભપર મેઘ શ્યામ જેવા;

વસ્ત્રો છે કનક કરેલ તંતુવાળાં, તે દીસે તડિતની4 તુલ્ય તો રુપાળાં. ૧૩

ધારી છે અનુપમ પાગ માવ માથે, શોભે છે કલગિ વિશેષ તેહ સાથે;

શું મેરૂ ગિરિશિર મોર સંચરીને, શોભે છે સરસ સ્વયં કળા કરીને. ૧૪

તોરો છે કુસુમનિ સેર ત્રણ્ય કેરો, શોભે છે શિરપર તે અતી ઘણેરો;

તે જાણે ત્રિપથ5 ભણી જવા વિચાર્યું, ગંગાયે ત્રિવિધ પ્રવાહરૂપ ધાર્યું. ૧૫

કાનોમાં મકરસમાન કુંડળે છે, તે જાણે નિધિતટ6 મત્સ્ય ઉછળે છે;

શોભે છે તિલકનિ મધ્ય ચંદ્ર કેવો, આકાશે શશિ ધનુરાશિમધ્ય જેવો. ૧૬

નેત્રો બે ભ્રકુટિ કુટીલયુક્ત કેવાં, મંત્રોનાં વશિકરણાદિ બીજ જેવાં;

નાસા છે સ્થિર શિખ દીપની સમાન, વેદાદી પ્રણવ પ્રવર્તવાનું થાન. ૧૭

દંતોની પુનિત સુપંક્તિયો ભલી છે, તે જાણે કમનિય પુષ્પની કળી છે;

કંઠે છે મણિમય મોતિમાળ કેવી, તારાની શશિસમિએ સુપંક્તિ જેવી. ૧૮

બાંધ્યા છે જડિત સુબાજુબંધ સારા, તે જાણે ગ્રહ નવ જૈ વસેલ ન્યારા;

કાંડે છે કનકકડાં રુડાં અનૂપે, શું મુક્તે કર પકડ્યા કડાં સ્વરૂપે. ૧૯

અંગૂળી સહુપર વેઢ વીંટિયો છે, શું તે તો નવનિધિ અષ્ટ સિદ્ધિયો છે;

પ્રત્યંગે મણિમય ભૂષણો ધર્યાં છે, તેઓમાં જગપ્રતિબિંબ તો પડ્યાં છે. ૨૦

શ્રીજીમાં ભુવન અસંખ્ય જે વસે છે, તે જાણે પ્રગટ પ્રમાણ આ દિસે છે;

નાડી છે શુભ સુરવાળ કેરિ કેવી, નાભીથી પ્રગટિત પદ્મદંડ જેવી. ૨૧

વર્ણીન્દ્રો પ્રભુ પર ચામરો કરે છે, તે જાણે હરિશિર હંસ બે ફરે છે;

તે ટાણે અનુચર માણકી સજીને, ત્યાં લાવ્યા તરત બિજી ક્રિયા તજીને. ૨૨

વૈતાલીય (માણકી ઘોડીનું વર્ણન)

અતિ ઉત્તમ માણકી દિસે, ન મળે ખોડ ખચીત તે વિષે;

ત્રણ લોકનિ કાંતિ સંઘરી, વિધિએ શું શુભ માણકી કરી. ૨૩

શુભ લક્ષણ સર્વ છે રહ્યાં, સહિ સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યાં;

દિવવાસિ7 ચહે સુ દેખવા, નહિ તે તુલ્ય દિસે ઉચૈઃશ્રવા.8 ૨૪

શિવને વૃષ હંસ ધાતૃને,9 ગમિયો સિંહ ગણેશમાતૃને;10

ગુહવાહન11 મોરનું ગમ્યું, નહિ કોઈ શુભ માણકી સમું. ૨૫

રવિનો હય જોઈને રહ્યો, તિલમાત્રે નહિ તુલ્ય તે થયો;

શશિનો મૃગ શા હિસાબમાં, રહિય તેહ દબાઈ દાબમાં. ૨૬

નહિ માણકિ તુલ્ય શોભિયાં, સુરનાં વાહન સર્વ ક્ષોભિયાં;

મનમાં ગતમાન12 જે થયા, મૃગ સિંહો મયુરો વને ગયા. ૨૭

નિજની તુછતાઇ દાખવા, ગજ લાગ્યા શિર ધૂળ નાખવા;

અભિમાન ગરુડનું ગયું, પ્રભુનું પ્રીતિપણું કમી થયું. ૨૮

પતિને અતિ સાચવે સહી, નિજથી કષ્ટ થવા જ દે નહીં;

વિચરે બહુ વાયુ વેગથી, પણ હાલે નહિ પાણિ પેટથી. ૨૯

નહિ કામ લગામનું ઘણું, વરતી લે મન તે ધણી તણું;

રુચિ તુલ્ય દિસે જ ચાલતી, મદમાતી સુખથી મહાલતી. ૩૦

વિધિએ નવરાશમાં ઘડી, પ્રભુને ભેટ કરી પગે પડી;

બિજિ એવિ બનાવવા સહી, શ્રમ કીધો પણ તે બની નહીં. ૩૧

ચપળા ચપળા સમી અતી, કવિ તેની કવિતે કહે ગતી;

સુરસા સુરસાથ સૌ ચહે, વરણી શું વરણી ઘણું કહે.13 ૩૨

ઉપજાતિવૃત્ત

એ ઘોડિએ ઉગ્ર તપો કરેલાં, અશેષ તીર્થે વ્રત આચરેલાં;

પ્યારી કરી કૃષ્ણ કૃપાળુ નાથે, મુની ધરે લૈ પદરેણું માથે. ૩૩

તે ભક્ત નાને ભગવાન પાસ, કહ્યું અહો વિશ્વ તણા નિવાસ;

આ ઘોડિયે આપ કરી સવારી, ધીરે રહી હાથ લગામ ધારી. ૩૪

સ્વદાસની સાંભળિ શુદ્ધ વાણી, અસ્વારિ કીધી હરિ હર્ષ આણી;

ત્રીજો થયો નોબત નાદ ત્યાંય, અસ્વારિ ચાલી ચઉટાનિ માંય. ૩૫

વાજિંત્રના નાદ થયા અપાર, બહૂ થયા બંદુકના બહાર;

જોવા રહ્યા તે રવિદેવ થીર, થંભી રહ્યું ઉન્મત્તગંગ નીર. ૩૬

અથ અસ્વારી વર્ણન

સૌ આગળે શ્રેષ્ઠ નિશાન ડંકો, અશ્વે ચડેલો અસવાર વંકો;

એના પછી ઉત્તમ પાયગાઓ,14 અસ્વાર શોભે બહુ તે બધાઓ. ૩૭

તે પાયગાનાથ નરેશ હોય, કે તેહમાં મુખ્ય પ્રધાન કોય;

ઓપે ધરેલી અબદાગિરીયો,15 શું ચાલતી વાદળિયો ધિરીયો. ૩૮

તેના પછી તો બહુ ઢોલ ત્રાંસાં, વાજિંત્ર વાજે વળિ ખૂબ ખાસાં,16

સારે સ્વરે ત્યાં શરણાઈ વાજે, રીઝાવવા શ્રીહરિકૃષ્ણ કાજે. ૩૯

દેશાવરોના હરિભક્ત જેહ, ચાલે અને કીર્તન ગાય તેહ;

સુસંતના મંડળ બ્રહ્મચારી, ચાલે સહૂ કીર્તન તે ઉચારી. ૪૦

ગંગા વિષે હંસ અનેક જેમ, મુખે વદે વાણિ મિઠી સુ તેમ;

એવી દિસે છે અસ્વારિ એહ, ત્રિલોકને પાવનકારિ તેહ. ૪૧

ચાલે પછી ઉત્સવિયા ઉમંગે, મૃદંગ ને તાળસમાજ સંગે;

ગાવે બજાવે બહુ રાજિ થાય, જોવા જનો ભીડ ઘણી ભરાય. ૪૨

જેવી દિસે મંડળિ રાસ કેરી, રહે ઉભા રીત રુડી ઘણેરી;

તે સર્વ તો દુર્ગપુરી નિવાસી, થોડાં ઘણાં નામ કહું પ્રકાશી. ૪૩

છે વિપ્ર ડોસી હરજીવને છે, ને લાલજી માધવ નાગરે છે;

વણીક લાધો વળિ વીશરામ, હર્ખો તથા છે લવજી સુનામ. ૪૪

સત્સંગિ સારા રગનાથ નામ, એવા ભલા માધવજી અકામ;

સેવે પ્રભુને જન સૂરચંદ, ઇત્યાદિ છે શ્રેષ્ઠ વણીક વૃંદ. ૪૫

સુતાર મેઘો ભડ ભીમ વાલો, ખિમો તથા પ્રેમજિ પ્રેમવાળો;

નાથો હકો બે જન ભાવસાર, ભજે હરીને હરજી ઉદાર. ૪૬

તે મંડળી શોભિત તો ઘણી છે, મેના તથા પાલખી તે પછી છે;

તેમાં બિરાજ્યા વૃષવંશિ જેહ, ભાઈ તથા ભાઇતનૂજ તેહ. ૪૭

શત્રુઘ્ન ને શ્રીભરતાખ્ય જેમ, શોભે સિતાનાથનિ સાથ તેમ;

શ્રીજીનિ અસ્વારિ વિષે ઉદાર, બે ભાઈ શોભે શુભ એ પ્રકાર. ૪૮

પ્રદ્યુમ્ન ને શ્રીઅનિરુદ્ધ જેવા, તે ભાઇના સર્વ તનૂજ તેવા;

નાગાર્જુનો જીવણ નાગદાન, તે તુંબરુ નારદની સમાન. ૪૯

લૈ કાંશિયાં17 સાજિ18 રવાજ19 સાર,20 મીરો21 કરે ગાન થઈ સવાર;

તેના પછી સર્વ પળાય22 પાળા, જે સ્વચ્છ વસ્ત્રો સઉ શસ્ત્રવાળા. ૫૦

ધર્યાં દિસે બખ્તર કોઇ અંગે, બોકાનિ વાળી અતિશે ઉમંગે;

કામાદિ શત્રૂદળ જીતવાને, જણાય ઉત્સાહિ રણે જવાને. ૫૧

એવા ભટો ભારત માંહિ હોત, તો જુદ્ધ સાચો જન સર્વ જોત;

સેના બધી પાંડવની બચાત, મહારથી કૌરવ ના મરાત. ૫૨

ઉંચે સ્વરે સુંદર ચોપદાર, વાણી વદે છે મુખ વારવાર;

તે જાણિયે શ્રીઘનશ્યામ જોઈ, બોલે મહામોર મુદીત હોઈ. ૫૩

શોભે ભલા કૃષ્ણ કૃપાનિધાન, અશ્વી23 પરે આપ વિરાજમાન;

ભક્તાર્જુને છત્ર શિરે ધરેલું, શું મેઘનું મંડળ છે ચડેલું. ૫૪

અખંડ આનંદ સુ બ્રહ્મચારી, શ્રીવાસુદેવાખ્ય બિજા અઘારી;

બે બાજુયે ચામર ત્યાં કરે છે, જોઈ છબી ધ્યાન મુની ધરે છે. ૫૫

સખા પ્રભૂના થઇને સવાર, પ્રભૂ સમીપે મળિ ચાલનાર;

તેનાં કહું નામ સુણો ભૂપાળ, તે મુખ્ય તો ઉત્તમ છે નૃપાળ. ૫૬

બિજા જિવો ખાચર છે મહીશ, ત્રિજા સુ સારંગપુરી અધીશ;

સુરો તથા સોમ સુભાગ્યશાળી, જેણે પ્રભૂને ભજિ હદ્ય વાળી. ૫૭

ઘેલો કહું ધાધલ નાગમાલો, જેને અતિશે પ્રિય ધર્મલાલો;

છે વાંકિયાના પતિ નામ મોકો, જેને વખાણે બહુ સર્વ લોકો. ૫૮

છે ગૂણવંતું કરિયાણુ ગામ, દેહો દિસે ખાચર ભૂપનામ;

શ્રીકોટડાના પતિ નામ પીઠો, દયાળુનો ભક્ત અનન્ય દીઠો. ૫૯

બોટાદના ખાચર તો હમીર, મૂળુ ગુંદાળાપતિ શૂરવીર;

ભલા ઝિંઝાવદરના નિવાસી, નામે અલૈયો જગથી ઉદાસી. ૬૦

કહું રુડું કુંડળ નામ ગામ, ત્યાંના પતિ પટ્ગર રામ નામ;

માણશિયો વાજસુર ઓઘડાખ્યો, જેણે પ્રભુને ભજિ રંગ રાખ્યો. ૬૧

તે સેંજળાધીપતિ24 શેલણાના, ભમોદરાના નથિ છેક છાના;

શ્રીમેંગણીના મનુભા પ્રમાણો, ગઢાળિના તો હઠિભાઈ જાણો. ૬૨

ભાઈ રુપા ભાવપુરી25 નિવાસી, જેના ગયા સંશય સર્વ નાશી;

કહું વળી કૂકડ એક ગામ, છે ભક્ત ત્યાંના ભગવાન નામ. ૬૩

જીણાખ્ય પંચાળપુરી નિવાસી, રહે સદા જે જગથી ઉદાસી;

રહે વળી રાણપુરે જે જેહ, ઓપે ભલા આલમભાઇ એહ. ૬૪

હતા વળી ઠક્કર હર્જિ નામ, લાધો પુજો ઠક્કર તેહ ઠામ;

ઇત્યાદિ જે કૃષ્ણ સખા ગણાય, અસ્વાર થૈ સાથ સહુ પળાય. ૬૫

દોહરો

  શ્રીહરિની અસ્વારિમાં, અંગે ધરી ઉમંગ;

  ચાલે શુભ શસ્ત્રો ધરી, કાઠી જુદ્ધા સંગ. ૬૬

મનહર છંદ (વસ્તુચિંતામણિ)

કાઠી જુદ્ધા ચાલે સંગે ટેવ ભલી તજે લોભ

પાઘે છોગા રિદ્ધિવાળા26 શ્રીહરિમાં સ્નેહ છે,

ખાંડાં27 ધરે છાંડે રીસ ઠેશે પાડે થંભ જોરે

ફૂંકે ગઢ લંકા ભેદે તેવા મત્ત28 તેહ છે;

  ગંભીર29 જ છે જશ ખરો ડરી ખસે દુરાશાથી30

  બોલે સાચું વાલો રીઝે વૃષવંશી જેહ છે,

  ઘુંટેલું જે ઝેરીજળ31 ઢોળી દે તે ધૂળે32 તજી

  ભાગે કાળ સૂબો33 થાકી એવા શૂરા એહ છે. ૬૭

દોહરો

  શંખ ચક્ર સુ ગદા પદમ, જો ચિંતવે જણ ચાર;

  વરતનાર વરતી શકે, એહ છંદ આધાર. ૬૮

  ક ચ ટ ત પ ર ॥ શંખ ॥ ખ છ ઠ થ ફ લ ॥ ચક્ર ॥

  ગ જ ડ દ બ વ ॥ ગદા ॥ ઘ ઝ ઢ ધ ભ સ ॥ પદ્મ ॥

ઉપજાતિવૃત્ત

તારા વચે શોભિત ચંદ્ર જેમ, શોભે સખામાં હરિકૃષ્ણ તેમ;

વેપારિ સૌ શ્રીહરિને નમે છે, ઉત્સાહ વાધ્યો અતિ એ સમે છે. ૬૯

સ્ત્રિયો સુમુક્તાફળ34 ફૂલ લાવે, વિશેષ હેતે હરિને વધાવે;

છેલા દિસે છે રથ તો રૂપાળા, તેમાં બિરાજ્યા મુનિ ઝાલિ માળા. ૭૦

ઉંટે મહા નોબત જે ધરેલી, તે સર્વથી પાછળ તો રહેલી;

એનો ઘણી અદ્‌ભુત ઘોષ થાય, તેથી બિજા નાદ નહીં સુણાય. ૭૧

તે જે રિતે સાગર ગર્જનાથી, ઘણા નદી ઘોષ સુણાય ક્યાંથી;

અસ્વાર પાળા મળિને અનેક, અસ્વારિ થૈ જોજન લાંબિ એક. ૭૨

શ્રીજી તણી સ્વારિ નિહાળિ પુષ્ટ, ધર્મી થયા રાજિ કુરાજિ દુષ્ટ;

સૂર્યોદયે પદ્મ પ્રમોદિ થાય, કુમુદનીયો35 કુમળાઇ જાય. ૭૩

વૈરાગ્ય ને જ્ઞાન દયા અગર્વ, સદ્ધર્મનો સર્ગ ગણાય સર્વ;

એ તો સહૂ અંતરમાં હુલાસે, ઉત્કૃષ્ટતા જાણિ જરૂર થાશે. ૭૪

જે કામ ક્રોધાદિ અધર્મ સર્ગ, સદ્ધર્મ કેરો પ્રતિપક્ષિ વર્ગ;

ધરે મહાભીતિ શરીર ધ્રુજે, નિવાસનો ઠામ કહીં ન સૂજે. ૭૫

જે કામ જુદ્ધો પણ નાસી પોતે, કુસંગિ રાજા શરણે ગયો તે;

દીધો ઉતારો દરબારમાંય, જ્યાં મદ્યપાનાદિ હંમેશ થાય. ૭૬

નાઠો મહાક્રોધ કુબોધકારી, રહ્યો જઈ જ્યાં બહુ ભેખધારી;

લોભે કર્યો જૈ દ્વિજમાં નિવાસ, સત્સંગનો જ્યાં નહિ લેશ પાસ. ૭૭

નાઠો રસાસ્વાદ નિવાસ છોડી, જૈ વૈષ્ણવો સાથ સુમૈત્રી જોડી;

નાઠો અભિમાન મહા અધર્મી, વસ્યો જઈ પંડિત જ્યાં કુકર્મી. ૭૮

નાઠો અનાચાર કુટુંબ લૈને, વસ્યો સદા શ્રાવક માંહિ જૈને;

ઠરી રહ્યા એમ અનેક ઠામે, તથાપિ તે ત્યાં પણ ત્રાસ પામે. ૭૯

રખે હરી આ સ્થળ માંહિ આવે, અહીં થકી આપણને કઢાવે;

શ્રીજીનિ ઇચ્છા થકિ એહ ઠામ, શ્રી વિશ્વકર્મા કરિયું સુકામ. ૮૦

રચી પુરીની રચના રુપાળી, વૈકુંઠનાથી પણ હદ્ય વાળી;

તેનું હવે વર્ણન હું સુણાવું, હે ભૂપતી અંતર હર્ષ લાવું. ૮૧

પુષ્પિતાગ્રાવૃત્ત

દુરગનગરમાં દયાનિધાન, સજિ અસવારિ સુરેંદ્રની36 સમાન;

અતિ શુભ છબિ કૃષ્ણ કેરિ એહ, મુજ મન માંહિ વસો સદૈવ તેહ. ૮૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિલક્ષ્મીનારાયણ-પ્રતિષ્ઠાર્થવૃત્તાલયપ્રયાણકરણનામ સપ્તદશો વિશ્રામઃ ॥૧૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે