કળશ ૮

વિશ્રામ ૧૮

પુષ્પિતાગ્રાવૃત્ત

મધુર વચન વર્ણિરાજ ભાખે, નૃપ સુણવા ઉતકંઠતા જ રાખે;

નિધિ તણિ છિપ સ્વાતિબુંદ જેમ, ઝટ પકડે ઉછળી વિશેષ એમ. ૧

દિનકર સમિપે સુદીપ્તિ1 દીસે, ઘન સમિપે જળ હોય છે અતિશે;

અકળ અખિલ અક્ષરેશ જ્યાંય, સકળ સુલક્ષ્મિ વસે જ આવિ ત્યાંય. ૨

દુરગનગર કાંતિમાન કેવું, અકળિત ધામ સુઅક્ષરાખ્ય જેવું;

દૃઢ ગઢ મણિશ્યામથી રચેલો, ચહુ દિશ છે શુભ મેઘ શું ચડેલો. ૩

પ્રતિદિશદિશ દ્વાર ચાર કેવાં, ચતુર પ્રકાર સુમુક્તિદ્વાર જેવાં;

સમય સમય વાદ્યનાદ થાય, અતિ ઉછરંગ પુરી વિષે જણાય. ૪

વિરચિત શુભ વિશ્વકર્મ આપે, અતિશય શોભિત તો પ્રભુપ્રતાપે;

સુવરણમય સાત માળ કેરાં, પુરજનનાં ઘર ત્યાં દિસે ઘણેરાં. ૫

અજપદ2 લગિ મૃત્યુલોકથી તે, ભુવન સુસાત દિસે જ જેવિ રીતે;

નગર રચિત ચાર જોજનોમાં, ઉપરિ ગણાય સુ ઉત્તમોત્તમોમાં. ૬

સુવરણ તણિ દ્વારિકા વિસારી, અમર તણા ઉરમાં અચંભકારી;

પુરજન ઘર સર્વ એમ શોભે, સુરવરનાં મન જોઈ જોઈ લોભે. ૭

ચળક ચળક થાય ચિત્ર કેવાં, તરુ પશુ કે જન છે સ્વદેહ જેવાં;

મણિમયકૃત ભીંત તેહમાંય, જગત તણું પ્રતિબિંબ શું જણાય. ૮

ચતુર રચિત ઇંદ્ર કેરું ચિત્ર, પતિસહ આવિ તહાં શચી3 પવિત્ર;

સ્વપતિ જુગલરૂપ જેહ જોઈ, કલપન કોટિ કરે ભ્રમીત હોઈ. ૯

મણિમય શુભ તોરણો બિરાજે, છબિમય તેમ સુવર્ણ કુંભ છાજે;

ઘર ઘર પર છે ધજા પતાકા, પવનથિ થાય સુશેડના સડાકા. ૧૦

પ્રતિઘર ઘર બાગ છે બનેલા, સુખદ સદા સુરવૃક્ષ છે રહેલાં;

ખટ ઋતુફળ પુષ્પ નિત્ય થાય, ખટ રસ ખૂબ તહાં સદા જણાય. ૧૧

મધુર મધુર પક્ષિવૃંદ બોલે, સ્વર શુભ તેહ વિણા સતાર તોલે;

હરિજશ શુક સારિકા ઉચારે, દ્વિજ શ્રુતિપાઠ કરે જ જે પ્રકારે. ૧૨

ભુવન ભુવન વૈભવો ઘણા છે, નહિ કશિ કોઇ પ્રકારની મણા છે;

સુવરણમય સાંકળે હિંડોળા, ઘર ઘર છે મનમાનતા અમોલા. ૧૩

સકળ ધનદ4 તુલ્ય દ્રવ્યનાથ, હિંમતથી હોડ કરે સુરેશ સાથ;

જન ઘર ઘર દેવ દેવિ જેવા, સરવ સજે ઘનશ્યામ કેરિ સેવા. ૧૪

સજિ શુભ શણગાર સૌ ફરે છે, સજિ બહુ સંપ સ્વધર્મ સૌ ધરે છે;

નહિ કદિ લવ રોગ દોષ ક્લેશ, હરિમુખ દેખિ રહે સુખી હમેશ. ૧૫

દ્વિજવરસુત વેદ શાસ્ત્ર વાંચે, પઠન કરે સુપુરાણ ભાવ સાચે;

શમ દમ સહનાદિ સર્વ રાખે, કદિ મુખ વેણ અસત્ય તે ન ભાખે. ૧૬

રજપુત સહુ શૂરવીર સારા, ખડગ ધરી રણમધ્ય ખેલનારા;

નિયમિત નિજ વાચ કાછવાળા,5 અરજુન ભીમ સમાન શુદ્ધ ભાળ્યા. ૧૭

વણજ અધિક વૈશ્ય તો કરે છે, ત્રિવરણ સેવન શુદ્ધ આદરે છે;

નહિ તહિં કદિ જૂઠ ચોરિ જારી, સહુ જન શુદ્ધ સ્વધર્મ કર્મકારી. ૧૮

શિખર સહિત દેવળો દિસે છે, હરિ હર સુર્ય શિવાદિ ત્યાં વસે છે;

સુવરણમય કુંભ શીશ છાજે, વળિ પચરંગિ ધજા ભલી બિરાજે. ૧૯

ઉનમત સરિતા તણો પ્રવાહ, ઉનમત ઘોષ કરે ઘણો અથાહ;

સકળ તિરથ શીશ છે ગણાઈ, ઉનમત શું અતિ તેથિ તે જણાઈ. ૨૦

ઉછાળિ ઉછળિ તેહના તરંગ, અતિ અથડાય સજોર દુર્ગસંગ;6

પ્રભુ દરશનની સ્પૃહા રહે છે, નગર વિષે નદિ શું જવા ચહે છે. ૨૧

પ્રથમ સલિલને7 પછિનું ઠેલે, પ્રથમ તણા જળને પછાડિ મેલે;

પ્રભુ દરશન ભીડ થાય જેમ, જણ જણનાથિ અગાડિ જાય તેમ. ૨૨

મળિ મળિ બહુ લોક ઠામઠામ, પ્રભુમુખને નિરખે કરે પ્રણામ;

ફરિ ફરિ નિરખે જઈ જઈને, નિજ ઉરમાં અતિ આકળો થઈને. ૨૩

અજ હર અમરેશ આદિ જેહ,નિજ અસવારિ સમેત સર્વ તેહ;

હરિસહ વરતાલપંથ જાવા, ધરિ ધરિ આપ સ્વરૂપ દિવ્ય આવ્યા. ૨૪

ઉપજાતિવૃત્ત

શ્રીજીનિ અસ્વારિ રુડી રુપાળી, સમુદ્રની રેલ સમાન ચાલી;

સાથે બિજા સંઘ દિસે અપાર, દિસે ઘણા તેમ દુકાનદાર. ૨૫

મોદી સિધાવ્યા લઇ મોદિખાનાં, ઘી ગોળ અન્નાદિ ઘણાંક વાનાં;

ગાંધી સિધાવ્યા લઈ ગંધિયાણાં, નાણાવટીયો લઈ સંગ નાણાં. ૨૬

કંદોઇ ચાલ્યા સુખડાં સજીને, ઉમંગથી આળસને તજીને;

ચાલ્યા લઈ મેમણ8 તો બકાલું,9 રુડા જનોને અરથે રસાળું. ૨૭

હજામ મોચી દરજી સુતાર, ચાલ્યા રુડાં રાચ10 લઈ લુહાર;

સૌ એમ જાણે હરિસંગ જાઉં, કરી હરિભક્તિ કૃતાર્થ થાઉં. ૨૮

ગાડા વિષે ભાર ઘણા ભર્યા છે, ઘણા ઉંટો ઊપર તો ધર્યા છે;

છે પોઠિયા ઊપર તો અપાર, જ્યાં ઊતરે ત્યાં સુ બને બજાર. ૨૯

રાજા કહે જે ગઢપૂર કેરા, જનો હતા સંઘ વિષે ઘણેરા;

થોડાં સુણાવ્યાં શુભ નામ ઠામ, કહો વળી કાંઈ વિશેષ નામ. ૩૦

વર્ણી કહે હે વસુધા અધીશ, વિશેષ નામો તમને કહીશ;

જે જે જનો દુર્ગપુરી નિવાસી, પ્રભુજીની સાથે થયા પ્રવાસી. ૩૧

ચોપાઈ

કહ્યાં ઓચ્છવિયા તણાં નામ, કહ્યાં કૃષ્ણસખાનાં તમામ;

બીજા જેહને સંઘની સાથે, રાખ્યા નેહથી નટવર નાથે. ૩૨

હવે તે કહું સાંભળો રાય, જેનાં નામ સુણે પાપ જાય;

નૃપ અભય તણો પરિવાર, ચાલ્યાં સર્વે મળી નરનાર. ૩૩

જીવા ખાચરનો વંશ જેહ, ચાલ્યો સંઘ સાથે સહુ તેહ;

દવે કરશનજી કાશિરામ, દેરાસરી બેચર અભિરામ. ૩૪

તેની ભારજા અવલબાઈ, સતસંગમાં શ્રેષ્ઠ ગણાઈ;

દવે ભગો નાગર બાળકૃષ્ણ, જેણે રાજી કર્યા હરિકૃષ્ણ. ૩૫

ગોર લાલજી ને જીવરામ, રગનાથ ત્રિજા તણું નામ;

હરિભાઇ જાગેશ્વર જેહ, ત્રવાડી વિપ્ર શ્રીમાળિ તેહ. ૩૬

શેઠ જુઠો ને માણક નારી, પરસોતમ સૂત વિચારી;

શેઠ રગનાથ દેવજિ હીરો, જોવા કૃષ્ણને થાય અધીરો. ૩૭

લવા શેઠની માણક નારી, સુત ગોવરધન બુદ્ધિ સારી;

વળિ ભક્ત બિજા તણાં નામ, કહું સાંભળો સદગુણધામ. ૩૮

પિતામર ને સુંદરજીભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ;

સુરચંદની મા નાથીબાઈ, તેની પત્નિ તો પાન ગણાઈ. ૩૯

જુઠો ગોસળિયો ધ્રુવ સરખો, તેના સુત દેવચંદ ને હરખો;

વોરો ડાયો ને શાહ છે વેલો, નારાયણ શાહ પણ સમજેલો. ૪૦

શાહ વિશરામ ને પત્નિ ગંગા, ભક્તિ કરવામાં ઉત્તમ અંગા;

પત્નિ જિવિ કમળશી કોઠારી, પુત્ર નામ ભવાન વેપારી. ૪૧

માવજી ને કમળશી બે ભાઈ, લખો અમરશિ એ જ સગાઈ;

શાહ ધારશી ને પિતા લાધો, જેણે પ્રગટ પ્રભુને આરાધ્યો. ૪૨

કહું કાણકીયા પિતામર, અમરશિ કરશન દામોદર;

ભલા સુખડીયા લખુભાઈ, તેનિ પત્નિ તો માણકબાઈ. ૪૩

તેના પુત્ર પવિત્ર છે ચાર, સોંડ્યો11 સંઘમાં સૌ પરિવાર;

સોની જેઠાની ભારજા કલુ, પ્રભુ ભજન કરે તે તો ભલું. ૪૪

સોની ભગો નારાયણ નામ, સદા તે ભજે શ્રીઘનશ્યામ;

લાધા ઠક્કરની અજુ નારિ, પુત્ર શ્યામજિ સદ્‌ગુણધારિ. ૪૫

પ્રેમબાઇ છે પુત્રિનું નામ, સંઘ સાથે તે સોંડ્યાં તમામ;

હરજી હરિભક્ત ભલા છે, જાનબાઈ જેની જનિતા છે. ૪૬

પત્નિ રાજબાઈ ગુણધામ, ત્રણ પુત્ર તણાં કહું નામ;

જીવો મનજી અને કલ્યાણ, પ્રેમબાઈ છે પુત્રિ સુજાણ. ૪૭

ભલા ગાંગજિ ઠક્કર જ્ઞાની, તેની ભારજાનું નામ નાની;

પુજા ઠક્કર છે પ્રેમિ જન, કરે પ્રગટ પ્રભુનું ભજન. ૪૮

ફુલબા તેની નારિનું નામ, પાંચ પુત્ર રુડા ગુણવાન,

શ્યામજી શવજી વશરામ, રામજી અને કલ્યાણ નામ. ૪૯

કુરજી તણિ ભારજા વેલું, સુત જીવે સુકર્મ કરેલું;

પ્રેમજી ભારજા જસુ જાણો, પુત્ર રવજી પ્રધાન પ્રમાણો. ૫૦

ભારજા પ્રેમ મેઘજિ કેરી, પ્રભુમાં પ્રીતિ બેને ઘણેરી;

નારી તેજા તણી તો કેસર, પુત્ર ચાર ભજે હરિવર. ૫૧

ડાહ્યો ધનજી ને ભીમજિ નામ, નારાયણ ચોથો પણ ગુણવાન;

તનુજા12 તેજા ઠક્કર કેરી, નામે જેઠી તે ભક્ત ઘણેરી. ૫૨

પાળ્યો સ્નેહે જેણે સાંખ્યયોગ, ભજ્યા શ્રીજિ તજ્યા ભવભોગ;

નારિ ગોવાનિ રતન નામ, સુત ભાણજિ સદ્‌ગુણધામ. ૫૩

ખોજા કુળમાં ધર્યા અવતાર, થયા પ્રગટ પ્રભુ ભજનાર;

હવે ભક્ત કહું ભાવસાર, જેઓ ગઢપુરમાં રહેનાર. ૫૪

પત્નિ પ્રેમ તો નાથાની પાસ, ત્રણ પુત્ર તેના હરિદાસ;

કહુ નિર્મળ તેહનાં નામો, એક કુરો કાનો અને રામો. ૫૫

નારિ ફુલ હકો ભાવસાર, પુત્ર ટોકર પ્રભુ ભજનાર;

હરજી મૂળજી બેય ભાઈ, જેની પ્રભુપદ પ્રીતિ જડાઈ. ૫૬

દેવો કેશવ ને ભગો કાળો, ખોડો પણ પ્રભુપદ પ્રેમવાળો;

ભક્ત સુતાર પ્રેમજિ સારા, પુત્ર ત્રણ પ્રભુને ભજનારા. ૫૭

પણ પત્નિનું નામ તો નાથી, પામી સુખ બહુ પ્રભુ ભજવાથી;

જેઠો પુજો ત્રિકમ ત્રણ પુત્ર, તથિ શોભે તેનું ઘરસુત્ર.13 ૫૮

ભક્ત ખીમાની ભારજા માન, ત્રણ પુત્ર ભજે ભગવાન;

નામ મુળજિ કેશવજી જીવો, કહું પ્રત્યેક તે કુળદીવો. ૫૯

ભક્ત વાલાની ભારજા રામ, પુત્ર માવજિ રણછોડ નામ;

પુત્ર લવજી મેઘાભક્ત તણો, પ્રેમ બેયને પ્રભુપદ ઘણો. ૬૦

શવાભક્તની સ્ત્રી અજુ જાણો, પુત્ર તેહનો વસ્તો પ્રમાણો;

ભીમના સુત જુઠો ને ધનો, જાણો તેહ ભલા હરિજનો. ૬૧

માવજી નારાયણ અને કડવો, જેને હરિ વિના ઘાટ ન ઘડવો;

એ તો સર્વે કહ્યા તે સુતાર, ભાવે ભગવાનને ભજનાર. ૬૨

ભક્ત વાઘો લુવાર ગણાય, ગોવો વીરો લાધો સુત થાય;

ભક્ત રાજો તેનો સુત ખોડો, ભક્તિ કરવામાં તે નહિ થોડો. ૬૩

ભક્ત ડોસો ને શવો બે ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ;

ભક્ત રામ ને નાનજી જેહ, લોહકાર14 કહ્યા સર્વ તેહ. ૬૪

જસો વીરો ને ગોવિંદ રાજો, હીરા નાથાનો સત્સંગ તાજો;

કાજુ ભક્ત તે કરશન જાણો, એહ આદિ મેરાઈ15 પ્રમાણો. ૬૫

રાજગર સોંડો મૂળો બે ભાઈ, સાંગો કેશવ જુદિ સગાઈ;

જેઠો રૂખડ હરિજન જાણો, રાજગર એ તો સર્વ પ્રમાણો. ૬૬

હરિભક્ત હમિર ભણસાળી, જાનબાઇ પ્રિયા ધર્મવાળી;

ભલા ભક્ત ભીમો અને ખેતો, બેય પુત્ર એના કહ્યા એ તો. ૬૭

સાંખ્યયોગિ બન્ને રામબાઈ, નાથીબા માનબા વીરબાઈ;

રાજુ ઝમકુ ને અમૃત જાણો, ફઇબા કંકુબાઈ પ્રમાણો. ૬૮

જીતબા પ્રેમ ને રળિયાત, મધુબા રતિબા સાક્ષાત;

રત્ન અમર અદી ફુલબાઈ, સાંખ્યયોગિ તે સર્વ ગણાઈ. ૬૯

બહુ જન સંઘમાં તો સિધાવ્યાં, સ્મૃતિમાત્ર મેં નામ સુણાવ્યા;

પુછ્યાં જે તમે નામ વિશેષ, તેથી મેં સંભળાવ્યાં નરેશ. ૭૦

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણિ ગઢપુરવાસિનાં સુનામ, નરપતિયે નમિને કર્યો પ્રણામ;

હરિવર સમિપે નિવાસ જેનો, અતિ ગણિને અવતાર ધન્ય એનો. ૭૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયપ્રયાણે-દુર્ગપુરહરિજનનામકથનનામ અષ્ટાદશો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે