વિશ્રામ ૧૯
ઉપજાતિવૃત્ત
વર્ણી કહે છે સુણ હે નરેશ, લૈ સંઘ ચાલ્યા હરિ ઈશ્વરેશ;
રસ્તા વિષે સંઘ નહીં સમાય, બે બાજુયે થૈ બહુ ચાલિ જાય. ૧
સલીલ1 મોટી સરિતાનું જેમ, રેલાય બે બાજુ બહૂ જ તેમ;
ચાલે ઘણો સંઘ તણો પ્રવાહ, અસ્વાર ને પાયદળે અથાહ. ૨
સુવર્ણકુંભો રથશીશ સારા, સર્વોપરી તે બહુ શોભનારા;
ફરે નહીં સજ્જન વેણ જેમ, ઠરી રહ્યા તે સ્થિરતાથિ તેમ. ૩
જેવું દિસે છે શિશુમાર ચક્ર, તેવાં દિસે છે રથચક્ર વક્ર;
લબાડિનું2 વેણ ફરી જ જાય, તેવી રિતે તે ફરતાં જણાય. ૪
યાખ્યોત્તરે3 બે ધ્રુવ જેમ છાજે, તેવી રથોની ધરિયો બિરાજે;
રવી શશી શોભતિ જોડ જેવી, અગ્રે દિસે દર્પણ જોડ એવી. ૫
તે ચાલવાથી રજ ઊડિ જેહ, ભાનૂ તણિ પાસ પહોંચિ તેહ;
જાણે સમાચાર રુડા સુણાવા, ચાલી ધરા તે સ્વરગે સિધાવા. ૬
નાની નદી જે હતિ વાટમાંઈ છે, તે સંઘ ચાલ્યાથી ગઈ સુકાઈ;
મુસાફરો જે સનમુખ આવે, તે સંઘને જોઈ ઉમંગ લાવે. ૭
છે કોઇ તો મેમણ ડાઢિવાળા, છે કોઇ રાતા અતિ કોઇ કાળા;
છે પોઠિયા ઊપર કોઇ બેઠા, કોઈ વહે છે ઉતરી જ હેઠા. ૮
પખાલિ4 પાડા ઉપરે ચડેલો, ત્યાં ઉંટ આવ્યો છકમાં ભરેલો;
તે ભાળીને ત્યાં ભડક્યો મહીષ,5 પડ્યો પખાલી મુખ પાડી ચીસ. ૯
રુનું ભર્યું ઘોકડું6 હોય જેવું, શરીર તેનું અતિ પુષ્ટ એવું;
દડાનિ પેઠે દડતું નિહાળી, ત્યાં હદ્ય તો હાસ્યરસે જ વાળી. ૧૦
સ્રગ્ધરા
અર્ધાંગે શંભુ કેરે સતિ નગદુહિતા7 તે હસ્યાં એવું જોઈ,
તેથી તેને મુખેથી અમૃત ઝરિ પડ્યું શંભુને અંગ સોઈ;
ઈશાંગે8 વ્યાઘ્રછાળા9 સજિવન થઇ તે તાડુક્યો વાઘ જ્યારે,
નાઠો નંદી ડરીને હરકર10 ન રહ્યો સૌ હસ્યા દેવ ત્યારે. ૧૧
ઉપજાતિવૃત્ત
પડાવ જ્યાં સંઘ તણો જ થાય, તંબૂ ખડા આગળથી કરાય;
પુરી વચે રાજમહેલ જેવો, વચ્ચે બિરાજે હરિતંબુ તેવો. ૧૨
સોના તણો કુંભ વિશેષ સારો, શશાંક11 પૂરા સમ શોભનારો;
તે ઊપરે શુદ્ધ ધજા ધરી છે, બોલાવવા શું સહુને કરી છે. ૧૩
તે આસપાસે પ્રભુના સખાના, તંબુ તહાં હોય પ્રકાર નાના;
તે ઊપરે નામ લખ્યાં જણાય, જેનો ઉતારો જન ત્યાં જ જાય. ૧૪
તે આગળે પાર્ષદનો ઉતારો, સંતો તણો એક નિવાસ સારો;
બને સુ વેપારિ તણી બજાર, તંબૂ પછી સંઘ તણા અપાર. ૧૫
જાણે ભલું શ્રેષ્ઠ વસ્યું શહેર, સંઘો વસ્યા સર્વ પરાંનિ પેર;
દિસે જનોને ધરતાં જ દૃષ્ટિ, આવી વસી શું સુરલોક સૃષ્ટિ. ૧૬
છે કારિયાણીનું તળાવ કેવું, જોતાં દિસે પુષ્કરરાજ જેવું;
ત્યાં ઊતરી સ્નાન જનો કરે છે, શ્રીસ્વામિનારાયણ ઊચરે છે. ૧૭
સંતો કરે સ્નાન તળાવમાંય, ધુવે નવાં રંગિત વસ્ત્ર ત્યાંય;
રંગાય પાણી ભગવે જ રંગે, સાધૂ થયું શું સર સાધુ સંગે. ૧૮
ત્યાં ઇંદ્રનો હસ્તિ ઉભો જ તીરે, જણાય તેનું પ્રતિબિંબ નીરે;
સમુદ્રને શું મથવા વિચાર્યો, તે મધ્ય મંદ્રાચળ લાવિ ધાર્યો. ૧૯
જ્યાં સંતના આશ્રમનો સુઠાઠ, વર્ણી પઢે સાર્થક વેદ પાઠ;
સાધૂ ભણે ભાગવતાદિ ગ્રંથ, જેમાં કહેલો પરલોક પંથ. ૨૦
વિદ્યાર્થિયો વ્યાકરણાદિ જેહ, ભણે ભણાવે દ્વિજ શાસ્ત્રિ તેહ;
તેનો ઉઠે ઘોષ અખંડ એમ, સુબ્રહ્મરંધ્રે સ્વરનાદ જેમ. ૨૧
ભક્તો મળી કીર્તન ક્યાંઇ ગાય, વીણાદિ વાજિંત્ર વિશેષ વાય;
ક્યાંઈ કથા વાત પ્રભૂનિ થાય, શ્રી નૈમિષારણ્ય તહાં જણાય. ૨૨
ધરે મુની કોઈ હરીનું ધ્યાન, બ્રહ્માંડનું કે તનનું ન ભાન;
કોઈ મુની આસન યોગ સાધી, સંકેલિને પ્રાણ સજે સમાધી. ૨૩
સંતોનિ પાસે જન સંચરે છે, તો તેહને તે ઉપદેશ દે છે;
વૈરાગ્ય જે સાંભળતાં જ થાય, અસત્ય સંસાર બધો જણાય. ૨૪
આત્મા તણું ને પરમાત્મા કેરું, તેને વળી જ્ઞાન કહે ઘણેરું;
શ્રીજી તણો ત્યાં મહિમા સુણાવે, દૈવી જનો દીલ પ્રતીતિ આવે. ૨૫
પોથી શું ભાથા શરના12 ભરેલા, ગોળા તુંબી તોપ તણા કરેલા;
શું સંત છે કે લડનાર શુરા, કુપંથ કેરા કરનાર ચૂરા. ૨૬
જે લોક શ્રીજીનિ સમીપ જાય, પ્રતાપ જોતાં અતિશે જણાય;
જુદા જુદા પંથ અનેક છાંડે, શ્રીજીનિ ભક્તી કરવા જ માંડે. ૨૭
જેને દિલે લગ્નિ વિશેષ લાગી, સંસાર છોડી ઝટ થાય ત્યાગી;
માતા પિતા કે સુત નારિ રૂવે, તથાપિ તે દૃષ્ટિ ધરી ન જૂવે. ૨૮
શું ઢુંઢિયા શ્રાવક તેહ હોય, કે વૈષ્ણવો વલ્લભશિષ્ય કોય;
કોઈ મુસલમાન જનો હતા તે, સત્સંગિ દીઠા સરવે થતા તે. ૨૯
કોઈ હતા શંકરના ઉપાસી, સંન્યાસિ કોઈ મઠના નિવાસી;
અતીત વૈરાગિ સ્વપંથ ત્યાગી, થયા પ્રભૂઆશ્રિત શ્રેષ્ઠ ભાગી. ૩૦
આચાર્ય જે પંથ અનેક કેરા, તેથી દિલે દાઝિ ઉઠ્યા ઘણેરા;
જાણ્યું અમારા મત તૂટિ જાશે, તો શા થકી પેટ પછી ભરાશે. ૩૧
ઉપાય શોધે ન મળે ઉપાય, લાગી ઘણી અંતર માંહિ લા’ય;
બોલાવિ સર્વે નિજ શિષ્ય પાસ, રોયા ગુરૂજી થઇને ઉદાસ. ૩૨
અરે જુવો આ કળિકાળ આવ્યો, જુના અમારા મતને ડુબાવ્યો;
માટે તમે સર્વ કરો સહાય, તો પંથ છાંડી નહિ કોઈ જાય. ૩૩
તે સ્વામિનો સંગ ગમે જ જેને, તમે મુકો નાત બહાર તેને;
જો પુત્ર પુત્રી નિજ પત્નિ હોય, તજો તમે સૌ ઘરમાંથિ તોય. ૩૪
દયા તજીને અતિ દુઃખ દેવું, ફરીથિ જૈ કામ કરે ન એવું;
તો આપણો પંથ તુટી ન જાશે, તેથી તમોને બહુ પુણ્ય થાશે. ૩૫
બોલ્યો સુણીને જન કોઇ એમ, સ્વામી કરે છે ઉપદેશ જેમ;
તમે જનોને સમજાવી રાખો, ભુંડી રિતી નિર્દયની ન ભાખો. ૩૬
બોલ્યા ગુરૂજી અમ માંહિ એવી, જો હોત શક્તિ લવ સ્વામિ જેવી;
તો શીદ ભાઈ તમને કહેત, સુજ્ઞાન આપી સમઝાવિ લેત. ૩૭
એ સ્વામિએ છે ભડ ભૂત સાધ્યો, તેથી જ તેનો મત ખૂબ વાધ્યો;
મંત્રેલિ તે કાંઈ પ્રસાદિ દે છે, તેથી દિવાના જનને કરે છે. ૩૮
આકાશમાંથી સુર કોઈ આવે, તો ઢુંઢિયો શું શિરને નમાવે?
શું પારસી કે જન તુર્ક જેવા, એણે કર્યા છે વશ કૈક એવા. ૩૯
સંન્યાસિ ને શ્રાવકના જતીયો, વેરાગિ ખાખી મઠના પતીયો;
એવા લઈ સાધુ કર્યા ઘણાય, તે કામ તો મંત્ર વિના ન થાય. ૪૦
તમો વિષે હોય જરાય સત્ત્વ, રાખો તમારા મનમાં મમત્વ;
જે ધર્મ છોડે નિજ બાપ કેરો, તેને તમે ત્રાસ કરો ઘણેરો. ૪૧
સ્વાર્થી ગુરૂની સુણિ એવિ વાણી, ભોળા જનોના મનમાં ભરાણી;
સત્સંગિયો ઊપર વૈર કીધું, દયા તજીને અતિ દુખ દીધું. ૪૨
પ્રહ્લાદને જેવિ રિત્યે પિતાએ, ભક્તિ તજાવા જ કર્યા ઉપાયે;
સત્સંગિયોને પણ એહ ટાણે, જ્ઞાતી સગાએ કર્યું એ પ્રમાણે. ૪૩
સત્સંગીયોએ પણ શીર સાટે, સત્સંગ રાખ્યો નિજ મોક્ષ માટે;
ઘણા કુટુંબે ઉપજ્યો ક્લેશ, ન દુષ્ટને આવિ દયા જ લેશ. ૪૪
વાદી થઈ જે મતવાદિ આવ્યા, શાસ્ત્રાર્થથી શ્રીહરિએ હરાવ્યા;
જ્યાં જ્યાં ગયા ત્યાં જયકાર કીધો, સ્વારી સજ્યાનો સહુ અર્થ સીધ્યો. ૪૫
સત્સંગિયોના બહુ સંઘ આવે, શ્રીજી તણા સંઘ વિષે સમાવે;
અનેક આવી સરિતા સુ જેમ, સમુદ્ર સાથે મળિ જાય તેમ. ૪૬
જે ગામ પાસે પ્રભુજી સિધાવે, સામૈયું લૈને સતસંગ આવે;
મોરો ઘણા મેઘ નિહાળિ જેમ, બોલે મુખે કીર્તન સર્વ તેમ. ૪૭
કોઈ પ્રભૂને પધરાવિ ઘેર, પૂજા કરે ને પ્રણમે સુપેર;
તે જેમ લે લાભ અલભ્ય જાણી, સુધાનિ વૃષ્ટીસમ તે પ્રમાણી. ૪૮
અભાગિયો જે જન એહ ટાણે, મહાપ્રભૂનો મહિમા ન જાણે;
તે જેમ ચિંતામણિ પ્રાપ્ત થાય, અભાગિયાથી નહિ ઓળખાય. ૪૯
ત્રિજે દિને પંથ જતાં મહીપ, આવ્યા પ્રભુ સાભ્રમતી સમીપ;
સૌરાષ્ટ્ર ને ગુર્જરદેશ સીમા, નદીરુપે શું કરિ છે મહીમાં.13 ૫૦
વાલે કર્યો ત્યાં તટમાં નિવાસ, સંઘે સહૂએ પણ આસપાસ;
ગંગાતટે શોભિત જેવિ કાશી, એવી જ શું ત્યાં પુરિ એકવાસી. ૧૧
જહાં હતું જંગલ એક કેવું, તહાં થયું મંગળરૂપ જેવું;
પ્રભૂ કૃપાથી સહુ કામ થાય, જળે સ્થળી નીર થળે જણાય. ૫૨
નદી તણા તુંગ14 તરંગ આવે, તે પત્ર પુષ્પો ફળ ખેંચિ લાવે;
જાણે પ્રભૂપૂજન કાજ ધારી, પુષ્પાદિ સામગ્રિ સજેલિ સારી. ૫૩
ત્યાંથી નદી સાગરમાં સિધાવે, શું ત્યાં જવા સદ્ય ઉમંગ લાવે;
પ્રભૂનું પાદોદક તે લઈને, જાણે પતીને અરપું જઈને. ૫૪
તંબૂ ઘણાનાં પ્રતિબિંબ નીરે, જોઈ કહ્યું કોઈ કવીંદ્ર ધીરે;
પાતાળમાંથી પણ સંઘ એહ, શું લાવિયા શેષ તથેવ15 તેહ. ૫૫
ત્યાં કોઇ કાઠી હય16 આપ કેરો, નદી વિષે સાફ કર્યો ઘણેરો;
કેવો દિસે નીકળતાં બહાર, સમુદ્રથી શું ઉપજ્યો તુખાર.17 ૫૬
શાર્દૂલવિક્રીડિતવૃત્ત
છૂટ્યો ઉંટ અનાજ ખેતર વિષે ખાવા ગયો તે જહાં,
તેને ત્રાસ પમાડવા કૃષિજને થાળી બજાવી તહા;
વાટે કોઇ જનાર જે જન હતો તે વેણ ત્યાં ઉચ્ચરે,
ત્રાંબાળૂ18 શિર જેહને ગડગડે તે થાળિથી શું ડરે. ૫૭
ઉપજાતિવૃત્ત
બીજે દિને સાથ સહૂ લઈને, અસ્વારિ ચાલી જળમાં થઈને;
ત્યાં એક ઘોડો ભડક્યો કશાથી, અસ્વાર ભીંજ્યો જળમાં પડ્યાથી. ૫૮
તણાઇ તેની શુભ ઢાલ કેવી, જણાઇ જોતાં જળકચ્છ19 જેવી;
ત્યાં સાપ જેવી બરછી જણાઈ, ને પાઘડી શું લઘુ નાવ ભાઈ. ૫૯
અસ્વાર તો બેટ સમાન ભાસે, તે અશ્વ તો ગ્રાહ20 સમ પ્રકાશે;
ભાથા થકી તીર તણાઈ જાય, તે મત્સ જેવા જળમાં જણાય. ૬૦
હસ્યા તહાં સૌ જન એવું જોઈ, અસ્વાર ઊઠ્યો હુશિયાર હોઈ;
ઘોડા તણી ઉત્તમ જાતિ ભાસે, આવી ઉભો તે અસવાર પાસે. ૬૧
સુજાતિના સદ્ગુણને વખાણી, બોલ્યા જનો ત્યાં બહુ એવિ વાણી;
સુજાતિ જે આ જગમાં જણાય, કરે પતીને દુખમાં સહાય. ૬૨
નદી થકી જ્યાં વિચર્યા જ શ્યામ, આવ્યું તહાં ઇંદણજાખ્ય ગામ;
ત્યાંથી જ ચારૂતર દેશ આવ્યો, તે ભાળતાં સૌ જન ચિત્ત ભાવ્યો. ૬૩
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણ નરપતિ વર્ણિજી કહે છે, રસમય ભૂમિ સદા જહાં રહે છે;
પણ બહુ સરસત્વ21 પ્રાંત કેરું, હરિ વિચર્યાથી વધ્યું વળી ઘણેરું. ૬૪
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિવૃત્તાલય-ગમનાર્થસાભ્રમતીઉતરણનામૈકોવિંશો વિશ્રામઃ ॥૧૯॥