કળશ ૮

વિશ્રામ ૨

પૂર્વછાયો

સંઘ સહિત સૌ સંતને, જગ્યા ઉતરવાને કાજ;

શ્રીપુર શહેર સમીપમાં, પોતે જોવા ગયા મહારાજ. ૧

ચોપાઈ

જોયો ઉત્તરમાં શાહિબાગ,1 નવ દીઠો ઉતરવાનો લાગ;

ત્યાંથી જૈ જોઇ વાડી અંધારી, જગ્યા તે પણ જાણી ન સારી. ૨

જગ્યા જોઇ દુધેશ્વર પાસે, જહાં આંબલીયો ઘણી ભાસે;

પછી સ્વાર સહિત મહારાજે, જઈ ઇડરિયે દરવાજે. ૩

કર્યો શ્રીપુર માંહિ પ્રવેશ, ગયા દક્ષિણ દ્વારે દિનેશ;

જોયું જૈને કાંકરિયું તળાવ, જોયો આંબલિયાનો ઘેરાવ. ૪

ભગવાનને તે સ્થળ ભાવ્યું, તહાં ઊતરવાનું ઠરાવ્યું;

પછી ત્યાં થકી અક્ષરાધીશ, ગયા જેતલપુર જગદીશ. ૫

મોલ માંહિ રહ્યા હરિ રાત, પછી ઊઠીને ચાલ્યા પ્રભાત;

દ્વાદશી દિન અશલાલી ગામ, રહ્યા જૈને સુંદરવર શ્યામ. ૬

વેણીભાઇને ઘેર રસોઈ, જમ્યા સૌ તેમનો ભાવ જોઈ;

ત્યાંથી કાંકરિયે કૃષ્ણ આવ્યા, તંબુ આંબલિયોમાં તણાવ્યા. ૭

તેમાં ઉતર્યા શ્રીમહારાજ, રહ્યો પૂર્વમાં સંતસમાજ;

તંબુ ફરતા તો સંઘ ઉતરિયા, ફાવે તેમ ઉતારા તો કરિયા. ૮

ભક્ત શ્રીપુરના ભેળા થૈને, આવ્યા સન્મુખ સામૈયું લૈને;

નથુ ભટ અને હીમતરામ, દ્વિજ ગણપતરામજી નામ. ૯

ચોકશી હીરાચંદ વણીક, એહ આદિક આવ્યા અધીક;

દાસ બેચર ને લાલદાસ, તથા માણકલાલ તે પાસ. ૧૦

દામોદર હરિભક્ત અનન્ય, એહ આદિક કણબીયો અન્ય;

ગંગામા તથા રેવા દીવાળી, શ્યામબા શિવબા ધર્મવાળી. ૧૧

એહ આદિક હરિજન આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;

કર્યું શ્રીહરિનું સનમાન, પછી પુરમાં પેઠા ભગવાન. ૧૨

ઉપજાતિવૃત્ત (અથ અસ્વારીનું વર્ણન)

સજી હરીએ અસવારિ સારી, એની કહું શી ઉપમા વિચારી;

કહી શકે શું કવિરાજ કોઈ, આશ્ચર્ય પામે અમરેશ જોઈ. ૧૩

મહાપ્રભુ માણકિયે બિરાજ્યા, શિરે કરે ચામર વર્ણિરાજા;

કુબેરસિંહે છડિ હાથ ધારી, વાણી મુખેથી જયની ઉચ્ચારી. ૧૪

ભાઈ તથા ભત્રિજ તેહ ત્યાંય, બેઠા રથે કે સુખપાલમાંય;

બેઠા રથે સદ્‌ગુરુ જેહ સંત, ચાલે પગે સાધુજનો અનંત. ૧૫

અસ્વાર કાઠી જનનો ન પાર, ક્ષત્રી ઘણા આયુધ ધારનાર;

ઘોડા ઘણાનો હહણાટ થાય, સત્સંગિયો કીર્તન ગાન ગાય. ૧૬

વાજિંત્ર નાના વિધિનાં સુવાજે, તે જાણિયે શ્રાવણમેઘ ગાજે;

વિદ્યાર્થિયો સંસ્કૃત શ્લોક બોલે, તે જાણિયે શબ્દ મયૂર તોલે. ૧૭

વિપ્રો ૠચાઓ શ્રુતિસામ ગાય, તે જાણિયે દાદુર2 શબ્દ થાય;

પ્રભુ તણા પાર્ષદનો ન પાર, કરે ઘણા બંદુકના બહાર. ૧૮

જથેથિ3 ઊભા જન ઠામ ઠામ, કરે પ્રભુને નમિને પ્રણામ;

આવ્યા પ્રભૂ માણેક ચોકમાંય, દુકાનદારો પ્રણમે જ ત્યાંય. ૧૯

હવેલિયો ત્યાં બહુ માળ કેરી, શોભે છજાં ગોખ વડે ઘણેરી;

સ્ત્રિયો રહી ત્યાં હરિને નિહાળે, આનંદ પામી અતિ એ કાળે. ૨૦

કોઈ દિલે દર્શન કાજ ફૂલી, રોતાં રહ્યાં બાળક કાજ ભૂલી;

શૃંગાર વસ્ત્રો ઉલટાં ધરીને, ઉતાવળી જૈ નિરખે હરીને. ૨૧

એ રીત આવ્યા વૃષનો દુલારો, કર્યા નવાવાસ વિષે ઉતારો;

આનંદસ્વામી કર આપ ઝાલી, પ્રભુ ગયા મંદિર માંહિ ચાલી. ૨૨

કારીગરી ઉત્તમ એહ જાણી, શિલ્પી તણી બુદ્ધિ બહુ વખાણી;

તથા વળી મંદિર કામ વીષે, સાબાશિ આપી મુનિને અતીશે. ૨૩

પછી પ્રભૂ કાંકરિયે પધાર્યા, ત્યાં પાંચ પૂરા દિવસો ગુજાર્યા;

દેશાંતરેથી બહુ સંઘ આવ્યા, ભેટો ભલી ભૂધર કાજ લાવ્યા. ૨૪

ચોપાઈ

શેરમાં નવાવાસમાં સારો, ધર્મવંશીને આપ્યો ઉતારો;

પછી તેરશનો દિન આવ્યો, મંચ આંબલિયોમાં કરાવ્યો. ૨૫

બેઠા તેના ઉપર મહારાજ, બેઠી આગળ સંતસમાજ;

બેઠા હરિજન બાઇ ને ભાઈ, સભા શોભિતી સરસ ભરાઈ. ૨૬

તહાં દુલ્લાપ સાહેબ આવ્યા, સાથે એરણ સાહેબ લાવ્યા;

ટોપી ઉતારી કીધા પ્રણામ, બેય સાહેબ બેઠા તે ઠામ. ૨૭

પ્રભુ સાથે ઘણી વાત કરી, પ્રણમીને ગયા પાછા ફરી;

શિવરાત્રિ બીજે દિન આવી, આપ્યા પેંડા હરિજને લાવી. ૨૮

જ્યારે આજ્ઞા કરી ભગવંતે, ફળાહાર કર્યો સહુ સંતે;

પધરામણિ ઘરઘર કીધી, કરી પૂજા ભલી ભેટ દીધી. ૨૯

બીજને દિન સંતની સાથ, નવાવાસમાં આવિયા નાથ;

એ જ અવસરે શ્રી અવિનાશે, વિપ્ર વેદિયા બોલાવ્યા પાસે. ૩૦

પ્રાણગોવિંદ આદિક જેહ, વિદવાન આવ્યા વિપ્ર તેહ;

કહ્યું તેને વરૂણીમાં વરવા, બેસાર્યા જપ ને પાઠ કરવા. ૩૧

મોટો મંડપ વેદિ રચાવી, કદળીથંભ4 રોપી શોભાવી;

કર્યો હોમ ભલો તેહ કાળે, ઘૃત હોમ્યું ઘણું પરનાળે. ૩૨

પછી ત્રીજ તિથી રવિવારે, દોઢ પર ચડ્યો દિન જ્યારે;

કરીને વિધિ વેદોક્ત ત્યાંય, સ્થાપી મૂર્તિયો મંદિરમાંય. ૩૩

બેય મૂર્તિ ચતુર્ભુજ શ્યામ, ધાર્યું નર ને નારાયણ નામ;

આરતી મહારાજે ઉતારી, બે ઘડી દૃષ્ટિ એકાગ્ર ધારી. ૩૪

સર્વ સંત પ્રત્યે ઘનશ્યામ, બોલ્યા તે સમે પૂરણકામ;

સદા આ મૂર્તિમાં હું રહીશ, સેવા સૌ અંગિકાર કરીશ. ૩૫

પછી સદગુરુ સંતોએ મળી, તથા સૌ સતસંગીએ વળી;

સ્તુતિ નરનારાયણ કેરી, કરી પ્રીતી ધરીને ઘણેરી. ૩૬

શિખરિણી

પિતા માતા ભ્રાતા પરમપદ દાતા પ્રભુ તમે,

વિભો5 વારેવારે વિનવિ કરિએ વંદન અમે;

રહો છો હે સ્વામી અખિલ પર શ્રીઅક્ષર વિષે,

અધિષ્ઠાતા સૌના અતિ અધિક ઐશ્વર્ય વિલસે. ૩૭

તમે આ બે રૂપો ધરમ મુરતીથી શુભ ધર્યાં,

વિશાળામાં જૈને તપ કરિ જનોને સુખ કર્યાં;

ધર્યાં રૂડાં નામો નર સહિત નારાયણ હરી,

વધ્યા દુષ્ટો જ્યારે અવનિ અતિ ભારે કરિ ભરી. ૩૮

તમે ત્યારે જન્મ્યા મધુપુર6 પછી ગોકુળ ગયા,

બીજે રૂપે રૂડા અકળ નર તે અર્જુન થયા;

હર્યો ભૂનો ભાર પ્રલય અસુરોનો પણ કર્યો,

ભજ્યા જેણે ભાવે જરુર જન તે તો ભવ તર્યો. ૩૯

થયા મત્સ્યાકારે તન રહિત શંખાસુર કર્યો,

પછી કૂર્માકારે તન ઉપર મંથાચળ7 ધર્યો;

વરાહાકારે થૈ ધરણિ નિજ દાઢે કરિ ધરી,

નૃસિંહાકારે થૈ નિજજનનિ રક્ષા પ્રભુ કરી. ૪૦

તમે ભૂમી જાચી ત્રિપદ નિજના વામન થઈ,

તમે ક્ષત્રી માર્યા પરશુ8 કરમાં તીક્ષણ લઈ;

વળી લંકાયે જૈ રિપુ અમરનો રાવણ હણ્યો,

તમે કિલ્લો બાંધ્યો જળધિતટ9 દ્વારામતિ તણો. ૪૧

થઈ બુદ્ધાકારે પશુવધમખો ખંડન કર્યા,

તમે દેહો એવા સૂરનર હિતાર્થે બહુ ધર્યા;

વળી કલ્કી કેરું તન ધરમ માટે જ ધરશો,

અધર્મી રાજાનો નિજ બળ થકી નાશ કરશો. ૪૨

પધાર્યા છો પોતે સ્વજન હિત આ શ્રીપુર વિષે,

નિહાળીને નેત્રે અધિક હરખ્યા સૌ ઉર વિષે;

સદા આ પ્રાસાદે10 જનસુખદ સ્વામી સ્થિતિ કરો,

સઊ સત્સંગીનાં સમય સમયે સંકટ હરો. ૪૩

અમારા હે ઇષ્ટ પ્રગટ પ્રભુ ધર્માત્મજ તમે,

તમારું હે સ્વામી ભજન કરિયે ભાવથિ અમે;

તમારી મૂર્તિમાં અચળિત અમારાં મન હજો,

તમારો હે ત્રાતા11 જગત સઘળામાં જય થજો. ૪૪

ચોપાઈ

કર્યો વર્ણિએ થાળ તૈયાર, જમ્યા જીવન જગદાધાર;

શેઠ બેચર મણકીને ઘેર, પધાર્યા પ્રભુજી રુડિ પેર. ૪૫

તહાં સંત સરવને જમાડ્યા, પ્રેમી ભક્તને હર્ષ પમાડ્યા;

આવ્યા મંદિરે નટવર નાવ, પોઢ્યા દ્વારની મેડીયે માવ. ૪૬

રહ્યો ચાર ઘડી દિન જ્યારે, ઉતર્યા પ્રભુ ચોકમાં ત્યારે;

લીંબડા હેઠે ઓટો અનૂપ, બિરાજ્યા તહાં ભૂપનો ભૂપ. ૪૭

સર્વ સંત ને સત્સંગી આવ્યા, તહાં વેદિયા વિપ્ર બોલાવ્યા;

કરી પૂર્ણાહુતી તેહ સ્થાન, દ્વિજને દીધાં દક્ષિણાદાન. ૪૮

વિપ્ર વેદના મંત્ર ઉચ્ચારે, દીધા આશિરવાદ તે ત્યારે;

પછી સારી સજી અસવારી, ગયા કાંકરિયે ગિરધારી. ૪૯

બેઠા મંચ ઉપર મહારાજ, બેઠો આગળ સરવે સમાજ;

દેશદેશના હરિજન જેહ, પૂજા કરવાને આવિયા તેહ. ૫૦

કોઈ ચંદન પુષ્પ ચડાવે, વસ્ત્ર ભૂષણ ભેટ ધરાવે;

વરતાલના બાપુ પટેલ, પગી જોબન સાથે મળેલ. ૫૧

તેણે પૂજિયા સુંદરશ્યામ, પછી બોલ્યા કરીને પ્રણામ;

થયું મંદિર તે બહુ સારું, જોતાં તે જનમન હરનારું. ૫૨

દીસે મૂર્તિયો પણ શુભ તેવી, નયણાં ઠરે નિર્ખતાં એવી;

વાલા આવું મંદિર વરતાલ, ક્યારે કરશો કૃપાથી કૃપાળ. ૫૩

આવી મુર્તિયો મોટિ વિશેષ, ક્યારે પધરાવશો પરમેશ;

સુણી બોલિયા શ્રીઘનશ્યામ, થશે ત્યાં પણ મોટેરું ધામ. ૫૪

મોટી મૂર્તિયો સ્થાપશું ત્યાંય, તમે રાજી રહો મનમાંય;

ચૈત્ર માસમાં આવશું જ્યારે, પાયો નખાવશું તહાં ત્યારે. ૫૫

સુણી રાજી થયા તેહ જન, જાણ્યાં શ્રીજીનાં અચળ વચન;

બિજે દિવસ કાંકરિયાની પાળે, કરી ચોરાશી દીનદયાળે. ૫૬

પ્રગણાનાયે12 વિપ્ર અપાર, જમવા આવ્યાં નર અને નાર;

ઘૃત સેંકડો મણ તો વાવરિયું, કૃષ્ણે અદ્‌ભુત તે કામ કરિયું. ૫૭

એવી લીલા કરીને અપાર, કર્યો શ્રીપુરમાં જેજેકાર;

પંચમી દીન અપરાહ્નકાળ,13 ગયા જેતલપુર જનપાળ. ૫૮

રાત વાસો રહીને સિધાવ્યા, ધર્મનંદન ધોળકે આવ્યા;

રહ્યા મંદિરમાં તહાં રાત, પછી ઉઠીને ચાલ્યા પ્રભાત. ૫૯

ગયા ગણેશ ધોળકું જ્યાંય, પોઢ્યા ગણપતિના સ્થાનમાંય;

રહ્યો ચાર ઘડી દિન જ્યારે, રહ્યા રાયણોમાં જઈ ત્યારે. ૬૦

તહાં બે દિન રાખિ મુકામ, ગયા ત્યાં થકી બળોલ ગામ;

હરિ ત્યાંથી પધાર્યા હડાળે, દીધાં દર્શન દીનદયાળે. ૬૧

વાટમાં કરતા વિશ્રામ, ગયા સારંગપુર સુખધામ;

વિચર્યા ત્યાંથિ વિશ્વવિહારી, ગયા ગઢપુર શ્રીગિરિધારી. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

છબિ નરયુત કૃષ્ણ કેરિ સારી, સુખકર થાપિત શ્રીપુરે મુરારી;

ચિતવન કરતાં જ તે ચરિત્ર, પ્રભુપદ પ્રેમ વધે પુરો પવિત્ર. ૬૪

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીનગરે નરનારાયણસ્થાપનનામ દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે