કળશ ૮

વિશ્રામ ૨૦

વૈતાલીય

પ્રિય ચારુતરાખ્ય પ્રાંતની, ભણિયે ભૂમિ ભલી જ ભાતની;

તરુ આમ્ર તણાં ઘણાં દિસે, સુણિયે કોકિલ નાદ તે વિષે. ૧

ઉચરે શુક મોર સારિકા, તરુઓમાં નિજગેહ કારિકા;

નિરખી પ્રભુ આવનાર શું, ઉચરે છે તરુ આવકારશું. ૨

અવની તણું નામ કૂ કહે, બહુધા કોકિલ બોલતી રહે;

પ્રભુ આગમ શું જણાવવા, અવનીને ઉચરે સજાવવા. ૩

પિયુ છે શુભ નામ સ્વામિનું, ગણિને તે ખગરાજગામિનું;1

પિયુ આગમ2 જાણિ સૌ લહે, પિયુ પિયુ બહુ ચાતકો કહે. ૪

સદળી3 કદળી4 ફળી ભલી, બદરી5 રાયણ રૂડિ આમલી;

વળિ જામફળી ફળી ઘણી, દિપતી શી કહું દાડમી તણી. ૫

પ્રભુ આગમન થઈ ખુશી, રુતુઓ ત્યાં ખટ આવિને વસી;

ફળ ફૂલ અનેક ઊપજ્યાં, તરુયે શું શુભ ભૂષણો સજ્યાં. ૬

રસતા પર બેય બાજુયે, તરુ મૂક્યાં જન તેહને જુવે;

પ્રિય પ્રાણપતીનિ ઊપરે, તરુઓ શું શુભ ચામરો કરે. ૭

પવને કરિ ઝાડ નાચતાં, પ્રભુ દેખી દિલ હોય રાચતાં;

બહુ અક્ષરવાસિ મુક્ત જે, તન ધાર્યા તરુરૂપ યુક્ત તે. ૮

તરુ ઊપર વેલિયો દિસે, કવિયે તર્ક કર્યો સુ તે વિષે;

દુરથી પ્રભુ દેખવા અડી,6 વનવેલિ બહુ શું ઉંચી ચડી. ૯

બહુ વાનર કેરિ મંડળી, તરુશીશે મળિને કુદે વળી;

પ્રભુ દર્શન ચિત્તમાં ચહી, ચમું શું સુગ્રિવની મળી અહીં. ૧૦

ચરતી બહુ ધેનુ જે હતી, પ્રભુ જોવા અતિ આકળી થતી;

ચરવું તજિ દોડિ આવિને, નિરખે નાથ સનેહ લાવિને. ૧૧

પશુઓ વનવાસિ જે હતા, તજિ અન્યોન્ય સહૂ વિરોધતા;

મૃગ સિંહ શિયાળ સંચરે, નિરખે શ્રીહરિને વિના ડરે. ૧૨

તરુ રાયણનાં સુ તે સ્થળે, શત વર્ષે જનમ્યા પછી ફળે;

જન જેમ પરોક્ષને ભજે, ચિરકાળે ફળ તેનું ઊપજે. ૧૩

રસતા પર બાજુએ વિષે, તરુઓ તુંગ7 અશોકનાં8 દિસે;

બહુ પત્ર ઝુકી રહ્યાં તહીં, લળકે શું શુભ તોરણો સહી. ૧૪

ફળ ફુલ સુપત્ર ઝાડથી, પ્રભુને શીશ પડે સુડાળથી;

અતિ આતુરતાથિ આદરે, તરુઓ શું પ્રભુનિ પૂજા કરે. ૧૫

ઉપજાતિવૃત્ત

સોજીતરે શ્રીહરિજી પધાર્યા, આનંદ સૌના ઉરમાં વધાર્યા;

સામૈયુ લૈને સહુ ભક્ત આવ્યા, વિચિત્ર વાજાં પણ સંગ લાવ્યા. ૧૬

પ્રેમી પુરા જે જન પાટિદાર, દેસોત9 જેવા દિલના ઉદાર;

તે એક તો ગોકળભાઈ નામ, બિજા લખાભાઈ સુબુદ્ધિધામ. ૧૭

પ્રીતિ બધા ગોકુળ ગામ કેરી, શ્રીકૃષ્ણમાં જે કહિયે ઘણેરી;

તે તુલ્ય તો પ્રીતિ તણું જ ધામ, માટે ધર્યું ગોકુળભાઇ નામ. ૧૮

નારાયણ ત્રીકમ વિપ્ર બે છે, ત્રિજોય તેવો હરજીવને છે;

વાળંદ જે નામ ગલો ગણાય, ઇત્યાદિ આવ્યા હરિભક્ત ત્યાંય. ૧૯

સન્માન કીધું સહુયે વિશેષ, કર્યો પ્રભૂયે પુરમાં પ્રવેશ;

આપ્યો હરિને શુભ ત્યાં ઉતારો, સૌને જમાડ્યા ધરિ ભાવ સારો. ૨૦

સોજીતરાના મળિ કુષ્ણદાસો, રાખ્યા હરિને તહિં રાતવાસો;

સુણી પ્રભુના મુખ કેરિ વાત, રાજી થયા સૌ હરિભક્ત ભ્રાત. ૨૧

એ તો કથા એટલિ આંહિ રાખું, હવેથિ વૃત્તાલય કેરિ ભાખું;

જે મૂર્તિ બોચાસણમાં મુકેલી, વર્ષાદની ખૂબ થવાથિ એલી. ૨૨

વૃત્તાલમાં તેહ મંગાવિ લીધી, બિજી હતી તે સહ મૂકિ દીધી;

ચતુર્થિ જ્યાં કાર્તકિ શુક્લ આવી, ત્યાં કાર્યની ખૂબ ત્વરા મચાવી. ૨૩

જગ્યા સુધારી શુભ તે કરાવી, શોભા ભલા મંડપની બનાવી;

વડોદરાના શુભ કારભારી, જે નારૂપંતાખ્ય સુબુદ્ધિ ધારી. ૨૪

રાજાની આજ્ઞા થકિ તેહ આવ્યા, અસ્વારિ સારી નિજ સાથ લાવ્યા;

શ્રીમંતનો10 જે અતિ શ્રેષ્ઠ હાથી, તે લાવિયા સાથે વડોદરાથી. ૨૫

ઘોડાં ઘણાં ને સુખપાલ સારા, પાળા ઘણા જે પગ ચાલનારા;

નિશાન ડંકા સહિતે સુહાવ્યા, વાજાં ભલાં ગાયકવાડી લાવ્યા. ૨૬

ઊંચે સ્વરે ત્યાં રણત્રૂઇ11 વાજે, જેનો ધ્વની જોજન સુધિ ગાજે;

તે સ્વારિ જોઈ જન એમ ધારે, સિયાજી શ્રીમંત સ્વયં પધારે. ૨૭

તંબુ ઘણા તે નિજ સાથ લાવ્યા, તે વાડિયો માંહિ ઉભા કરાવ્યા;

પોતે વિશાળા સુબાગમાંય, કર્યો ઉતારો ધરિ તંબુ ત્યાંય. ૨૮

વળી વિચાર્યું કરિને વિવેક, ઉભા કર્યા તંબુ બિજા અનેક;

શ્રીજીનિ સાથે સરદાર આવે, તેના ઉતારા પણ ત્યાં કરાવે. ૨૯

નામે સુનારાયણબાગ જ્યાંય, ઉભા કર્યા તંબુ વિશાળ ત્યાંય;

તંબુ બિજા શ્રેષ્ઠ તળાવ તીરે, ઉભા કરાવ્યા વળી ધીર વીરે. ૩૦

બહુ ભલો આ વળિ જ્ઞાનબાગ, ભૂમી તણો ઉત્તમ એહ ભાગ;

સુતંબુઓ આંહિ ઉભા કરાવ્યા, તે ભાળતાં સૌ જનચિત્ત ભાવ્યા. ૩૧

તે આગળ ચંદનિયો તણાવી, જુવે નવાઈ બહુ લોક આવી;

તંબુ શિરે કાંચનકુંભ એવા, જોતાં દિસે છે સ્થિર ચંદ્ર જેવા. ૩૨

પ્રભાતમાં કોઇક બાઈ જાગી, સ્નેહી સખીને કહેવા જ લાગી;

આ શૈલ12 ક્યાંથી અદભૂત આવ્યા, શું પાગ્ય13 સારુ પ્રભુયે મંગાવ્યા. ૩૩

સ્રગ્ધરા (સંદેહાલંકાર)

તંબૂ કે શૈલ્ય આ છે સખિ દ્રગ ધરિ જો પાંખ કે ચાંદની છે,

ઇંદ્રે શૈલોનિ પાંખો પતન કરિ હતી તે શું સાજિ બની છે?

વર્ષાયે ટાઢ તાપે તપ કરિ અતિશે ધાતૃને14 શું રિઝાવ્યા?

પાંખો પામી પ્રભુનાં દરશન કરવા શૈલ શું ઊડિ આવ્યા? ૩૪

ઉપજાતિવૃત્ત

ષષ્ઠી તણી રાત્રિ સમો સુહાવ્યો, ઉંટે ચડીને અસવાર આવ્યો;

તેણે જનોને કહિ સર્વ વાત, સોજીતરે છે હરિ આજ રાત. ૩૫

પ્રભાતમાં સપ્તમિ શુદ્ધ જાણી, પધારશે આંહિ પયોજપાણી;15

એવા સમાચાર સુણ્યા જ જ્યારે, આનંદ વાધ્યો અતિશે જ ત્યારે. ૩૬

પ્રાપ્તિ પ્રભુની સુણિ હર્ષ થાય, એવો નહીં હર્ષ બિજો ગણાય;

પ્રભાતમાં તે સુણિ ઘેર ઘેર, આનંદની તો ઉપજી લહેર. ૩૭

સામા જવાને સહુ સજ્જ થાય, આનંદ સૌના ઉરમાં ન માય;

સજી સવારી શુભ નારુપંતે, તૈયારિ કીધી સતસંગિ સંતે. ૩૮

રથે બિરાજ્યા મુનિ અક્ષરાખ્ય, હયે બિરાજ્યા પગિ જોબનાખ્ય;

કુબેરભાઈ મુખ પાટિદાર, ગોસાંઈ નારાયણ થૈ સવાર. ૩૯

વૃત્તાલથી કુંકુમપત્રિ જેહ, લખેલી જેને જન સર્વ તેહ;

આવ્યા હતા ત્યાં વરતાલમાંય, સામા જવા સત્વર સજ્જ થાય. ૪૦

આવ્યો હતો સૂરતી સંઘ જેહ, લાવ્યો હતો વાદ્ય વિશેષ તેહ;

તે સજ્જ થૈ સૌ સનમુખ ચાલ્યા, તે સાથ બીજા બહુ ભક્ત ભાળ્યા. ૪૧

ભરૂચ આદીક તણા સુભક્ત, ચાલ્યા સહૂ તે પણ તેહ યુક્ત;

વળી હતા ભક્ત વડોદરાના, તેમાં કહું ઉત્સવિયા જ ત્યાંના. ૪૨

છે ભક્ત નારાયણ નામ બેય, ને દેવજી તો ત્રણ નામ છેય;

કુબેર ને દુર્લભ ભક્ત નાનો, ને પ્રેમજીનો નહિ પ્રેમ છાનો. ૪૩

નાનો બિજો જાદવજી ખુશાલ, જેને વહાલા બહુ ધર્મલાલ;

ગંગા ઇચ્છા લક્ષ્મી પદાંત રામ,16 દયાળજી વલ્લભ ભક્ત નામ. ૪૪

ઇત્યાદિ લૈ તાલ મૃદંગ ગાય, તે સર્વ તંબોળિ જનો જણાય;

સત્સંગિ સૌ શ્રીપુરનાય આવ્યા, વાજિંત્ર તે સાથે અનેક લાવ્યા. ૪૫

વાજિંત્રના નાદ વિચિત્ર થાય, સંતો મળી કીર્તન ગાન ગાય;

વિશેષ ત્યાં તાલ મૃદંગ વાજે, આકાશ ને પૃથ્વિ અખંડ ગાજે. ૪૬

સોજીતરેથી સુખધામ શ્યામ, સવારમાં સંઘ લઈ તમામ;

વિહાર કીધો વરતાલ વાટે, મુહૂર્ત તો આવ્યું સમીપ માટે. ૪૭

મેળાવ્ય આવ્યા મુનિનાથ જ્યારે, ભાનૂ ચડ્યો ત્યાં ઘડિ ચાર ત્યારે;

તળાવમાં સ્નાન કર્યું સહૂયે, કરી વળી નિત્યક્રિયા પ્રભૂયે. ૪૮

મેળાવ્યવાસી સતસંગિ જેહ, આવ્યા મળી દર્શન કાજ તેહ;

તેનાં કહુ પાવનકારિ નામ, પટેલ આવ્યા ત્રણ તેહ ઠામ. ૪૯

ખુશાલ પૂજા અજુભાઈ જાણો, વળિ કહું તે વણિક પ્રમાણો;

તે એક પીતામર વેણિભાઈ, બિજા કહું ગિર્ધર તેહ માંઈ. ૫૦

પગી ગલો નાપિત17 નામ રૂડો, ભક્તિ કર્યામાં નહિ કોઈ કૂડો;

ભેટ્યા પ્રભૂને શુભ ભેટ ધારી, અહો અહો ભાગ્ય ઉરે વિચારી. ૫૧

એવે સમે ત્યાં વરતાલ કેરું, સામૈયું આવ્યું સજ થૈ ઘણેરું;

વાટે ઉવાટે18 પ્રસરી રહેલ, દૂરેથિ દીસે દરિયાનિ રેલ. ૫૨

નિશાન19 ત્યાં ગાયકવાડ કેરું, તે ફોજ મધ્યે ફડકે ઘણેરું;

શું શ્રેષ્ઠ નાવે શઢ છે ચડાવ્યો, દેખાવ એવો કવિ દૃષ્ટિ આવ્યો. ૫૩

ગજેંદ્ર જે ગાયકવાડ કેરો, સેના વિષે શોભિત છે ઘણેરો;

જાણે સુમંદ્રાચળ સિંધુમાં છે, તુરંગ20 તો તુંગ તરંગ ત્યાં છે. ૫૪

જનો વદે ત્યાં જયકાર જેમ, શ્રીજી સમીપે પણ સર્વ તેમ;

જાણે નિધીનો ઘુઘવાટ થાય, પ્રતિધ્વની તેહ તણો સુણાય. ૫૫

તે આવિયો શ્રીજી સમીપ જ્યારે, બેસારિ દીધો ગજરાજ ત્યારે;

અગસ્તને શું કરવા પ્રણામ, વિંધ્યાદ્રિ બેઠી નમિ તેહ ઠામ. ૫૬

નમ્યા પ્રભૂને જઇ નારુપંત, તથા નમ્યા સૌ સતસંગિ સંત;

વદી મુખેથી અતિ નમ્ર વાણી, ભેટ્યા પ્રભુને બહુ ભાવ આણી. ૫૭

નામો પુછીને કરિ ઓળખાણ, અન્યોન્ય ભેટ્યા ભગતો સુજાણ;

તે પ્રેમ જાણે પરલોક કેરો, છુપ્યો હતો તે પ્રગટ્યો ઘણેરો. ૫૮

ત્યાં નારુપંતે નરનાથ કેરા, પ્રણામ કીધા પ્રભુને ઘણેરા;

પુછ્યા સમાચાર કૃપાળુ શ્યામે, તેણે સુણાવ્યા સહુ તેહ ઠામે ૫૯

પછીથિ બોલ્યા નમિ નારુપંત, ગજે બિરાજો બહુ શક્તિમંત;

ગજેંદ્ર આ તો પ્રભુ આપ કાજે, છે મોકલ્યો ભૂપ શિયાજિરાજે. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

વિનય વચન નારુપંત કેરાં, સુણિ હરિને પ્રિય લાગિયાં ઘણેરાં;

ગજ પર કરવા સ્વયં સવારી, ધરમસુતે રુચિ ચિત્ત માંહિ ધારી. ૬૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયગમનાર્થે-મેળાવ્યગામઆગમનનામ વિંશતિતમો વિશ્રામઃ ॥૨૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે