કળશ ૮

વિશ્રામ ૨૧

ઉપજાતિવૃત્ત

હે ભૂપતી શ્રીહરિને જ કાજ, આવ્યો હતો સુંદર ઈભરાજ;1

શી તેનિ શોભા વદને વખાણું, એનાં અહો ઉત્તમ ભાગ્ય જાણું. ૧

ગજેંદ્ર જે ગ્રાહ થકી મુકાવ્યો, તે આ સમે શું ધરિ દેહ આવ્યો;

કે સિંધુમાંથી મથતાં થયેલો, તે આવિને આંહિ દિસે ઉભેલો. ૨

એવો ભલો ઉત્તમ ઈભ રાજે, જેની છબી દિગ્ગજ જોઇ લાજે;

જો પાર્વતી તે ગજરાજ પેખે, તો ભ્રાંતિ પામી નિજ પુત્ર લેખે. ૩

સોનાનિ અંબાડિ દિસે રુપાળી, ગિરીશિરોભાગ સમાન ભાળી;

શું કોઇ દેવે સ્વરગે ઘડેલી, વિચિત્ર મોટા મણિયે જડેલી. ૪

જાણે ગ્રહો દર્શન કાજ આવ્યા, અંબાડિમાં તે મણિ થૈ સુહાવ્યા;

ધોળા મણી તે શશિ શુક્ર જેવા, પીળા ગુરૂ ને બુધ તુલ્ય તેવા. ૫

રાતા મણી ભોમ2 રવિ પ્રકાશે, છે શ્યામ રાહુ શનિ નીલ ભાસે;

જે ધૂમ્રવર્ણા મણિ કેતુ જાણો, એવી રિતે તે ગ્રહ છે પ્રમાણો. ૬

શોભીત છે ઝૂલ જરીનિ સારી, બુટા3 ભરેલા બહુ મોહકારી;

વિચિત્ર વૃક્ષો તણિ છાપ પાડી, જાણે ગિરી માંહિ ઉગેલ ઝાડી. ૭

કંઠે ધરી ઘૂઘરમાળ કેવી, છે રુંઢમાળા4 હરકંઠ જેવી;

બેઠો નિયંતા ગજનો તહાંય, અંકૂશ ધારી નિજ હાથમાંય. ૮

તે જાણિયે વાસવ5 વજ્ર લૈને, બેઠો નિયંતા ગિરિશીશ થૈને;

છે ભૂષણો જોડે કરીંદ્ર6 કાને, તે શોભિતાં નિર્ઝરણાં7 સમાને. ૯

તેને કપોળે મદ તો ઝરે છે, સુગંધ લેવા ભમરા ફરે છે;

જાણે પ્રભૂ પ્રાપ્તિ થવા વિચારી, આવ્યા સુરો ષટ્પદરૂપ8 ધારી. ૧૦

સીંદૂર આદીક અનેક રંગે, ચિત્રો કરેલાં શિર સુંઢ અંગે;

તે શૈલમાં ભૂમિ વિચિત્ર જેવી, જણાય શોભા શુભ સર્વ એવી. ૧૧

બે બાજુયે બે શુભ ઘંટ છાજે, કરે ગતિ તે તક તેહ વાજે;

જાણે પધાર્યા ભુવનાધિરાજ, જુવો જનો ઘંટ કરે અવાજ. ૧૨

કરીનું કુંભસ્થળ9 તેહ કેવું, ઇંડું દિસે દેવળ શીશ જેવું;

બે દાંત છે ઉજ્વળ શુદ્ધ કેવા, મહાપ્રભુની શુભ કીર્તિ જેવા. ૧૩

તે દાંતમાં કંકણ હેમનાં છે, જવાહિરો10 તેહ વિષે જડ્યાં છે;

કડાં દિસે શ્રીહરિ હાથ જેવાં, જોતાં દિસે કંકણ તેહ તેવાં. ૧૪

સત્સંગિ સંતો મળિ સર્વ સાથ, કહે હરિને જુગ જોડિ હાથ;

ગજે બિરાજે વૃવંશરાય, સૌને સુખે દર્શન જેથિ થાય. ૧૫

સત્સંગિ સૌની સ્તુતિ ચિત્ત ધારી, શ્યામે કરી તે ગજશીશ સ્વારી;

અંબાડિમાં અંતરજામિ બેઠા, તેવા મુનીના મન માંહિ પેઠા. ૧૬

ગજે બિરાજ્યા પ્રભુ પદ્મપાણી,11 જનો ઉચારે જયકાર વાણી;

ઇંદ્રાદિ દેવો પણ એ જ તોલે, બહૂ ઉમંગે જયકાર બોલે. ૧૭

સુશૈલ માથે ઘનશ્યામ12 જેમ, શોભે ભલા શ્રઘનશ્યામ તેમ;

શ્રીવાસુદેવાખ્ય સુબ્રહ્મચારી, બેઠા તહાં ચામર હાથ ધારી. ૧૮

વર્ણી અખંડાખ્ય બિજા ગણાય, બેડા વળી ચામર ધારિ ત્યાંય;

પ્રભૂ શિરે ચામર તે કરે છે, તે જાણિયે ઉદ્ધવ નારદે છે. ૧૯

સજીવની થૈ13 ચમરી14 નિદાન, તે શું ભમે છે ભમરી સમાન;

કે શ્રીહરિના મુખચંદ્ર કેરી, મરિચિ15 થૈને વિલસે ઘણેરી. ૨૦

વૈતાલીય (અથ પ્રથમ ચામર પ્રબંધ)

ચમરી અમરી થઈ ખરી, ભ્રમરી જેમ હરીશિરે ફરી;

મરિ તેહ ફરી શું ઉદ્ધરી, મરિચ થૈ હરિમુખ ચામરી. ૨૧

ઇંદ્રવંશા (અથ દ્વિતીય ચામર પ્રબંધ)

જુઓ જુઓ જુક્તિ કવી કહે કથા, વિનોદ આ આગળ અન્ય છે વૃથા;

હેતે ધર્યું ચામર વર્ણિ હાથમાં, થાપી મનોવૃત્તિ અખંડ નાથમાં. ૨૨

प्रथम चामर प्रबंध      द्वितिय चामर प्रबंध

Image

ઉપજાતિવૃત્ત

અંબાડિની જે કહું બાજુ બેય, ત્યાં પાટિયું પ્રૌઢ અકેકુ છેય;

ત્યાં મોરનાં ચામર હાથ લૈને, બબે ઉભા સજ્જન સ્વસ્થ થૈને. ૨૩

અનુષ્ટુપ

  ગંગાદાસ દયારામ, સદ્‌ભક્તો સૂરતી કહ્યા;

  મોર ચામર લૈ હાથે, એક પાસે ઉભા રહ્યા. ૨૪

  વટપત્તનના વાસી, નાથ ભક્ત હતા સહી;

  તે જોડે અમદાવાદી, દામોદર ઉભા તહીં. ૨૫

  તે ચારે જનને અંગે, શોભિતાં વસ્ત્ર તો દિસે;

  પટકા જરિના રૂડા, વિલસે બહુ તે વિષે. ૨૬

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણ નૃપ અસવારિ શ્યામ કેરી, સરસ બની સહુ શોભિતી ઘણેરી;

સુર નર સહુ દેખિ એમ બોલે, સુરપતિની નહિ સ્વારિ એહ તોલે. ૨૭

પ્રથમ નિસરિયો નિશાન ડંકો, હય પર છે અસવાર એક વંકો;

કહું વળી શુભ તે નિશાન કેવું, નભ પચરંગિ પયોદચાપ16 જેવું. ૨૮

પછિ ઘણિ વિચરી સુપાયગાઓ, તરલ17 તુરંગમ18 તુંગ છે ઘણાઓ;

જળધિતનુજ19 અશ્વરત્ન એક, પણ હયરત્ન અહીં દિસે અનેક. ૨૯

સુમતિ સચિવ જે વડોદરાના, નિરમળ અંતર નારુપંત નાના;

હય પર અસવાર તે થયા છે, અનુચર છત્ર શિરે ધરી રહ્યા છે. ૩૦

રવ શુભ રણત્રૂઇ તો કરે છે, સુણિ રવ શંખ સમાન તે ઠરે છે;

સમર20 સમય પાંચજન્ય જેવો, રવ ઉપજે ઉતસાહકારિ એવો. ૩૧

પછિ ધરિ ધરિ હાથ ઢોલ ત્રાંસાં, જન વિચરે તન વસ્ત્ર ધારિ ખાસાં;

બહુવિધ સ્વર તાળમાં બજાવે, શુભ ઘનનાદ સમાન તે સુહાવે. ૩૨

પછિ પલટનનાં21 સુવાદ્ય જેહ, વટપુરભૂપતિ મોકલેલ તેહ;

વિધ વિધ સ્વરથી વિશેષ વાજે, સુરવરવાદ્ય સમાન તેહ છાજે. ૩૩

પછિ હરિજન સંઘના સહૂ છે, પુર પુરના વળિ પ્રાંતના બહૂ છે;

મુખ કિરતન ગાય તાળિ પાડી, સ્વર સુણતાં દુખ સર્વ દે મટાડી. ૩૪

જન વટપુરના નિવાસિ જેહ, લઇ કર તાલ મૃદંગ આદિ તેહ;

હરિકિરતન ગાય ને બજાવે, સુણિ હરિમૂર્તિ તણું જ ધ્યાન આવે. ૩૫

સુરતનગરવાસિ શ્રીપુરીના, જન સતસંગિ સુભક્ત જે હરીના;

કર ધરિ શુભ વાદ્ય તે બજાવે, જન મનમાં બહુ મોદ ઊપજાવે. ૩૬

પછિ મુનિજન વૃંદમધ્ય મેનો, મુનિવર મુક્ત સુનામ તેહ તેનો;

મુનિજન મળતાં જ વર્ણિવૃંદ, બટુ વિચરે સુખપાલમાં મુકુંદ. ૩૭

મુનિજન ગિરવાણ22 જાણનારા, મુખ ઉરે સ્તુતિના જ શ્લોક સારા;

શ્રુતિવિદવર23 બ્રહ્મચારિ જેહ, મળિ ઉચરે મુખ વેદમંત્ર તેહ. ૩૮

સરિતનિ ગતિ માંહિ જે પ્રમાણે, દ્વિજવર વેદ ભણે બળેવ ટાણે;

પ્રભુતણિ અસવારિનો પ્રવાહ, સ્વરથકિ ગાજિ રહ્યો અહો અથાહ. ૩૯

પછિ હરિવરના સુબેય ભાઈ, કરિ અસવારિ સુ તાવદાન24 માંઈ;

ભરત રિપુહનાખ્ય25 જોડ જેવા, અદભૂત તેજ પ્રતાપવંત તેવા. ૪૦

ઉભય સહજના26 તનૂજ જેહ, હય રથ કે સુખપાલ માંહિ તેહ;

નિજનિજ રુચિતુલ્ય સૌ બિરાજ્યા, પરમ પવિત્રપણાથિ તેહ છાજ્યા. ૪૧

પછિ બહુ હથિયારબંધ પાળા, બખતરધારિ બહૂ જ જોરવાળા;

ફરિ ફરિ કરિ બંદુકો બહાર, જય જયકાર કરે મુખે ઉચાર. ૪૨

સ્વધરમરત તેહ સાંખ્યયોગી, પ્રભુવિણ પંચ વિષે તણા ન ભોગી;

નજર સકળ નીચી રાખિ ચાલે, પ્રભુપદમાં મનવૃત્તિ તો મહાલે. ૪૩

રઘુપતિલઘુભાઇ27 બ્રહ્મચારી, પણ સતિના પદ માંહિ દૃષ્ટિ ધારી;

ત્રિયપદ28 નિરખ્યાં ન પાર્ષદોયે, મુખ કદિ કેમ જુવે જ તેહ કોયે. ૪૪

ચતુર અધિક ચોપદાર બેય, કર ધરિ હેમછડી સવાર છેય;

જય જય અધિરાજ એમ બોલે, સ્વર સુણિ દેવ મનુષ્ય સર્વ ડોલે. ૪૫

પછિ હરિવરનો વિશાળ હાથી, કનક ગિરીસમ શોભિતો પ્રભાથી;

ગજ પર છબિવંત શ્યામ છાજે, રવિ શશિ કોટિ સમાન કાંતિ રાજે. ૪૬

અકળિત હરિ અક્ષરાધિનાથ, જુગપદ ધ્યાન ધરે સુમુક્ત સાથ;

ઉદભવ થિતિ નાશ કારિ જેહ, સહુ અવતાર તણું નિદાન29 તેહ. ૪૭

અખિલ ભુવનના નિવાસરૂપ, ભુવન તણા સહુ ભૂપના ભૂપ;

વરણન કરતાં ન અંત આવે, ગુણગણ શેષ સહસ્રમૂખ ગાવે. ૪૮

મુનિજન વનવાસિ જોગ સાધી, દૃઢ મન ધ્યાન ધરે કરી સમાધી;

પણ કદિ સ્વપને ન તેહ ભાળે, પ્રગટ પ્રભુ જન તેહ સૌ નિહાળે. ૪૯

નિરખિ નિરખિને કરે પ્રણામ, ઠરિ ઠરિને જનજૂથ ઠામઠામ;

વળિ હરિમહિમા ઘણો વિચારે, જનમનમાં નિજ ધન્ય ભાગ્ય ધારે. ૫૦

ખતરિ સુરતવાસિ તેહ ઠામ, હરિજન જે ભગવાનભાઈ નામ;

નિજ કર અબદાગિરી ધરીને, ગજ સમિપે વિચરે પગે કરીને. ૫૧

હરિજન ભગુભાઇ તેહ ત્યાંય, વળિ વિચરે ધરિ છત્ર હાથમાંય;

નિરમળ શુભ વસ્ત્ર ધારિ અંગે, છબિ હરિની નિરખે ઘણે ઉમંગે. ૫૨

કરિવર30 ફરતા સખા પ્રભૂના, હયઅસવાર દિસે પ્રભા31 બહૂના;

નૃપસુત રજપૂત કાઠિ કોઈ, જમ ડરપે32 ઉનમત્ત અંગ જોઈ. ૫૩

નારચ છંદ

  કહું વખાણિ તે હવે સુકાઠિયો ગરાશિયા,

  સુભટ્ટ33 ધર્મ અર્જુનાદિ ભીમતુલ્ય ભાસિયા;

  પ્રમત્ત અશ્વ ઊપરે ચિત્તે ચહાઇને ચડ્યા,

  સુઅશ્વ તે સુજાણ સૃષ્ટિકારકે નવા ઘડ્યા. ૫૪

  કરે વિશેષ હંહણાટ વાટ માંહિ ચાલતા,

  ઉમંગથી સુરંગદાર અંગને ઉછાળતા;

  કહે નિહાળિ લોક હોત પાંખ એહ પંડમાં,

  ઉડી અનેક ઠામ તે ફરી વળે બ્રહ્માંડમાં. ૫૫

  નિહાળિ છાંય આપની ચમક્કતા ચિતે સહી,

  નટી સમાન નાચતા ક્ષણે ઉભા રહે નહીં;

  સુશોભિતા હરીસખા સુકાઠિયો સવાર છે,

  ધરેલિ ધિંગિ ઢાલ ને ભલા જ ભાલદાર34 છે. ૫૬

  દિસે સુબર્છિ અગ્ર જાણિયે શું સાપની ફણા,

  સુદેખિ દેખિ દૂરથી જ દુશ્મનો ડરે ઘણા;

  ખચીત ખડ્ગ વીજળી સમાન છે ખરેખરા,

  સુરારિ શીશરૂપિ શૈલ તોડનાર તે ઠર્યા. ૫૭

  નવાઇ જેવિ વાણિ કાઠિયો મુખેથિ ઉચ્ચરે,

  સુણી અચંભ35 ચિત્ત ગુજરાતના જનો ધરે;

  શિરે ધરેલિ પાગ શ્રેષ્ઠ છોગું છાઈને રહે,

  ચળે વિશેષ વાયુથી સુપંખવો કવી કહે. ૫૮

પુષ્પિતાગ્રાવૃત્ત

પરમ પુનિત ભક્ત પાટિદાર, અતિ ધનવંત અમીન છે ઉદાર;

કનક જડિત વેઢ વીંટિવાળા, હયઅસવાર દિસે ઘણા રુપાળા. ૫૯

પછિ બહુ રથ ગાડિ સાધૂ કેરી, શુભવિધિ સજ્જિત શોભિતી ઘણેરી;

મુનિવર વળિ વૃદ્ધ વર્ણિરાય, ધરિ ધરિ ધ્યાન બિરાજિયા જણાય. ૬૦

ગિરિવરનિ ગુફા વિષે સમાધી, સજિ સજિ સિદ્ધ દિસે તજી ઉપાધી;

ક્ષર થકિ પર મુક્તમૂર્તિ જેવી, સકળ જણાય મુનીંદ્રમુર્તિ એવી. ૬૧

પછિ સુશકટ માંહિ ભારખાનું, પણ વળિ મુખ્ય સુપુસ્તકો ભર્યાનું;

પછિ બહુ વડિ નોબતે સુવાજે, અદભુત ઉંટ પરે વિશેષ છાજે. ૬૨

વિભવ અધિક હસ્તિસૂધિ જેમ, ભલિ અસવારિ સુઉંટ અંત તેમ;36

નૃપકુળ વૃષવંશ નારિયોની, પછિ રથપંક્તિ ઘણીક ગાડિયોની. ૬૩

અજ હર સુર ઈંદ્ર આદિ જેહ, નભ વિચરે સજિને સવારિ તેહ;

જય જય મુખવાણિ ઉચ્ચરે છે, પ્રભુશિર પુષ્પની વૃષ્ટિ તે કરે છે. ૬૪

પદગતિ કરિ પંથ ચાલનારાં, બહુ નરનારિ સુભક્તિમંત સારાં;

હરિ છબિ મન માંહિ રાખિ રોપી, તિલસમ તેનિ ન થાય ગોપગોપી. ૬૫

શાર્દૂલવિક્રીડિત

જે સત્સંગ સુબાઇ સર્વ સધવા ચાલે નિચૂં જોઈને,

દૃષ્ટિમાંડિ કદાપિ અન્ય નરને દેખે નહીં કોઇને;

બોલી ચાલિ નિરીક્ષણાદિ જગથી જૂદાં જ તેનાં દિસે,

જેણે અંતરજામિ સર્વવિદને જાણ્યા સ્વઆત્મા વિષે. ૬૬

જે બાઈ વિધવા તપે કૃશતનૂ લે કૃષ્ણના નામને,

દીસે છેક ઉદાસિ ચિત્ત ન ચાહે ઇન્દ્રાદિના ધામને;

સાદાં વસ્ત્ર સજે તજે રસકસો શોભા ન સ્વાંગે ધરે,

જોતાં તેનિ સુધર્મરીતિ સમતા સંન્યાસિયો શૂં કરે. ૬૭

ઉપજાતિવૃત્ત

જો બાળ કે વૃદ્ધ જુવાન હોય, તે નારિયો કે નર હોય તોય;

દિસે સહૂ ઇન્દ્રિયને જિતેલ, જાણે મહામુક્ત તનૂ ધરેલ. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિ-સ્વારીવર્ણનનામૈકવિંશતિતમો વિશ્રામઃ ॥૨૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે