વિશ્રામ ૨૨
શાર્દૂલવિક્રીડિત
હે રાજા વરણી કહે સુણ હવે સ્વારી સજી શ્રીહરી,
ચાલ્યા ચારુતરાખ્ય પ્રાંત વચમાં સૌંદર્ય સર્વે ધરી;
સેવા શ્રીહરિની વિશેષ સજવા આવ્યા ઋતુઓ સહુ,
શોભા તથિ સજાઇ ચારુતરની તે તો કથા હું કહું. ૧
અથ વસંતવર્ણન
ફૂલ્યાં ફૂલ અનેકભાતિ વનમાં કેસૂ ફૂલ્યાં કારમાં,
બોલે કોકિલ શબ્દ શુદ્ધ મધુરા આંબા તણી હારમાં;
ત્યાં તો શીતળ મંદ ગંધ સહિતે વાયુ રુડો વાય છે,
ઉડે પુષ્પપરાગ રંગ પથમાં શું હોરિ ખેલાય છે. ૨
આંબે મોર થયો ઘણો તરુશિરે વીંટી વળી વેલડી,
પાક્યાં દાડમ દ્રાખ આદિ ફળ ને સારી થઈ શેલડી;
ગાવે સંત વસંત રાગ હરખી સારો સમો જાણિને,
ત્યાં વૃક્ષો નિજ ફૂલરૂપી ફગવા નાખે ખુશી આણીને. ૩
અથ ગ્રીષ્મઋતુવર્ણન
પેખી શ્રીહરિનો પ્રતાપ દિલ તો દુષ્ટો ગુરૂનાં દહ્યાં,
સુકાઈ પરપંથરૂપિ સરિતા ના નીર તેમાં રહ્યા;
ભાસે ભીષમ1 ગ્રીષ્મકાળ ખળને આનંદ દૈવી ધરે,
આંબે સાખ સમાન સંચિત ફળો પાક્યાં ધરા ઉપરે. ૪
અજ્ઞાનાંધ નિશા ઘટી દિન વધ્યો જ્ઞાનસ્વરૂપી ઘણો,
ઉંઘે આળસુઓ સુજાણ જન તો લે લાભ વેળા તણો;
આચાર્યો બનિ કૈક ઢોંગિ વિચરે જેવા જ વંટોળિયા,
ભોળાના દૃગ માંહિ ધૂળ ભરિને ઠાલા ઠગે ઠોળિયા.2 ૫
અથ વર્ષાઋતુવર્ણન
હસ્તી શૈલ સમાન તેહ શિખરે શ્રીમેઘશ્યામે સ્થિતી,
કીધી તેથિ કૃપાનિ વૃષ્ટિ થઈ છે આનંદ પામી ક્ષિતી;3
ભક્તોનાં મન તો તળાવ નદિયો હર્ષે ભરાયાં ઘણાં,
ધાર્યા દૈવિ અને વિશેષ નિયમો સદ્ભાગ્ય તો તે તણાં. ૬
સત્પાત્રે શુભ દાનરૂપિ કણને વાવે વિવેકી જનો,
શોભે છે સુખસંપદાથિ જન સૌ જેવાં સુલીલાં વનો;
વાજે છે બહુ વાદ્ય તે ઘન તણી શું ગર્જના છે થતી,
મોરો શેર કરે કળા કરિ અતી સંતે કહ્યું તે પ્રતિ.
સ્રગ્ધરા (અથ મયૂરપ્રબંધ)
मयुरप्रबंध
મોરો શોરો કરો છો ધરિ મુદ મદથી શાથિ રીઝ્યા સ્વચિત્તે,
આશા ધારી હતી જે પ્રગટ હરિ મળે તે મળ્યા રૂડિ રીતે;
કીધી એવી દયા તે થકિ ઝુકિઝુકિને સૌ કળા સાધિ સારી,
બોલો છો એવિ વાણી સ્વરવિદ4 જનને યાદ આવે મુરારી. ૮
શાર્દૂલવિક્રીડિત (અથ શરદઋતુવર્ણન)
પામીને સતસંગ સર્વ જનનાં મેલાપણાં તે ગયાં,
તે સૌનાં મન સ્વચ્છ તો શરદના આકાશ જેવાં થયાં;
ભક્તિધર્મ તણા પ્રવાહ નદિયો તે સ્વચ્છ થૈ છે સહી,
તેમાં સજ્જનનાં મુખો કમળ શાં ફૂલ્યાં સુરીતે રહી. ૯
જાણે શું જળઝીલણી દિન દિસે સૌ નીરકેળી કરે,
શ્રદ્ધાથી જન શ્રાદ્ધ તીર્થ તટમાં આસ્તિક્યથી આદરે;
જેવી શ્રીદસરા દિને હરિ તણી અસ્વારિ એવી દિસે,
ગાવે કીર્તન રાસનાં મુનિજનો શું રાસ ટાણું હશે. ૧૦
અથ હેમંતઋતુવર્ણન
હેમંતાખ્ય ઋતૂ હવે વરણવું તે તો હતો તે સમે,
રાશી વૃશ્ચિકમાં રવી મળિ રહી પ્રેમે પ્રભુને નમે;
રાત્રી મોટિ થઈ અને દિન ઘટ્યો હીમાળુ વા વાય છે,
આવ્યો કાર્તિક તેથિ તીર્થ કરવા જાત્રાળુઓ જાય છે. ૧૧
જ્યારે માસ ધનુર્દિસે જગતમાં ના લગ્ન કોઈ કરે,
જાણે સંત તણો સુબોધ સુણિને સંસારથી સૌ ડરે;
પાક્યાં બોર બહૂ વળી વન વિષે સીતાફળી છે ફળી,
તેને વાડ વિષે વિલોકિ કવિએ વાક્યો કહ્યાં ત્યાં વળી. ૧૨
રે સીતાફળિ અન્ય પ્રાંત નિરખી રાજા તણા બાગમાં,
રાખે ખૂબ પ્રયત્નથી વળિ ભલા ભૂમિ તણા ભાગમાં;
આ ચારૂતર પ્રાંતમાં ન ગણતી તારી કશા ઝાડમાં,
છે વાડી વશિ તૂં કુટુંબસહિતે વાસો કરી વાડમાં. ૧૩
બોલી બોલ સિતાફળી મુજ તનૂ દૈવે કરી વામણી,5
શ્રીજીના મુખચંદ્રને નિરખવા ઉત્કંઠતા છે ઘણી;
મોટાં વૃક્ષ નડે મને નિરખતાં લજ્જા ન રાખે કસી,
તે માટે કવિ પ્રાંત ચારુતરમાં હું વાડ માંહી વસી. ૧૪
અથ શિશિરઋતુવર્ણન
શોભે કુંડળ કાનમાં મકરના આકારનાં શ્યામને,
શોભે સૂર્યસમાન તેજ મુખનું ઝાંખો કરે કામને;
જાણે એહ શિશીરનો સમય છે તે યોગ તેથી બન્યો,
આવ્યો પુણ્ય સમો ભલો મકરનો જાણે જ દૈવી જનો. ૧૫
શ્રીજીને નહિ ઓળખે તપ તપે તે વ્યર્થ પીડા ધરે,
તાપે જેમ શિશીરમાં અફિણિયા ઉંઘ્યાથિ દાઝી મરે;
પાખંડી ગુરુનાં કુકર્મ પ્રગટ્યાં શિષ્યો તજે પક્ષને,
જે રીતે કરિ માસ પાનખરમાં પત્રો તજે વૃક્ષને. ૧૬
જે જે ભિન્ન ઋતુ વિષે તરુવરો ફૂલે ફળે છે સદા,
તે સૌ શ્રીહરિને પ્રસન્ન કરવા ફૂલ્યા ફળ્યાં છે મુદા;
જે જે વૃક્ષલતાદિ એહ જગમાં જુદી જુદી જાતનાં,
જૂથેજૂથ જણાય ચારુતરમાં તે તો ભલી ભાતનાં. ૧૭
જ્યાં જે જાતિ તણી નિવાસ બહુ છે તે દેશ તેનો ગણો,
બીજે જો જઈને વસે જન કદી ત્યાં તે વિદેશી ભણો;
આંબા રાયણ આદિનું વતન તે જો જાણવા ઇચ્છિયે,
તો ચારૂતર પ્રાંત તેહ તણું તો પૂરી રિતે પ્રીછિયે. ૧૮
ઉપજાતિવૃત્ત
વૃંદા6 તણા છોડ વિશેષ જોઈ, કહે કવી કોવિદ7 એક કોઈ;
ગોલોક વૃંદાવન જે કહે છે, શું ઊતર્યું આ સ્થળ માંહિ એ છે. ૧૯
જે ઇંદ્ર કેરું વન સ્વર્ગઠામ, જેનું ભલું નંદન એવું નામ;
તે ઇંદ્રને તો મન તુચ્છ ભાશું, તેથી ભલું ચારુતર પ્રકાશું. ૨૦
બીજૂં ભલું ખાંડિવ નામ જેહ, ચરી ગયો પાવક દેવ તેહ;
જો તે રહ્યું હોત અખંડ ભ્રાત, તો તેહની કાંઇક તુલ્ય થાત. ૨૧
કૈલાસનો બાગ બહૂ જ સારો, જે પાર્વતીને પણ પૂર્ણ પ્યારો;
જટાધરે તે અતિ તુચ્છ જાણ્યો, વિશેષ ચારૂતરને વખાણ્યો. ૨૨
અસ્વારિ શ્રીજી તણિ સંચરે છે, અનેક પક્ષી સ્વર ઉચ્ચરે છે;
જાણે પ્રભૂના ગુણગાન ગાય, પ્રભૂ સુણી ચિત્ત પ્રસન્ન થાય. ૨૩
ત્યાં કોકિલાનો તનરંગ જોઈ, કહે કવી કોવિદ એમ કોઈ;
તે શ્યામની મૂર્તિ ઉરે ઉતારી, તેથી થઈ શું છબિ શ્યામ તારી. ૨૪
અજ્ઞાનરૂપી અતિ અંધકાર, આવ્યા પ્રભૂ એહ વિનાશકાર;
માટે ડરી કાગ કરે ઉચાર, કા કા અમે તો નહિ અંધકાર. ૨૫
દ્રુતવિલંબિત: શ્લોક
વિજનમાં જનમાં સઘળે સ્થળે, અજળમાં જળમાં પણ તે પળે;
અમળતા મળતા મટિ થૈ સહી, કુમુદની મુદની લહેરે રહી. ૨૬
અર્થ: માણસ ન હોય એવી જગ્યામાં અને માણસમાં બધે ઠેકાણે અને પાણી ન હોય ત્યાં અને પાણી હોય ત્યાં પણ તે વખતે મલીનપણું તજીને નિરમળપણું થયું અને પોયણી પણ આનંદની લહેરમાં રહી, મતલબ કે પ્રફુલિત થઈ. (૨૬)
શ્લોક
વિવિધની વિધિની કૃતિ તે તકે, ન કળના કળનાર કરી શકે;
અઋતુની ઋતુની વનવેલિયો, ઉધરિને ધરિને મુદ ફેલિયો. ૨૭
અર્થ: તે વખતે બ્રહ્માની નાનાપ્રકારની રચના કોઈ કળનાર કળી શકે નહિ, ઋતુ વગરની ને ઋતુની વનની વેલિયો ઉત્પન્ન થઈને આનંદ પામીને ફેલાઈ. (૨૭)
શ્લોક
અચળતી ચળતી પવનો કરે, અપથમાં પથમાં ફુલડાં ખરે;
નફળતાં ફળતાં તરુઓ થયાં, નમળતાં મળતાં થઈને રહ્યાં. ૨૮
અર્થ: અને તે વેલિયો હાલતી ન હોય તેને પવન હાલતી કરે છે અને તેનાં ફૂલ રસ્તામાં ને આજુબાજુમાં ખરે છે અને જે ઝાડને ફળ થતાં નહોતાં તે ફળવા લાગ્યાં અને જે ઝાડ પ્રાપ્ત થતાં નહોતાં તે પ્રાપ્ત થૈ રહ્યાં. (૨૮)
શ્લોક
વિભવતા ભવ તાકિ તહાં રહે, સરસ છે રસ છે જ ઘણો કહે;
પવનમાં વન માંહિ સુગંધતા, વશિ ઘણી શિ ઘણી કહું વારતા. ૨૯
અર્થ: અને ત્યાં વૈભવપણાને શિવજી પણ તાકી રહે છે. અને તે એમ કહે છે જે તે સારું છે ને તેમાં રસ ઘણો છે, અને ત્યાં વનમાં ને પવનમાં સુગંધપણું ઘણું વસીને રહ્યું તેની ઘણી વારતા શી કહું! (૨૯)
શ્લોક
ભટકતા ટકતા ભમરા દિસે, ન ગણના ગણનાર થકી થશે;
પરમતા રમતા પશુઓ વિષે, અભયતા ભયતા ટળિને દિસે. ૩૦
અર્થ: અને ક્યાંઈ ફરતા ને ક્યાંઈ બેઠેલા ભમરા દેખાય છે, તેની ગણતરી કોઈ ગણનાર કરી શકે નહિ અને ત્યાં ખેલતાં પશુઓમાં ઉત્કૃષ્ટપણું તથા ભય ટળીને નિર્ભય પણું દેખાય છે. (૩૦)
શ્લોક
જગતિમાં ગતિમાન ગતી કરે, શ્રમિતતા મિતતા ન મને ધરે;
લસિત સંસિત સંસ્થિત હંસ છે, લલિત લાલિત લાયક વંશ છે. ૩૧
અર્થ: અને ત્યાં ચાલવાવાળાં પ્રાણીઓ પૃથ્વીમાં ગતિ કરે છે, મતલબ કે ભગવાનના સામા દોડે છે પણ લગારે થાકવાપણું મનમાં ધારતાં નથી અને ત્યાં શોભિતા ને સારી પેઠે ધોળા હંસ રહેલા છે, તે સુંદર લાડ લડાવેલા ને ઉત્તમ વંશના છે. (૩૧)
શ્લોક
મયુરની ઉરની રુચિ આમ છે, ઘન તજે ન તજે ઘનશ્યામ છે;
ટકિ રહે કિર8 હેતુ ઘણું ધરી, નિરખવા રખવાળ ગણી હરી. ૩૨
અર્થ: મોરના મનની ઇચ્છા એમ છે કે મેઘ અમને ત્યાગ કરે પણ ઘનશ્યામ જે શ્રીજીમહારાજ છે તે અમારો ત્યાગ કરે નહિ અને પોપટ શ્રીહરિને પોતાના રક્ષણ કરનાર ગણીને ઘણું હેત ધરીને જોવા સારુ ટકી રહે છે. (૩૨)
શ્લોક
બતક તે તક તે સ્થળમાં ફરે, સરસ સારસ સારસિયો ચરે;
સમળિયો મળિયો સુખ થાય જ્યાં, ચકલિયો કળિયો નહિ જાય ત્યાં. ૩૩
અર્થ: તે વખતે તે સ્થળમાં બતક નામનાં પક્ષીઓ ફરે છે અને સારાં સારસડા ને સારસડીઓ ચારો કરે છે અને જ્યાં સુખ થાય ત્યાં સમળીઓ ભેળી થઈ છે અને ત્યાં ચકલીઓ તો કળી શકાય નહિ એટલી છે. (૩૩)
શ્લોક
વિચરતી ચરતી હરખે ભરી, ભજતિયો જતિયો સમ શ્રીહરી;
અબળિયા બળિયા પણ પક્ષિયો, સુખ થકી ખથકી ધરિ અક્ષિયો. ૩૪
અર્થ: અને તે ચકલીઓ હરખ સહિત ફરતી ને ચારો કરતી હતી, અને યોગીઓની બરોબર શ્રીહરિને ભજતી હતી, કેટલાક નિર્બળ ને બળિયા પણ પક્ષીઓએ સુખથી આકાશથી ભગવાનમાં દૃષ્ટિઓ ધરી. (૩૪)
શ્લોક
મુનિજનો નિજ નોખિ જ રીતથી, ભજનમાં જનમાં રહિ પ્રીતથી;
મન ધરે ન ધરે બિજિ વાતમાં, વિરતિ છે રતિ છે વૃષજાતમાં. ૩૫
અર્થ: મુનીઓ પોતાની જુદી જ રીતથી માણસોમાં રહીને ઘણા સ્નેહથી ભજનમાં મન ધરે છે પણ બીજી વાતમાં ધારતા નથી, કારણ કે તેઓને વૈરાગ્ય છે ને ધર્મદેવના પુત્ર જે શ્રીજીમહારાજ તેમાં પ્રીતિ છે. (૩૫)
ઉપજાતિવૃત્ત
ચારુત્વ9 ચારુતર પ્રાંત કેરૂં, કૃપાનિધાને નિરખ્યું ઘણેરું;
આનંદ પામ્યા ઉરમાં અતીશે, નિવાસ ધાર્યો વરતાલ વીષે. ૩૬
અસ્વારિ સુદ્ધાં10 હરિ અક્ષરેશ, આવે વહ્યા મારગમાં મહેશ;11
જનો તણી ભીડ ઘણી ભરાય, સ્વારી સમીપે ન જને જવાય ૩૭
ગામો તહાંથી દશ ગાઉ માંહી, ત્યાંના જનો દર્શન કાજ ચાહી;
આવ્યા મળીને બહુ વૃંદવૃંદે, વિશ્વેશને ત્યાં કર જોડિ વંદે. ૩૮
સુશોભિતો શાવજિ કૂપ જ્યાંય, આવી પહોંચ્યા પરમેશ ત્યાંય;
ત્યાં સારિ શોભા વડની વખાણી, ત્યારે કવીએ કહિ કાંઇ વાણી. ૩૯
શાર્દૂલવિક્રીડિત
રે મોટાં વડ વૃક્ષ તેં વન વિષે વર્ષોથિ વાસો કર્યો,
વર્ષા ટાઢ ઉતા૫ માંહિ તપ તેં અંગે ઘણો આદર્યો;
જોગી જેમ જટા વધારિ તનમાં એકત્રે ઠામે ઠરી,
તે તારા તપનું તને ફળ મળ્યું જે આંહિ આવ્યા હરી. ૪૦
રે વાગોળ તમે પવિત્ર થળમાં આ પ્રાંત માંહી રહી,
ઉંધે મસ્તક કીધિ તીવ્ર તપસા ખામી જ રાખી નહીં;
એવા જન્મ અનેકનું ફળ હવે આવી મળ્યું આ સમે,
નિર્ખો નેહ ધરી મહાપ્રભુ તણી મૂર્તિ ત્વરાથી તમે. ૪૧
ઉપજાતિવૃત્ત
એવે સમે હે નૃપ એહ ઠાર, આવી મળેલા જન તો અપાર;
અનેક વૃક્ષો તણિ ડાળ ડાળે, ચડી જનો શ્રીહરિને નિહાળે. ૪૨
જનો તહાં સૌ જયકાર કે’ છે, તે જાણિયે તે તરુઓ વદે છે;
પ્રભૂ વિષે પ્રેમ ધરી અપાર, અહો શું આપે તરુ આવકાર. ૪૩
વૃક્ષે ચડેલા બહુ લોક જોઈ, વિતર્ક કીધો કવિ એક કોઈ;
આ પ્રાંતમાં અદ્ભૂતતા જણાય, શું વૃક્ષથી માણસ સૃષ્ટિ થાય? ૪૪
પાળા કરે બંદૂકના બહાર, વાજિંત્ર વાજે વળિ ત્યાં અપાર;
કોઈ કરે વાત નહીં સુણાય, છુટા પડે તેથિ નહીં મળાય. ૪૫
ત્યાં વિપ્ર આવ્યા વનમાળિ નામ, નિવાસ જેનો શુભ પીજ ગામ;
છે કચ્છ વાળ્યો દૃઢ ભેટ બાંધી, દૂરેથિ દૃષ્ટિ હરિ સામિ સાંધી. ૪૬
બોકાનિ વાળી બહુ રૂડિ રીતે, બે પુત્ર લીધા નિજસાથ પ્રીતે;
છે જ્યેષ્ઠ તેમાં હરિભાઈ જેહ, ચાલે પિતા આંગળિ ઝાલિ તેહ. ૪૭
બિજા તણું તો શિવલાલ નામ, તેડ્યો ખભે તે સુત તેહ ઠામ;
શું બ્રહ્મવિદ્યાનિ ભલી નિશાળે, લાવ્યા ભણાવા સુત એહ કાળે. ૪૮
પછી તહાં તે વનમાળિદાસે, મહાપ્રભૂ પાસ જવાનિ આશે;
પ્રણામ કીધો પદ પ્રેમ ધારી, જે સ્વામિનારાયણ તે ઉચારી. ૪૯
તે શબ્દ તો કોઈ સુણે ન કાને, તથાપિ જાણ્યું કરુણાનિધાને;
એવા મહારાજ સમર્થ એ છે, સર્વજ્ઞ સર્વાંતરજામિ જે છે. ૫૦
કૃપાળુ નાથે કરુણાનિ દૃષ્ટિ, કરી તહાં જેમ સુધાનિ12 વૃષ્ટિ;
તે ભીડમાંથી પણ આસપાસ, બોલાવિ લીધા વનમાળિદાસ. ૫૧
કહે હરી અંતર હેત આણી, સુણો તમે વિપ્ર વિવેક વાણી;
બે બાળકોને રથમાં ધરીને, ચાલો તમે સાથ સુખે કરીને. ૫૨
વાણી સુણીને વનમાળિદાસે, બેસારિયા બે સુત સંત પાસે;
તે વાતનો મર્મ ઉરે ઉતાર્યો, મહાપ્રભૂનો મહિમા વિચાર્યો. ૫૨
અસ્વારિ ત્યાંથી પણ ચાલિ જેમ, ઘણાં જ આવે જનજૂથ તેમ;
સૌ હાથ જોડી શિરને નમાવે, જે સ્વામિનારાયણ એમ ગાવે. ૫૪
હાથી હરીનો પણ એહ ઠાર, કરે નિચું મસ્તક વાર વાર;
શું લોક વંદે મન તે ધરે છે, સામાં નમસ્કાર કરી13 કરે છે. ૫૫
કરીંદ્ર તે કાન બહૂ હલાવે, જોતાં ઉરે એમ વિચાર આવે;
પ્રભૂ વિના શબ્દ પડે ન કાને, માટે હલાવે શ્રવણો14 નિદાને. ૫૬
હયો કરે છે બહુ હંહણાટ, ગાજી રહી તે થકિ આખિ વાટ;
જાણે સુવૃત્તાલય ધામ આવ્યું, ઉત્સાહનું જોર હવે જણાવ્યું. ૫૭
સમીપ વૃત્તાલયનું ઠરે છે, ઉત્સાહ ત્યાં ઉત્સવિયા ધરે છે;
ઉંચે સ્વરે ગાય અને બજાવે, પ્રમત્ત થૈ ધૂન્ય ઘણી મચાવે. ૫૮
દીઠું ન વૃત્તાલય કોઇ ટાણે, એ તો વળી અદ્ભુત હર્ષ આણે;
સર્વોપરી તીર્થ ગણાય જેહ, જોશું જઈ આજ જરૂર તેહ. ૫૯
વૃત્તાલય સ્થાન અનેક વારે, ભાળેલું છે ભક્તિ તણે દુલારે;
તથાપિ જોવા ચિત્તમાં ચણાય, તેથી વહાલું વધતું જણાય. ૬૦
પ્રભૂ તણું આગમ આંહિ જાણી, શ્રીરિદ્ધિ સિદ્ધી સરવે ભરાણી;
જોતાં જ એવો ભભકો જણાય, શું આવિયું અક્ષર ભૂમિમાંય. ૬૧
છે કલ્પવૃક્ષો હરિધામ જેવાં, વૃક્ષો દિસે આંહિ સમસ્ત એવાં;
મુક્તો દિસે મંડળ સંત કેરાં, પ્રેમે ભજે છે પ્રભુને ઘણેરાં. ૬૨
શાર્દૂલવિક્રીડિત (રત્નાવલી અલંકાર)
ભાળ્યો શ્રી પુરુષોત્તમે સુભભકો વૃત્તાલય સ્થાનનો,
જ્યાં જૂનો ગઢ કોઇએ ભુજ ભણી ભાસે ન પાષાણનો;15
દીસે કલ્પતરૂ જ દુર્ગપુરનો શોભે ઘણો તે સહી,
ત્યાંના લોક અલભ્ય લાભ જ બધો લે રાત્યદાડો રહી. ૬૩
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીલક્ષ્મીનારાયણપ્રતિષ્ઠાર્થે-શ્રીહરિવૃત્તાલયઆગમનનામ દ્વાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૨॥