કળશ ૮

વિશ્રામ ૨૩

ઉપજાતિવૃત્ત

વર્ણિ કહે સાંભળ હે નરેશ, વૃત્તાલ આવ્યા પ્રભુ અક્ષરેશ;

શોભા દિસે તે સમયે અપાર, વખાણિને શું કહું વાર વાર. ૧

આકાશ માર્ગે સુરની સવારી, ઇન્દ્રાદિની તે પણ હર્ષકારી;

તે ઇન્દ્રને ને હરિનેય જોઈ, સાથે કરે વર્ણન સંત કોઈ. ૨

શ્લેષાલંકાર (શ્રીજીમહારાજ તથા ઇન્દ્ર વિષે)

કરીન્દ્ર આરૂઢ કુલીશધારી, દેવો તણા ઈશ્વર દાનવારી;

પ્રાચીનિવાસી બહુ યજ્ઞકારી, આવ્યા હરી શ્રેષ્ઠ સજી સવારી. ૩

ટીકા: શ્રીજીને તથા ઇન્દ્રને હાથીની સ્વારી છે, શ્રીજીને ચરણમાં-વજ્રનું ચિહ્ન છે અને ઇંદ્રને હાથમાં વજ્ર છે, ઇન્દ્ર સ્વર્ગના દેવનો ઈશ્વર છે અને શ્રીજી બ્રહ્માદિક સર્વ દેવના ઈશ્વર છે, ઇન્દ્ર વૃત્રાસુર આદિક અસુરનો શત્રુ છે અને શ્રીજી પિબૈકાદિક અસુરના શત્રુ છે, ઇન્દ્રપુરી પૂર્વ દિશામાં છે અને શ્રીજી પૂર્વ દિશામાં જન્મ ધરીને આ દેશમાં આવ્યા છે, સો યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર થાય છે અને શ્રીજીએ પણ ઘણા યજ્ઞ કર્યા છે, શ્રીજીનું નામ હરિ અને ઈન્દ્રનું નામ પણ શાસ્ત્રમાં હરિ એવું છે.

ઉપજાતિવૃત્ત

બિજા સુસંતે શિવસ્વારિ ભાળી, તથા સવારી હરિની નિહાળી;

તે બેયનું વર્ણન ત્યાં બનાવ્યું, તે ભૂપતી હું તમને સુણાવું. ૪

શ્રીજીમહારાજ તથા શિવજી વિષે

છે ચાપ ને અધર્મશશાંક અંગે, વિભૂતિ1 શોભે વૃષ દિવ્ય સંગે;

શક્તી ધરી શંકર ભૂસ્વામી, આવ્યા જુઓ આ નિલકંઠનામી. ૫

ટીકા: શિવના હાથમાં ધનુષ્ય છે અને શ્રીજીના ચરણમાં ધનુષનું ચિહ્ન છે, તેમ જ અર્ધચંદ્ર પણ બેયની પાસે છે, શિવજીને વિભૂતિ એટલે ભસ્મ છે અને શ્રીજીને ઘણો વૈભવ છે, શિવજીને વૃષ કહેતાં શોભીતો બળદ છે અને શ્રીજી સાથે દિવ્ય રૂપે વૃષ કહેતાં ધરમદેવ છે. શિવજીએ પાર્વતીજી ધારણ કર્યા છે અને શ્રીજીએ અનેક સામર્થ્ય ધારણ કર્યું છે, શંકર કહેતાં સુખના કરનારા બેય છે, શિવ ભૂત-પ્રેતના સ્વામી છે અને શ્રીજી ભૂતપ્રાણિમાત્રના સ્વામી છે અને નીલકંઠ તે બેઉનું નામ છે તે આવ્યા.

ઉપજાતિવૃત્ત

તખા પગીયે પણ તેહ વાર, દીઠા હરી ને અજ એહ ઠાર;

તે બેયનાં વર્ણન કેરિ વાત, સાથે કહી તે સુણ ભૂપ ભ્રાત. ૬

શ્રીજીમહારાજ તથા બ્રહ્મા વિષે

છે બ્રહ્મધામી શુચિ હંસ પાસ, છે વેદવાણી વદને નિવાસ;

જગદ્વિધાતા ચતુરાસ્ય જેહ, બાપો પધાર્યા વરતાલ તેહ. ૭

ટીકા: બ્રહ્માનું ધામ સત્યલોક અને શ્રીજીનું બ્રહ્મધામ અક્ષરધામ છે, બ્રહ્મા પાસે પવિત્ર હંસ અને શ્રીજી પાસે પરમહંસ છે, તે બેયના મુખમાં વેદવાણી છે, બ્રહ્મા જગતના બનાવનાર છે અને શ્રીજીયે અનેક જગત ધારણ કર્યાં છે. બ્રહ્માને ચાર મુખ છે અને શ્રીજી ચતુરમાં મુખ્ય છે અને બાપો એટલે પિતામહ તે બ્રહ્માનું નામ છે અને શ્રીજીને પગી લોકો બાપો કહેતા હતા તે પધાર્યા.

ઉપજાતિવૃત્ત

કર્યો પ્રભૂયે પુરમાં પ્રવેશ, વસ્તી તણા લોક મળ્યા વિશેષ;

મળી મળી માનનિ જૂથ આવે, સુવર્ણ પુષ્પે પ્રભુને વધાવે. ૮

મંદિરનું પૂર્વ દિશાનું દ્વાર, ત્યાં આવિયા શ્રીવૃષના કુમાર;

હાથી થકી ઊતરિ આપ હેઠા, તે દ્વારમાં સંઘ સહીત પેઠા. ૯

શ્રીજી સભામંડપ મધ્ય જૈને, પાટે બિરાજ્યા પછિ સ્વસ્થ થૈને;

જનો ઉચારે જયકાર વાણી, ઉંચે સ્વરે અંગ ઉમંગ આણી. ૧૦

પ્રેમે કરે સૌ હરિને પ્રણામ, આશીષ આપે પ્રભુ પૂર્ણકામ;

ભારે સભા તે સ્થળમાં ભરાઈ, બેઠા મુનિ ને હરિભક્ત ભાઈ. ૧૧

જેવી સભા અક્ષરધામ કેરી, એવી જ શોભે શુભ તે ઘણેરી;

વૃતાલના સૌ સતસંગિ આવ્યા, પુછ્યા સમાચાર સુણ્યા સુણાવ્યા. ૧૨

બેઠા હતા પાસ કુબેરદાસ, બેઠેલ નારાયણ ગીરિ પાસ;

મુખેથિ બોલ્યા કરુણાથિ માવો, સૌને ઉતારા જઈને અપાવો. ૧૩

જેને જથાજોગ જણાય જેમ, તમે કરાવો બરદાસ તેમ;

હતા પગી જોબનભાઈ નામે, તેને કહ્યું તેમ જ મેઘશ્યામે. ૧૪

સુણી સિધાવ્યા સહુ તે ગૃહસ્થો, જ્યાં સંઘના લોક હતા સમસ્તો;

આપ્યા ઉતારા સહુને વિચારી, જેને ઘટે જેમ જ તેમ ધારી. ૧૫

સાધુ તણી છે શુભ ધર્મશાળા, ત્યાં ઊતર્યા સંત સુબોધવાળા;

તેમાં સમાયા નહિ સંત જેહ, આ જ્ઞાનબાગે ઉતર્યા જ તેહ. ૧૬

સુ આમલા કેરિ વિશાળ છાયા, તે માંહિ સંતો સઘળા સમાયા;

ઝાડોનિ ડાળે લટકાવિ ઝોળી, પથારિ કીધી શુભ ભૂમિ ખોળી. ૧૭

ત્યાં તુંબીપાત્રો લટકે અનેક, જોઈ કહે છે કવિ કોઇ એક;

શું એહ સાચાં ભવતારનારાં, આવ્યાં દિસ અદ્‌ભુત નાવ સારાં. ૧૮

વસ્ત્રો ભલાં જે ભગવાં કરેલાં, બાંધેલિ દોરી પર સૂકવેલાં;

તે જેમ આકાશ જણાય રાતો, જે પૃથ્વિ સાથે મળતો સુહાતો. ૧૯

જે સંઘ માંહી સરદાર2 સારા, તેણે કર્યા તંબુ વિષે ઉતારા;

તે સીમમાં ને વળી ગામ માંઈ, રહી ન જગ્યા લવ3 ખાલિ ક્યાંઈ. ૨૦

ચારે દિશાએ જનસંઘ કેરા, થયા ઉતારા તહિં તો ઘણેરા;

દેખાય વૃત્તાલય ગામ કેવું, સમુદ્ર મધ્યે લઘુ બેટ જેવું. ૨૧

થયા ઉતારા તહિં ઘેર ઘેર, સેવા કરે સૌ જન સારિ પેર;

તે અંતરે એમ વિચાર લાવે, સુભાગ્યથી ઘેર સુભક્ત આવે. ૨૨

સત્સંગિ ને જ્યાં સતસંગિ દેખે, સગાથિ સંબંધ વિશેષ લેખે;

સંબંધ તે શું પરલોક કેરો, દૃષ્ટિ મળ્યાથી પ્રગટે ઘણેરો. ૨૩

ધાર્યું ભલું ધારુતળાવ નીર, બ્રહ્માદિ દેવે જઇ તે તીર;

કર્યો ઉતારો ચિતમાં વિચારી, નિત્યે પ્રભૂ દર્શન આશ ધારી. ૨૪

શ્રીઅક્ષરાનંદ મુનીંદ્ર સાથ, ચાલ્યા સભામાંથિ સમર્થ નાથ;

દયાળુ દેવાલયમાં સિધાવ્યા, જોવાનિ ઇચ્છા ઉર માંહિ લાવ્યા. ૨૫

નવાં નવે છે શિખરો રુપાળાં, હિમાદ્રિનાં શ્રૃંગ સમાન ભાળ્યાં;

સ્વરૂપ તેમાં જનના સમાન, શું સિદ્ધ બેઠી ધરિ કૃષ્ણ ધ્યાન. ૨૬

પાષાણ સર્વે અતિ ઊજળા છે, ભાસે મણી સ્ફાટિક તે ભલા છે;

ક્યાંઈ લગાવ્યો શુભ રંગ રાતો, તે તો મણી વિદ્રુમ છે જણાતો. ૨૭

સોપાન4 સારાં કૃત એ વિધી છે, શું ચૌદ લોકો ચડવા સિઢી છે;

તે મંદિરે છે દૃઢ થંભ કેવા, સત્સંગના સદ્‌ગુરુ થંભ જેવા. ૨૮

શોભે તહાં દ્વાર ત્રણે અતીશે, તે મોક્ષનાં દ્વાર સમાન દીસે;

તે આગળે ઉત્તમ રૂપચોકી, રાખે જ જોતાં મનવૃત્તિ રોકી. ૨૯

બે થંભનું મધ્ય કમાનદાર, શોભા ઠરેલી બહુ તેહ ઠાર;

કરી ઘણી ઉત્તમ કોરણી5 છે, જોતાં જનોની ચિતચોરણી છે. ૩૦

તે દ્વારથી મંડપમાં જવાય, રુડી ઘણી ત્યાં રચના જણાય;

છે પાથર્યા આરસપાણ કેવા, રુપા તણી પાટ રુપાળિ જેવા. ૩૧

તે માંહિ પટ્ટા પચરંગિ શોભે, જોનારની ત્યાં મનવૃત્તિ લોભે;

મધ્યે દિસે કૂર્મ6 ભલો કરેલો, શું કૂર્મ મંદ્રાચળ જે ધરેલો. ૩૨

તે કૂર્મની પીઠ થકી ફુવારો, ઉંચો ઉડે ઉત્તમ એહ સારો;

શું સિંધુનું નીર પીધું અપાર, તે પીઠમાંથી ઉછળે બહાર. ૩૩

ઉંચે વળી ઘૂમટમાં નિહાળ્યાં, ત્યાં રાસલીલા બહુરૂપ ભાળ્યાં;

વાજિંત્ર વીણાદિ મૃદંગ તાળ, ગાવે બજાવે વ્રજવાસિ બાળ. ૩૪

ચિત્રો તહાં છે ચિતર્યાં ચિતારે, તેની છબી તો વળિ તેથિ ભારે;

શ્રીજી તણી છે અસવારિ સારી, ક્યાંઈ સભા શ્રીજિ તણી સુધારી. ૩૫

ક્યાંઈ ગવૈયા ગુણગાન ગાય, સત્સંગિને ક્યાંઈ સમાધિ થાય;

ક્યાંઈ ધરે છે મુનિરાજ ધ્યાન, ક્યાંઈ કરે છે ઉપદેશ જ્ઞાન. ૩૬

જે સદ્‌ગુરૂનાં હરિના સખાનાં, છે રૂપ ચિત્રેલ તહાં ઘણાનાં;

પ્રત્યક્ષ સાથે સરખાં જણાય, જોનારને સંભ્રમ ભાળિ થાય. ૩૭

જાળી નિહાળી ભલિ ધાતુ કેરી, તે દેવ આગાર7 અગાડિ હેરી;

જળેશનો8 પાશ જણાય જેવો, આકાર ભાસે પરિપૂર્ણ એવો. ૩૮

અગાર જોયાં તહિં દેવ કેરાં, સિંહાસનો શોભિત છે ઘણેરાં;

સર્વે પ્રકારે શુભ ધામ જાણી, શિલ્પી જનોને કહિ ધન્ય વાણી. ૩૯

રથોદ્ધતા

એ સમે સુમુનિ નિષ્કુળે તહાં, આવિને સુવચનો ઘણાં કહ્યાં;

જજ્ઞમંડપ જુઓ કૃપાનિધી, કેવિ તેનિ રચના દિસે કિધી. ૪૦

વાક્ય એમ વિનતી તણાં સુણી, કૃષ્ણદેવ કરુણા કરી ઘણી;

જજ્ઞમંડપ વિષે ગયા તહીં, સંગ નિષ્કુળ મુની હતા સહી. ૪૧

જોઇ રૂડિ રચના કરેલિ તે, શિલ્પકાર મતિ વાવરેલિ તે;

યજ્ઞમંડપ બિજા દિઠા ઘણા, એહ મંડપ વિષે નહીં મણા. ૪૨

તેહ શીશ શુભ હેમકુંભ છે, થંભ થંભ પ્રતિ કેળથંભ છે;

ભીંત રીત શુભ વસ્ત્ર છે ધર્યાં, દ્વાર ચાર પર તોરણો કર્યાં. ૪૩

પુષ્પપત્રમય માંડવો કર્યો, જાણિયે શું શિર ખૂંપ9 છે ધર્યો,

કે પછેડિ ધરિ પુષ્પપત્રની, તુલ્યતા ન સુરધામ તત્રની. ૪૪

પંચરંગિ શિર છે ધજા ધરી, લાંબિ તેહ દશ હસ્તની કરી;

છોટિ જે ધ્વજપતાક ત્યાં દિસે, ભિન્ન રંગ દશ તે દિશા વિષે. ૪૫

પૂર્વદ્વાર પર પીત રંગની, જોડ છે ધ્વજપતાક સંગની;

પીત રંગ તણિ કેવિ વીજળી, તેવિ તેનિ છબિ તેહને મળી. ૪૬

અગ્નિકોણ પર રંગ રાતડી, ચારુ છે ધ્વજપતાક તો ચડી;

જેવિ ઝાળ શુભ અગ્નિની દિસે, તેવિ કાંતિ રહિ સર્વ તે વિષે. ૪૭

દક્ષિણે વળિ નિહાનિ નૈરુતે, શ્યામ રંગ તણિ જોડ તે રિતે;

છે મહીષ10 યમરાજ વાહન, તેહ વર્ણ સમ તે જુવે જન. ૪૮

પશ્ચિમે વરુણનું નિકેત11 છે, ત્યાં ધરી ધ્વજપતાક શ્વેત છે;

વાયુકોણ પર ધૂમ્ર તુલ્યની, છે ધરેલિ પણ તે અમૂલ્યની. ૪૯

ઉત્તર પુરિ કુબેરની ઠરી, પીત ત્યાં ધ્વજપતાક છે ધરી;

ઈશનું સદન છે ઇશાનમાં, રક્ત રંગ ધરિ તેહ સ્થાનમાં. ૫૦

પૂર્વ ઈશ વચ માંહિ જે દિશા, બ્રહ્મદેવ કરિ ધામ ત્યાં વસ્યા;

રક્ત ત્યાં ધ્વજપતાક છે ધરી, હેરિ હેરિ હરખ્યા સ્વયં હરી. ૫૧

પશ્ચિમેથિ નિરુતે જતાં જહાં, મધ્યભાગ તણિ જે દિશા તહાં;

ત્યાં અનંત તણું ધામ છે સહી, મેઘવર્ણ ધ્વજ જોડ ત્યાં રહી. ૫૨

ઉપજાતિવૃત્ત

જોયા કરેલા શુભ કુંડ જેહ, જોયાં કરેલાં વળિ પીઠ તેહ;

હતા કૃપાશંકર ત્યાં ઉભેલા, તથા ભલા બ્રાહ્મણ ભાઈ ઘેલા. ૫૩

તેને પુછ્યું શ્રીપ્રભુએ વિચારી, કહો કિયા શાસ્ત્રમતાનુસારી;

આ કુંડ ને મંડપ છે કરાવ્યો, તે વાક્ય સર્વે ભણિ સંભળાવો. ૫૪

બોલ્યા દ્વિજો પાય નમી હરીને, આહૂતિ કેરી ગણતી કરીને;

એના પ્રમાણે શુભ કુંડ એહ, કરાવિયા શાસ્ત્ર પ્રમાણ તેહ. ૫૫

ત્યાં કુંડ ને મંડપ સિદ્ધિ કેરા, સુણાવિયા શ્લોક ભણી ઘણેરા;

રાજી થયા તે સુણિ અક્ષરેશ, સાબાશિ આપી દ્વિજને વિશેષ. ૫૬

કહે દ્વિજો મંડપની રુપાળી, શોભા તણી જે અતિ હદ્ય વાળી;

તે તો મુની નિષ્કુળનું જ કામ, બિજા થકી તો ન બને જ આમ. ૫૭

બોલ્યા વળી શ્રીમુખ મેઘશ્યામ, જે વેદમૂર્તી હરિભાઈ નામ;

આવ્યા નથી તે ઉમરેઠવાસી, કહો દ્વિજો કારણ તે પ્રકાશી. ૫૮

કહે દ્વિજો છે ઘરકામ કાંઈ, તેથી રહ્યા તે ઉમરેઠ માંઈ;

કહે મુની અક્ષરને કૃપાળ, ત્યાં મોકલો માણસ તર્તકાળ. ૫૯

વિદ્વાન તે વિપ્ર ભલા કહાવે, તે માટે તેને જઈ તેડિ લાવે;

રાજાખ્ય ભાઈ વળિ ભીમભાઈ, તે બેયને મોકલિયા જ ત્યાંઈ. ૬૦

નિત્યાખ્ય નામે મુનિએ જ આવી, તહાં પ્રભૂને વિનતી સુણાવી;

જે મૂર્તિયો છે પધરાવવાની, જુઓ પ્રભૂ દૃષ્ટિ કરી કૃપાની. ૬૧

પછી પધાર્યા પ્રભુ તેહ સંગે, જોવા બધી મૂરતિયો ઉમંગે;

ઈશાન કોણે શુભ બૂર્જ12 જ્યાંય, જોઈ જઈને હરિ મૂર્તિ ત્યાંય. ૬૨

જ્યાં વસ્ત્ર આછાદિત દૂર કીધું, સ્વરૂપ નારાયણ જોઈ લીધું;

આયૂધ હાથે અવળાં હતાં જે, જોતાં જણાયાં સવળાં થયાં તે. ૬૩

નીચે તણા દક્ષિણ હાથમાંય, ગદા થઈ ચક્ર હતું જ ત્યાંય;

ડાબે કરે જેહ ગદા જણાતી, ત્યાં ચક્ર દીઠું ભલું એ જ ભાતી. ૬૪

નિત્યાખ્ય નામે મુનિરાજ સાથ, બોલ્યા કૃપા લાવિ કૃપાળુ નાથ;

તમે કહ્યું આયુધ ઊલટાં છે, આ તો જુઓ આયુધ સૂલટાં છે. ૬૫

સુણી કર્યો ત્યાં મુનિએ ઉચાર, ઐશ્વર્ય છે આપ તણું અપાર;

તેથી થયાં છે સવળાં જ એહ, જોયાં હતાં તો અવળાં જ જેહ. ૬૬

સુણી હસ્યા શ્રીહરિ મંદ મંદ, અતર્ક્ય લીલાકર ધર્મનંદ;

હેતે મુનીને શિર હાથ ધાર્યો, આનંદ એના ઉરમાં વધાર્યો. ૬૭

ત્યારે મુનીએ હરિ કેરિ ત્યાંય, સ્તુતી કરી એક જ છંદમાંય;

તે અક્ષરો ચક્ર વિષે જણાયા, અહો હરીની અકળીત માયા. ૬૮

ચક્રપ્રબંધ દોહરો (અશ્વગતિ તથા ગોમૂત્રિકા વગેરે ચિત્રોમાં પુરાય છે)

Image

વાર વાર ઉર પ્યાર ધર, શિર પર કર ધરનાર;

તારનાર નરનાર ભર, સુર ડર હર મુર માર. ૬૯

ઉપજાતિવૃત્ત

સ્તુતી સુણી શ્યામ થયા પ્રસન્ન, કહ્યું મુનીને મુનિરાજ ધન્ય;

કહે મુની મૂર્તિ બિજી નિહાળો, દેખાવ કેવો દરસે રૂપાળો. ૭૦

તે મૂર્તિયો ત્યાં સઘળી નિહાળી, કહ્યું કપાળે બહુ છે રુપાળી;

પછી ગયા ત્યાંથિ પ્રભૂ ઉતારે, જેને હરીમંડપ સૌ ઉચારે. ૭૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર વરતાલમાં પધારી, નિજ મુરતી નજરે નિહાળિ સારી;

જનમનહર સૌમ્ય મૂર્તિ જેહ, મુજ મન માંહિ વસો સદૈવ તેહ. ૭૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણમંદિર-યજ્ઞમંડપપ્રતિમાદિનિરીક્ષણનામ ત્રયોવિંશતિતમો વિશ્રામઃ ॥૨૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે