કળશ ૮

વિશ્રામ ૨૪

ઉપજાતિવૃત્ત

સમો થયો ભોજનનો જ જ્યારે, કૃષ્ણે કર્યું સ્નાન ફરીથિ ત્યારે;

જમ્યા મહારાજ સગાનિ સાથ, આરોગિયા ત્યાં મુખવાસ નાથ. ૧

આરામ કીધો પછિ ઈશ્વરેશે, જાગ્યાથિ પીધું જળ અક્ષરેશે;

પછી ત્રિજો પોર થયો જ જ્યારે, સભા સજી સુંદરશ્યામ ત્યારે. ૨

સંતો તથા સૌ સતસંગિ જેહ, બેઠા પ્રભુને નમિ સર્વ તેહ;

પૂજા કરે કોઇ કૃપાળુ કેરી, ભાવે કરી ભેટ ધરે ઘણેરી. ૩

ચોપાઈ

એક શલુક પગી જેનું નામ, મહુડીયુંપરું તેનું ગામ;

તેણે પોતાના ખેતરમાંય, વેલો કાકડિનો વાવ્યો ત્યાંય. ૪

જ્યારે લાગ્યું તેને ફળ સારું, ભેટ ધરવા પ્રભુને તે ધાર્યું;

થઈ તૈયાર કાકડિ જ્યારે, ચાલ્યો વરતાલે તે લઇ ત્યારે. ૫

વાટમાં થાય એવા વિચાર, કરું આનો તો હું જ આહાર;

વળિ જીવમાં એમ વિચારે, ભેટ કરવિ હરીને જ મારે. ૬

એમ કરતાં પ્રભુ પાસે આવી, કાકડિ ભલિ ભેટ ધરાવી;

જાણિ અંતરજામિએ વાત, બોલ્યા શ્રીમુખથી સાક્ષાત. ૭

સુણો સર્વે તમે સભાજન, લડ્યાં છે આનાં જીવ ને મન;

જુદ્ધ કરતાં એનો જીવ ફાવ્યો, મનને જિતિ કાકડિ લાવ્યો. ૮

પ્રભુએ પગિને પુછ્યું એમ, કહો વાટ વિષે થયું કેમ;

પગિ બોલ્યો પછી શરમાઈ, મેં તો જાણું જે હું જાઉં ખાઈ. ૯

મેઠિ1 કાકડિ છે ભલિ પાચી,2 માટે બાપાને આપવિ હાચી;

એવો વિચાર કરતાં હું આવ્યો, તમ કાજે આ કાકડિ લાવ્યો. ૧૦

સુણિ શ્રીહરિએ હેત લાવી, માટલી બરફીનિ મગાવી;

પગિને પ્રસાદી કરી આપી, વાત વિખ્યાત રહી છે અદ્યાપી. ૧૧

કહે વરણી સુણો નરનાથ, એણે જુદ્ધ કર્યું મનસાથ;

તે તો વાત નથી કાંઈ સેહેલ, મન જીતવું અતિ મુશકેલ. ૧૨

ઉપજાતિવૃત્ત (મન જીતવા વિષે)

સંગ્રામમાં શૂર જનો સિધાવે, તે હામ રાખી રિપુને હઠાવે;

તે કામ તો ભાઈ કરી શકાય, નહીં મનુષ્યે મનને જિતાય. ૧૩

જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જ એવું;

તેને જિતે તે નહિ વાત નાની, હારી રહે જ્યાં મુનિ જોગિ જ્ઞાની. ૧૪

જો ધર્મરાજા અતિ બુદ્ધિ જેને, મને રમાડ્યા પણ દ્યૂત તેને;

ધર્મિષ્ઠ બુદ્ધિ પળમાં મટાડી, એવું જ છે આ મન તો અનાડી. ૧૫

ચોરાશિમાં આ મન તો ભમાવે, મુક્તિ પમાડે શુભ પંથ ધાવે;

જેણે અહો આ મન જીતિ લીધું, તો વિશ્વને વશ્ય અવશ્ય કીધું. ૧૬

ધર્માર્થ જો જીવ વિચાર ધારે, પછીથિ પાપી મન જો નિવારે;

તો જીવનો નિશ્ચય જાય નાશી, જ્ઞાની જનો વાત જુઓ તપાશી. ૧૭

ધર્માર્થ જો જીવ કશું લખાવે, લખ્યા પછી જો મન ફેરવાવે;

તો તે લખેલું પણ ભૂંશિ નાંખે, ને દાખલા અન્ય તણા જ દાખે. ૧૮

માતાપિતાએ કદિ ધર્મકામ, આપ્યું લખી ખેતર ગામ ધામ;

પોતે કરેલી સહિ હોય જોય, તોડી જ નાંખે મન તેનું તોય. ૧૯

પગી શલુકે મન જીતિ લીધું, વાર્યું ન માન્યું નિજધાર્યું કીધું;

થયા પ્રભૂ તેથિ પુરા પ્રસન્ન, માટે જ લેવું નિજ જીતિ મન. ૨૦

વર્ણી કહે છે સુણ સુજ્ઞ રાય, કહું હવે ચાલતિ તે કથાય;

સભા વિષે શ્યામ વિરાજમાન, શોભે સુનક્ષત્ર શશી સમાન. ૨૧

સંતો ગવૈયા ગુણગાન ગાવે, વાજિંત્ર નાનાવિધનાં બજાવે;

સંધ્યાનિ વેળા વળિ જ્યાં જણાઈ, ઉભા થઈ આરતિ ધુન્ય ગાઈ. ૨૨

પછી કરી જ્ઞાન વિરાગ વાત, મહાપ્રભૂયે અતિશે અઘાત;

મૂર્તિ વિષે તેજ ઘણું જણાય, જોતાં જનોને સુસમાધિ થાય. ૨૩

કોઈ જનોના મનના વિચાર, મર્મે કહ્યા શ્રીમુખ તેહ ઠાર;

પૂરો જણાવ્યો પ્રભુયે પ્રતાપ, આશ્ચર્ય પામ્યા જન સૌ અમાપ. ૨૪

વીતી ગઈ જામિનિ3 પોર જ્યારે, ત્યારે પધાર્યા પ્રભુજી ઉતારે;

સાથે હતું પાર્ષદ કે વૃંદ, જતાં મુખે મંદ હસે મુકુંદ. ૨૫

બેઠા પ્રભૂ આસનમાં જઈને, રાજી ઘણા આપ રુદે થઈને;

તેડાવિયા સદ્‌ગુરુઓ મહાંત, બોલ્યા પછી વેણ કૃપાળુ કાંત.4 ૨૬

પ્રભાતથી હોમવિધાન થાશે, તેમાં અમારું મન તો ઠરાશે;

માટે તમે સંઘ સમસ્ત કેરી, સંભાળ લેજો મુનિયો ઘણેરી. ૨૭

કરાવજો ભોજન બ્રાહ્મણાર્થે, પાક ક્રિયા તેમ મુનીજનાર્થે;

આજ્ઞા ચડાવી સુણિ એહ માથે, પછી ગયા સદ્‌ગુરુ સર્વ સાથે. ૨૮

પોઢ્યા પછી શ્રીપ્રભુજી પલંગે, સેવા સજે વર્ણિ મુકુંદ અંગે;

રાત્રી રહી ત્યાં ઘડિ ચાર જ્યારે, આવ્યા ગવૈયા મળિ સંત ત્યારે. ૨૯

પૂર્વછાયો

આવ્યા ગવૈયા એ સમે, નરપતિ સુણો તેહ નામ;

પ્રેમાનંદમુનિ એક તો, બીજા દેવાનંદ ગુણધામ. ૩૦

રાવળ નાગાજણ ભલો, જેહ જાણે રાગની જાત;

તે ત્રણ મળિ આલપિયો, ભલિ ભાતે રાગ પ્રભાત. ૩૧

ચોપાઈ

જાગો જાગો જગતઆધાર, કર્યું એવું સ્તવન ઉચ્ચાર;

સુણી જાગિયા સુંદરશ્યામ, પ્રેમે કીધા સહુયે પ્રણામ. ૩૨

આવ્યા દર્શને હરિજન સંત, આવ્યા બ્રહ્માદિ દેવ અનંત;

દીનબંધુનાં દર્શન કરી, જાય આપને ઉતારે ફરી. ૩૩

સ્નાન સંધ્યા આદિક નિત્યકર્મ, કર્યું કૃષ્ણે ધરી મન મર્મ;

એક વિપ્ર બોલાવાને આવ્યો, પ્રભુ મંડપ પાસ સિધાવો. ૩૪

કર્યો સામાન સર્વે તૈયાર, વિધિ કરવા હવે નથિ વાર;

મળ્યા છે વિપ્ર વેદિયા સહુ, જુવે છે વાટ આપની બહુ. ૩૫

સુણી શ્રીહરિ તત્પર થયા, વેદધર્મ ઉપર દીસે દયા;

ધર્યું શુદ્ધ પીતાંબર અંગે, ઓઢી શાલ સારી રુડે રંગે. ૩૬

સાથે પાર્ષદ છે શસ્ત્રધારી, મુકુંદાનંદ છે બ્રહ્મચારી;

આવ્યા મંડપ પાસે મુરાર, દીસે જ્યાં રુડું પશ્ચિમ દ્વાર. ૩૭

દીઠા વિપ્ર બેઠા તેહ ઠામ, પ્રભુયે કર્યો સૌને પ્રણામ;

નમ્યા નાથને બ્રાહ્મણ સહુ, રુદે રાજી થયા તેહ બહુ. ૩૮

સારું આસન એક ધરેલ, હીરા માણક મોતિ જડેલ;

તેના ઉપર મન હરનારું, શંખલાદનું5 આસન સારું. ૩૯

જરીયાનનાં ભરત ભરેલાં, ફુમતાં રુડાં ફરતાં ધરેલાં;

બેઠા તે પર દેવ મુરારી, સ્વસ્વરૂપ અંતર માંહિ ધારી. ૪૦

જળપાત્ર જવાહિરવાળૂં,6 પંચપાત્ર છે પાસે રુપાળૂં;

આચમન કર્યું શ્રીઘનશ્યામે, પ્રાણાયામ કર્યો તેહ ઠામે. ૪૧

દેવ લક્ષ્મિનારાયણ આદિ, સૌનું કારણ આપે અનાદી;

તેનાં નામ કરીને ઉચ્ચાર, નાથે કીધા તહાં નમસ્કાર. ૪૨

પછી સંકલ્પ કરવાને કાજે, લીધું અંજલિ જળ મહારાજે;

માંહી કુંકુમ અક્ષત ધારી, દેશ કાળ પ્રવર્તી ઉચ્ચારી. ૪૩

તિથિ વાર નક્ષત્ર ને યોગ, કહી કર્ણ તણો તે સંજોગ;

કહ્યો કાર્તિક માસ ઉદાર, શુદિ અષ્ટમિ ને શનિવાર. ૪૪

જે જે રાશિ હતા ગ્રહ જેહ, કર્યું સર્વ ઉચ્ચારણ તેહ;

પછી બોલ્યા વળી મહારાજ, સર્વ જીવના કલ્યાણ કાજ. ૪૫

ગ્રહયજ્ઞ ને દેવપ્રતિષ્ઠા, કરું છું ફળદાયિ અભીષ્ટા;7

એમ કહિ જળ ધરણીયે ધર્યું, પછી ગણપતિ પૂજન કર્યું. ૪૬

ચારે વેદના વિપ્રોયે મળી, સ્વસ્તિવાચન ત્યાં કર્યું વળી;

ભણી વેદનો મંત્ર પ્રત્યેક, કર્યો શ્રીહરિશિર અભિષેક. ૪૭

નાંદીશ્રાદ્ધે પિતૃને રિઝાવ્યા, પછી વરુણીમાં વિપ્ર વરાવ્યા;

કૃપાશંકર જે વિદ્વાન, તેનું વરુણ8 કર્યું બ્રહ્મસ્થાન. ૪૮

ભલા બ્રાહ્મણ જે હરિભાઈ, કીધા આચાર્ય તે યજ્ઞમાંઈ;

નામે છે પુરુષોત્તમ જેહ, વર્યા ગણપતિને સ્થળે તેહ. ૪૯

એ તો સૌ ઉમરેઠ નિવાસી, વિપ્ર પ્રગટ પ્રભુના ઉપાસી;

મુમધા ગામના રહેનાર, કર્યા ઋત્વિજ બ્રાહ્મણ ચાર. ૫૦

એક ઈશ્વર ને ઉદેરામ, વિષ્ણુ દત્ત તો બે જણ નામ;

પછી આઠ કર્યા દ્વારપાળ, તેનાં નામ કહું તતકાળ. ૫૧

ઘેલાભાઈ તથા શુભ રાય, ઋગવેદિ પુરવ દિશમાંય;

યજુર્વેદિ બે દક્ષિણ દ્વારે, કરી વરુણ બેસારિયા ત્યારે. ૫૨

લક્ષ્મીનાથના સંતાન બેય, જેઓ આમોદ માંહિ રહેય;

રામનાથ તથા કાશિનાથ, બેઠા પારાયણે બેય સાથ. ૫૩

સામવેદિ બે પશ્ચિમ દ્વારે, બેસાર્યા દ્વિજ ધર્મદુલારે;

વાસી શ્રીપુર હીમતરામ, નાતે નાગર સદ્‌ગુણધામ. ૫૪

વઢવાણવાસી ડાહ્યાભાઈ, જેની વિદ્યા ભલી વખણાઈ;

ભણે સૂક્ત9 તે સમય પ્રમાણે, જ્યાં જે ભણવું તે તો તેહ જાણે. ૫૫

જ્યારે મંડપ પૂજન થાય, ભલું ભારંડ સામ ભણાય;

કહે ભૂપ અહો બ્રહ્મચારી, ડાહ્યાભાઈ કિયા કહો ધારી. ૫૬

બ્રહ્મચારિ કહે કહું નામ, જેના પુત્ર છે દલપતરામ;

કવિ છે કાળીદાસ સમાન, સરકારે દીધું મોટું માન. ૫૭

અમદાવાદના છે નિવાસી, પોતે પ્રગટ પ્રભુના ઉપાસી;

વદે ભૂપ હે વર્ણિ સુજાણ, ખરા મુજને પડી ઓળખાણ. ૫૮

કહે વર્ણિ ઉત્તર દિશ દ્વારે, બેઠા વિપ્ર અથર્વણિ ત્યારે;

અંબારામ અને આશારામ, બોરસદ માંહિ જેહનું ધામ. ૨૯

કર્યા વરુણ સભાસદ ધારી, તેનાં નામ કહું છું સંભારી;

વટપત્તનમાં જેનું ધામ, શાસ્ત્રી નામ જેનું શોભારામ. ૬૦

બીજા શાસ્ત્રી ભલા દયાનાથ, બેઠા તે પણ તેહની સાથ;

કહે રાજા મને સમજાવો, દયાનાથ કિયા તે સુણાવો. ૬૧

કહે વર્ણિ સુણો નરનાથ, જેના સુત થયા ત્ર્યંબકનાથ;

ન્યાયશાસ્ત્ર જાણે ભલિવીધ, સતસંગમાં પણ તે પ્રસિદ્ધ. ૬૨

જેનું નામ પરમ પ્રખ્યાત, દેશોદેશ જાણે જનજાત;

બદરીનાથ તેના નંદન, તેને પણ ઓળખે સહુ જન. ૬૩

ન્યાયશાસ્ત્ર વ્યાકરણ એ બે છે, જેને જિહ્વાગ્ર તે તો રહે છે;

કહે ભૂપ હું સત્ય કહું છું, બદરીનાથને ઓળખું છું. ૬૪

વળી વર્ણિ બોલ્યા તેહ ઠામ, સભાસદ અન્યનાં કહું નામ;

ભટ આમોદના દીનાનાથ, લક્ષ્મીનાથ ને બે ભોળાનાથ. ૬૫

ગણપતરામ સેવકરામ, જાણો તે બેય શાસ્ત્રીનાં નામ;

રઘુનાથ તે ધર્મજ કેરા, સહુ તે વિદવાન ઘણેરા. ૬૬

શાસ્ત્રી રણછોડ પીજનિવાસી, સર્વે પ્રગટ પ્રભુના ઉપાસી;

દયારામ ડભાણના જોશી, શમ દમ ગુણવાન સંતોષી. ૬૭

કેરિયાવિના ગોવિંદરામ, કહ્યાં દશ તે સભાસદ નામ;

જપ હોમ નિમિત્ત વર્યા જેહ, સંભળાવું હવે કહિ તેહ. ૬૮

અમદાવાદના ભટ ઘેલા, નથુ ભટ પણ સાથે રહેલા;

હરિશંકર ગણપતરામ, હવે વટપુરનાં કહું નામ. ૬૯

રામચંદ્ર તથા નાનાભાઈ, હરિચંદ્ર અને બાપુભાઈ;

લક્ષ્મીરામ તથા જેઠારામ, ધનેશ્વર ને સદાશિવ નામ. ૭૦

વ્રજજીવન વિપ્ર ખુશાલ, જેને વાલા બહુ વૃષલાલ;

કૃષ્ણરામ જે શાસ્ત્રિ ગણાય, રૈક્વજ્ઞાતિ ભલા વખણાય. ૭૧

પ્રભાશંકર કૃષ્ણના દાસ, પિપળાવ્ય વિષે જેનો વાસ;

તુળજારામ માયડીના, હતા તે સર્વ ભક્ત હરીના. ૭૨

પુષ્પિતાગ્રાવૃત્ત

અવનિ ઉપર વેદધર્મ જેહ, પ્રભુ જનમ્યા દૃઢ થાપવા જ તેહ;

સહુ નિજજનને કરી બતાવે, જનમન જેથિ પ્રતીતિ પૂર્ણ આવે. ૭૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણ-પ્રતિષ્ઠાંગેબ્રાહ્મણોનાં વરણાર્ચનાદિનિરૂપણનામ ચતુર્વિંશતિતમો વિશ્રામઃ ॥૨૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે