કળશ ૮

વિશ્રામ ૨૫

પૂર્વછાયો

વર્ણિ કહે નૃ૫ સાંભળો, પુરશ્ચરણ કરણને કામ;

વિપ્ર વરુણમાં જે વર્યા, કહું તેહ તણાં હવે નામ. ૧

નામસહસ્ર શ્રીવિષ્ણુનાં, વિષ્ણુસૂક્ત તથા પવમાન;1

શ્રીમદ્ ભાગવત ને ગીતા, જનમંગલ જનસુખદાન. ૨

પુરશ્ચરણ ઇત્યાદિનાં, કરવા વર્યા દ્વિજ જેહ;

આશ્રિત શ્રી મહારાજના, તત્વવેત્તા સરવે તેહ. ૩

ચોપાઈ

થામણાના તો ભટ રણછોડ, હરજીવન તેહની જોડ;

વર્યા તે વરુણી માંહિ જાણું, તેની વાત વિશેષ વખાણું. ૪

રણછોડ તણા ત્રણ તન, વચલા તેહમાં ત્રિભુવન;

થયા વર્ણિ તજિને તમામ, પડ્યું બાલકૃષ્ણાનંદ નામ. ૫

નિષ્કામાનંદની કરી સેવા, વિદવાન વખાણિયે એવા;

સતસંગની મર્યાદા પાળે, પળાવે જનને સહુ કાળે. ૬

મેમદાવાદના દ્વિજ પાંચ, જેને જગતની આવે ન આંચ;

ભટ બેચર બેચર પંડ્યા, પાઠ કરવાને તે બેય મંડ્યા. ૭

નરભેરામ ને અંબારામ, જોશી દુર્લભરામ છે નામ;

ગોર વરતાલના વનમાળી, મેતા ડાહ્યા ત્યાં બેઠા સંભાળી. ૮

હરિશંકર હરિના દાસ, કરે પાઠ બેઠા બેઠા પાસ;

જગજીવન ને ગંગારામ, જેનો વાસ તો પાંદડ ગામ. ૯

અંબારામ બુધેજના જાણો, મુળજી પીપળાવ પ્રમાણો;

પંડ્યા કેશવ ને પંડ્યા દાજી, પીપળાવના તેહ કહ્યાજી. ૧૦

પરસોતમ ને કાળીદાસ, રામનાથનો પાળજ વાસ;

નડીયાદના બાપુ પુરાણી, કહું કેશવરામ વખાણી. ૧૧

સોજીત્રાના જોશી પ્રેમાનંદ, બેઠા અંતરે રાખિ આનંદ;

રતનેશ્વર બદલપુરના, ભક્ત પરમ તે પરમેશ્વરના. ૧૨

પોરના ભટજી કાશિરામ, હવે કહું છું રુવાદનાં નામ;

રામચંદ્ર ને રતનેશ્વર, ત્રીજા બેચર સદ્ધર્મધર. ૧૩

ગામ કળધરાના પ્રભુરામ, ભગવાન સલાડ છે ગામ;

શિવશંકર ગામ પિસાઈ, દયારામ ઉત્તમરામ ભાઈ. ૧૪

વિશ્વનાથ ને નાગરદાસ, અનોપરામનો પણ ત્યાં નિવાસ;

ગામ સત્રાલના હરિભાઈ, બેઠા જાદવજી હરખાઈ. ૧૫

કારવણ ગામના લક્ષ્મીરામ, તથા મૂળજિ માધવરામ;

કહું નામ ચોથાનું કુબેર, ભજે તે પ્રભુને રુડી પેર. ૧૬

સુખરામ કહું કન્યાળીના, ભાઇશંકર તો કુરાઈના;

કહું ત્યાંના વળી કાશિરામ, જેને વાલા છે સુંદરશ્યામ. ૧૭

ભવાનીશંકર ભલા જે છે, તે તો પિંગળવાડે રહે છે;

પંડ્યા ભૂદેવ ગામ કુંઢેલા, ભલી ભાતે તે શાસ્ત્ર ભણેલા. ૧૮

રૂપશંકર નિર્ભયરામ, રહે તે તો પીપળિયે ગામ;

કોળિયાદ રાજા રામભટ, કરે ધર્મનું કામ તે ઝટ. ૧૯

ગામ સારંગના માહેશ્વર, ભીખાભાઈ ભવાનીશંકર;

ચોથા જાણવા ગોવિંદરામ, વળિ કહિયે કુબેરજી નામ. ૨૦

દોરા ગામના દ્વિજ કાશિરામ, જપે શ્રીહરિનૂં સદા નામ;

સનાપરના જગુ પંડ્યો જેહ, બેઠા વરુણ વિષે દ્વિજ તેહ. ૨૧

ત્રણ પુત્ર તેના સતસંગી, વચલા રણછોડ ઉમંગી;

થયા નૈષ્ઠિક તે બ્રહ્મચારી, દીક્ષા ભગવત્પ્રસાદથી ધારી. ૨૨

ત્યાગાનંદ ધર્યું શુભ નામ, રહ્યા જૈને જિરણગઢ ધામ;

અચિંત્યાનંદ કહે મુજ પાસ, કર્યો શાસ્ત્રનો સારો અભ્યાસ. ૨૩

કર્યો સતસંગનો ઉપદેશ, જેથી રિઝે સદા પરમેશ;

જગુ પંડ્યા ગણાવ્યા મેં જેમ, ભિમજી તો ગણોદના તેમ. ૨૪

વિપ્ર વલ્લભ ગામ કતાર, પ્રેમિ ભક્ત ભલા તે ઉદાર;

કહું ઉદ્ધવ અક્રૂર જેવા, અતિ ઉત્તમ ભક્ત તે એવા. ૨૫

તેની વાત વિશેષ પ્રસંગે, કહું તે સુણો ભૂ૫ ઉમંગે;

થતાં વૃદ્ધ તેઓ બડભાગી, ત્રણ પુત્ર સહિત થયા ત્યાગી. ૨૬

રહ્યા તે રઘુવીરજી પાસે, પાળવા સાંખ્યયોગનિ આશે;

સુત બેને જનોઈ જ દીધી, ક્રિયા ગોપાલજીયે તે કીધી. ૨૭

ત્રણે પુત્ર થયા બ્રહ્મચારી, તેનાં નામ સુણો મન ધારી;

એક પતિતપાવનાનંદ, હરિપ્રસાદાનંદ સ્વછંદ. ૨૮

હરિસ્વરૂપાનંદજી જાણો, મહામુક્ત તે ત્રણે પ્રમાણો;

વધ્યો તેનો વળી સમુદાય, તે તો વલ્લભકુળ કહેવાય. ૨૯

કથા ચાલતી તે હવે કહ્યું, વરુણીમાં વર્યા દ્વિજ બહુ;

ચોરંદાના માહેશ્વર જાણો, પ્રભુના ભક્ત પૂરા પ્રમાણ. ૩૦

પરષોત્તમ જોષી ડભોઈ, જેને જીતિ શકે નહિ કોઈ;

કરુણાશંકર ભાયલીના, ભલા ભાવિક ભક્ત હરિના. ૩૧

વિપ્ર સાધીવાસી વનમાળી, જેણે ભક્તિ કરી હદ્ય વાળી;

ભીખાભાઇનું આમળા ગામ, બીજાનું તો નરોત્તમ નામ. ૩૨

નાગજી વિપ્ર ને આશારામ, કહે તે સરસવણી ગામ;

કરેણાના તો નરસિંહ નામ, રામ ભટ્ટ શાણાપરે ગામ. ૩૩

ભટ ઉકો તથા કૃષ્ણદેવ, સજે શ્રીહરિની સદા સેવ;

માંતરોજના કહું વખાણી, એક તો રામકૃષ્ણ પુરાણી. ૩૪

બીજા નામે નારાયણ ભટ, જેના મનમાં ન કાંઈ કપટ;

ઇટોલા ગામમાં જેનાં ઘર, બાપુજી ને બીજા પિતામર. ૩૫

મહુધાના બાપુજી કુશળજી, કૃપારામ તથા નામ મુળજી;

ખેડાના દવે મૂળજી નામ, સેવે શ્રીહરિને આઠે જામ. ૩૬

ચાંગા ગામના તો રામેશ્વર, કાશિરામ તથા ઈશ્વર;

હળવદના ભલા શિવ જાની, જેણે સેવ્યા હરી સુખદાની. ૩૭

નથુ કુબેરજી જદુરામ, પખો નાથજી મુકુંદ નામ;

કહું મેથાણ ગામનિવાસી, જેણે ઉત્તમ વિદ્યા અભ્યાસી. ૩૮

ભલા જાદવજી ભગવાન, ભલું ગોવિંદરામને જ્ઞાન;

જીવરામ ભાણો દેવરામ, ધર્મવંત ને બુદ્ધિના ધામ. ૩૯

પેટલાદના વિપ્ર ભૂદેવ, જેને ભગવાન ભજવાની ટેવ;

દીસે ખંભાતના દૈવી જીવ, ભાઈશંકર ને સદાશીવ. ૪૦

બામણોલી વિષે વસનાર, હરિભાઈ તે ભક્ત ઉદાર;

મૂળજી તો ડભાણના વાસી, કહું પીજના વિપ્ર પ્રકાશી. ૪૧

અમથાભાઈ ને ભાઈ દાજી, વીરેશ્વર ને મોરાર હતાજી;

ચતુર્ભુજનો નિવાસ વસાઈ, દયારામનો શ્રીપુર માંઈ. ૪૨

પીપલાણાના નરસિંહ મે’તા, દવે નારણ પણ સાથે હતા;

દવે નારણનો જેહ પુત્ર, તેનો વાઘજી પુત્ર પવિત્ર. ૪૩

વાઘજીસુત હીરજી નામ, તેને લાવિ જુનાગઢ ધામ;

મને સોંપ્યો તે કરવાને ત્યાગી, કહે આ તો દિસે છે વૈરાગી. ૪૪

કરાવ્યો તેને મેં બ્રહ્મચારી, દીક્ષા ભગવત્પ્રસાદથી ધારી;

શાંતાનંદ એ નામને પામી, થયા તે તો મહાનિષકામી. ૪૫

સાચી શ્રદ્ધા રાખી નિજમન, મને ખૂબ કર્યો છે પ્રસન્ન;

ભણાવ્યાં છે મેં શાસ્ત્ર પુરાણ, થયા પંડિત શ્રેષ્ઠ સુજાણ. ૪૬

કહે ભૂપ એને સહુ જાણે, એના સદ્‌ગુણ સર્વે વખાણે;

પામ્યા સત્સંગમાં ખૂબ ખ્યાત, હવે ચાલતિ તે કહો વાત. ૪૭

દેવરામ તથા શિવરામ, રહે તે બેય ભાડેર ગામ;

ઉપલેટા તણો વિપ્ર કાનો, ભાયાવદરનો વિપ્ર નાનો. ૪૮

ઝાંઝમેર રહે અંબારામ, માવજીનું ધોરાજિમાં ધામ;

મૂળજી પણ ત્યાં રહેનાર, જેતપરના કહું વિપ્ર ચાર. ૪૯

નામ અજરામર ને વામન, જાણો જેરામ ને છે જીવન;

વિપ્ર ઇંદ્રજી મેવાસાવાળા, જાણે વૈદિક કર્મ રુપાળાં. ૫૦

તેને બેસાર્યા વરૂણિમાંય, રાજી થઈને શ્રીહરિ રાય;

વિપ્ર પીઠવડીના પવિત્ર, ભણિ જાણે જે વિદ્યા વિચિત્ર. ૫૧

એક જીવો તેના બેય તન, નામ શીવો ને ગોવરધન;

દ્વિજ રાઘવજી દયારામ, રહે તે તો પીઠવડી ગામ. ૫૨

મોનજી મહાભક્ત પ્રમાણો, ગામ સેંજળ તેહનું જાણો;

વળી વિગતે તેને ઓળખાવું, સુણો રાય કહિ સમજાવું. ૫૩

મોનજીસુત હીરજી જાણો, પ્રભુના મહાભક્ત પ્રમાણો;

તેના પુત્રોમાં પુત્ર જે એક, થયો વૈરાગવંત તે છેક. ૫૪

શુકજી સરખો સુત જાણ્યો, કુળતારક તાતે પ્રમાણ્યો;

રઘુવીરજી આગળ આવી, સોંપ્યો તે સુતને તહાં લાવી. ૫૫

વર્ણિદીક્ષા દીધી તેહ ઠામ, ધાર્યું મુનીશ્વરાનંદ નામ;

ગઢડાના મોટા બ્રહ્મચારી, અનંતાનંદ મહાવ્રતધારી. ૫૬

તેની સેવામાં સોંપ્યા હમેશ, ભણ્યા સંસ્કૃત વિદ્યા વિશેષ;

ધર્મવંત ને ધીમંત તે છે, સતસંગની વૃદ્ધિ કરે છે. ૫૭

પુરિ રીતે થયા તે પ્રખ્યાત, ભૂપ જાણો છો તે તમે વાત;

આંહિ પામિ કથાનો પ્રસંગ, કહ્યું આખ્યાન આણિ ઉમંગ. ૫૮

હવે પાલિતાણાના તે ઠામ, હતા વિપ્ર તેનાં કહું નામ;

દયારામ વિરો ને મોનજી, જેઠો માવજી અને ભીમજી. ૫૯

ગુણવંતું ગાધકડું ગામ, ત્યાંના વિપ્ર તો નાગજિ નામ;

વિપ્ર દીયોરના કિકો નામ, રાઇસાળાના લક્ષમીરામ. ૬૦

વિપ્ર બોટાદના નિરદોષી, મોનો પંડ્યો જેઠો મોનો જોશી;

ગઢડું રોઝકૂં ગાંફ ગામ, હતા ત્યાંના તો વિપ્ર તમામ. ૬૧

ગામ નાંદોલના રહેનાર, પુરુષોત્તમ ભટજી ઉદાર;

રેવાશંકર ધોળકે રહે, ભલા ભક્ત જેને સહુ કહે. ૬૨

સંજાયા ગામના અંબારામ, જોળના નથુ ને દયારામ;

લલુભાઈ તથા બાપુભાઈ, જાણો તેહ વસે જોળમાંઈ. ૬૩

કહું સૂરતના વિપ્ર સારા, વરુણીમાં જેઓ વરનારા;

અંબારામ ને વ્યંકટેશ્વર, જગજીવન પ્રાણશંકર. ૬૪

સુરભાઈ ને ફકીરભાઈ, હતા મોરારજી તેહ માંઈ;

ભેંસજાળવાસી અંબારામ, કરે ગીતાપારાયણ કામ. ૬૫

પંડ્યા ભીમ ને નિરભયરામ, વસે તે તો વેજળકે ગામ;

પિતા પુત્રની તેને સગાઈ, બેઠા વરુણિમાં તે હરખાઈ. ૬૬

સતસંગનો રાખીને પક્ષ, મોટાં સંકટ સાંખિને લક્ષ;

રઘુવીરજીને કર્યા રાજી, ગોપાળાનંદ રાજી થયાજી. ૬૭

પુત્ર વર્ણિ થયા તજિ ફંદ, નામ છે જ્ઞાનપ્રકાશાનંદ;

ત્રણ પુત્ર હતા તેના જેહ, મોટા તો શિવશંકર તેહ. ૬૮

તે તો વર્ણી થયા ગુણધામ, તેનું માયાતીતાનંદ નામ;

મહાશંકર બીજા અકામ, તેનું નિઃસ્વાદાનંદ છે નામ. ૬૯

ગૌરીશંકર જે નિષપાપ, તે હરિસ્વરૂપાનંદ આપ;

ત્રણે ભ્રાત સહિત ત્યાગિ થઈ, સેવ્યા આનંદવર્ણીને જઈ. ૭૦

તેમાં નિઃસ્વાદાનંદ છે જેહ, બહુ સારા છે પંડિત તેહ;

રહ્યા ગઢપુર ચારે વિચારી, ધર્મવંત મહાવ્રતધારી. ૭૧

પુષ્પિતાગ્રાવૃત્ત

દ્વિજ બહુ વરુણી વિષે વરાવ્યા, સ્મૃતિ અનુસાર લગાર મેં સુણાવ્યા;

વરુણ હરિવરે કર્યાં જ જેનાં, સુર ઉચરે અતિ ધન્યભાગ્ય એનાં. ૭૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણપ્રતિષ્ઠાર્થે-વિશેષવિપ્રવરણાર્ચનનિરૂપણનામ પંચવિંશતિતમો વિશ્રામઃ ॥૨૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે