કળશ ૮

વિશ્રામ ૨૮

ઉપજાતિવૃત્ત

આવ્યો પછી જ્યાં દિન દ્વાદશીનો, પ્યારો ઘણો તે કમળાપતીનો;

ઉઠી પ્રભાતે કરિ નિત્યકર્મ, અન્યાદિ પૂજા કરિ ધર્મવર્મ.1

દેવપ્રતિષ્ઠાંગ કરાવિ હોમ, આનંદ વાધ્યો અતિ રોમરોમ;

જે પાઠ કીધા જપ જેહ કીધો, દશાંશ તે હોમ કરાવિ લીધો. ૨

આઠે દિશે મંદિરની સમીપ, રુડી રિતે અગ્નિ કરી પ્રદીપ;

ઘૃતે તિલે હોમ તહાં કરાવ્યા, પછી મહામંડળ મધ્ય આવ્યા. ૩

ત્યાં મૂર્તિયોને હરિ આપ હાથે, કર્યા અભિષેક દ્વિજોનિ સાથે;

પૂજા કરી વેદઋચા2 ભણાવી, તે મૂર્તિયોને રથમાં ચડાવી. ૪

આચાર્યને આગળ તો ચલાવ્યા, બે બાજુયે ઋત્વિજને3 રખાવ્યા;

મહાપ્રભૂ પાછળ ચાલિ જાય, વાજિંત્રના નાદ વિશેષ થાય. ૫

ત્યાં બ્રાહ્મણો વેદઋચા ભણે છે, શ્રીજી ઘણા સ્નેહ થકી સુણે છે;

પ્રદક્ષિણા મંદિરની કરીને, સૌ પૂર્વ દ્વારે જ રહ્યા ઠરીને. ૬

તે મૂર્તિને અર્ઘ્ય પ્રદાન કીધું, સૌયે મળીને સનમાન દીધું;

તે મૂર્તિયો મંદિર માંહિ લાવી, જ્યાં જેહનું સ્થાન તહાં સ્થપાવી. ૭

લક્ષ્મીજિ નારાયણ બેય રૂ૫, તે મધ્યના મંદિરમાં અનૂપ;

ત્યાંથી બિજો દક્ષિણ ખંડ જ્યાંય, બેસારિ સારી ત્રણ મૂર્તિ ત્યાંય. ૮

રાધાજિ વૃંદાવનના વિહારી, તથા સ્વમૂર્તી હરિકૃષ્ણધારી;

તહાં ત્રિજા ઉત્તર ખંડમાંય, બેસારિ રૂડી ત્રણ મૂર્તિ ત્યાંય. ૯

શ્રીભક્તિ ધર્માત્મજ વાસુદેવ, તે મૂર્તિયો ત્યાં ધરિ તર્ત ખેવ;

શ્રીજી તણું બાળ સ્વરૂપ તેહ, તે મર્મ જાણે જન જાણ જેહ. ૧૦

તે આગળે મંડપમાં પ્રમાણો, જુદા જુદા ખંડ વિષે જ જાણો;

વરાહજી ને નરસિંહ રૂપ, શ્રીશેષશાયી મુરતી અનૂપ. ૧૧

શ્રીકૂર્મ ને સૂર્યસ્વરૂપ મત્સ્ય, તે મૂર્તિયો ત્યાં પધરાવિ સ્વચ્છ;

સુશોભિતો દક્ષિણ ખંડ ધારી, શ્રીજીનિ સજ્યા પધરાવિ સારી. ૧૨

છે દુર્ગનું4 દ્વાર પ્રમુખ જ્યાંય, ગણેશ સ્થાપ્યા હનુમાન ત્યાંય;

રુડી રીતે તે હનુમાન વીર, સ્થાપ્યા જ ભૈભંજન નામ ધીર. ૧૩

તેને શિરે હાથ તહાં ધરીને, બોલ્યા કૃપાળુ કરુણા કરીને;

હે અંજનીનંદન વજ્રકાય, સત્સંગિ સૌની કરજો સહાય. ૧૪

ગણેશ પાસે ગણનાથતાત,5 તથા તહાં પારવતજિ માત;

સ્થાપ્યાં સ્વરૂપો શુભ રૂડિ રીતે, તે તો વિધી હું ઉચરું સપ્રીતે. ૧૫

હરિગીત છંદ

સંવત્ અઢાર શતે તથા શુભ સાલ એકાશી તણી,

કાર્તિક સુદી તિથિ દ્વાદશી ઉત્તમ થકી ઉત્તમ ઘણી;

બુધવાર સૌથી સાર ને નક્ષત્ર નિરમળ તે કહું,

ભલું ભાદ્રપદ જે ઉત્તરા વળિ યોગ હર્ષણ શુભ બહુ. ૧૬

ધનલગ્નમાં દિન પ્રહર ચડતાં કામ તે ઉત્તમ કર્યું,

આશ્ચર્યકારી એ સમે ત્યાં રૂપ ધર્મસુતે ધર્યું;

સ્થાપનકરણ થળ જેટલાં હરિ તેટલાં રૂપો ધરી,

સહુ મૂર્તિયોની એક કાળે ત્યાં પ્રતિષ્ઠા તો કરી. ૧૭

શ્રુતિમંત્રના ઉચ્ચાર વિપ્રો ઉચ્ચરે શુભ રીતથી,

પ્રતિમા વિષે સુરપ્રાણની કરી ત્યાં પ્રતિષ્ઠા પ્રીતથી;

શ્રીરુકમણી રૂપે રમા તે પાસ દ્વારામતિપતી,

એ રીત આવાહન કર્યું આનંદ ઉર ધારી અતી. ૧૮

જે દેવની પ્રતિમા જહાં ત્યાં તેનું આવાહન કર્યું,

ઉપચાર સોળ પ્રકાર કરિને એનું અર્ચન આદર્યું;

શણગાર વિવિધ પ્રકાર ધરિને ધૂપ ને દીપક ધર્યા,

નૈવેદ્ય નાનાવિધ ધરાવી દેવને તર્પિત કર્યા. ૧૯

તે સર્વની એક જ સમે હરિયે ઉતારી આરતી,

તે સમયની શોભા સકળ તો ભાખિ ન શકે ભારતી;6

કોટાનકોટી શશાંક સૂર્ય સમાન તેજ તહાં દિસે,

શું આવિ વસિયું આપ અક્ષરબ્રહ્મ એ મંદિર વિષે. ૨૦

નોબત નગારાં ઢોલ ત્રાંસાં ભેર ને ભુંગળ ભલી,

શરણાઈ ત્રૂઈ શંખ વાજે ઘંટ ઘડિયાળો7 વળી;

ત્યાં તાલ ને મરદંગ વાજે નાદ ગાજે ગગનમાં,

જય જય કરે ઉચ્ચાર જન સૌ મન અતિશે મગનમાં. ૨૧

બહુ થાય બંદુકના ભડાકા કૈક પાડે તાળિયો,

અતિ ધન્ય જનઅવતાર જેણે એહ અવસર ભાળિયો;

અજ હર અને ઇંદ્રાદિ દેવો દિવ્ય રૂપે આવિયા,

કુસુમે8 વધાવે કૃષ્ણને ભલી ભેટ તે પણ લાવિયા. ૨૨

વિબુધો વિશેષ વિમાનમાં ચડિ આવિયા આકાશમાં,

તે કુસુમની વૃદ્ધિ કરે પ્રીતે કરી ચોપાસમાં;9

દેવો બજાવે દુંદુભી ગાંધર્વ ગુણ ગાવે ઘણા,

ઉછરંગિ નાચે અપ્સરા મનમોદમાં ન દિસે મણા. ૨૩

દીસે પ્રફુલ્લિત દશ દિશા આકાશ સ્વચ્છ જણાય છે,

શીતળ સુગંધ સુમંદ એવો ત્રિવિધ વાયૂ વાય છે;

સ્થાવર તથા જંગમ સહૂ ભાસે ભલાં હરખે ભર્યાં,

આદિત્ય10 છાંડી ઉષ્ણતા શીતળ કિરણ સહુ પર ધર્યાં. ૨૪

એ રીત હરિયે આરતી કરિ રૂપ નિજ ધરિ ધ્યાનમાં,

પુષ્પાંજલિ11 કરિ તે પછી ધરિ ભેટ ભલિ તે સ્થાનમાં;

સત્સંગિ સૌયે મૂર્તિ આગળ ભેટ નાનાવિધ ધરી,

તે શેઠ નારાયણ દયાળજિ નોંધ બે જણ મળિ કરી. ૨૫

સારંગના રહેનાર તે ગરકાવ હરિના જ્ઞાનમાં,

જગદીશ તે પછી જૈ બિરાજ્યા સુભગ શજ્યા સ્થાનમાં;

પછી લક્ષ્મીનારાયણ તણી સ્તુતિ સંત સહુયે ઉચ્ચરી,

પણ પ્રથમ મુક્તાનંદ મુનિયે એક શ્લોકે બે કરી. ૨૬

આખા જગતના જન તણું છે ઇચ્છનાર સદા ભલું,

સંભાળ લેજો સર્વની વરદાન માગ્યું એટલું;

મુનિ મુક્ત કરુણાયુક્ત કેવા જે પુરા પરમારથી,

નિજને જ માટે કાંઈ માગે હોય જે જન સ્વારથી. ૨૭

અનુષ્ટુપ શ્લોક

વંદું જળધિજામાતા,12 કમળાવર દ્યો તમે;

જગજ્જનની સંભાળ, લ્યો સૌની માગિયે અમે. ૨૮

અર્થ: નારાયણદેવ વિષે: સમુદ્રના જમાઈને હું વંદુ છું, હે કમળાવર! તમે એટલું દ્યો કે આપ જગતના સર્વે જનોની સંભાળ લ્યો, એટલું અમે માગિયે છૈયે. લક્ષ્મીજી વિષે, હે સમુદ્રથી જનમેલી માતા! હું તમને વંદું છું ને હે કમળા! તમે વરદાન દ્યો, હે જગતની જનની! કે’તાં માતા તમે સૌની સંભાળ લ્યો, એટલું અમે માગિયે છઇયે.

વસંતતિલકા (સંતમંડળકૃત લક્ષ્મીનારાયણની સ્તુતિ)

સૌ સંતસાથ નમિયે જુગ જોડિ હાથ,

હે નાથ! પાપહર આપ અનાથનાથ;

સદ્ધર્મરક્ષક સદૈવ કરો સહાય,

શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૨૯

  શ્રીમત્સ્ય કચ્છ તનુ સ્વચ્છ તમે જ ધારી,

  મારી અદેવ સહુ દેવ લિધા ઉગારી;

  છો શ્વેતદ્વીપપતિ શું ગતિ તે કળાય,

  શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૦

નારાયણ પ્રભુ તમે નરવીર ધીર,

ભૂભારહારક તમે જ ધર્યાં શરીર;

ગોલોકવાસિ સુખરાશિ તમે સદાય,

શ્રી દ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૧

  લીલા તમે લલિત ગોકુળ માંહિ કીધી,

  નંદાદિ ગોપજનને સુખશાંતિ દીધી;

  મારી બકી13 બક14 તથા વન ચારિ ગાય,

  શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૩

કંસાદિ મારિ જઇ દ્વારમતી વસાવી,

કન્યા ઘણીક પરણ્યા ખળ મારિ લાવી;

પોતે થયા પ્રભુજી પાંડવના સખાય,

શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૩

  જ્યારે અધર્મ અવનીતળમાં વધે છે,

  જ્યારે બળિષ્ટ અસુરો પ્રસરે બધે છે;

  ત્યારે તમે તનુ ધરો પ્રભુ પૃથ્વિમાંય,

  શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૪

જાણો મનોરથ તમે મનનો અમારો,

મોટો પ્રભૂજિ મહિમા બહુ છે તમારો;

તે તો જથાર્થ જનથી ઉચર્યો ન જાય,

શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૫

  સ્નેહે સદૈવ પ્રભુ આ સ્થળમાં વિરાજો,

  સૌને સદેવ સુખદાયક આપ થાજો;

  આ તીર્થ સૌથિ અતિ ઉત્તમ તો ગણાય,

  શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૬

હે કૃષ્ણ કૃષ્ણ કમળાવર હે કૃપાળ,

છોજી તમે સકળ વિશ્વવિહારીલાલ;

કીર્તી તમારિ શુક શારદ શેષ ગાય,

શ્રીદ્વારિકેશ હૃષિકેશ રમેશ રાય. ૩૭

શિખરિણી (વૃંદાવનવિહારીની સ્તુતિ)

  રહો રાધા સાથે મુરલી નિજ હાથે શુભ ધરી,

  અઘારી મુરારી મધુવન વિહારી મન હરી;

  બહૂનામી સ્વામી પ્રભુ ગરુડગામી અહિં રહો,

  કરી સૌની રક્ષા સરસ વળિ શિક્ષા પણ કહો. ૩૮

હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ

  અમારા હે ઇષ્ટ પ્રગટ હરિકૃષ્ણ પ્રભુ તમે,

  સદા દ્યો સ્વાભીષ્ટ15 તવ પદ તણા આશ્રિત અમે;

  અનેક બ્રહ્માંડ સ્થિતિ લય તણા કારણ અહો,

  અમારે ચિત્તે આ મુરતિ રજની વાસર રહો. ૩૯

ભક્તિધર્મની સ્તુતિ

  અહો ભક્તીમાતા જનક હરિના શ્રીધરમ છો,

  તમો બે સૌનાથી કરમ શુભવાળાં પરમ છો;

  થયા જેના પુત્ર પ્રભુ અકળ જે અક્ષરપતી,

  સદા સૌને આપો સુખ સકળ થાઓ શુભમતી. ૪૦

વાસુદેવની સ્તુતિ

  નમો વાસુદેવ પ્રગટ વૃષભક્તીસુત તમે,

  ધર્યું બાલ્યાવસ્થા સ્વરુપ નિરખ્યું તે શુભ અમે;

  રહો સાજા તાજા સકળઅધિરાજા સુખનિધી,

  ભલે આવ્યા આંહીં અમ પર કૃપા આ અતિ કિધી. ૪૧

વરાહની સ્તુતિ

  હિરણ્યાક્ષે દુષ્ટે સુર સકળને સંકટ કર્યું,

  તમે ત્યાં તે વારે વપુ નિજ વરાહ પ્રભુ ધર્યું;

  ધરા ડાઢે ધારી સમર16 કરિ માર્યો અસુરને,

  તમે તે વારાહ પ્રભુ સકળ કાઢો કસુરને.17 ૪૨

નૃસિંહની સ્તુતિ

  નૃસિંહાખ્ય શ્રીમાન્ સુરનરરિપૂમારણ નમો,

  ઉગાર્યો પ્રહ્લાદ પ્રણતજનપાળ પ્રભુ તમો;

  ભલાં એવાં કામો અધિક કરવા અંતર ધરો,

  સહૂ સત્સંગીનાં સદયહૃદયે સંકટ હરો. ૪૩

શ્રીશેષશાયિની સ્તુતિ

  સુતા ક્ષીરાબ્દીમાં અતિવરનિ18 શજ્યા શુભ કરી,

  સજે લક્ષ્મી સેવા અભયવર લેવા દિલ ધરી;

  અહીં એવે રૂપે સુખનિધિ બિરાજો પ્રભુ સદા,

  છબી જોઈ જોઈ મુનિજન નમે સૌ મનમુદા. ૪૪

કૂર્મદેવની સ્તુતિ

  મથ્યો સિંધુ જ્યારે કમઠતન19 ત્યારે ધરિ હરી,

  ધર્યો પીઠે પોતે ગણિ અલપ મંદ્રાચળ ગિરી;

  રુડાં કાઢ્યાં રત્નો અધિક કરિ યત્નો સહુ મળી,

  તમારું ઐશ્વર્ય પ્રભુજિ ન શકે કોઇ જ કળી. ૪૫

સૂર્યનારાયણની સ્તુતિ

  અહો ભાનૂદેવા પ્રગટ તમ જેવા સુર નહીં,

  સજે છે સૌ સેવા અધિક સુખ લેવા જન અહીં;

  રથે રાજો છોજી સુભગ વળિ સપ્તાશ્વ20 સહિતે,

  રહ્યા છો શ્રીવિષ્ણુ હિરણમયરૂપે જનહિતે. ૪૬

શ્રીમત્સ્યદેવની સ્તુતિ

  થઈ મત્સ્ય સ્વચ્છ પ્રબળ ખળ શંખાસુર હણ્યો,

  ઉગાર્યા વેદોને જળજસુત21 તે તો જશ ભણ્યો;

  તમારી તે શક્તી નિરખિ જન ભક્તી ભલિ કરે,

  બિરાજો આ ઠામે ધરમમય ધામે મન ઠરે. ૪૭

શાર્દૂલવિક્રીડિત (ગણપતિની સ્તુતિ)

હે લંબોદર દેવ શંભુસુત છો સ્ત્રી બુદ્ધિ ને સિદ્ધિ છે,

દાસી બે તવ દેખિયે સમિપમાં તે ઋદ્ધિ ને વૃદ્ધિ છે;

પુત્રો બે શુભ22 લાભ-લક્ષ23 કહિયે છો વિઘ્નહારી અહો,

સત્સંગી સહુને સદા સુખ કરો આ તીર્થ માંહી રહો. ૪૮

ચર્ચરી છંદ (શિવજીની સ્તુતિ)

જય જય જય જટિલ જોગિ ધંતુર ને ભાંગભોગિ શંભુ છો સદા નિરોગિ બુઢ્ઢા બાવા,

ઉજ્વળી ભભૂતિ અંગ સરસ દરસ શીશગંગ ભૂતપ્રેત આદિ સંગ લાગો ગાવા;

ભલકે શશિયર24 સુભાલ કંઠે વળગેલ વ્યાળ25 તેહ સાથે રુંડમાળ26 રૂડી રાજે,

જયજય કરધર પિનાક27 વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૪૯

ગાઓ સંગીત ગાન નાચો નટવા સમાન તાથેઇ તાથેઇ તાન લેતા લેતા,

ઘૂઘર પદ ઘમક ઘમક ચાલો છો ઠમક ઠમક ધરણી પદ ધમક ધમક દેતા દેતા;

શોભે નંદી સવારિ ગૌરી અર્ધાંગ ધારિ સિંહ કેરિ અંગ સારિ છાળા છાજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૦

ભાવે કૈલાસવાસ કાં તો શમશાન પાસ દુનિયાપર દિલ ઉદાસ દીઠા દીઠા,

લોચન છે લાલ ચોળ અંગ ઉગ્ર છે અતોલ બોલો છો મુખ બોલ મીઠા મીઠા;

જાપો છો મંત્રજાપ ભીક્ષાઆહારિ આપ આપ્યા ભોગો અમાપ ભક્તો કાજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૧

બ્રહ્માવિષ્ણુ સ્વરૂપ આપ ત્રણે એક રૂપ ભગવન્ ત્રિભુવનભૂપ સંતો જાણે,

જેની મતિ છે જડત્વ સમઝે ન સર્વતત્વ તેવા તે તો મમત્વ મિથ્યા તાણે;

જયજય જુગઆદિદેવ સુર નર સૌ સજે સેવ રૂપ અકળ ને અભેવ ભોળા ભ્રાજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૨

જયજય સર્વજ્ઞ શ્યામ વેદ વદે વામ28 નામ અસુર સુર કરે પ્રણામ પાસે આવી,

જયજય જોગીંદ્રવેષ મૃડ29 હર શંભૂ મહેશ જશ વદે સદૈવ શેષ મનમાં લાવી;

જયજય જનમાતતાત અકળરૂપ છે અઘાત કુક્ષિમાં સમુદ્ર સાત ગંભિર ગાજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૩

જયજય ગતિમાન ગહન વિશ્વનાથ વિશ્વવહન દૃષ્ટિ માંડિ મદન દહન કીધો ધારી,

ત્રિપુરાસુર દૈત્ય દુષ્ટ પાપકર્મવંત પુષ્ટ સુર નરો કર્યા સંતુષ્ટ તેને મારી;

કરણતત્ત્વ મંત્રજાપ હરણ ભક્ત ત્રિવિધ તાપ આ સ્થળે ભલેજિ આપ આવ્યા આજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૪

જયજય કરુણાનિધાન અમરપાળ છો ઇશાન30 આપનાર અભયદાન છોજી આપે,

કીધું વિષ વિષમ પાન રાખવા સકળ જહાન કોણ આપના સમાન સંકટ કાપે;

દાતૃતા31 તમારિ ધન્ય દાસનું નસાડ્યું દૈન્ય32 દેખિ દેખિ દેવ અન્ય દાતા લાજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૫

જયજય ગણનાથાત પાસ યક્ષરક્ષવ્રાત અજર અમર ને અજાત છોજી છોજી,

તોડનાર મોહજાળ દાસને કરો નિહાલ વિશ્વમાં વિહારીલાલ છોજી મોજી;

સુંદર શોભે શરીર શ્વેત જેવું ગંગનીર હેમનંગ હીર ચીર અરુચી સાજે,

જયજય કરધર પિનાક વાજે વર વીરહાક ડમરૂ ને ડાક અગડબંબં બાજે. ૫૬

દોહરો

  હીર ચીર ને હેમથી, રહો સદૈવ વિરક્ત;

  સૌ હરિજનને સુખ કરો, ભક્તિનુજના ભક્ત. ૫૭

ઇંદ્રવિજય સવૈયા (હનુમાનની સ્તુતિ)

અંજનિનંદન છો જગવંદન સિંદુર ચંદન ચર્ચિત અંગે,

ત્રાસ હરો નિજદાસ તણા પ્રભુ પાસ નિવાસ વસો જ ઉમંગે;

છો વિષયોથિ વિરક્ત સદા હરિભક્ત હરિજનના ભયહારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૫૮

ધર્મ તણા કુળદેવ સદૈવ અદેવ તણા રિપુ દેવ સહાયી,

જંગ33 પ્રસંગ ઉમંગ ચડે અણભંગ લડો ધરિ ધીરજ ધાયી;

જ્યાં વૃષશીશ34 પડ્યું કશું સંકટ ત્યાં ઝટ આવિ કરી કિકિયારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૫૯

કાળિયદત્ત હતો ઉનમત્ત હરેક રિતે કરવા હરિ હત્યા,

છઠ્ઠિ દિને હરિને હરવા કરવા દુખ પ્રેરિ કુઢંગિણિ કૃત્યા;

દુઃખનિવારણ કારણ ત્યાં પણ આવિ હર્યું દુખ દુષ્ટ વિદારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૬૦

જ્યાં સમર્યા હરિયે વનમાં મનમાં ધરિ તર્ત તમે નહીં આવ્યા,

ભૂત પિશાચ ભયંકર ભૈરવ ધારિ ગદા કર મારિ હઠાવ્યા,

શ્રીહરિ કરિને સુપ્રસન્ન હણ્યા અરિને ફરિને પડકારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૬૧

કામ કરી ઘનશ્યામ તણું નિજ ધામ ગયા પરણામ કરીને,

જ્યાં સમરે હરિરાય તહાં વળિ આવિ સહાય કરી જ ફરીને;

વીરવિજોગથિ ધીર તજી હરિવરની35 ધીરજ આવિ વધારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૬૨

જે વૃષવંશ તણા જનઅંશ અસંશય એની સહાય કરો છો,

થાય વિપત્તિ તણી ઉત્તપત્તિ વિપત્તિ હમેશ અશેષ હરો છો;

ધારિ મહાવૃત નારિ તણી કદિ યારિ કરી નહીં છો બ્રહ્મચારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૬૩

હે હરિદૂત મરૂત સપૂત કરો અદભૂત ક્રિયા ઝટ કૂદી,

ઇંદ્રિયજીત અભીત સદા પ્રભુમાં દૃઢ પ્રીતનિ રીત જ જૂદી;

છો ભયભંજન રાક્ષસગંજન નાથનિરંજન રંજનકારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૬૪

શાસ્ત્રવિચક્ષણ36 સર્વસુલક્ષણ ભક્તનું રક્ષણ આપ કરો છો,

વર્મ37 તમે સતકર્મ તણા મનમર્મ ધરી શુભ ધર્મ ધરો છો;

દુર્લભ દેવ ભજ્યા કરિ સૂલભ વલ્લભ શ્રીવૃષલાલવિહારી,

હે હનુમાન મહા બળવાન દિયો સુખદાન દયા દિલ ધારી. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

વિધિવત બધિ મૂર્તિ સ્થાપિ નાથે, સ્તુતિ કરી તેનિ સમસ્ત સંત સાથે;

હરિવર તણું તે ચરિત્ર સારું, મનન કરો મન સર્વદા અમારું. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રી લક્ષ્મીનારાયણાદિ-મૂર્તિસ્થાપનસંતમંડળકૃતસ્તુતિનિરૂપણનામ અષ્ટાવિંશતિતમો વિશ્રામઃ ॥૨૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે