કળશ ૮

વિશ્રામ ૨૯

હરિગીત છંદ

પછિ સંત સજ્યા સ્થાન જૈ નિરખ્યા ધરમકુળના ધણી,

અહિંયાં જ અક્ષરધામ દીઠું જ્યોતિ ઝગમગતી ઘણી;

કોટાનકોટિ શશાંક સૂર્ય સમાન તેજ દિસે સહી,

આશ્ચર્ય ઉપજ્યું અતિ ઘણું વર્ણન જથાર્થ બને નહીં. ૧

અગણીત અક્ષરમુક્ત અગણિત શક્તિયો સેવા સજે,

અગણીત બ્રહ્મા વિષ્ણુ શંકર ભાવથી પ્રભુને ભજે;

લક્ષ્મીનારાયણકૃત હરિસ્તુતિ

લક્ષ્મી સહિત શ્રીદ્વારિકાપતિ એમ બોલ્યા એ સમે,

દિગ્વિજય કરતા નાથ જ્યારે દ્વારિકા આવ્યા તમે. ૨

મેં તે સમે તમને કહ્યું શુચિ સંતવૃંદ વસે જહાં,

મંદિર કરાવીને મને પધરાવજો પ્રભુજી તહાં;

સૌ તીર્થસુધાં તે સ્થળે આંહીં થકી આવીશ હું,

ત્યારે તમે એવું કહ્યું કે નક્કિ એમ કરીશ હું. ૩

શુભ વાક્ય પ્રભુ પોતા તણું તે સત્યસત્ય કર્યું સહી,

મંદિર કરાવીને અમારી મૂર્તિયો સ્થાપી અહીં;

વળિ ગોમતી આદિક તણું સ્થાનક અહીં જ કરાવશો,

છાપો કમળ ને શંખ ચક્ર ગદાનિ આંહિ અપાવશો. ૪

હે કૃષ્ણ તે ક્યારે થશે ચિરકાળમાં કે હાલમાં,

સુણી એમ બોલ્યા શ્રીહરી કરશું જ થોડા કાળમાં;

પછિ લક્ષ્મિ સાથે દ્વારિકાપતિ મૂર્તિયોમાં જૈ રહ્યા,

વળિ ભક્તિ સાથે ધર્મ પણ કરવા સ્તુતિ ઊભા રહ્યા. ૫

શાર્દૂલવિક્રીડિત (ભક્તિધર્મકૃતસ્તુતિ)

ભક્તીધર્મ કહે અહો પ્રભુ તમે જે પુત્રરૂપે થયા,

આપ્યા આપ અમાપ સૌખ્ય અમને દીલે ધરીને દયા;

સૌના માતાપિતા તમે જ પ્રભુ છો આદિ અજન્મા તમે,

લીલા માત્ર સુપુત્રરૂપ નિરખ્યા સર્વેશ જાણ્યા અમે. ૬

મત્સ્યાદિ અવતાર તથા સૂર્યનારાયણકૃત સ્તુતિ

મત્સ્યાદી અવતાર સૂર્ય ઉચરે હે અક્ષરાત્મા હરી,

સૌના કારણરૂપ ભૂપ સહુના ઈશેશના ઊપરી;

આજ્ઞા આપ તણી સુણી શિર ધરી જે કૃત્ય કીધાં અમે,

તે પ્રત્યેક અતર્ક્ય કૃત્ય કરવા ઐશ્વર્ય આપ્યું તમે. ૭

શિવજીકૃત સ્તુતિ

બોલ્યા શંકર તે શિવા સહિત ત્યાં હેતે હરીને નમી,

હે ધર્માત્મજ નિત્ય ધ્યાન ધરવા મૂર્તિ તમારી ગમી;

આવા અંતરમાં રહો વળિ કહો જે કાંઈ તે કીજિયે,

નિત્યે દર્શન દાન આપ અમને દાતાર થૈ દીજિયે. ૮

ગણપતિકૃત સ્તુતિ

બોલ્યા શ્રીગણનાથ હે હરિ તમે કીધી કૃપા કોટિધા,

દીધાં દર્શનદાન માન દઈને સ્થાપ્યા કૃતાર્થો કિધા;

સર્વે શક્તિ રહે સદા તમ વિષે સંકલ્પમાં સિદ્ધિ છે,

જાણી દાસ દયાથિ આપ અમને દૈવી કળા દીધિ છે. ૯

હનુમાનકૃત સ્તુતિ

બોલ્યા શ્રીહનુમાન માન દઈને પ્રેમે પ્રણામો કરી,

હે સ્વામી સુખના સમુદ્ર સહજાનંદ પ્રભો શ્રીહરી;

સેવા આપ તણી સદૈવ સજવા ઉત્સાહ રાખું અહો,

રાખો આપ સમીપ શ્યામ મુજને કાં તો રુદેમાં રહો. ૧૦

બ્રહ્માદી સુર સર્વ તે સ્તુતિ તહાં એવી રિત્યે ઉચર્યા,

સૌએ શ્રીહરિને પ્રસન્ન અતિશે કાવ્યાદિ બોલી કર્યા;

જેની જ્યાં પ્રતિમા હતી જઈ જઈ ત્યાં લીન તે તો થયા,

જેનું સ્થાપન જે સ્થળે કર્યું હતું તે દેવ ત્યાં જૈ રહ્યા. ૧૧

ઉપજાતિવૃત્ત

વર્ણી કહે સાંભળ હે નરેશ, લીલા કરી જે હરિયે વિશેષ;

આશ્ચર્યકારી કહું એહ વાત, અતર્ક્ય લીલા પ્રભુની અઘાત. ૧૨

શજ્યાલયે છે વૃષનો દુલારો, જુવે મળીને જન ત્યાં હજારો;

કરે ગતિ ચંચળ વીજ જેમ, ઉઠી પ્રભૂજી વિચર્યા જ એમ. ૧૩

બહુ પ્રભુ પાછળ લોક દોડ્યા, કોઈ થકી કાંઇ રહે ન ઓડ્યા;1

કોઈ તણી પાઘડિયો પડી ત્યાં, તે ખોળતાં તર્ત નહીં જડી ત્યાં. ૧૪

કોઈ તણા ખેશ ગયા ખસીને, કોઈ પડ્યા તેહ ઉઠ્યા હસીને;

કોઈ તણા અંગરખાનિ ચાળ, ફાટી ગઈ છે નૃપ તેહ કાળ. ૧૫

ભુલ્યા જનો તે તન કેરું ભાન, દિસે દિવાના જનના સમાન;

શ્રીવાસુદેવ પ્રતિમા જહાંય, હરી થયા લીન જઈ તહાંય. ૧૬

કોઈ કહે શ્રીહરિકૃષ્ણરૂપ, તેમાં સમાયા વૃષવંશભૂપ;

કોઈ કહે મંડપમાં ગયા છે, સભા વિષે કોઈ કહે રહ્યા છે. ૧૭

દીઠા પ્રભૂ એમ અનેક ઠામ, છે વિશ્વવ્યાપી શુભ જેનું નામ;

આશ્ચર્ય પામ્યા જન સર્વ એથી, માહાત્મ્ય જાણ્યું અતિ ઉગ્ર તેથી. ૧૮

સંતો પછી મંદિરથી સિધાવ્યા, મળી મહામંડપ મધ્ય આવ્યા;

પ્રભૂ પુનઃ પૂજન જ્યાં કરે છે, વેદોક્ત મંત્રો દ્વિજ ઉચ્ચરે છે. ૧૯

સર્વે પ્રકારે પછિ શાસ્ત્ર રીતે, પૂર્ણાહુતી ત્યાં કરી પૂર્ણ પ્રીતે;

ત્યાં દક્ષણાદાન દ્વિજો સહૂને, દીધાં દયાળૂ હરિયે બહૂને. ૨૦

બેઠા પ્રભુજી પછિ ભદ્રપીઠે,2 દૃષ્ટિ ઠરે તે છબિ સારિ દીઠે;

વિપ્રો મળીને અભિષેક કીધો, વેદોક્ત ત્યાં આશિરવાદ દીધો. ૨૧

ધારૂ તળાવે હરિ ત્યાંથિ ચાલ્યા, સાથે સખા સંત સુભક્ત પાળા;

વાજિંત્ર વાજે વિવિધ પ્રકાર, વિપ્રો કરે વેદઋચા ઉચાર. ૨૨

તળાવમાં સંચરિ તેહ કાળે, અવભ્રથ3 સ્નાન કર્યું કૃપાળે;

તહાં કર્યાં દાન વળી વિશેષ, પછી કર્યો મંદિરમાં પ્રવેશ. ૨૩

દિસે દિશા પૂરવ રૂપચોકી, ત્યાં ઓટલો ઉત્તમ તે વિલોકી;

બિરાજિયા ત્યાં અતિ સૌખ્યકારી, સમીપે બેઠા જન કારભારી. ૨૪

શિલ્પી જનોને શિરપાવ દીધા, કંગાલતા કાઢિ નિહાલ કીધા;

તે શિલ્પિયોનાં શુભ નામ જેહ, સુણો સુણાવું તમને હું તેહ. ૨૫

વડોદરાના જન શિલ્પિ જાણો, નામે પુરૂષોત્તમ તે પ્રમાણો;

બિજા હતા કેવળદાસ નામ, નિવાસ જેનો નડિયાદ ગામ. ૨૬

હિરાજિ શિલ્પી મરુદેશવાસી, ત્રણે મળી શિલ્પકળા પ્રકાશી;

છે કાનજી ચિત્રકળા સુજાણ, તે વિપ્ર તો ગોંડળના પ્રમાણ. ૨૭

ઇત્યાદિને પાઘડિ શાલ આપી, કંઠે ભલી કાંચનકંઠિ થાપી;

આપ્યાં કડાં કાંચનનાં કૃપાળે, દીધી વળી ચાખડિયો દયાળે. ૨૮

અમૂલ્ય વસ્તૂ વળિ જેહ આપી, તેનૂ નહીં મૂલ્ય શકાય માપી;

હેતે હરીયે શિર હાથ થાપ્યો, અહો વળી અક્ષયવાસ આપ્યો. ૨૯

પુષ્પિતાગ્રાવૃત્ત

કરિ હરિનતિ4 દેવ લક્ષ્મિનાથે, કરિ વળિ દેવ વૃષાદિ સર્વ સાથે;

અવભૃથ કરિ સ્નાન દાન દીધાં, હરિવર ચારુ ચરિત્ર એમ કીધાં. ૩૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણાદિકૃત-હરિસ્તુતિપૂર્ણાહુત્યાદિનિરૂપણનામૈકોનત્રિંશતિતમો વિશ્રામાઃ ॥૨૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે