કળશ ૮

વિશ્રામ ૩

પૂર્વછાયો

વડું મંદિર વરતાલમાં, ભક્તિપુત્રે કર્યું ભલિ ભાત;

તેહ કથા તમને કહું, ભૂપ સુણો અભેસિંહ ભ્રાત. ૧

કર્યો ઉત્સવ ફુલદોળનો, ગઢપુર વિષે ગુણ જાણ;

ચૈત્રમાં વરતાલે જવા, પરમેશ્વરે કીધું પ્રયાણ. ૨

પછી પ્રભુ ત્યાંથી પરવર્યા, સાથે લઇને સર્વ સમાજ;

જીવા ખાચરે ઉગામેડિયે, રાત રાખિયા શ્રીમહારાજ. ૩

ચોપાઈ

તંબુ ખેતરમાં ઉભા કર્યા, તહાં ઉતારા સર્વના ઠર્યા;

જીવા ખાચરે દીધી રસોઇ, જમ્યા સૌ તેહનો ભાવ જોઇ. ૪

રાતે ગાડા ઉપર ગિરધારી, પોઢ્યા સારી રીતે સુખકારી;

સૂતા બીજા જનો આસપાસ, વારાફરતી તે જાગતા દાસ. ૫

જ્યારે વિતી ગઈ મધ્યરાત, બની એ સમે અદ્‌ભુત વાત;

એક પુરુષ મણિમાળે1 ભરીયો, તહાં આકાશમાંથી ઉતરીયો. ૬

પ્રભુને બહુ પ્રણમીને તેહ, ગયો આકાશમાં ફરિ એહ;

પ્રભુને પછી પૂછિયું દાસે, કોણ આવ્યું હતું આપ પાસે. ૭

કહે કૃષ્ણ તે ચંદ્રમાં આવ્યા, તારામંડળને સાથે લાવ્યા;

કરી દર્શન તે પાછા ગયા, સુણિ વિસ્મિત સૌ જન થયા. ૮

પ્રભુ પરવર્યા પાછલી રાતે, પહોંચ્યા કારિયાણિ પ્રભાતે;

વસ્તા ખાચરનો દરબાર, ઉતર્યા જઇ વિશ્વઆધાર. ૯

જમી સભા સજી મહારાજે, જેમ ઉડુગણમાં શશિ છાજે;

ધર્મ ભક્તિ ને જ્ઞાનની વાત, કરી અક્ષરાધીશે અઘાત.2 ૧૦

તહાં કેરિનો ટોપલો ભર્યો, કોઈ ભક્તજને ભેટ કર્યો;

વસ્તા ખાચરનો સુત જેહ, જઇતો3 ત્રણ વર્ષનો તેહ. ૧૧

તેની કોટમાં ઊતરી હતી, નવસેં રૂપૈયાની કીમતી;

હસી બોલિયા તે પ્રત્યે હરી, આપું કેરી જો આપો ઊતરી. ૧૨

ત્યારે તેણે તે ઉતરી દૈને, લીધી કેરી બહૂ રાજી થૈને;

જનો પ્રત્યે બોલ્યા ભગવાન, આને ઊતરિનું નથી જ્ઞાન. ૧૩

બાર હજાર લોક ધરાય, એટલી કેરી છે એહ માંય;

પણ એક જ કેરીને સાટે, આપી ઊતરી અજ્ઞાન માટે. ૧૪

તેમ જે જનને ન જણાય, પરમેશ્વરનો મહિમાય;

તે તો તુચ્છ વિષયસુખ લે છે, પરમેશ્વરને તજિ દે છે. ૧૫

એહ આદિક જ્ઞાનની વાત, કરી એ સમે હરિયે અઘાત;

પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, જવા તૈયારી કીધી પ્રભાતે. ૧૬

વસ્તેભક્તે કહ્યું નામી શીશ, જમી ચાલજો શ્રીજગદીશ;

બોલ્યા રાઘવ નામે પટેલ, મારે ઘેર જમો રંગરેલ. ૧૭

અતિ આગ્રહ બેયનો ભાળી, બોલ્યા મધુર વચન વનમાળી;

કરી બેયને ઘેર રસોઈ, જમશે આંહિ ને તહાં કોઈ. ૧૮

વેરાભાઈયે દાતણ આશે, જોયું તે સ્થળમાં ચારે પાસે;

વસ્તા ખાચરને પાણિયારે, ઘણાં દાતણ દીઠાં તે વારે. ૧૯

તેહ પુછ્યા વિના એક લીધું, સરોવરતટ જઈ તેહ કીધું;

કરી સ્નાન ક્રિયા નિત્ય કરી, ગયા જે સ્થળમાં હતા હરિ. ૨૦

લીધું દાતણ વણપુછે જેહ, મનમાં આવ્યું સાંભરી તેહ;

એ તો ચોરિ કરી કહેવાય, એવું જાણી અતી પસતાય. ૨૧

હરિને કહ્યું જોડીને હાથ, હું તો નિયમ ચુક્યો છું નાથ;

પુછ્યા વગર મેં દાતણ લીધું, તે તો કામ ચોરી તણું કીધું. ૨૨

એહ પાપ નિવારણ થાય, પ્રભુ એવો બતાવો ઉપાય;

સુણી બોલીયા સુંદરશ્યામ, સંતવર્ણિ જે છે એહ ઠામ. ૨૩

દશ દશ દંડવત સૌને કરો, ભૂલ્યો ભૂલ્યો છું એમ ઉચરો;

હરિભક્તને પણ પંચ પંચ, દંડવત કરો શંકા ન રંચ. ૨૪

તેથી પાપ જશે ઉતરીને, કરશો નહિ એવું ફરીને;

પછી વેરાજીયે તેમ કર્યું, તેનું પાપ તો તેથી ઉતર્યું. ૨૫

બોલ્યા ભક્તિતનુજ ભગવંત, સુણો સૌ સતસંગી ને સંત;

વાત કરજો આ સઘળે પ્રસિદ્ધ, ચોરી કરવી નહિ કોઇ વિધ. ૨૬

ધણિયાતું જે દાતણ જેવું, તેને પૂછ્યા વિના નવ લેવું;

સગા બાપની પણ ચીજ એવી, તેની મરજિ વિરુદ્ધ ન લેવી. ૨૭

છાની રીતે જે ચોરીને લેશે, જમ તેને ઘણો દંડ દેશે;

કોઇ ચોરી કરી એવી રીતે, વાવરે પ્રભુ અર્થે જો પ્રીતે. ૨૮

પ્રભુનો કોપ તે પર થાય, નિશ્ચે તે જન નરકમાં જાય;

પ્રભુને અતિ વાલો છે ધર્મ, મનમાં એવો જાણવો મર્મ. ૨૯

પ્રભુનો ભરવાને ભંડાર, કરે ધર્મનો ભંગ લગાર;

જાણવો જન તે મહાપાપી, ભલે હોય તપસ્વિ તથાપી. ૩૦

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમતનુજ ધર્મ થાપવાને, ધરિ નરદેહ અધર્મ કાપવાને;

હરિજન થઈ પાપ પંથ જાય, હરિજન તેહ નહિ કદી ગણાય. ૩૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકારિયાણીપુર-વિચરણનામ તૃતીયો વિશ્રામઃ ॥૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે