કળશ ૮

વિશ્રામ ૩૦

ઉપજાતિવૃત્ત

શિલ્પી જનોને સિરપાવ દૈને, પ્રાસાદથી પશ્ચિમ પાસ જૈને;

હે ભૂપ જ્યાં છે શુભ છત્રિ આજ, તહાં બિરાજ્યા વૃવંશરાજ. ૧

શોભીત સિંહાસન ત્યાં વરિષ્ઠ, હતું હરીના જનને અભીષ્ટ;

તે માંહિ ગાદી તકિયો ધરાવી, બિરાજિયા નાથ તહાં જ આવી. ૨

ત્યાં કૃષ્ણના સામિ સભા ભરાણી, બેઠા મુની શાસ્ત્રિ તથા પુરાણી;

વર્ણી તણાં વૃંદ ગૃહસ્થ વૃંદ, બેઠા સહૂ ત્યાં થઈને સ્વચ્છંદ. ૩

કૃપાનિધીયે કરતાળિ પાડી, કહી ભલી વાત ભુજા ઉપાડી;

સુણો તમે સેવક સૌ અમારા, વાર્તા કહું છું હિતની તમારા. ૪

અથ શ્રીલક્ષ્મીનારાયણાદિ મહિમાકથન

આ મંદિરે સ્થાપિત રૂપ જેહ, છે પૂજવા જોગ્ય સમસ્ત તેહ;

એ તો સહૂ છે અવતાર મારા, અર્ચ્યા થકી વાંછિત આપનારા. ૫

તે માંહિ મૂર્તિ વળિ વાસુદેવ, તથા હરીકૃષ્ણ તણી અભેવ;1

એ બેયમાં ભેદ કશો ન જાણો, પ્રત્યક્ષ મારી મુરતી પ્રમાણો. ૬

તેમાં રહી હું સુખ સર્વ દૈશ, પૂજા કરે તે પણ માનિ લૈશ;

એ મૂર્તિ દ્વારે અગણીત કેરું, કલ્યાણ થાશે જગમાં ઘણેરું. ૭

પ્રત્યક્ષ દેખે મુજને ન જેહ, તે મૂર્તિનું ધ્યાન કરે જ તેહ;

જો માનસી પૂજન તેનું થાય, પ્રત્યક્ષ પૂજા સમ છે સદાય. ૮

આ લક્ષ્મીનારાયણરૂપ જે છે, શ્રી દ્વારિકાધીશ સ્વરૂપ તે છે;

ઇત્યાદિ મારા અવતાર જાણી, પૂજો ધરો ધ્યાન ઉમંગ આણી. ૯

મેં મૂર્તિયો સ્થાપિત જેહ સ્થાને, જે તેહને આદરથી ન માને;

ન જાણવો આશ્રિત તે અમારો, તે તો મરીને નરકે જનારો. ૧૦

આ તીર્થમાં જો મન ભાવ લાવી, કોઈ કરે તીરથ શ્રાદ્ધ આવી;

તેના બધા પૂર્વજ મોક્ષ પામે, જાત્રા થકી અક્ષય સૂખ જામે. ૧૧

પ્રત્યેક માસે તિથિ પૂર્ણિમાએ, જો આ સ્થળે નિયમથી અવાયે;

આ દેવનાં દર્શન એહ ટાણે, કર્યા થકી સિદ્ધિ અભીષ્ટ માણે. ૧૨

જો કોઇ શ્રીભાગવતાદિ કેરા, કરાવશે પાઠ અહીં ઘણેરા;

જપાવશે જો મુજ મંત્રજાપ, તો તેહ તેને ફળશે અમાપ. ૧૩

જો દ્વાદશી આદિ તણે દહાડે, સુસંતને કે દ્વિજને જમાડે;

સુપાત્રને દાન કદાપિ દેશે, તે તો મનોવાંછિત અર્થ લેશે. ૧૪

જ્યાં જ્યાં ફર્યો હું સ્થળ તેહ જાણે, જાત્રા કરે આંહિ વિધિ પ્રમાણે;

તેનાં બધાં સંચિત પાપ જાય, કાયા ધરી તેહ કૃતાર્થ થાય. ૧૫

એવી રિતે વાત વિશેષ કીધી, સુણી સહૂયે મન ધારિ લીધી;

પછી પ્રભૂયે ચિતમાં વિચારી, બોલાવિયા નૈષ્ઠિક બ્રહ્મચારી. ૧૬

નારાયણાનંદ પ્રમુખ્ય જાણો, ને માધવાનંદ બિજા પ્રમાણો;

ત્રિજા તણું તો રણછોડ નામ, તેને કહે છે તહિં મેઘશ્યામ. ૧૭

હે વર્ણિ છો આપ સુધર્મવાળા, જરૂર જીતેંદ્રિય મેં નિહાળ્યા;

તપસ્વિ છો ને રસને તજો છો, નિષ્કામિ થૈને મુજને ભજો છો. ૧૮

સદૈવ આ મંદિરદેવ સેવા, જરૂર છાજે2 શુચિ આપ જેવા;

માટે રહી આ સ્થળ એહ દેહે, સેવા સજો દેવ તણી સનેહે. ૧૯

ધર્મી ભલા પૂજક હોય જ્યાંય, રહે તહાં દૈવત દેવમાંય;

અધર્મિના સ્પર્શ થકી જરૂર, દેવો તણું દૈવત જાય દૂર. ૨૦

અધર્મિનો સ્પર્શ અશુદ્ધ લાગે, ચાંડાળથી બ્રાહ્મણ જેમ ભાગે;

કામી રસાસ્વાદિ હરામિ સેવે, તે મૂર્તિમાં વાસ વસે ન દેવે. ૨૧

સૌ આજ તો જોઈ ભલા લહું છું, ભવિષ્ય માટે પણ હું કહું છું;

રાખો અહીં પૂજક વર્ણિ કેવા, નિઃસ્વાદિ નિર્માનિ અકામિ એવા. ૨૨

જે દેવ કેરો મહિમા ન જાણે, સેવ્યાનિ શ્રદ્ધા ઉરમાં ન આણે;

એવાનિ સેવા અમને ન ભાવે, ઉદાસતા અંતર માંહિ આવે. ૨૩

શ્રીમંત રાજા અતિ અંબરીષ, સ્વહસ્ત સેવા કરતો અધીશ;

એવી જ શ્રદ્ધા ઉર હોય જેને, સેવા તણો છે અધિકાર તેને. ૨૪

શાસ્ત્રી વડો કે ગુણવાન કોય, સેવા તણો જે અધિકારિ હોય;

સ્વહસ્ત સેવા હરિની કરે છે, માહાત્મ્ય મોટું મનમાં ધરે છે. ૨૫

દેહાભિમાની બટુ3 જેહ થાશે, કરાવશે પૂજન શિષ્ય પાસે;

પોતે ગુરૂ થૈ સુખ સર્વ માણે, પૂજા પ્રભૂની શિર વેઠ4 જાણે. ૨૬

માની થકી પૂજન તો ન થાય, કે થાળ માનીથિ નહીં કરાય;

સન્માર્જની5 માનિ કરે6 ન ધારે, તો પાપ તેનાં પ્રભુ શું નિવારે. ૨૭

સેવા વિષે સ્નેહ ન હોય જેને, સત્સંગિ જાણો નહિ કોઇ તેને;

એ તો વડો નાસ્તિકનો જ રાજ, વર્ણી થયો તે નિજ પેટ કાજ. ૨૮

એવાનું જ્યારે અપમાન થાય, તે વૈર લેવા ચિતમાં ચહાય;

તે દેવનો માલ લુંટાવિ દેશે, કાં તો દગો દૈ દિલ શાંતિ લેશે. ૨૯

તે તો મરીને નરકે જ જાય, કે જીવતો રાક્ષસ રૂપ થાય;

તે દેવ સાથે બહુ દ્વેષ રાખે, ભલા ગુરૂના પણ દોષ ભાખે. ૩૦

જે ભૂખના દુઃખથિ વર્ણિ થાય, તેણે રસાસ્વાદ નહીં જિતાય;

પછી પ્રસાદી પણ ખાય ચોરી, એવી કરે મોટિ હરામખોરી. ૩૧

જે દેવને વસ્તુ ધરી ન હોય, તે બ્રહ્મચારી પણ ખાય તોય;

ખરેખરો નાસ્તિક તે ગણાય, મુવા પછી મર્કટ તેહ થાય. ૩૨

જેના થકી સ્વારથ સાધિ લેશે, તેને પ્રસાદી પણ ગુપ્ત દેશે;

તે તો મરીને જનમે બિલાડો, કાં તો પખાલીઘર થાય પાડો. ૩૩

જો મંદિરે સ્ત્રી પર દૃષ્ટિ ધારે, તેનું મહાપાપ ઘણું વધારે;

જો કલ્પકોટી નરકે વસાય, તથાપિ તે પાપ નહીં છૂટાય. ૩૪

દેવાલયે ઉત્સવ હોય જ્યારે, આવે સ્ત્રિયો દર્શન કાજ ત્યારે;

જો દૃષ્ટિને વશ્ય નહીં રખાય, તો વર્ણિ ત્યાં તેણ સમે ન જાય. ૩૫

સંકલ્પથી કાંઇ કરાય પાપ, વર્ણી કરે તો ઉપવાસ આપ;

કરે નહીં તો અઘ7 વજ્રલેપ, તે થાય તેનો ન ટળે જ ચેપ. ૩૬

સ્ત્રિયાદિનો અંતર ઘાટ હોય, મૂર્તિ તણો સ્પર્શ કરે જ તોય;

તે વર્ણિ ચાંડાલ થશે મરીને, જૈ કુંભિપાકે પડશે ફરીને. ૩૭

જેને દિલે છે વિષયોનું ઝાળ, તેનો ધર્યો દેવ જમે ન થાળ;

ચાંડાળનું ભોજન હોય જેમ, જમે નહીં બ્રાહ્મણ કોઈ તેમ. ૩૮

રજોગુણી પૂજન તો કરાય, પોતે રહે સત્ત્વગુણી સદાય;

જડત્વ રાખે ભરતાખ્ય જેવું, જો હોય કલ્યાણ જરૂર લેવું. ૩૯

શૃંગાર સારા સુરને ધરાવે, ખામી રહે તો નહિ ખોટ આવે;

જો બ્રહ્મચર્યવ્રત કાંઈ ભૂલે, તો જન્મનાં પુણ્ય તમામ ડૂલે.8 ૪૦

જે દેવ કેરી મરજાદ તોડી, મનુષ્ય કોઈ સહ નેણ જોડી;

ગમાર જે ગ્રામ્ય કથા કરે છે, તે જન્મ મુંગા જનનો ધરે છે. ૪૧

આ વાત સૌ અંતર ધારિ લેજો, તપાસી સેવા અધિકાર દેજો;

જો તેહમાં દૂષણ કાંઈ દેખો, કાઢી મુકો શ્વાન સમાન લેખો. ૪૨

રાજા તણા જેહ હજૂરિ દાસ, કેવા ધરે છે ઉરમાં ઉલાસ;

પ્રભૂનિ સેવા તણિ પ્રાપ્તિ હોય, તે ભાગ્યશાળી નહિ તુલ્ય કોય. ૪૩

એવી સુણી શ્રીમુખ કેરિ વાત, નમ્યા પ્રભુને પદ વર્ણિવ્રાત;9

આજ્ઞા કરી તે ધરિ સર્વશીશ, એથી થયા પૂર્ણ પ્રસન્ન ઈશ. ૪૪

તે દ્વાદશીથી દિન ચાર રાય, જમીડિયા બ્રાહ્મણ સંત ત્યાંય;

ત્યાં દક્ષિણા બ્રાહ્મણને વિશેષ, દીધી દયાળૂ હરિ અક્ષરેશ. ૪૫

જ્યાં ધર્મશાળા શુભ સંત કેરી, ત્યાં પંક્તિ થાતી મુનિની ઘણેરી;

સંતો તણી પંગત થાય જ્યારે, પોતે પ્રભૂ પીરસવા પધારે. ૪૬

નાનાવિધિનાં પકવાન્ન મિષ્ટ, મહાપ્રભૂજી પિરસે અભીષ્ટ;

પ્રભુ તણી તેહ પ્રસાદિ જાણી, બ્રહ્માદિ ઇચ્છે ઉર ભાવ આણી. ૪૭

સાંઝે ભલી શ્રેષ્ઠ સભા ભરાય, ત્યાં જ્ઞાનની વાત વિચિત્ર થાય;

સત્સંગિયો પૂજન કાજ આવે, સુવસ્ત્રને ભૂષણ તે ધરાવે. ૪૮

વડોદરાના જન નારુપંત, સત્સંગિ સારા બહુ બુદ્ધિમંત;

તેડાવિ તેણે નિજને ઉતારે, પૂજા કરીને ધરિ ભેટ ભારે. ૪૯

જ્યાં ઊતર્યાતા જનસંઘ જેહ, તહાં પ્રભૂને પધરાવી તેહ;

પૂજા કરી ભેટ ધરી અપાર, કૃપાનિધાને કરિ અંગિકાર. ૫૦

સત્સંગિ વૃત્તાલયવાસિ જેહ, ઉત્સાહિ છે અંતર માંહિ તેહ;

તેણે પ્રભૂને નિજ ઘેર ઘેર, તેડાવિ પૂજ્યા બહુ રૂડિ પેર. ૫૧

લીધાં સહૂયે સુખ જેહ રાય, તે સર્વ જીભે વરણ્યાં ન જાય;

લે છે સુખો અક્ષરમુક્ત જેવાં, લીધાં જને ભૂતળ માંહિ તેવાં. ૫૨

સભા વિષે ત્યાં વળિ એક ટાણે, બેઠા મહારાજ રિતી પ્રમાણે;

વડોદરાના જન તેહ ઠામ, આવ્યા મળીને કહ્યું તેહ નામ. ૫૩

છે મુખ્ય તેમાં નર નારુપંત, ને નાથજી તે પણ બુદ્ધિમંત;

છે લક્ષમીરામજિ લાલ છોટા, તે તો કહ્યા મેં હરિભક્ત મોટા. ૫૪

ઇત્યાદિ સૌયે પ્રભુ પાસ આવી, સ્નેહે નમીને વિનતી સુણાવી;

પ્રભુ અમારા પુર માંહિ પુષ્ટ, વેરાગિ જે છે મતવાદિ દુષ્ટ. ૫૫

સત્સંગિથી વાદ વિવાદ માંડે, પાછા પડે તોય ન વાદ છાંડે;

ભણ્યા વિના પંડિત થૈ રહે છે, સભા ભર્યાનું અમને કહે છે. ૫૬

માટે ભણેલા મુનિરાજ કોય, સભા જિતે એમ સમર્થ હોય;

તે મોકલો આપ વડોદરામાં, સમાસ થાશે બહુ આ સમામાં. ૫૭

પછી પ્રભૂયે મુનિ મુક્ત નામ, તેને ભળાવ્યું શુભ એહ કામ;

કહ્યું તમે મંડળ સાથ લૈને, કરો કથા વાત તહાં જ જૈને. ૫૮

ગયા મુનિ વેણ ચડાવિ માથે, વડોદરાના સતસંગિ સાથે;

આવ્યા હતા સંઘ અનેક જેહ, વિદાય કીધા હરિયે જ તેહ. ૫૯

વાટે જતાં ઉત્સવ કેરી વાત, કરે વખાણી સતસંગિવ્રાત;

સૌથી વડો ઉત્સવ તે વિશેષ, વિખ્યાત વાતો થઈ દેશદેશ. ૬૦

શ્રીઅક્ષરાનંદ મુનીંદ્ર પાસ, પ્રભૂજિયે વેણ કર્યું પ્રકાશ;

આ ધામથી ઉત્તર માંહિ જ્યાંય, આંબા ઘણા બેઠક છે તહાંય. ૬૧

છે ધારુ નામે સર જેહ છોટું, ખોદાવીને તે કરજો જ મોટું;

બોલ્યા મુનીજી નમિ તેહ ટાણે, કરાવશું નાથ કહ્યા પ્રમાણે. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

કરિ હરિ વરતાલમાં પ્રતિષ્ઠા, પરમ કથા જનપાવની વરિષ્ઠા;10

મન ધરિ સુણશે તથા કહેશે, ઇહ11 પરલોક સદા સુખી રહેશે. ૬૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીલક્ષ્મીનારાયણપ્રતિષ્ઠાંતે-દેવપૂજકધર્મનિરૂપણનામ ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે