કળશ ૮

વિશ્રામ ૩૧

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;

સુરતમાં હરિ સંચર્યા, હવે તેહ સુણાવું વાત. ૧

ચોપાઈ

દેવ લક્ષ્મીનારાયણ જ્યારે, સ્થાપ્યા શ્રીવરતાલમાં ત્યારે;

ધજા ચડાવતાં તેહ સ્થાન, સુરતીને દીધું વરદાન. ૨

અમે આવશું સુરત શેહેર, કરશું તહાં લીલા લહેર;

પાળવા તે પોતાનું વચન, કહે સુરતના હરિજન. ૩

અહો શ્રીહરિ સૂરત ચાલો, વરદાન દીધું છે તે પાળો;

કહે શ્રીહરિ આવશું અમે, જાઓ આગળથી તહાં તમે. ૪

કહી એ રિતે કીધા વિદાય, આવિ કાર્તિક વદ દ્વિતિયાય;

ચાલ્યા વરતાલથી વૃષનંદ, લીધાં સંઘાતે સંતનાં વૃંદ. ૫

સાથે ધર્મ તણો પરિવાર, લધા કાઠિ સખા અસવાર;

સાથે શાસ્ત્રી લિધા શોભારામ, વટપત્તનમાં જેનું ધામ. ૬

રુડા શાસ્ત્રી બિજા રઘુનાથ, લીધા શ્રીજીયે તેઓને સાથ;

નિત્યાનંદ આદિક જે ભણેલા, લીધા સદ્‌ગુરુઓ પણ ભેળા. ૭

બોચાસણમાં રહ્યા જઇ રાત, ત્યાંથિ પરવર્યા ઊઠિ પ્રભાત;

ગયા દેવાણ ધર્મદુલારો, કર્યો દરબાર માંહિ ઉતારો. ૮

રહ્યા ત્યાંથિ કારેલિયે રાત, સઘળો સંઘ લૈને સંઘાત;

સરોવર થકિ દક્ષિણમાંય, ત્રિભૂવનપતિ ઊતર્યા ત્યાંય. ૯

હરિજન રઘુનાથ પટેલ, તેની પત્નિ નામે બાઈ વેલ;

દીધી સંતોને તેણે રસોઈ, રુડો અવસર ઉત્તમ જોઈ. ૧૦

અયોધ્યાપ્રસાદે રઘુવીરે, કર્યો થાળ તૈયાર તે ધીરે;

વળી ગોપાળજી મહારાજે, કરી બાટિયો શ્રીહરિ કાજે. ૧૧

જમ્યા જીવન જગત આધાર, જમ્યો ધર્મ તણો પરિવાર;

નિજ ઘેરે તેડી ઘનશ્યામ, પૂજા કીધિ પટેલે તે ઠામ. ૧૨

જ્ઞાનની વાત ત્યાં ઘણિ કરી, બીજે દિવસ ચાલ્યા ત્યાંથિ હરી;

ગયા ગિરધર ગજેરે ગામ, વિપ્ર કાળુ રહે તેહ ઠામ. ૧૩

વિનતી તેણે રાખવા કરી, પણ ત્યાં તો ટક્યા નહિ હરી;

અણખી ગામની સિમમાંય, વાંસ નામે તળાવ છે ત્યાંય. ૧૪

સ્નાન આદિ કર્યું તેહ ઠામ, ગયા ત્યાં થકિ અણખી ગામ;

ત્યાંના હરિજન હરખ્યા અપાર, પૂજ્યા પ્રેમથિ પ્રાણઆધાર. ૧૫

પછી મા’નુભાવાનંદ પાસ, એમ બોલિયા શ્રીઅવિનાશ;

પત્ર સૌ સંતને મોકલાવો, શેહેર સૂરતે સૌને તેડાવો. ૧૬

પાંચસે સંત જો ભેળા થાય, ત્યાંના હરિજન બહુ હરખાય;

ઘણો સામાન કીધો છે ત્યાંય, થોડા સંતે નહીં રાજી થાય. ૧૭

વરતાલ છે સંત પચાસ, મોકલો તહાં માઘવદાસ;

બીજા જ્યાં હોય ત્યાંય સિધાવે, સૌને તેડિને સૂરત આવે. ૧૮

કહ્યું માધવદાસને જ્યારે, ગયા માધવદાસ તે ત્યારે;

ગયા આમોદ શ્રીમહારાજ, ત્યાં તો આવિ મળ્યો તે સમાજ. ૧૯

વડ હેઠ બિરાજિયા વાલો, ધર્મરક્ષક ધર્મનો લાલો;

હતા ત્યાં શેઠ હરજીવન, કર્યાં તેણે આવી દરશન. ૨૦

વિનતી તેણે રહેવાનિ કરી, ત્યારે બોલ્યા કૃપા કરિ હરી;

રસોઇ કરાવો તમે ઘેર, સંત સૌ જમશે શુભ પેર. ૨૧

થૈશું આગળ ચાલતા અમે, ચવેણું આપો સ્વારોને તમે;

અતિ આગ્રહ શ્રીજીનો જાણી, બરફી મમરા આપ્યા આણી. ૨૨

હરિભક્ત વળાવિને વળિયા, ચાલ્યા શ્રીહરિ સ્વારને મળિયા;

બુવા ગામ ભણી જતાં ત્યાંય, આવ્યો વિસામો મારગમાંય. ૨૩

બરફી જમ્યા ત્યાં બેસી નાથ, પછી સંચર્યા અસવાર સાથ;

અસવાર તો મારગમાંય, બરફી મમરા ખાતા જાય. ૨૪

અસવાર થઈ નાગમાલો, એ તો સર્વેથિ આગળ ચાલ્યો;

જુદા મારગ બે પડ્યા જ્યાંય, ઉભો દીઠો પુરુષ એક ત્યાંય. ૨૫

બૂવા ગામનો મારગ જાતાં, પૂછ્યો તેહને મમરા ખાતાં;

બોલ્યા ઊતાવળા તે અથાગ, ભાઈ મમરાનો કિયો માર્ગ. ૨૬

દાદા ખાચર બોલ્યા તે વારે, માર્ગ મમરાનો મુખ તારે;

નથી મારગ તે કાંઈ છાનો, પૂછો મારગ ગામ બૂવાનો. ૨૭

હસ્યા તે સુણિ સૌ અસવાર, હસ્યા કોટિ જગતકરતાર;

પછિ મારગ પુછિ સંચરિયા, પ્રભુ ગામ બુવે પરવરિયા. ૨૮

હતો પીપળો ભાગોળ માંય, બેઠા જૈને મહાપ્રભુ ત્યાંય;

હરિભક્ત આવ્યા તે ઠામ, તેઓમાં કહું મુખ્યનાં નામ. ૨૯

કાનદાસ ને ગુલાબભાઈ, દાસ ઈશ્વર ને દરુભાઈ;

નરસીદાસ ને લાલદાસ, દાજિભાઈ ને ભવાનીદાસ. ૩૦

દાસ કરશન ને વેરિભાઈ, અજુભાઈ બે આવિયા ધાઈ;

સામા એહ આદિ સહુ આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ૩૧

કાનદાસ તણી ડેલીમાંય, ઉતર્યા અક્ષરેશ્વર ત્યાંય;

હતા સંત તથા બ્રહ્મચારી, મેડા ઉપર કીધિ પથારી. ૩૨

કાઠીયોને જેને ઘટે જેવા, આપ્યા સૌને ઉતારા તો એવા;

કાનદાસજિને કહે માવો, ખીચડી રોટલા જ કરાવો. ૩૩

કાનદાસ બોલ્યા રુડિ પેર, કોઇ આવે છે જન અમ ઘેર;

ત્યારે મિષ્ટાન ભોજન થાય, રોટલા ન કદી પિરસાય. ૩૪

તમે રાજા તણા અધિરાજ, કેમ રોટલા કીજિયે આજ;

એવી વાત કરે છે જ્યાં કાંઈ, આવ્યા આમોદથી મોટાભાઈ. ૩૫

એ તો આમોદ કેરા અમીન, નામ નરહરદાસ પ્રવીન;

તેણે જાણ્યું જે શ્રીહરિ આવ્યા, તેથી વસ્ત્ર ભલાં ભલાં લાવ્યા. ૩૬

પ્રેમે પૂજવા શ્રીમહારાજ, લાવ્યા ચાદરો સંતને કાજ;

રસોઈ દુધપાકની દેવા, લાવ્યા ચારોળી આદિક મેવા. ૩૭

પ્રણમ્યા પ્રભુને પગે આવી, પુછ્યું શી છે રસોઇ કરાવી;

બોલ્યા મધુર વચન એમ માવો, ખીચડી રોટલા જ કરાવો. ૩૮

ત્યારે બોલિયા નરહરદાસ, વસિયે જ્યારે અક્ષરવાસ;

આપો ખીચડી રોટલા ત્યારે, તે તો નવ પચે પેટ અમારે. ૩૯

પછિ શ્રીહરિએ રજા દીધી, ત્યારે સારિ રસોઇ તે કીધી;

રસોઇનો તે સામાન કરવા, વળિ દાળ ચોખાદિક છડવા. ૪૦

મળિ બાઇયો મંડિ ઉમંગે, તેનાં નામ કહું આ પ્રસંગે;

તેજબા તથા જીબા ગણાય, કાનદાસની પત્નીયો થાય. ૪૧

રુપબા તેનિ પુત્રિનું નામ, જેને વાલા ઘણા ઘનશ્યામ;

દરુભાઈની માતા અવલ, ભગિનિ તો કેસર નિરમળ. ૪૨

બોન જીબા તો પત્નિ પવિત્ર, પ્રભુપદ જેનો પ્રેમ વિચિત્ર;

દત્તાબા ને હરીબા તે બેય, લાલભાઇનિ પત્નિયો છેય. ૪૩

મોટા ગુલાબભાઇનિ માતા, સખબા સહુને સુખદાતા;

કંકુબા અને સાકરબાઇ, તે તો પત્નિયો બેય ગણાઈ. ૪૪

દલબા ને જિબા નામે જેહ, મહા પાવન પુત્રિયો તેહ;

કર્યો સામાન સૌયે તૈયાર, જાણિ જગના જિવન જમનાર. ૪૫

મેડિ ગુલાબભાઈની જ્યાંય, જગ્યા સાફ કરાવિને ત્યાંય;

કર્યો ગોપાળજી મહારાજે, થાળ શ્રીહરિકૃષ્ણને કાજે. ૪૬

ભાળિ ભાવ જમ્યા ભગવાન, ધર્મવંશિ જમ્યા ધર્મવાન;

જમ્યા સંત રસોઇ કરીને, જમ્યા પાર્ષદ પ્રેમ ધરીને. ૪૭

મેડિ ગુલાબભાઇની જ્યાંય, પોઢ્યા હિંડોળે શ્રીહરિ ત્યાંય;

ત્રીજે પોર ઉડ્યા ગિરધારી, સજી ડેલા આગળ સભા સારી. ૪૮

પૂજા ત્યાં કરિ નરહરદાસે, ભેટ સારિ ધરી પ્રભુ પાસે;

વસ્ત્ર ભૂષણ અર્પ્યાં તથાપી, સંતને વળિ ચાદરો આપી. ૪૯

પછી સત્સંગિયે ઘેર ઘેર, કરિ પધરામણી રુડિ પેર;

બીજે દિવસ સવારના નાથ, ગયા નાવા સહુ સંત સાથ. ૫૦

કૂવો દીઠો તળાવમાં ત્યાંય, નાયા બેસી હરી થાળામાંય;

દુલેશ્વર શિવનાં દરશન, કરવા ગયા જગજીવન. ૫૧

પીપળે ચોતરો દીઠો ત્યાંય, બેઠા શ્રીજિ સજીને સભાય;

મતવાદિ બેઠા ઘણા આવી, ત્યારે શાસ્ત્રની ચર્ચા ચલાવી. ૫૨

જંબુસર અને આમોદ કેરા, બેઠા વૈષ્ણવ આવિ ઘણેરા;

વાદ કરવા આવ્યા હરિ સાથે, સૌના સંશય ટાળિયા નાથે. ૫૩

આપ્યા ઉત્તર વિવિધ પ્રકાર, સૌને જીતિ કર્યો જેજેકાર;

પ્રભુ આવિયા ત્યાંથિ ઉતારે, ચાલ્યા તૈયાર થૈ પછિ જ્યારે. ૫૪

આજ મંદિર છે જેહ ઠામ, આવ્યા તે સ્થળ શ્રીઘનશ્યામ;

હૈયામાં હરિ હરખિત હોઇ, ઘોડી ઊભિ રાખી જગ્યા જોઈ. ૫૫

કાનદાસને કહે ગિરધારી, જગ્યા મંદિર જોગ્ય છે સારી;

માટે આ સ્થળ મંદિર કરજો, મારી આજ્ઞા સુણી અનુસરજો. ૫૬

કાનદાસ બોલ્યા પ્રભુ પાસે, હશે આપ ઇચ્છા એમ થાશે;

ત્યાંથી ચાલ્યા પછી ભગવાન, ગયા કેલોદ કરુણાનિધાન. ૫૭

તહાં ભાતું જમ્યા ભલિ રીતે, ગયા ત્યાંથિ ભરૂચમાં પ્રીતે;

દીઠો પીપળો નર્મદા તીર, બેઠા ચોતરે શ્યામશરીર. ૫૮

તહાં હરિજન દર્શને આવ્યા, ભેટ વિવિધ પ્રકારનિ લાવ્યા;

પછી ત્યાંથિ ચાલ્યા જગતાત, અંકલેશ્વર જૈ રહ્યા રાત. ૫૯

વાવ્ય આગળ કીધો ઉતારો, ચાલ્યા વહાણામાં1 ધર્મદુલારો;

ગયા ચોકિયે સુંદર શ્યામ, ગયા ત્યાં થકિ કોશાડ ગામ. ૬૦

કૃષ્ણ ત્યાંથિ કાપોદરે આરે, તાપિ ઊતરિને ગયા પારે;

વદી સપ્તમી ને શનિવાર, જ્યારે દિવસ ચડ્યો ઘડિ ચાર. ૬૧

કાજુ કાર્તિક માસ તે જાણો, સાલ એકાશિમી તે પ્રમાણો;

સૌયે તાપિ વિષે કર્યું સ્નાન, કરી નિત્ય ક્રિયા ભગવાન. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

સરિત સમિપ જોઇ શ્રેષ્ઠ સારો, રુસતમ બાગ વિષે કર્યો ઉતારો;

અવનિ ઉપર ધન્ય એહ બાગ, પ્રભુપદ અંકિત ભૂમિ જેહ ભાગ. ૬૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિતાપીનદીતટે ઋસ્તમબાગે નિવાસનામૈકત્રિંશો વિશ્રામઃ ॥૩૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે