કળશ ૮

વિશ્રામ ૩૨

પૂર્વછાયો

શ્રીહરિ રુસ્તમ બાગમાં, જઇ ઉતર્યા ઉત્તમ પેર;

ત્યાં થકિ દક્ષિણ દિશ વિષે, રહ્યું બે ગાઉ સુરત શહેર. ૧

ચોપાઈ

થયું સૂરત શહેરમાં જાણ, આવ્યા શ્રીહરિ પ્રગટ પ્રમાણ;

દરશન કરવા નરનારી, થયાં હરિજન આતુર ભારી. ૨

હરગોવિંદ નામે પટેલ, અતિશે જ ઉમંગ ભરેલ;

જગજીવન જે મહેતાજી, સુણી તેહ થયા રાજી રાજી. ૩

ભક્ત ગોવિંદ વાળંદ જેહ, ત્રણે જણ આવ્યા બાગમાં તેહ;

પ્રભુને કર્યા દંડ પ્રણામ, પુછ્યું ક્યારે પધારશો શ્યામ. ૪

સુણી બોલિયા શ્રીભગવંત, ઘણા પાછળ રહિ ગયા સંત;

આવતી કાલે આવશે જ્યારે, અમે શેહેરમાં આવશું ત્યારે. ૫

પછિ તે ત્રણ શહેરમાં ગયા, સમાચાર તે સર્વને કહ્યા;

ત્યારે સૌ સતસંગીયો મળી, ચાલ્યા દરશન કરવાને વળી. ૬

લીધો સીધાનો સામાન સાથે, લીધા હાર તોરાદિક હાથે;

મુખ્ય શેઠ તો લક્ષમીચંદ, ભલા સત્સંગિ ભક્ત ગોવિંદ. ૭

મારફતિયા રુડા દયારામ, એહ આદિક ચાલ્યા તમામ;

પ્રભૂને કર્યા આવિ પ્રણામ, સ્નેહે પૂજિયા શ્રીઘનશ્યામ. ૮

અન્યોઅન્ય પુછ્યા સમાચાર, સૌને આનંદ ઉપજ્યો અપાર;

સીધું આપિયું તે લીધું જોઈ, કીધી સર્વને કાજે રસોઈ. ૯

આવ્યાં ત્યાં મહાલક્ષમીબાઈ, લાવ્યાં કૃષ્ણને કાજે મીઠાઈ;

ભાવે ભૂધરને ભેટ કીધી, કૃપાનાથે કૃપા કરી લીધી. ૧૦

આવ્યા માણેકચંદ સુજાણ, તે તો લાવિયા ઘાસ જોગાણ;1

થઈ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા શ્રીજી ને સંત તે વાર. ૧૧

હતો બંગલો તાપિને તીર, થાળ ત્યાં જમ્યા શ્યામશરીર;

પોઢ્યા ત્યાં જ કૃપાના નિધાન, થોડી વારે જાગ્યા ભગવાન. ૧૨

અરદેશરજી તણો પત્ર, આવ્યો એ અવસર માંહિ તત્ર;

પ્રભુ કાલે થશે રવિવાર, કચેરી ન કરે સરકાર. ૧૩

તેથિ સર્વે જનો સરકારી, સામા આવશું લૈને સવારી;

આપશું ઉતારી શેહેરમાંય, લાલકરશનની વાડિ માંય. ૧૪

પછિ ઉત્તર એનો લખાવ્યો, તમે ઠીક વિચાર ઠરાવ્યો;

દાળિયા હરિજન દયારામ, નવો મેનો2 લાવ્યા તે ઠામ. ૧૫

ભગવાનને ભેટ તે દીધો, કૃપાનાથે અંગિકાર કીધો;

તેમાં બેસિને સૌ જન સાથ, નિલકંઠે ગયા મુનિનાથ. ૧૬

મહાદેવનાં દર્શન કરી, તહાં વાતો કરી સભા ભરી;

પછિ પોઢિયા જૈને ઉતારે, શ્રીજી તાપીમાં નાયા સવારે. ૧૭

જળક્રીડા કરી સખા સંગે, પછિ વસ્ત્ર રુડાં ધર્યાં અંગે;

એવે અવસરે થૈ એક વાત, ત્યાંના તીર્થદેવો સાક્ષાત. ૧૮

પ્રભુનું ચરણોદક પીધું, પછિ સ્તવન તાપી તણું કીધું;

નાયા પુરુષોત્તમ મહારાજ, તાપી થૈ તું કૃતારથ આજ. ૧૯

શાલિની

ક્રોધી કામી કોઇ વામી હરામી, વેશ્યાગામી કે સદાચારખામી;

તુંમાં નાયી જાય છે પાપ આપી, થૈ નિષ્પાપી આજ તાપી પ્રતાપી. ૨૦

તીર્થો જેના પાવનો સ્પર્શ ઇચ્છે, કીર્તી જેની પાર્વતીનાથ પ્રીછે;

તેણે તારાં નાંખિયાં પાપ કાપી, થૈ નિષ્પાપી આજ તાપી પ્રતાપી. ૨૧

જેને જોવા જોગિયો મંત્ર જાપે, જેને જોવા તાપ પંચાગ્નિ તાપે;

તેણે તારે શીશ સદ્‌દૃષ્ટિ થાપી, થૈ નિષ્પાપી આજ તાપી પ્રતાપી. ૨૨

કૃષ્ણે તારા નીરમાં સ્નાન કીધું, પ્યારી જાણી પ્રીતથી પાણી પીધું;

રે’શે તારી વિશ્વમાં કીર્તિ વ્યાપી, થૈ નિષ્પાપી આજ તાપી પ્રતાપી. ૨૩

ચોપાઈ

તીર્થદેવ કહે સુણ તાપી, અહીં સ્નાન જે કરશે કદાપી;

તેનાં પાપ સકળ બળી જાશે, દાનનૂં ફળ શત ગણું થાશે. ૨૪

તીર્થદેવે સ્તુતિ એમ કરી, સૂર્યસુતાયે3 શ્રવણે ધરી;

પછી શ્રીજિ તહાંથિ સિધાવ્યા, સાથે સંત હરીજન આવ્યા. ૨૫

મહાદેવ અશ્વનીકુમાર, તેનાં દર્શન કીધાં તે વાર;

ગુપ્તેશ્વર અને રામનાથ, સોમનાથ ગયા સહુ સાથ. ૨૬

એમ દેવનાં દર્શન કરી, આવ્યા રુસ્તમ બાગમાં હરી;

સંતો રસ્તે રહ્યા હતા જેહ, આવ્યા એ સમે સૌ તહાં એહ. ૨૭

દક્ષણી એક તો હરિભાઈ, બીજા તો ઇસુજી આવ્યા ધાઈ;

તેણે સંતોને દીધી રસોઈ, બોલ્યા જીવન તે સમે જોઈ. ૨૮

અહો સંતો સુણો એહ વાર, સદ્ય કરજો રસોઈ તૈયાર;

જાવું છે આજ સૂરતમાંય, માટે જમતાં વિલંબ ન થાય. ૨૯

સુણી સંતે તે સામાન લીધો, પછી પાકનો આદર કીધો;

નિષ્કુળાનંદે બાગ મોઝાર, કર્યો હિંડોળો સરસ તૈયાર. ૩૦

હતી આંબલી એક વિશાળે, બાંધ્યો હિંડોળો તેહની ડાળે;

તહાં શ્રીજીને સંતે ઝુલાવ્યા, સર્વ હરિજન દર્શને આવ્યા. ૩૧

થયો તે સમે થાળ તૈયાર, જમ્યા જૈને જગત કરતાર;

સંતને રુડિ રીતે જમાડ્યા, શ્યામે સૌને સંતોષ પમાડ્યા. ૩૨

પછી બેઠા સભા સજી સારી, કહ્યાં શિક્ષાનાં વચન ઉચ્ચારી;

સુણો સૂરતના હરિજન, સંપ રાખજો સૌ અન્યોઅન્ય. ૩૩

કોઇને ઘેર મેમાન જાય, તેના ઘરમાં જો સંપ દેખાય;

ત્યારે મેમાન પામે ઉલ્લાસ, વસે વધતા દિવસ તહાં વાસ. ૩૪

દેખે ઘરમાં કુસંપ તે જ્યારે, ચાલિ નીસરે મેમાન ત્યારે;

તેમ સંપ જો રાખશો તમે, રહેશું વધતા દિન અમે. ૩૫

હરિભક્તને જાણવા કેવા, ધ્રુવ પ્રહ્લાદ અમરિષ જેવા;

મહિમા એવો જ્યારે જણાય, માંહો માંહિ કુસંપ ન થાય. ૩૬

મહિમા સમઝે નહિ જ્યારે, ઇરષા આવે અંતરે ત્યારે;

મહિમા સમજ્યા વિના ભાઈ, થાય વિક્ષેપ સત્સંગિ માંઈ. ૩૭

ઉપજાતિવૃત્ત (હરિભક્તોમાં સંપ રાખવા વિષે)

ન સંપ રાખે સતસંગિ થૈને, શું જ્ઞાન પામ્યા સતસંગ લૈને;

તીર્થે જઈ પાપ તજ્યું ન જ્યારે, શી તીર્થજાત્રા કરિ તેહ ત્યારે. ૩૮

સંતાન જો સંપિ વસે સદાય, માતાપિતા તે થકિ રાજિ થાય;

કુસંપિ જો તેહ કરે કલેશ, માતાપિતા રાજિ રહે ન લેશ. ૩૯

સત્સંગિમાં સંપ દિસે સદાય, તો દેખિને ઈશ્વર રાજિ થાય;

કદાપિ જો તેહ કુસંપ દેખે, તો ભક્ત સારા પ્રભુજી ન લેખે. ૪૦

સત્સંગિનો જો મહિમા મનાય, કદાપિ તો કેમ કુસંપ થાય;

જો મેઘ મોટાં ઘર પાડિ નાખે, તથાપિ ઇચ્છા ઘન કેરિ રાખે. ૪૧

સંસારમાં જે સમજૂ ગણાય, વેઠે ઘસારો પણ સંપ ચા’ય;

તો જ્ઞાન પામી નહિ સંપ રાખે, તેને કહો કોણ સુભક્ત ભાખે. ૪૨

પ્રીતિ તજે તુચ્છ પદાર્થ માટે, કે સંપ છોડે અભિમાન સાટે;

તો જાણવો તે જન બુદ્ધિહીન, વેઠે પછી કષ્ટ મહા કઠીન. ૪૩

સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગની વૃદ્ધિ વિશેષ થાશે;

સત્સંગથી સંપ જશે જ જ્યારે, દશા જણાશે પડતી જ ત્યારે. ૪૪

માટે કરો જો મુજને પ્રસન્ન, કુસંપ ક્યારે ધરશો ન મન;

જો કોઇ જાણો મહિમા અમારો, તો ભક્ત મારા પર પ્રેમ ધારો. ૪૫

ચોપાઈ

બોલ્યા હરિજન સૌ જોડિ હાથ, સંપિ ચાલશું હે દિનાનાથ;

કદિ કોઈનો આવ્યો અભાવ, ક્ષમા કરજો તે નટવર નાવ. ૪૬

પછિ અકેકે પાસે બોલાવી, પ્રભુજીયે પ્રતિજ્ઞા અપાવી;

બોલ્યા સૌ પ્રણમી પ્રભુ પાય, સંપી ચાલશું નાથ સદાય. ૪૭

મુક્તાનંદ પ્રત્યે કહે માવો, બંદોબસ્ત કરો તમે આવો;

કોઈ સંતના મંડળ માંઈ, વસ્તુ કોઈને જોઈયે કાંઈ. ૪૮

કહે તે નિજ સદ્‌ગુરુ આગે, સતસંગિ પાસે નવ માગે;

તમે સંત મળિને સમસ્ત, સારો એવો કરો બંદોબસ્ત. ૪૯

મુક્તાનંદજી આસને ગયા, સંત સર્વ ત્યાં એકઠા થયા;

કહે મુક્તમુની સુણો સંત, તમે છો સર્વ વૈરાગ્યવંત. ૫૦

ચકૂ4 કાતર દોરા કે સોય, વસ્તુ કોઇને જોઇતી હોય;

નહિ માંગવિ સત્સંગિ પાસે, એવી આજ્ઞા કરી અવિનાશે. ૫૧

હોય મંડળમાં ગુરુ જેહ, તેનિ પાસે જ માગવિ તેહ;

ગુરુઓને જો જોગ્ય જણાશે, માગશે સ્વામિ આનંદ પાસે. ૫૨

સતસંગિમાં મુખ્ય જે હશે, સ્વામી આનંદ તેને કહેશે;

વસ્તુ આપશે તેહ મંગાવી, ગમે છે હરિને રિત આવી. ૫૩

પણ જેનિ તેની પાસે માગે, માગનારનું માન તે ભાગે;

વળી સંત તે લોભિ જણાય, આપનારને સંશય થાય. ૫૪

એવી રીતે કરી બંદોબસ્ત, શ્રીજીને કહિ વાત સમસ્ત;

સુણી રાજિ થયા મહારાજ, જાણ્યું શુદ્ધ છે સંત સમાજ. ૫૫

ત્રીજો પો’ર થયા પછિ જ્યારે, આવિ અસ્વારિ સન્મુખ ત્યારે;

અરદેશરજી કોટવાળ, જેનિ કીર્તિ વિશેષ વિશાળ. ૫૬

જેને માન આપે સરકાર, વળિ આપ્યો ઉંચો અધિકાર;

કર્યું સરકારનું સારું કામ, જેથિ તેને મળ્યાં ચાર ગામ. ૫૭

અંગરેજી ભણેલ તે પૂરો, નહીં ફારશિ માંહિ અધૂરો;

મોટા મોટા ગવર્નર જેવા, ઇલકાબ5 આપે ભલા એવા. ૫૮

જેને ખાનબહાદુર6 કહે, રાજિ કંપનિ સરકાર રહે;

કારભારિ થયા અને થાશે, એના જેવો તો એ જ ગણાશે. ૫૯

જેનિ બુદ્ધિનો પરમ પ્રકાશ, તે છે શ્રીજિનો દાસાનુદાસ;

સાથે મંડળ લૈ સરકારી, આવ્યા તેહ સજી શુભ સ્વારી. ૬૦

કોઇ દફતરદાર7 ગણાય, શિરસ્તેદાર8 કોઇ લખાય;

મુનસફ9 અને સદર10 અમીન, કોઈ વકિલ વિશેષ પ્રવીણ. ૬૧

રસાલાના આવ્યા અસવાર, જમાદાર11 કોઇ સુબેદાર;12

ગારદી13 તણિ પલટણ આવી, મોટાં વાજાં વિલાયતિ લાવી. ૬૨

અરદેશરના સગા ભાઈ, પીરુશા આવિયા હરખાઈ;

બિજા પારશિયો નામદાર, આવ્યા હિંદુ મોટા સાહુકાર. ૬૩

આવ્યો નવાબ સાહેબ કેરો, રસાલો તે તો શોભે ઘણેરો;

વાજે નોબત ફરકે નિશાન, શોભે સરદાર મુસલમાન. ૬૪

જોવા આનંદ કેરા કલ્લોલ, આખું શહેર ચડ્યું ચકડોળ;

ટોળેટોળાં મળી જન જાય, જતાં મારગમાં નહિ માય. ૬૫

સ્વારિ રુસ્તમબાગમાં આવી, નમ્યા સૌ પ્રભુને ભાવ લાવી;

વિનતી અરદેશરે કરી, પધારો પુરમાં તમે હરી. ૬૬

મોટા સંત બોલ્યા મુનિબાવો, દયાસિંધુ દયા દિલ લાવો;

પ્રભુજી પુર માંહિ પધારો, સર્વ જનના મનોરથ સારો. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

વિનતિ સુણિ દયાળુ કૃષ્ણદેવ, તતપર આપ થયા જ તર્તખેવ;

સુરત નગરવાસિ લોક જેહ, દરશન પામિ થશે કૃતાર્થ તેહ. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

સુર્યપુરાત્-શ્રીહરિ-સન્મુખઅસ્વારીઆગમનનામ દ્વાત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે