કળશ ૮

વિશ્રામ ૩૩

પૂર્વછાયો

શ્રીહરિ સૂરતમાં જવા, થયા માણકિયે અસવાર;

હરિજન હરખ્યા નિરખિને, સહુ ઉચ્ચરે જયજયકાર. ૧

ચોપાઈ

હતા સદ્‌ગુરુ સંત જે ત્યાંય, બેઠા મેના ને પાલખિમાંય;

બેય ભાઈ તણા પુત્ર હતા, તાવદાનોમાં તેહ શોભતા. ૨

રથ માંહિ બેઠા કોઈ સંત, પગપાળા તો ચાલે અનંત;

ચાલ્યા સૌથિ આગળ વાજાંવાળા, પછિ પલટણના સહુ પાળા. ૩

રસાલાના પછી અસવાર, પછિ શોભે ઘણા સરદાર;

પછિ હરિજન કીર્તન ગાવે, ઘણા તાલ મૃદંગ બજાવે. ૪

પછી સંતનાં મંડળ ચાલે, માળા હાથમાં કોઇ તો ઝાલે;

ગાય ઝીલણિયાં કીરતન, તેથી ગાજિ રહ્યું છે ભુવન. ૫

પછિ ધર્મ તણો પરિવાર, પછિ પાળા ધરી હથિયાર;

છડિદાર ઉંચે સ્વર બોલે, સુણતાં જનનાં શિર ડોલે. ૬

શોભે ઘોડિ ઉપર ગિરધારી, કરે અમર ત્યાં બે બ્રહ્મચારી;

મેઘાડંબર છત્ર છે શીશ, દિવ્યમૂર્તિ દિસે જગદીશ. ૭

આવિ ભાગોળ સૂરત તણી, કહે જેને કતારનિ1 ભણી;

પેઠિ ત્યાં થઈને અસવારી, રાજમારગમાં તે પધારી. ૮

ઘણાં માણસ દર્શને મળ્યાં, ઠામઠામ તે તો ટોળે વળ્યાં;

સાત માળનિ મેડિયો શોભે, જોતાં દેવ તણાં દિલ લોભે. ૯

શોભે સરસ અગાશિ અટારી, કરે દર્શન ત્યાં ચડિ નારી;

કોઇ દર્શન પ્રેમે કરે છે, કોઇ માવનાં મીઠડાં લે છે. ૧૦

ઉભા થૈ સહુ દુકાનદાર, કરે નાથજિને નમસ્કાર;

કોઈ હેતથિ હાર ચડાવે, કોઈ પાગમાં તોરા ધરાવે. ૧૧

બહુ મારગે પુષ્પ વેરાય, જાણે પુષ્પોનો વરસાદ થાય;

મુખ્ય મારગે એ રિતે થૈને, ઘણા લોકને દર્શન દૈને. ૧૨

વાડિ લાલકર્શન તણિ સારી, આવિ ત્યાં હરિની અસવારી;

કર્યો ત્યાં શ્રીહરિએ ઉતારો, જોતાં સર્વને લાગ્યો તે સારો. ૧૩

તહાં સારાં બિછાનાં કરેલ, ગાલિચા ગાદિ તકિયા ધરેલ;

બિરાજ્યા તહાં શ્રી ભગવંત, બેઠા સતસંગિ ને બેઠા સંત. ૧૪

સૌના નેણમાં નેહ ન માય, ઉર આનંદ તો ઉભરાય;

અરદેસર કહે શિર નામી, આપ આવ્યા ભલે બહુનામી. ૧૫

ઘણા દિવસનિ આશા અમારી, આજ સુફળ થઈ ગિરધારી;

એમ બોલે થઈને અધીર, ખરે નેહનાં નેણથિ નીર. ૧૬

તેનો પ્રેમ જોઈ એહ ઠામે, મોટા મુનિવર અચરજ પામે;

પ્રેમ એવો તો અદ્‌ભૂત લાગે, રમા રાધા એવો પ્રેમ માગે. ૧૭

પ્રભુને પ્રણમી રુડિ પેર, સરદાર ગયા સહૂ ઘેર;

રાત્રીએ હરિજન સહુ આવી, દિન પ્રત્યે રસોઈ લખાવી. ૧૮

ત્યારે શ્રીજિએ સંતને કહ્યું, આંહિના જન પ્રેમિ છે બહુ;

નિજ શક્તિ વિચારે ન કોઈ, ઘણું ખર્ચિને દેશે રસોઈ. ૧૯

તેની શક્તિ તપાસીને લેજો, ઝાઝું લાવે તેને પાછું દેજો;

બિજો રાખજો એહ વિચાર, રહેશું દિન આઠ આ ઠાર. ૨૦

આપે ઝાઝા મળી દિન એકે, એવો કરજો ઠરાવ વિવેકે;

પછિ શ્રીજિની આજ્ઞા પ્રમાણે, આનંદાનંદે કીધું એ ટાણે. ૨૧

રાત વીતિ ને પ્રગટ્યું પ્રભાત, તિથિ તો થઈ નવમિ વિખ્યાત;

ભાણાભાઈ સુભક્ત સુતાર, કરિ લાવ્યા હિંડોળો તૈયાર. ૨૨

સામા બંગલામાં ઉભો કર્યો, પ્રભુને ઝુલવા જોગ ઠર્યો;

હરિને તહાં હેતે ઝુલાવ્યા, સર્વ સત્સંગિ દર્શને આવ્યા. ૨૩

બહુ તાલ મૃદંગ બજાવે, પુરના જન દર્શને આવે;

તેજોમય મુરતી ભલિ ભાસે, જોતાં જનમન જ્ઞાન પ્રકાશે. ૨૪

થઇ ત્યાં તો રસોઈ તૈયાર, જમ્યા કોટિ ભુવન કરતાર;

જમ્યા સંત ને પાર્ષદ સહુ, જમ્યા શ્રીહરિના સખા બહુ. ૨૫

સાંઝે સાંઝે સભા તો ભરાય, પ્રશ્ન ઉત્તર બહુવિધિ થાય;

થઇ દશમી ને મંગળવાર, આવ્યા ગાંધર્વ ત્યાં રહેનાર. ૨૬

બહુ સારિ રિતે કર્યું ગાન, સુણિ રાજિ થયા ભગવાન;

તેને સીધાં ને દક્ષિણા આપી, જાણ્યા શ્રીજિને પરમ પ્રતાપી. ૨૭

શહેર પાસે કતાર છે ગામ, તહાં વિપ્ર વલભભાઇ નામ;

તેણે ત્યાં પધરામણિ કરી, હેત દેખિને જૈ આવ્યા હરિ. ૨૮

પછી એકાદશી આવિ જ્યારે, સભા શાસ્ત્રીયોની કરિ ત્યારે;

શાસ્ત્રી જે ભટ આણંદ નામ, એહ આદિક આવ્યા તમામ. ૨૯

સામા શ્રીજિના શાસ્ત્રીયો જેહ, બેઠા જે જે કહ્યું હવે તહ;

આતમાનંદ ભગવદાનંદ, કપિલેશ્વરાનંદ સ્વછંદ. ૩૦

જોગાનંદ શિવાનંદ સાથ, શોભારામ તથા રઘુનાથ;

કોઈ તો શબ્દશાસ્ત્ર ભણેલા, કોઈ તો ન્યાયશાસ્ત્રિ બનેલા. ૩૧

કોઇ વિપ્ર વેદાંતના વાદી, પૂરાં કોઇ જાણે પુરાણાદી;

પ્રશ્ન વિવિધ પ્રકારના પૂછે, અન્યોઅન્યને જીતવા ઇચ્છે. ૩૨

તેમાં મોટો વાંધો પડે જ્યારે, હરે શ્રીહરિ સંશય ત્યારે;

પૂછે કોઇ પ્રભુજિને એમ, થયા છો પરમેશ્વર કેમ? ૩૩

એનો ઉત્તર શ્રીહરિ આપે, સૌના મન તણો સંશય કાપે;

એમ ચરચા ચાલી ઘણિવાર, કર્યો શ્રીજિયે જયજયકાર. ૩૪

પછિ દક્ષિણા વિપ્રોને આપી, સર્વ સંભારે છે તે અદ્યાપી;

દ્વાદશી દિન પારણા કરી, જ્યારે બેઠા હરિ સભા ભરી. ૩૫

એવા માંહિ વિશેષ વાકેબ,2 વિવેકી જે નવાબ સાહેબ;

નામ તો અફજુલદિન ખાન, આતમારામ તેના દિવાન. ૩૬

તેનિ આગળ વાત ઉચ્ચારી, તમે જાઓ સજીને સવારી;

જેનું સ્વામિનારાયણ નામ, જૈને તેને કરીને પ્રણામ. ૩૭

અમારી વતિ વિનતી સુણાવો, એહ વાડિ વિષે તેડિ લાવો;

એવી આજ્ઞા સુણી શિર ધારી, સજિ સારિ દિવાને સવારી. ૩૮

સજિ પાયગા ડંકો નિશાન, સજ્યા હાથિ મેના તાવદાન;3

પરમેશ્વરનિ પાસે આવી, વિનતી કર જોડિ સુણાવી. ૩૯

જે છે સૂરત કેરા નવાબ, જેને છે ઉમદા ઇલકાબ;

ઇચ્છે આપનાં દર્શન આજ, માટે વિચરો તહાં મહારાજ. ૪૦

વિનતી સુણિ વિશ્વઆધાર, થયા માણકિયે અસવાર;

આજ્ઞા બે ભ્રાતપુત્રને થઈ, બેસો હાથિ ઉપર તમે જઈ. ૪૧

હતા સદ્‌ગુરુ જેહ પધાર્યા, મેના પાલખિ માંહિ બેસાર્યા;

દાદા ખાચર આદિ ઉમંગે, થયા અસ્વાર શ્રીહરિ સંગે. ૪૨

સંત હરિજન કીર્તન ગાય, તેનિ શોભા વરણવી ન જાય;

રુડિ વાડિ નવાબનિ જ્યાંય, પધાર્યા પરમેશ્વર ત્યાંય. ૪૩

મહારાજ તણો કર ઝાલી, સાથે નવાબ મર્યાદે ચાલી;

નિજ દિવાનખાનામાં લાવ્યા, હેમ ખુરશિ ઉપર પધરાવ્યા. ૪૪

પૂજા કરવાને ચોખે સામાને, દિનબંધુને પૂજ્યા દિવાને;

નવાબે પુષ્પતોરા ને હાર, ધરાવ્યા ધરિ પૂરણ પ્યાર. ૪૫

મેવા મીઠાઈના થાળ ભરી, ભેટ શ્રીહરિ આગળ ધરી;

માંગ્યું વરદાન એવું સુજાણ, પ્રભુ કરજો અમારું કલ્યાણ. ૪૬

વાલો વરદાન દૈને સિધાવ્યા, વળાવાને નવાબ તે આવ્યા;

તેને ચાલતા આવતા ભાળ્યા, વાડી બહાર જઈ પાછા વાળ્યા. ૪૭

પીરુશાયે ત્યાં વિનતિ ઉચારી, કરો પાવન વાડિ અમારી;

પછિ વિચર્યા મહાપ્રભુ ત્યાંય, બેઠા ખુરશીયે બંગલામાંય. ૪૮

બેય ભાઇયો અધિક હુલાસે, પ્રણમીને બેઠા પ્રભુ પાસે;

મહેતાજિ તેના અંબારામ, તેણે પૂજ્યા પ્રભુ તેહ ઠામ. ૪૯

અરદેશર ને પિરુશાયે, સ્તુતિ કીધિ ઘણી ઘણિ ત્યાંયે;

અતિ રાજિ થયા ભગવાન, ત્યારે માગિ લિધાં વરદાન. ૫૦

દાદા ખાચરને ગતિ જેવી, અમને પણ આપજો એવી;

ભાળ્યો શ્રીહરિએ પ્રેમ ભારે, તથાઅસ્તુ કહ્યું તેહ વારે. ૫૧

પછિ અસવાર થૈ હરિ ત્યાંય, ઘોડિ ફેરવિ તે બાગમાંય;

શેઠ બેય પ્રત્યે બોલ્યા હરિ, છબિ આ ઉર રાખજો ધરી. ૫૨

આરતી ધુન્ય પણ કરિ ત્યાંય, થયા તે પછિ નાથ વિદાય;

પ્રગટાવિ ઘણીક મશાલો, આવ્યા ઉતારે ધર્મનો લાલો. ૧૩

દ્વાદશી તો એવી રિતે ગઈ, બિજે દિવસ ત્રયોદશિ થઈ;

હવે તે દિન કેરું ચરિત્ર, તમને હું સુણાવિશ મિત્ર. ૫૪

પુષ્પિતાગ્રાવૃત્ત

સુરત શહેરમાં વિરાજિ શ્યામ, કૃત અતિ ચારુ ચરિત્ર પૂર્ણકામ;

કરિ કરિ વિસતાર જો કહીજે, કદિ નહિ પાર કથા તણો લહીજે. ૫૫

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસૂર્યપુર-વિચરણનામ ત્રયસ્ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે