કળશ ૮

વિશ્રામ ૩૪

પૂર્વછાયો

તેરશ દિન ત્રિભુવનપતી, વસિ સુરતમાં સુખધામ;

જીવન જ્યાં જ્યાં વિચરિયા, કહું એહ કથા અભિરામ. ૧

ચોપાઈ

જીલ્લાજડજ1 એંડરસન નામ, તેણે કા’વ્યા પ્રભુને પ્રણામ;

મોકલી પોતાનો ચોપદાર, તેણે કહાવ્યા એવા સમાચાર. ૨

અમને મળવાની છે આશ, માટે આવો અમારે આવાસ;

નહીં આવિ શકાય જો તમે, આપ આગળ આવિયે અમે. ૩

સુણી બોલિયા શ્રીભગવાન, અમે આવશું એને મકાન;

અમે નિર્માનિ ફકીર છૈયે, કોઇ તેડાવે ત્યાં અમે જૈયે. ૪

પછી સાહેબે સમય ઠરાવ્યો, કહ્યું ચાર વાગે તમે આવો;

શ્રીજી તે સમે તૈયાર થૈને, દાદા ખાચર આદિક લૈને. ૫

વાડિમાં હતો બંગલો જ્યાંય, પધાર્યા પુરુષોત્તમ ત્યાંય;

શાણા સાહેબ સન્મુખ આવ્યા, કર ઝાલિ પ્રભુ પધરાવ્યા. ૬

ટોપિ ઉતારિ કીધા પ્રણામ, ઘણો સ્નેહ જણાવ્યો તે ઠામ;

કહે સાહેબ આપણે જ્યારે, મળ્યા હતા ડભાણમાં ત્યારે. ૭

જુવાનીમાં હતા મહારાજ, હવે વૃદ્ધ જણાઓ છો આજ;

ઘણે વરસે મળ્યા આજ તમે, તેથિ રાજિ થયા બહુ અમે. ૮

પછિ સાહેબે આણિને પ્યાર, પહેરાવિયો પુષ્પનો હાર;

પુષ્પ ગુચ્છ આપ્યો રુડે રંગે, પછિ અત્તર છાંટિયું અંગે. ૯

ખૂમચા ભરિ મેવા મિઠાઇ, હરીને અરપ્યા હરખાઈ;

હાથ ઝાલિ વળાવાને આવ્યા, પછિ શ્રીહરિ ત્યાંથિ સિધાવ્યા. ૧૦

શાણા સાહેબ સદર2 તણા, હતા બેય વિચક્ષણ ઘણા;

એક સેમર સાહેબ નામ, બીજો એરણ સદ્‌ગુણધામ. ૧૧

તેણે મોકલિયો ચોપદાર,3 આપો દરશન અમને ઉદાર;

તેની વાડિયે બંગલામાંય, પધાર્યા પુરુષોત્તમ ત્યાંય. ૧૨

તેઓએ પણ સન્માન દીધું, ટોપિ ઉતારિ વંદન કીધું,

પધરાવિ પૂજા કરિ પ્રીતે, જથાજોગ્ય સ્વદેશનિ રિતે. ૧૩

વળિ વિવિધ પદારથ લાવી, ખૂમચા ભરિ ભેટ ધરાવી;

હતિ એ સ્થળે એનિ કચેરી, રહ્યા તેથિ ઘણા જન હેરી. ૧૪

પછિ ત્યાંથિ પધારિયા નાથ, વળાવા આવ્યા ઝાલિને હાથ;

પછિ તેઓને શ્રીમહારાજે, પાછા વાળ્યા જતાં દરવાજે. ૧૫

રસ્તે આવતાં એ અવસર આવ્યું ભીખરિદાસનું ઘર;

પધરામણિ ત્યાં તેણે કરી, કરી અર્ચન બહુ ભેટ ધરી. ૧૬

વિચર્યા ત્યાંથિ સુંદરશ્યામ, અંબારામ મેતાજિને ધામ;

પછિ ત્યાંથિ પધાર્યા સુપેર, પરશોતમ શેઠને ઘેર. ૧૭

પછિ ત્યાંથિ પધાર્યા ઉતારે, સંધ્યા સમય થયો જેહ વારે;

આરતી ધૂન્ય એ સ્થળે કરી, જ્ઞાન વાત બોલ્યા બહુ હરી. ૧૮

પોઢિ ઊઠિયા પ્રાણઆધાર, થઇ ચૌદશ ને રવિવાર;

ત્રવાડી નથુરામના પુત્ર, નિરભેરામ નામ પવિત્ર. ૧૯

તેણે વિનતિ કરી જોડિ હાથ, મારે ઘેર જમો આજ નાથ;

પછિ ત્યાં જમવાને પધાર્યા, રુપા બાજોઠે તેણે બેસાર્યા. ૨૦

કરિ અર્ચન ભોજન દીધું, એમ સુફળ જિવન નિજ કીધું;

પછિ ઉતારે જૈ મહારાજા, સભા સારિ સજીને બિરાજ્યા. ૨૧

પછિ દિવસ અમાસનો આવ્યો, ભલો ભક્તજન મન ભાવ્યો;

અતિ ઉત્તમ અવસર જોઈ, આપે હરિજન ચડતિ રસોઈ. ૨૨

બરફીચૂરમું દૂધપાક, ઘારી પુરિ અને ઘણાં શાક;

બહુ પાપડિયો વખણાય, જેનો સ્વાદ કહ્યો નવ જાય. ૨૩

બાસુદી પુરિ સરસ બિરંજ, બરફી તો બહુ મનરંજ;

હરિભક્ત હૈયે એમ જાણે, અહો શું કરિયે એહ ટાણે. ૨૪

લૈયે લેવાય તેટલો લાવો, ફરિ અવસર ક્યાં મળે આવો;

હાર તોરા હરીને ચડાવે, એક એક રુપૈયાના લાવે. ૨૫

મેવો મોંઘામાં મોંઘો જે જાણે, લાવિ ભેટ કરે તેહ ટાણે;

ભાવ સુરતના ભક્તનો ભાળી, બીજા ભક્ત કહે હદ વાળી. ૨૬

હોય નિર્ધન તોય ઉદાર, ધન ખરચતાં લાગે ન વાર;

મોટા ભક્ત જે ગિરધરલાલ, તેણે વિનતિ કરી તેહ કાળ. ૨૭

દયાસિંધુ દયા દિલ ધારો, આજ ઘેર અમારે પધારો;

પછિ લૈ સાથે સંત સમાજ, તેને ઘેર ગયા મહારાજ. ૨૮

પધરાવિને પૂજિયા પ્રીતે, ભલિ ભેટ ધરી રુડિ રીતે;

પછિ બાઇયોનું મંદિર જ્યાંય, કૃપાનાથ પધારિયા ત્યાંય. ૨૯

ફરિને બધિ જગ્યા નિહાળી, પછિ ત્યાંથિ ચાલ્યા વનમાળી;

ભાઈચંદભાઇને ઘેર ગયા, જોઇ ભક્તનું ઘર રાજિ થયા. ૩૦

જગ્યા સાધુને ઊતરવાની, પછિ ત્યાં ગયા કરુણાનિધાની;

મુરતી લાલજી તણિ હતી, પ્રણમ્યા તેને સંતના પતી. ૩૧

આજ છત્રિ દિસે છે જે ઠામ, બિરાજ્યા તહાં સુંદરશામ;

હરિભક્તોએ શ્રીહરિ કેરી, કરિ પૂજા તે પ્રીતે ઘણેરી. ૩૨

ભક્ત બોલ્યા પછી રુડિ પેર, મહારાજ આ મોટું છે શહેર;

મોટી મૂરતિ આંહિ સ્થપાય, અમોને ત્યારે સંતોષ થાય. ૩૩

સુણિ બોલિયા સુંદરશ્યામ, થશે આ સ્થળમાં મોટું ધામ;

મોટિ મૂર્તિયો તેમાં સ્થપાશે, મોટા ધામમાં તેહ ગણાશે. ૩૪

એવિ વાત વિશેષ ઉચ્ચારી, ગયા ઉતારે ગિરિવર ધારી;

પડવેનો દિવસ થયો જ્યારે, અરદેશર બોલિયા ત્યારે. ૩૫

અહો વાલમા વાડિ અમારી, કરો પાવન પદરજ ધારી;

પીરુશાજિનિ વાડિયે જેમ, વિચર્યા વિચરો પ્રભુ તેમ. ૩૬

દીનબંધુ દયાના છે દરિયા, તેથી વાડિયે તે પરવરિયા;

દીપતું હતું દીવાનખાનું, તેમાં સારું કરેલું બિછાનું. ૩૭

હતો સંધ્યા સમો તેહ વાર, તેથિ દીપક પ્રગટ્યા અપાર;

આરતી ધુન્ય તે સ્થળ કરી, પછિ કોચ4 ઉપર બેઠા હરી. ૩૮

અરદેશરજી પૂછે પ્રશ્ન, આપે ઉત્તર શ્રી હરિકૃષ્ણ;

ફારશી અંગરેજિ ભણેલા, ઘણા તર્ક વિતર્ક સુણેલા. ૩૯

વળિ નાસ્તિક કેરા વિચાર, સાંભળેલા કોઈ કોઈ વાર;

સર્વ શંકાઓ તે પુછિ લિધી, પુછતાં કાંઈ શરમ ન કીધી. ૪૦

નાથે સંશય સર્વ નિવાર્યા, તેથી નિત્યે ખુદા એમ ધાર્યા;

વારે વારે કરીને પ્રણામ, કહ્યું હું આપનો છું ગુલામ. ૪૧

મારિ સંભાળ લેજો સદાય, તથાઅસ્તુ બોલ્યા હરિરાય;

પછી ઊતારે શ્યામ સિધાવ્યા, વળાવા અરદેશર આવ્યા. ૪૨

શુદિ બીજ તિથી આવિ સારી, કરિ શ્રીજિએ જાવા તૈયારી;

કહે સત્સંગિ સર્વ સમાજ, રહો બે દિન શ્રીમહારાજ. ૪૩

સુણી બોલિયા શ્રીઅવિનાશી, મને સંભારે ગઢપુરવાસી;

મારે વિરહે આતુર અતિ હોઇ, અન્ન જળ તજિ બેઠાં છે કોઇ. ૪૪

જવું પડશે તરત હવે ત્યાંય, એકે પ્રહર અહીં ન ટકાય;

આવ્યા ત્યાં શેઠ લક્ષમિદાસ, કર જોડિ બોલ્યા પ્રભુ પાસ. ૪૫

દીનબંધુ દયા દિલ ધારો, પ્રભુજી મારે ઘેર પધારો;

પૂજા કરવાનો છે મારે પ્રેમ, બીજા સત્સંગિએ કરિ જેમ. ૪૬

સુણી બોલિયા પ્રાણજીવન, તમે છો મારા ભક્ત અનન્ય;

મને કરવા ઇચ્છો જો પ્રસન્ન, કરો આ સ્થળમાં જ પૂજન. ૪૭

એવિ ઇચ્છા જ્યારે જાણિ લીધી, પૂજા તે સ્થળમાં તેણે કીધી;

વસ્ત્ર આદિ ધરી ભેટ સારી, પછિ આરતી પ્રેમે ઉતારી. ૪૮

આપ્યો હરિએ પ્રસાદિનો હાર, આપ્યાં છાતિમાં ચરણ તે વાર;

જમ્યા શ્રીહરિ શેઠનો થાળ, શેઠ રાજી થયા તતકાળ. ૪૯

પછિ શ્રીહરિ ત્યાંથિ સિધાવ્યા, વળાવા અરદેશર આવ્યા;

સ્વારિ સામૈયામાં હતિ જેવી, વળાવા પણ લાવિયા તેવી. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

સુરત નગર માંહિ સારિ રીતે, જયજયકાર કરી પછી હરી તે;

બહુજન સનમાનિ જેમ લાવ્યા, અતિ સનમાનથિ એ રિતે સિધાવ્યા. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસૂર્યપુરાદ્વિ-ચરણનામ ચતુસ્ત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે