વિશ્રામ ૩૫
પૂર્વછાયો
સુરત શહેરથિ સંચર્યા, સખા સંત સહિત અવિનાશ;
વળાવા હરિજન આવિયા, દિસે અંતર સૌના ઉદાસ. ૧
ચોપાઈ
જ્યારે નીસર્યા સુરત બહાર, ત્યારે કોઇએ કીધો ઉચ્ચાર;
ઘણા ભક્ત વળાવાને કાજ, હજિ પાછળ છે મહારાજ. ૨
માટે રુસ્તમ બાગ મોઝાર, વૃષપુત્ર વસો થોડિ વાર;
સુણિને શ્રીહરી રાજિ થઈ, બેઠા રુસ્તમબાગમાં જઈ. ૩
બેઠા સંત ને હરિજન બહુ, નીરખે હરિને જન સહુ;
અરદેશરે એવો વિચાર, નિજ ઉરમાં કર્યો એહ વાર. ૪
આપી ભરતને પાદુકા જેમ, મને કાંઇ આપે પ્રભુ તેમ;
તો હું નિત્ય પૂજા તેનિ કરું, નિરખી નિજ અંતરે ધરું. ૫
વાત અંતરજામિયે જાણી, તેથિ દિલમાં દયા ઘણિ આણી;
નિજ મસ્તકથી પાઘ દીધી, પૂજવા અરદેશરે લીધી. ૬
હરિભક્તોએ હેતે ધરેલા, તોરા ફૂલના ઝૂકિ રહેલા;
અરદેશરે તે પાગ લૈને, ઉરમાં ચાંપિ આતુર થૈને. ૭
જેમ રંકને રિદ્ધિ1 તે જડે, અતિ હર્ષિત થાય તે વડે;
એમ આનંદ ઉપજ્યો અપાર, થયું રોમાંચ તન તેહ વાર. ૮
એવિ શ્રીહરિની દેખિ દયા, સર્વ હરિજન વિસ્મિત થયા;
સુણો રાય ધરી અનુરાગ, અરદેશરનાં મહાભાગ્ય. ૯
શાર્દૂલવિક્રીડિત
આપી ઉત્તમ પાદુકા ભરતને શ્રીરામ રાજી થઈ,
આપી તેલકટોરી વાયુસુતને સીતાનિ સુદ્ધી લઈ;
મે’તા શ્રીનરસિંહને કુસુમની માળા જ આપી ખરી,
આ અર્દેશરને સ્વમસ્તક તણી તે પાગ આપી હરી. ૧૦
ચોપાઈ
તેવે ટાણે ઉભા હતા પાસ, એક પટેલ કરશન દાસ;
બીજાનું જગજીવન નામ, ભેટ ધરવા આવ્યા એહ ઠામ. ૧૧
એક પાગ લાવ્યા હતા એહ, બહુનામિને બંધાવિ તેહ;
પછી પરવર્યા સુંદરશ્યામ, રહ્યા રાત તો કોશાડ ગામ. ૧૨
અરદેશરે જૈ નિજ ઘેર, પાગ સાચવવા શુભ પેર;
મુકિ વાંસના કંડિયા માંહિ, નિત્ય પૂજા કરે ચિત ચાહી. ૧૩
કોઇ સંત કે સત્સંગી જેહ, જાય સૂરત શહેરમાં તેહ;
પાગનાં ચિતે દર્શન ચાય, અરદેશરને ઘેર જાય. ૧૪
તેનું ઘર થયું તીરથરૂપ, ધન્ય ધન્ય તે ભૂમિકા ભૂપ;
વળિ જે દિવસે કૃપાનાથ, ચાલ્યા સૂરતથી સહુ સાથ. ૧૫
બનિ એ જ દિવસ એક વાત, એ તો આશ્ચર્યકારિ અઘાત;
ગઢપુરજન આતુર થયા, અન્ન જળ તજિ કૈક તો રહ્યા. ૧૬
કરે વિનતિ તે ગદગદ થૈને, આવો હે કૃષ્ણ સૌ સાથ લૈને;
નહિ આવો જો શ્યામ સુજાણ, તજશું અમે નિશ્ચય પ્રાણ. ૧૭
ત્યારે બીજે રૂપે મહારાજ, ગયા ગઢપુર સહિત સમાજ;
માગશર શુદિ બીજે ત્યાં હરી, બેઠા દરબારમાં સભા ભરી. ૧૮
ભ્રાતૃપુત્રોયે પૂછિયા પ્રશ્ને, આપ્યા ઉત્તર એના શ્રીકૃષ્ણે;
વચનામૃત તેનું લખાણું,2 નથિ કોઇનું તે તો અજાણ્યું. ૧૯
એક દિન દઈ દરશનદાન, થયા ત્યાં થકિ અંતરધાન;
એ જ દિવસે સુરતથિ સિધાવ્યા, વળાવા સર્વ સત્સંગિ આવ્યા. ૨૦
તેમાંના પણ હરિજન આજ, કોઈ જીવતા છે અહો રાજ;
મછિયાવ ને શ્રીપુર જેમ, બે રૂપે દીધાં દર્શન તેમ. ૨૧
વળિ આખે અને પિપલાણે, દીધાં દર્શન એક જ ટાણે;
ગઢપુર ને સુરત એ જ રીતે, દીધાં પ્રીતમે દર્શન પ્રીતે. ૨૨
અતિ અદ્ભુત ઐશ્વર્ય જેમાં, કરે તે તો નવાઇ શિ તેમાં;
એવિ લીલા તો અપરમપાર, કરે શ્રીહરિ વારમવાર. ૨૩
ગામ કોશાડથી સહુ સાથ, ચાલ્યા ત્રીજને દિન મુનિનાથ;
કીમ નદિયે કર્યું જઈ સ્નાન, તહાં ભાતું જમ્યા ભગવાન. ૨૪
મોકો ખાચર ધ્યાન ધરીને, બેઠા ઘૂંઘટો ખૂબ કરીને;
નાગમાલે કહ્યું વસ્ત્ર તાણી, સામા બેઠા છે સારંગપાણી. ૨૫
આડો પડદો કરીને આ સમે, કેનું ધ્યાન ધરો છો આ તમે;
ગંગા કાંઠે કૂવો ખોદે જેમ, તમે ધ્યાન ધરો છો આ તેમ. ૨૬
માટે ઘુંઘટો મુખ થકિ ટાળો, સનમુખ છે તે મૂર્તિ નિહાળો;
કહી એવું એને સમજાવ્યા, પછી શ્રીહરિ ત્યાંથી સિધાવ્યા. ૨૭
અંકલેશ્વરમાં રાત રહ્યા, બીજે દિવસ ભરૂચમાં ગયા;
આજ મંદિર છે જેહ ઠામ, ઉતર્યા તહાં શ્રીઘનશ્યામ. ૨૮
કહ્યું આનંદસ્વામિને ત્યાંયે, આંહિ યજ્ઞ કર્યો બળિરાયે;
તે માટે તમે એહ ઠામ, કરજો એક ઉત્તમ ધામ. ૨૯
એમ કહિ ચાલ્યા કરતા વિનોદ, રહ્યા રાત તો ગામ કેલોદ;
શેખ વલ્લીભાઈ વસે વાસ, તેણે સારિ કરી બરદાસ. ૩૦
ચાલ્યા બીજે દિવસ બહુનામી, ગયા આમોદ અંતરજામી;
શેઠજી હરજીવન સાથ, ભટ્ટ સામા આવ્યા દિનાનાથ. ૩૧
રૂડા સત્સંગિ ગણપતરામ, એહ આદિક આવ્યા તમામ;
પછિ પટેલ ગુલાબને ઘેર, આપ્યો ઉતારો ઉત્તમ પેર. ૩૨
હરજીવન શેઠે રસોઇ, આપી ઉત્તમ અવસર જોઇ;
પછી સત્સંગીએ ઘેર ઘેર, કરિ પધરામણી રુડિ પેર. ૩૩
ગણનાથનું મંદિર જ્યાંય, ગયા દર્શન કરવાને ત્યાંય;
સુંઢ જમણીના જોઇ ગણેશ, રુદે રાજિ થયા અક્ષરેશ. ૩૪
એહ જગ્યાની જે મધ્ય બારી, બેઠા તે સ્થળ બહુ સુખકારી;
ભટજી ત્યાં જગન્નાથ જેહ, ગાયત્રીનું પુરશ્ચરણ તેહ. ૩૫
કરતા હતા તેહ સમામાં, ગણનાયક કેરિ જગ્યામાં;
જોઈ બોલિયા શ્રીઘનશ્યામ, દીનાનાથ પ્રત્યે તેહ સ્થાન. ૩૬
અહો ભટ્ટ તમારા આ કાકા, દિસે પૂરા તપસ્વિ તે પાકા;
જગન્નાથ બોલ્યા જોડિ હાથ, હું છું દાસ તમારો હે નાથ. ૩૭
ચાલ્યા આમોદથી અવિનાશ, કર્યો કારેલિયે રાત વાસ;
બીજે દિવસે બદલપૂર ગયા, ત્રીજે ખંભાતમાં જઈ રહ્યા. ૩૮
હરિભક્તો આજ જે ઠામ, કરાવેલો છે રૂડો આરામ;3
તેમાં છત્રિ કરાવિ છે જ્યાંય, ઉતર્યા જગજીવન ત્યાંય. ૩૯
હરિભક્ત મળી તહાં આવ્યા, પુરમાં પ્રભુને પધરાવ્યા;
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, છબિલાનિ છબી ભલિ છાજે. ૪૦
ફરતાં ફરતાં પુર માંય, આવ્યા મંદિર છે આજ ત્યાંય;
તહાં જોઈને સારું મેદાન, ભક્તજનને કહે ભગવાન. ૪૧
હરિમંદિર આંહિ અમારું, મળિ સર્વ કરાવજો સારું;
હરિભક્ત બોલ્યા જોડિ હાથ, કૃપા કરશો તો તે થશે નાથ. ૪૨
પછિ શ્રીહરિ આવ્યા ઉતારે, જમ્યા સંત સહિત તેહ વારે;
હરિજન તણો આગ્રહ જાણી, રહ્યા રાત ત્યાં સારંગપાણી. ૪૩
ગયા ગિરધર ગુડેલ ગામ, રહે જીભાઈ ભક્ત તે ઠામ;
તેનિ મેડિયે કીધો ઉતારો, આપ્યો સંતોને ઉતારો ન્યારો. ૪૪
રઘુવીરજીને કહે શ્રીજી, આજ ઇચ્છા અમારી છે બીજી;
રાંધિ જમણું સ્વહસ્ત અમારે, તમે જૂદે રસોડે તમારે. ૪૫
જગ્યા મેડિ વિષે શુદ્ધ જોઈ, પછિ શ્રીજિયે કીધી રસોઈ;
કર્યું શાક વૃંતાક મગાવી, બાટિયો બહુ સારિ બનાવી. ૪૬
જમ્યા ભાવસહિત ભગવાન, જમ્યા બીજા જનો તો મિષ્ટાન્ન;
શાક ને બાટિ જાણિને સ્વાદી, સુરાભક્તને આપી પ્રસાદી. ૪૭
મહિમા સમજાય જ જેને, લાગે સ્વાદ પ્રસાદિનો તેને;
સુરોભક્ત કહે સત્ય કહું, જમ્યા સૂરતમાં મિષ્ટ બહુ. ૪૮
તેથિ સાકર ખાંડ ઉપરથી, અરુચી થઇ મારે અંતરથી;
તીખું તમતમું ખાટું ને ખારું, હવે ભોજન લાગે છે સારું. ૪૯
પુડા ભજિયાં વડા ને ઢોકળાં, મળે તો હવે ભાવે તે ભલાં;
બોલ્યા શ્રીહરિ સાંભળિ એવું, કાલે તમને જમાડિશ તેવું. ૫૦
પછિ રાતે શયન કર્યું જ્યારે, ધોલેરે થયું આશ્ચર્ય ત્યારે;
અજુબા પુજાભાઈનિ બેન, તેણે સ્વપને દિઠા સુખદેણ. ૫૧
કર જોડિને કીધા પ્રણામ, ત્યારે બોલિયા શ્રીઘનશ્યામ;
કાલે સાંજે તો સંત સહિત, અમે આવશું આંહીં ખચીત.4 ૫૨
માટે કાઠિયોને કાજે જોઈ, કહું તે તમે કરજો રસોઈ;
ભજિયાં વડાં પૂડલા ખારા, બાજરા તણા રોટલા સારા. ૫૩
એમ કહિ થયા અંતરધાન, બાઇ જાગિ થયાં સાવધાન;
પુજાભાઈ પાસે વાત કરી, સાંઝે આવશે આંહિ શ્રીહરી. ૫૪
મને સ્વપ્ને દીધું દરશન, મિથ્યા થાય ન મારું સ્વપન;
ફરસું5 કરવાને ભોજન, મને કૃષ્ણે કહ્યું છે વચન. ૫૫
પુજાભાઈ કહે પ્રભુ ક્યાં છે? એ તો સૂરત શહેર ગયા છે;
આજ સાંઝે ક્યાંથી આવે આંહીં? થાય દર્શન તો સ્વપ્નમાંહી. ૫૬
બેન બાપજિભાઈનિ જેહ, તે સમે ફુલિબા બોલ્યાં તેહ;
અજુબાનું તો સ્વપ્ન ફળે છે, વાત જે જે કહે તે મળે છે. ૫૭
સાંઝે નિશ્ચે પધારશે માવો, કહિ છે તે રસોઇ કરાવો;
ત્યારે આપિયો સામાન લાવી, અજુબાએ રસોઇ બનાવી. ૫૮
પછિ સાંજ સમો થયો જ્યારે, કૃપાનાથ પધારિયા ત્યારે;
કર્યું સામૈયું ત્યાં શુભ પેર, ઉતર્યા પુજાભાઇને ઘેર. ૫૯
ધર્મવંશીયે ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;
પુજાભાઇ તણે દરબાર, જમ્યા કાઠિયો સૌ જમનાર. ૬૦
ભજિયાં વડાં રોટલા જોઈ, થયા વિસ્મિત તે સહુ કોઈ;
જ્યારે જાણિ સ્વપન તણિ વાત, જાણ્યો મહિમા પ્રભુનો આઘાત. ૬૧
એમ સૌને હરખ ઉપજાવ્યા, પ્રભુ ત્યાંથિ પ્રભાતે સિધાવ્યા;
કારિયાણિયે જૈ રાત રહ્યા, બીજે દિવસ તો ગઢપુર ગયા. ૬૨
કરિ શ્રીહરિનાં દરશન, સર્વ રાજિ થયા હરિજન;
લીલા સૂરતમાં કરિ જેહ, સંભળાવિ સંતે સૌને તેહ. ૬૩
સુણિ શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ, ઉપજ્યો સૌને હરખ અમાપ;
સુરતી હરિભક્તનો પ્રેમ, સાંભળ્યો અતિ ઉત્તમ એમ. ૬૪
બિજા પ્રેમિયોનો પ્રેમ જેહ, જાણ્યો સૂરતિથી લઘુ તેહ;
પ્રભુને વિનવી પાયે લાગે, સુરતીના જેવો પ્રેમ માગે. ૬૫
કહે વર્ણિ સુણો નૃપ વાણી, લીલા સૂરતની જે વખાણી;
સ્નેહે જે સાંભળે સંભળાવે, તેનાં જન્મમરણ દુઃખ જાવે. ૬૬
શ્રીજીનો મહિમા સમજાય, દૃઢ નિશ્ચય અંતરે થાય;
લીલા એહ સંભારે વિચિત્ર, તેનું અંતર થાય પવિત્ર. ૬૭
પુષ્પિતાગ્રાવૃત્ત
સુરત નગરમાં સખા સહીત, વિચરિ મહાપ્રભુ આપ રૂડિ રીત;
કૃત અદભુત તે ચરિત્ર રાય, ગણિ ગણિ અક્ષરધામમાં ગવાય. ૬૮
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિસૂર્યપુરાત્-દુર્ગપુરાગમનનામ પંચત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૫॥