વિશ્રામ ૩૬
પૂર્વછાયો
સુરત જઈ આવ્યા પછી, માવે એક સમય મોઝાર;
વાસ વસિ ગઢપુર વિષે, વળી ચિત્તમાં કીધો વિચાર. ૧
ચોપાઈ
વાલે ચિત્તમાં કીધો વિચાર, ચિત્રમૂર્તિ પૂજાવું આ વાર;
જે જે રૂપ થાપ્યાં છે મેં મારાં, તે છે કલ્યાણના કરનારાં. ૨
મૂર્તિ અષ્ટ પ્રકારનિ થાય, ચિત્ર મૂર્તિયો તેમાં ગણાય;
એવા શાસ્ત્રના મત અનુસારે, ચિત્રપ્રતિમા પૂજાવવી મારે. ૩
બીબાં ધાતુનાં સારાં કરાવું, મારી મૂર્તિયો તેથિ છપાવું;
કરે સંત ને હરિજન સેવા, નિત્ય દર્શનનો લાભ લેવા. ૪
ભુજના નારાયણજિ સુતાર, રહે છે જુનાગઢનિ મોઝાર;
કરિ જાણે ઉત્તમ કામ આવું, માટે તેહને અંહિ તેડાવું. ૫
એવું ધારિને તેને તેડાવી, છાપો નવ કરવાનિ ઠરાવી;
બોલ્યા નારાયણજિ પ્રતિ આપ, એક તો કરિ છે તમે છાપ. ૬
તેમાં શિક્ષાનાં વચન અમારાં, બનાવ્યાં છે તમે બહુ સારાં;
રાધાકૃષ્ણ હરિકૃષ્ણ રૂપ, સમજી બેય મારાં સ્વરૂપ. ૭
કહ્યું એક કરો છાપ એવી, જેમાં જુક્તિ1 દિસે જોયા જેવી;
બીજિ છાપ માંહી કરો સારી, ભક્તિધર્મ સહિત છબિ મારી. ૮
ત્રીજિ નરનારાયણ પાસ, હોય ઉદ્ધવ નારદ દાસ;
ચોથિ નર ને નારાયણ કેરી, કરો ત્રીજિથિ તેહ નાનેરી. ૯
કરી પાંચમી છઠ્ઠિ રુપાળી, ભક્તિધર્મવાસુદેવવાળી;
સાતમી તો તપસ્વિ આકારે, કરો મૂર્તિ તે મુજ અનુસારે. ૧૦
સહજાનંદ નામ પ્રકાશ, ભક્તિ ધર્મ ઉભાં હોય પાસ;
આઠમી શિક્ષાપત્રિની મૂર્તિ, જેને જોતાં મારિ થાય સ્ફુરતિ. ૧૧
નવમી છાપમાં મુજ પાય, જેમાં રેખાઓ ચિહ્ન જણાય;
નવ મુદ્રા એવી રીતે કરવી, મારી આજ્ઞા સુણી અનુસરવી. ૧૨
સુણી આજ્ઞા નારાયણભાઈ, મુદ્રા કરવા માંડી હરખાઈ;
હવે વરતાલની કહું વાત, સાંભળોજી અભેસિંહ ભ્રાત. ૧૩
અક્ષરાનંદને મહારાજે, કહેલું સર ખોદાવા કાજે;
તેણે જાણા2 જોશીને બોલાવ્યા, જોશિ ગોર તે વનમાળિ આવ્યા. ૧૪
તેણે મુહુરત શુભ જોઇ દીધું, ખાતપૂજન તે દિન કીધું;
વનમાળિની પુત્રિનો તન, હરિશંકર નામ પાવન. ૧૫
તેના હસ્તક અક્ષરાનંદ, ખાતપૂજા કરાવી સ્વછંદે;
પછિ ખોદાવા માંડ્યું તળાવ, ભક્તિ કરવામાં સૌનો છે ભાવ. ૧૬
મંડ્યા સંત તથા સતસંગી, તેહ કામમાં મમતે ઉમંગી;
ખેડુતો સરમાં હળ હાંકે, કામ કરતાં તે કોઈ ન થાકે. ૧૭
ટોપલા ભરિ જન લેઇ જાય, મુખે કૃષ્ણનાં કીર્તન ગાય;
પરગામના હરિજન જેહ, ભક્તિ કરવાને આવિયા તેહ. ૧૮
મચ્યા કામે ગરીબ શ્રીમંત, જેને વાલા ભલા ભગવંત;
કોડે કરવા લાગ્યા તેહ કામ, જાણિ ભક્તિનો સમય આ ઠામ. ૧૯
ઘેર તરણું તોડે નહીં જેહ, માથે ટોપલિયો લે છે તેહ;
મંડ્યા કામે હજારોહજાર, જેજેકાર કરે છે ઉચ્ચાર. ૨૦
ગર્જના થકી બ્રહ્માંડ ગાજે, આવ્યા દેવો મળી જોવા કાજે;
કોઈ તો પુષ્પવૃષ્ટિ કરે છે, કોઇ તો ધન્ય ધન્ય કહે છે. ૨૧
કૈક અક્ષરધામના મુક્ત, આવિ કામ કરે પ્રીતિ યુક્ત;
એવી ભક્તિ કરી એહ ટાણે, ધન્ય ભાગ્ય પોતા તણાં જાણે. ૨૨
ઇંદ્ર બ્રહ્મા ગણેશ મહેશ, આવે સંત તણો ધરિ વેશ;
કરે કામ કહે જન જોઈ, ક્યાંથિ આવ્યા નવા સંત કોઈ. ૨૩
કૈક તો નર એવું નિહાળે, પરમેશ્વર બેઠા છે પાળે;
કરે છે જન જે મળિ કામ, જુવે છે પ્રભુ તે તો તમામ. ૨૪
જનો આનંદમાં મસતાન, ભૂખ તરસ તણું નહિ ભાન;
ભક્તિરસમાં થયા લીન ભારે, ઘરકામ તે કોણ સંભારે. ૨૫
સાંઝે જન મળિ પુરમાં સિધાવે, કામ કરવા દેવો ત્યારે આવે;
ખોદિ રાખેલી મૃત્તિકા જેહ, પાળે નાખે ઉપાડિને તેહ. ૨૬
જનો આવે સવારમાં જ્યારે, પામે અચરજ અતિશય ત્યારે;
તેનો મર્મ સકળ તેહ ટાણે, અક્ષરાનંદ જેવા તો જાણે. ૨૭
વળિ કોઇ સમે રાતમાંય, જેજેકાર કરે દેવ ત્યાંય;
ઘણા જન સાંભળે તેહ જ્યારે, કરે વાત પરસ્પર ત્યારે. ૨૮
મહારાજને રીઝાવા કાજ, સર ખોદે છે દેવસમાજ;
જેને હોય જો કલ્યાણ લેવું, કામ કોણ કરે નહિ એવું. ૨૯
ચાલું કામ ઘણું તડામાર, માસ બેમાં તો કીધું તૈયાર;
પછિ અક્ષરાનંદ મુનીશે, પત્ર મોકલ્યો શ્રીહરિ દીશે. ૩૦
લખ્યું તે પત્ર માંહિ સુજાણે, પ્રભુ આપની આજ્ઞા પ્રમાણે;
સર ખોદાવિ કીધું તૈયાર, હતા જન તો હજારોહજાર. ૩૧
આપ કેરિ પ્રસન્નતા કાજ, કામ કરતોતો સુરનો સમાજ;
એવો પત્ર લઈ જન ગયો, હરિ આગળ હાજર થયો. ૩૨
પત્ર આપ્યો કરીને પ્રણામ, વાંચિ રાજિ થયા ઘનશ્યામ;
વાલે ઉત્તર એનો લખાવ્યો, તેમાં રાજિપો ખૂબ જણાવ્યો. ૩૩
વળિ એવું લખાવ્યું એમાંય, તમે દીઠા ચમત્કાર ત્યાંય;
એવા તો હજિ બીજા અપાર, તહાં થનાર છે ચમત્કાર. ૩૪
વાંચ્યો પત્ર તે અક્ષરાનંદે, મનમગ્ન થયું તે આનંદે;
આવિ પંચમી જ્યારે વસંત, આવ્યા ગઢપુર સંઘ અનંત. ૩૫
અતિ ઉત્તમ ઉત્સવ કીધો, સંતે ખેલ કરી લાવ લીધો;
નવ મૂર્તિની છાપો તૈયાર, લાવ્યા ત્યાં નારાયણજી સુતાર. ૩૬
રીઝ્યા જોઇને ધર્મદુલારો, આપ્યો તેહને સરપાવ સારો;
વાલે છાપો તે હાથમાં લીધી, કૃપાનાથે પ્રસાદિની કીધી. ૩૭
વળિ બોલ્યા શ્રીનવઘનરંગી,3 સુણો સંતો સુણો સતસંગી;
એહ સર્વે મારાં રૂપ જાણી, નિત્ય પૂજજો ઉર ભાવ આણી. ૩૮
એથી હું બહુ થૈશ પ્રસન્ન, તમે જાણજો સૌ મુજજન;
એવી આજ્ઞા કરી જગદીશ, સુણિ સૌએ ચડાવિ તે શીશ. ૩૯
આધારાનંદને છાપો આપી, કહ્યું કાગળમાં દેજો છાપી;
મુનિએ મૂર્તિયો છાપી દીધી, પ્રેમે પૂજવા સૌ જને લીધી. ૪૦
શાર્દૂલવિક્રીડિત
હે રાજા હરિકૃષ્ણ એક સમયે એકાંતમાં સંચરી,
જ્યાં છે અક્ષર ઓરડો નિજ તણો ત્યાં તેહ બેઠા ઠરી;
કીધો ચિત્ત વિચાર જેહ દિનમાં દ્વારામતી હું ગયો,
ત્યાં દ્વારામતિ ઈશનો શુભ સમે મેળાપ મારે થયો. ૪૧
બોલ્યા દ્વારમતી પતી અતિ અહીં વાસો અધર્મે કર્યો,
માટે મેં અહિથી હવે નિસરવા નિઃશંક નિશ્ચે ધર્યો;
માટે મંદિર કોઇ ઠામ કરિને જો આપ થાપો મને,
લક્ષ્મીજી સહિતે નિરંતર રહું તો આવિને ત્યાં કને. ૪૨
ત્યારે મેં તતકાળ ત્યાં કહ્યું હતું સ્થાપીશ સારે સ્થળે,
તે તો મેં વરતાલ તેનિ પ્રતિમા સ્થાપી સુસારી પળે;
તે વાર્તા જગમાં પ્રસિદ્ધ કરવા યુક્તી પ્રયુક્તી કરું,
જે જાણ્યાથિ વળી વિશેષ જનનું ત્યાં ચિત્ત ચોટે ખરું. ૪૩
તીર્થો ગોમતિ આદિ દ્વારમતિનાં તેણે મને તે સમે,
એવું આવિ કહ્યું હતું તેમ કને ત્યાં આવશું સૌ અમે;
આપ્યું મેં પણ તેહને વચન ત્યાં તે વેણ સાચું કરું,
આવે શ્રીવરતાલમાં તિરથ તે ઊપાય હું આદરું. ૪૪
એવું ધારિ સભા વિષે વિચરિને માહાત્મ્ય તીર્થો તણું,
ભાખ્યું શ્રીભગવાન દ્વારમતિના તીર્થો તણું તો ઘણું;
ત્યાં ગોપાળજિ4 નંદરામ5 હરિના ભત્રીજા બેઠા હતા,
તેને દ્વારમતી જવા ઉર થઈ અત્યંત ઉત્કંઠતા. ૪૫
ચોપાઈ
પ્રભુને પદ કરિને પ્રણામ, બોલ્યા બેય જણા તેહ ઠામ;
આપો આજ્ઞા જો શ્રીહરિ તમે, જૈયે દ્વારિકા તો સહુ અમે. ૪૬
સુણી રાજિ થયા મહારાજ, આપ્યું ધન બહુ ખરચવા કાજ;
આપિ ગાડિ અને આપ્યા પાળા, શસ્ત્રબંધ તે બખતરવાળા. ૪૭
પંથ દ્વારિકાનો જાણનાર, સચ્ચિદાનંદ સ્વામી ઉદાર;
સાથે મોકલ્યા તેહને નાથે, ચાલ્યા છઠને દિવસ સહુ સાથે. ૪૮
ગયા સંગે શુકલ દયારામ, ઉમરેઠમાં જેહનું ધામ;
મહારાજનિ આજ્ઞા તે માગી, ચાલ્યા સર્વે જનો પગે લાગી. ૪૯
રહે જ્યાં જઇને રાતવાસ, સતસંગિ કરે બરદાશ;
કેટલાએક દિન એમ થયા, ત્યારે દ્વિજવર દ્વારિકાં ગયા. ૫૦
પુષ્પિતાગ્રાવૃત્ત
વૃષકુળ જન દ્વારિકા પધાર્યા, નિજમન મોદ વિશેષ ત્યાં વધાર્યા;
ગતિ અતિ હરિની અહો અઘાત, સુર મુનિ કોઇ કળી શકે ન વાત. ૫૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
ધર્મકુળદ્વારિકા-ગમનનામષટત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૬॥