કળશ ૮

વિશ્રામ ૩૮

પૂર્વછાયો

એક કથાંતર હું કહું, સુણો ભુપ થઈ સાવધાન;

ઉત્તમ નૃપના લગ્નનું, અતિ ઉત્તમ છે આખ્યાન. ૧

ચોપાઈ

દાદા ખાચરને એક નારી, કુંવરબાઈ પતિવ્રતધારી;

નોતું તેને કશુંયે સંતાન, પતિ પ્રત્યે બોલી ગુણવાન. ૨

પિયુજી આપણો દરબાર, સતસંગનો એ છે આધાર;

પુત્ર વગર તે પર ઘેર જાશે, ત્યારે સતસંગનું કેમ થાશે? ૩

કોણ કહેશે વિચારીને મર્મ, મારા બાપનો છે એ તો ધર્મ;

એવો કોણ મમત્વ તે ધરશે, કોણ સંતોનું રક્ષણ કરશે? ૪

માટે પત્ની કરો તમે બીજી, કહું છું અતિ અંતરે રીઝી;

દાદો ખાચર બોલિયા ત્યારે, નથિ તૃષ્ણા સંસારનિ મારે. ૫

કોણ જાણે કેવા પુત્ર થાય, તે તો નક્કી કહી ન શકાય;

કુળ દીપક સુત અવતરે, સતસંગનું રક્ષણ કરે. ૬

પણ થાય કુપુત્ર કદાપી, તજી સતસંગ થૈ જાય પાપી;

કુળ કીર્તિ કરે નાશ સોય, તેથિ તો ભલું પુત્ર ન હોય. ૭

માટે સંસાર હું તો તજીશ, ભગવાનની ભક્તિ કરીશ;

રાણિયે વળી બહુ કહી વાણી, દાદા ખાચરે તે ન મનાણી. ૮

પછિ રાણિયે શ્રીપ્રભુ પાસ, કરિ વાત તે સર્વ પ્રકાશ;

ભાળી આગ્રહ એહનો ભારી, મળ્યા દાદા ખાચરને મુરારી. ૯

જેમ અર્જુનને હૃષિકેશ, યુદ્ધ કરવા દીધો ઉપદેશ;

કહ્યું અન્ય ધરમ પરહરો, એક હું જ કહ્યું તેમ કરો. ૧૦

એવા શબ્દ કહ્યા અતી જ્યારે, દાદો ખાચર ઉચર્યા ત્યારે;

તમે જો પ્રભુ જાનમાં આવો, મને પાસે રહી પરણાવો. ૧૧

તો હું પાણિગ્રહણ તે કરીશ, આજ્ઞા આપની માથે ધરીશ;

કહે કૃષ્ણ હું જાનમાં આવું, પાસે રહિ તમને પરણાવું. ૧૨

હાંક્યો અર્જુનનો રથ જેમ, તમારો રથ હાંકિશ તેમ;

એમ ચર્ચા ચાલી ઘણા માસ, કીધો કન્યાનો સઘળે તપાસ. ૧૩

ભટવદર નામે છે ગામ, જાણિ કન્યા કુંવારિ તે ઠામ;

મહામુક્ત તે જનતન ધારી, જસુ નામે તે સદ્‌ગુણિ સારી. ૧૪

નાગપાળ વરુ કાઠિ રાય, તેની પુત્રી તે તો કહેવાય;

બોલ્યા આવિને કન્યાનો બાપ, મારિ કન્યા વરો નૃપ આપ. ૧૫

તેનિ સાથે તો સગપણ કીધું, સારે મુહુરતે શ્રીફળ લીધું;

પછિ લગ્ન સારું જોવરાવ્યું, માઘશુક્લ દસમ દિન આવ્યું. ૧૬

લખિ કંકોતરી બહુ ઠામ, સગાં વહાલાં તેડાવ્યાં તમામ;

આવિ વસંતપંચમી જ્યારે, આવ્યા તે સહુ ગઢપુર ત્યારે. ૧૭

આવ્યા કાઠિ ગરાશિયા ઘણા, જેહ આશ્રિત શ્રીહરિ તણા;

ધર્મવંશિને દ્વારિકાધામે, છઠને દિન મોકલ્યા શ્યામે. ૧૮

આવી આઠમ ઉજવળિ જ્યારે, કરિ જાનનિ તૈયારિ ત્યારે;

સતસંગિ સારા સાહુકાર, કર્યા જાનમાં જાવા તૈયાર. ૧૯

પૂજ્યા પગરણ1 માંહિ ગણેશ, રચ્યો મંડપ સારો વિશેષ;

રાયે ગોત્રજ2 પૂજન કર્યું, ધ્યાન શ્રીજિ તણું ઉર ધર્યું. ૨૦

માતાજી દાદા ખાચર કેરાં, સુરબાઇ સુજાણ ઘણેરાં;

તેણે તૈયારી જાવાનિ કીધી, સર્વ બાઇયોને બોલાવિ લીધી. ૨૧

કૃષ્ણે પાર્ષદ સર્વને કહ્યું, શસ્ત્ર ધારિને આવજો સહુ;

સંતને કહે શ્રીમહારાજ, થાજો તૈયાર સર્વ સમાજ. ૨૨

જે જે ગામમાં કરિયે પ્રવેશ, દૈવીને કરવો ઉપદેશ;

સતસંગ વધે ઠામોઠામ, એ જ છે મુખ્ય આપણું કામ. ૨૩

બ્રહ્માનંદ જાણે રાજનીતિ, આનંદાનંદ સંતનિ રીતિ;

નિષ્કુળાનંદ વૈરાગ્યવાન, ત્રણેને સતસંગનું તાન. ૨૪

તેઓને કહે શ્રીકૃપાનાથ, તમે ચાલો સહુ અમ સાથ;

તમ જેવા સાથે હોય જ્યારે, સતસંગ વધે બહુ ત્યારે. ૨૫

વાટે ઘાટે મળે જનજાત, કરજો તેને ધર્મનિ વાત;

સુણિ આજ્ઞા ધારી સંતે માથે, થયા તૈયાર જાવાને સાથે. ૨૬

ગામ મુખ્ય તો માંડવધાર, તહાં પત્ર લખ્યા તેહ વાર;

ગાડાં અગણિત ત્યાંથિ મંગાવ્યાં, ભારખાનાં તે માંહિ ભરાવ્યાં. ૨૭

લખુભાઈ ને જેચંદભાઈ, એ બે કંદોઈ બોલાવ્યા ચાઈ;

શીરો ખાંડનો સરસ કરાવ્યો, મોટાં પાત્ર ભલાંમાં ભરાવ્યો. ૨૮

દાળ ભાત સારાં સારાં શાક, એહ ટાણે કરાવ્યાં અથાક;

આખા ગામને નોતરું દીધું, સૌયે આવિને ભોજન કીધું. ૨૯

આવ્યા જમવાને વરણ અઢાર, આવે પિરસતાં નહિ પાર;

થયા બ્રાહ્મણના જુદા પાક, જમ્યા એ સમે વિપ્ર અથાક. ૩૦

આસપાસના ગામ મોઝાર, ગયા જમણ તણા સમાચાર;

એથિ ઊલટ્યા વર્ણ અઢાર, જમે કોઇ તો બે ત્રણ વાર. ૩૧

જમે જૂથ જમી જમિ જાય, તાજો શીરો ત્યાં તૈયાર થાય;

ભરિ પાત્રને લૈ જાય કોય, અટકાવે નહીં તેને તોય. ૩૨

જમવા માંડ્યું થાતાં પ્રભાત, જમ્યાં જ્યાં સુધિ ગઇ અર્ધરાત;

પણ રાત જતાં ઘડિ ચાર, ચાલિ જાન થઈને તૈયાર. ૩૩

ભાતા માટે મોતૈયા કરેલા, હતા તેના પટારા ભરેલા;

ગળપાપડિ3 ગાંઠિયા લાવ્યા, પટારા ભરિ ગાડે ચડાવ્યા. ૩૪

સાથે શોભે અનેક મશાલ, દીસે જાનનો ઉત્તમ તાલ;

ઘણા શોભે છે ડંકા નિશાન, ઢાઢી4 લંઘા5 કરે ગુણગાન. ૩૫

શીભે અશ્વ ભલા શણગાર્યા, શોભે સાજ ને શણગાર ધાર્યા;

ધર્મરક્ષક ધર્મકુમાર, થયા માણકિયે અસવાર. ૩૬

ચાલે તેહના આગળ પાળા, સારાં શસ્ત્ર ને બખ્તરવાળા;

અસવાર થયા વરરાય, લીધું શ્રીફળ બે હાથમાંય. ૩૭

ખમા ખમા વદે છડિદાર, શોભે છત્ર ને ચામર સાર;

વાજા વિવિધ પ્રકારનાં વાજે, તેના નાદે આખું ગામ ગાજે. ૩૮

અલબેલા શોભે અસવાર, રથ પાલખિનો નહિ પાર;

ધોરીના6 કંઠ માંહિ વિશાળ, વાજે ઘમઘમ ઘૂઘરમાળ. ૩૯

શોભે રથ પર કળશ તે કેવા, સોના કળશ દેવળ પર જેવા;

રથ માંહિ ગૌરી7 ગાય ગીત, સ્વર કોકિલા સમ શુભ રીત. ૪૦

જાન ઊઘલિને8 એહ ટાણે, રૂડી રીતે ગઈ રળીયાણે;

ગઈ ગામ ગુંદાળે તે જ્યાંય, મૂળૂ ખાચર આવિયા ત્યાંય. ૪૧

તેણે તાણ કરી ભલિ ભાત, કહ્યું આંહિ રહો આજ રાત;

મહારાજ બોલ્યા રાજિ થઈ, રાત રહેશું માલપરે જઈ. ૪૨

મોકલ્યો છે અગાડિ સામાન, માટે આંહિ રહે નહિ જાન;

બોલ્યા મૂળૂખાચર જોડિ હાથ, મારે ઘેર પધારોજિ નાથ. ૪૩

મારું આંગણું પાવન કરી, પાછા તરત પધારજો હરી;

સુણિ શ્રીહરિએ કરી દયા, તેના દરબારમાં તર્ત ગયા. ૪૪

હતો લીંબડો દરબારમાંય, માણકીને ઉભી રાખિ ત્યાંય;

હરિ ત્યાં થકી ઊતરિ હેઠા, દરબારને ઓરડે પેઠા. ૪૫

મૂળુ ખાચર પણ સાથે આવ્યા, પ્રીતે પ્રીતમને પધરાવ્યા;

કરી પૂજા પુરો ધરિ પ્યાર, ભલિ ભેટ ધરી તેહ ઠાર. ૪૬

સતિ તેહનિ સૂમરિબાઈ, આવ્યાં તે તો હૈયે હરખાઈ;

પુત્ર બે તેડિ લાવ્યાં તે ઠામ, દાદો ખાચર એકનું નામ. ૪૭

તેનું નામ સામત પણ જાણો, પુત્ર સોમલો બીજો પ્રમાણો;

પગે બેને લગાડિયા સાથે, મહારાજે મુક્યા હાથ માથે. ૪૮

દાદા ખાચરને જોઇ દેવ, વળિ બોલ્યા તહાં તતખેવ;

હરિભક્ત ભલો આ તો થાશે, સતસંગીમાં શ્રેષ્ઠ ગણાશે. ૪૯

સુણો ભૂપ કહે બ્રહ્મચારી, થતાં મોટા થયા ભક્ત ભારી;

ભારે ભારે આભૂષણ લાવી, ગોપીનાથને અર્પિયાં આવી. ૫૦

નીરમાંનિપણું ધર્યું કેવું, મોટા જોગિ વિષે હોય જેવું;

કથા ચાલતી તે હવે કહું, સુણો સ્નેહ ધરી તમે બહુ. ૫૧

મુળુ ખાચરને કહે માવો, સજ્જ થૈ તમે જાનમાં આવો;

અતિ આગ્રહ જોઈ એ ઠાર, જવાને થયા તેહ તૈયાર. ૫૨

ચાલ્યા શ્રીહરિ જાન સંઘાત, રહ્યા માલપરે જઇ રાત;

વાયુ ખૂણમાં ત્યાં ખળાવાડ, જોયાં ત્યાં વળિ સુંદર ઝાડ. ૫૩

કર્યો જાને જઈ ત્યાં ઉતારો, બિરાજ્યા તહાં ધર્મદુલારો;

તેહ ગામ તણા જે પટેલ, હરિભક્ત ભલા તે થયેલ. ૫૪

સાખે ડોબરિયા કહેવાય, નામ કરશન તેનું લખાય;

વિપ્ર મોનજી આદિક આવ્યા, શ્રીજિને કાજે સામાન લાવ્યા. ૫૫

સૌનિ સરભરા તો સારિ રીતે, કરી તેઓએ પૂરણ પ્રીતે;

વળિ બોલ્યા પટેલ તે વાર, ઘોડાં બળધને ચરવાને ચાર. ૫૬

લેવા મોકલો અમારિ સાથ, ગાડિવાનો અસ્વારોને નાથ;

પછિ સૌ ગાડિવાન ને સ્વાર, ઘાસ લેવા ગયા તેહ વાર. ૫૭

ઘણા શ્રમથી પટેલે કરેલો, વાઢ શેલડીનો સુધરેલો;

જૈને બોલ્યા પટેલ તે સારા, બાંધો શેલડી વાઢીને ભારા. ૫૮

ગાડીવાન કહે ન કપાય, કાપિયે તો ખિજે હરિરાય;

ત્યારે બોલિયા પ્રેમિ પટેલ, વાઢ આ તો અમે છે કરેલ. ૫૯

આજ ધન્ય દિવસ છે અમારે, ક્યાંથિ શ્રીહરિ આંહિ પધારે;

વસ્તુ સારામાં સારી ગણાય, તે તો શ્રીજીને અર્પણ થાય. ૬૦

નથિ મળતું આંહીં બીજું ઘાસ, રાજિ થૈને કહું તમ પાસ;

બાંધો શેલડિ કાપિને ભારા, માનો સત્ય કહ્યા થકિ મારા. ૬૧

એવું સાંભળિ સૌ ગાડીવાને, કાપિ શેલડિયો તેહ સ્થાને;

ભારા લૈને ગયા જ્યાં ઉતારે, દીઠા દૃષ્ટિયે ધર્મદુલારે. ૬

કહે શ્રીહરિ શું કરિ આવ્યા? શીદ શેલડિયો કાપિ લાવ્યા?

સુણિ બોલ્યા તેઓ સહુ સાથી, લાવ્યા છૈયે ધણીના કહ્યાથી. ૬૩

પછિ આવ્યા પટેલ તે જ્યારે, તેને શ્રીહરિયે કહ્યું ત્યારે;

વેળા કઠણ વરસની છે આવી, શાને માટે શેલડિયો કપાવી? ૬૪

કોસ તાણિ પાયું હશે પાણી, મોંઘિ શેલડિ શા માટે આણી?

તહાં બોલ્યા પટેલ તે ત્યારે, આવે શ્રીહરિ કે સંત જ્યારે. ૬૫

એના ઉપયોગમાં નહિ આવે, વસ્તુ તે બધિ વ્યર્થ કહાવે;

એવો અવસર તો વહિ જાય, પેટમાં પછી પસ્તાવો થાય. ૬૬

ઉપજાતિવૃત્ત (સંતસેવા વિષે)

જ્યારે હરી કે હરિભક્ત આવે, સમો અતી ઉત્તમ તે કહાવે;

ગૃહસ્થ જ્ઞાની ઉર એમ જાણે, સેવા અહો શી કરું એહ ટાણે. ૬૭

વર્ષો ઘણે સંચિત દ્રવ્ય જેહ, જાણે સમો વાવરવા સુતેહ;

બીજા કરે ખર્ચ વિવાહ ટાણે, સંતો મળે ભક્ત સુજોગ જાણે. ૬૮

જો સંત અર્થે નહિ દ્રવ્ય આવ્યું, તે તો ગણે વ્યર્થ બધું ગુમાવ્યું,

સ્ત્રી પુત્ર કે અન્ય સગા જ ખાય, તે ભક્ત જાણે ધન વ્યર્થ જાય. ૬૯

જે અન્ય તો ક્ષેત્ર વિષે વવાય, તે પાકતાં અન્ન ઘણું પમાય;

જો સંત અર્થે વપરાય જેહ, અતી ઘણું અક્ષય થાય એહ. ૭૦

મેં સાંભળ્યું છે વળિ કોઈ સ્થાને, પાટો પ્રભુને કર બાંધવાને;

પંચાળિયે ચીર નવીન ફાડ્યું, તેનું પ્રભુયે ફળ તો પમાડ્યું. ૭૧

દીધું દધીચી ઋષિ ઇન્દ્ર અર્થે, વાંસા તણું અસ્થિ મહા સમર્થે;

તો સંત અર્થે નહિ શું અપાય, જો સંત કેરો મહિમા જણાય. ૭૨

તો શેલડીયો અતિ અલ્પ માત્ર, ક્યાંથી મળે શ્રીહરિ જેવું પાત્ર;

વૃષ્ટી થશે ને શુભ વર્ષ થાશે, પ્રભુ તણું આગમ9 ક્યાં પમાશે. ૭૩

ઠગી જશે સૌ ધન તો ઠગારા, લુંટી જશે સ્વારથિયા લુંટારા;

જે સંત અર્થે હરિ અર્થ થાશે, ખરી કમાણી કરિ તે ગણાશે. ૭૪

સારે સમે ચેતિ શકે ન જ્યારે, શો દેહનો છે નિરધાર ત્યારે;

ધર્યું રહેશે ધન ભૂમિ માથે, હાથે કર્યું પુણ્ય જવાનું સાથે. ૭૫

રાજી થયા તે સુણિ મેઘશ્યામ, બોલ્યા કૃપાળુ પ્રભુ તેહ ઠામ;

બુદ્ધી તમારી બહુ ધન્ય ધન્ય, દિસો તમે ભક્ત ભલા અનન્ય. ૭૬

પુષ્પિતાગ્રાવૃત્ત

સુણિ નરપતિ વર્ણિરાજ વાણી, પરમ પવિત્ર પરોપકારિ જાણી;

હરિ હરિજનમાં વિશેષ હેત, ઉર ઉપજ્યું મહિમા મહા સમેત. ૭૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

ઉત્તમરાજવિવાહાર્થ-શ્રીહરિવિચરણનામ અષ્ટત્રિંશત્તમો વિશ્રામઃ ॥૩૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે