વિશ્રામ ૩૯
પૂર્વછાયો
રાત રહ્યા રુડિ રીતથી, ગામ માલપરે મહારાજ;
ઉઠિ પ્રભાતે પરવર્યા, સુખસાગર સહિત સમાજ. ૧
ચોપાઈ
પહોંચ્યા પ્રભુ પાટણે ગામ, કાળુભાર નદી જેહ ઠામ;
શિવની દેરિ છે તટ સામે, રથ છોડ્યો જઈ તેહ ઠામે. ૨
કરી સ્નાન ક્રિયા સહુ સાથે, કરિ નિત્યક્રિયા મુનિનાથે;
ઢસે ગામ ગયા ગિરધારી, આવ્યાં નિર્ખવા બહુ નરનારી. ૩
જે જે ગામ સમીપ સિધાવે, ત્યાંના લોકો ત્યાં દર્શને આવે;
સુણે સ્વામિનારાયણ નામ, કરે આવિને પ્રેમે પ્રણામ. ૪
સંત તેઓને વાતો કરે છે, સુણિને જન આશ્રય લે છે;
જાણે પ્રગટ પ્રભુનો પ્રતાપ, વધે સત્સંગ એમ અમાપ. ૫
ઢસેથી ગયા મેથળી ગામ, બધી જાન સહિત ઘનશ્યામ;
અવિનાશિ ગયા ઇંગોરાળે, જેનાં ભાગ્ય ભલાં તેહ ભાળે. ૬
ગામથી જઈ પશ્ચિમ પાસ, થોડિ વાર કર્યો ત્યાં નિવાસ;
ત્યાંના ભક્ત આવ્યા તે ઠામ, નરનાથ સુણો તેનાં નામ. ૭
શેઠ સુંદરજી શેઠ લાલો, વૃષનંદન જેને વહાલો;
કાનજી ને કલો બે પટેલ, સતસંગી તે સારા થયેલ. ૮
સાખે હીરપરા સહુ જાણે, પ્રભુના ભક્ત પંચ પ્રમાણે;
મુખી જાગાણી નામ કુંવરજી, જેને પ્રભુ ભજવાનિ જ મરજી. ૯
એહ આદિક હરિજને આવી, પ્રભુને ભલી ભેટ ધરાવી;
કહ્યું રાત રહી આંહિ હરી, જવા નાથે ઉતાવળ કરી. ૧૦
એકલેરે ગયા અવિનાશ, ખળાવાડ દિઠી ગામ પાસ;
અન્ન પુષ્કળ જોઇ ઉચ્ચાર્યું, આંહીં તો અન્ન પાક્યું છે સારું. ૧૧
ગયા ક્રાંકશ શ્રીગિરધારી, વહે શેત્રુજી જ્યાં નદિ સારી;
સામે તીર ગયા ઘનશ્યામ, રથ છોડાવ્યો ત્યાં એક ઠામ. ૧૨
મળે ગાગડિયો જેહ સ્થાન, ત્યાંથિ દક્ષિણમાં કર્યું સ્નાન;
નાહ્યા સંત ને જાનના જન, કર્યું તે સ્થળ તીર્થ પાવન. ૧૩
કરિ નિત્યક્રિયા તેહ સ્થાને, ભાતું સૌને દીધું ભગવાને;
જમિ ભાતું ભલું જળ પીધું, પછિ ચાલવાનું મન કીધું. ૧૪
ત્યાં તો હરિજન દર્શને આવ્યા, શેલડીનાં ગાડાં ભરી લાવ્યા;
ત્રવાડી આવિયા રણછોડ, જેને કૃષ્ણ ભજ્યાનો છે કોડ. ૧૫
વશરામ પટેલ સાકરિયો, જેણે શિરસાટે સત્સંગ કરિયો;
વળિ આવિયા વેલો સુરાણી, જેની ભક્તિ ભલી વખણાણી. ૧૬
સ્નેહે આવિયા સોની સગાળ, જેને વાલા છે જનપ્રતિપાળ;
આવ્યા રાઠોડ આણંદ આપ, જપે જે હરિનામનો જાપ. ૧૭
ધરી શેલડિયો ભેટ જેહ, વહેંચી વાલે સર્વને તહ;
હરિભક્તોને દર્શન દૈને, પછિ શ્યામ ચાલ્યા સજ થૈને. ૧૮
દાદા ખાચરને રથમાંય, બેસાર્યા બહુનામિયે ત્યાંય;
ભગવાન છે ભક્ત આધીન, એવું દેખાડવા એહ દીન. ૧૯
બેઠા શ્રીહરિ સારથિ થઈ, હાંકે બળદને ચાબકો લઈ;
હાંક્યો અર્જુનનો રથ જેમ, દાદા ખાચરનો હાંક્યો તેમ. ૨૦
સંત હરિજન દર્શન કરે, છબિ જોઇને અંતરે ધરે;
જતાં સીમ કેરાળાની આવી, સારી શ્રીહરિયે તે શોભાવી. ૨૧
હરિજન દેવરાજ ધડૂક, પાડતા હતા ઘૌં તણો પોંક;
તેણે ઓળખ્યા અંતરજામી, લાવ્યા પોંક પુરો હર્ષ પામી. ૨૨
કૃપાનાથને અર્પણ કીધો, માવે સૌને મુઠી મુઠી દીધો;
ત્યાં તો ગામ વિષે થયું જાણ, જાન સાથે છે જીવનપ્રાણ. ૨૩
તેથી સૌ મળીને સામા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા;
આવ્યા ભોજ ને વીરો ખુમાણ, આવિયા કાનો શેઠ સુજાણ. ૨૪
જસો ભક્ત ગોપાળ પટેલ, જેને પ્રભુપદ લગની લાગેલ;
સાખે તે કહિયે ચોરવડિયા, ભગવાન પટેલ દોમડિયા. ૨૫
એહ આદિક આવ્યા એ ઠામ, કર્યા પ્રેમે પ્રભુને પ્રણામ;
કહ્યું રાત રહો આંહિ આજે, પણ માન્યું નહીં મહારાજે. ૨૬
પછિ ઘી લાવી બળદોને પાયું, આપ્યું ભાતું જનોને સવાયું;
વિચર્યા ત્યાં થકી જગવંદ, ધાર ગામ ગયા ધર્માનંદ. ૨૭
ગામથી પૂર્વમાં શુભ ઠામે, રથ રાખ્યો ઉભો ઘનશ્યામે;
આવ્યા ગામના હરિજન ત્યાંય, તેનાં નામ કહું સુણો રાય. ૨૮
જેઠો લીંબો ઠુંમર કહેવાય, ડાહ્યો રંઘાણી સાખે લખાય;
સાખે મુંજપરો છે ગોપાળ, પ્રિય ચારેને કૃષ્ણ કૃપાળ. ૨૯
એહ આદિકે આવી એ ઠામ, કર્યા પ્રેમે પ્રભુને પ્રણામ;
કહ્યું સાંજ પડી ઘનશ્યામ, માટે રાત રહો એહ ઠામ. ૩૦
કહે કૃષ્ણ પીઠવડી અમે, ઉંટ મોકલ્યો છે પ્રાત સમે;
માટે જોતા હશે સહુ વાટ, રહિયે તો કરે તે ઉચાટ. ૩૧
પછિ ભક્તે મશાલો મગાવી, ઘણું તેલ પુરી પ્રગટાવી;
સહુ સાથે વળાવાને ગયા, તેથિ રાજી કૃપાનાથ થયા. ૩૨
થયું પીઠવડી માંહિ જાણ, પ્રભુ આવે છે પુરુષ પુરાણ;
સર્વ સત્સંગી એકઠા થયા, સૌને સારા સમાચાર કહ્યા. ૩૩
ભક્ત પીઠવડી તણા જેહ, તેનાં નામ કહું સુણો તેહ;
જોશી શીવો ને ગોવરધન, મોનજી દેવરામ જિવન. ૩૪
દેવકૃષ્ણ રાઘવજી એક, ઝિણા આદિક વિપ્ર અનેક;
હવે કાઠિ તણાં કહું નામ, જેને વાલા ઘણા ઘનશ્યામ. ૩૫
જીવો ચાંદુ ને કાંધો ખુમાણ, નાગપાળ ને પુજો સુજાણ;
સોની સામત ને સુત પુજો, જેને સત્સંગ મારગ સૂજ્યો. ૩૬
કોઠારી પ્રેમજી તથા વાલો, ધણી ધાર્યા જેણે ધર્મલાલો;
હીરો પુજા બે જાણો પટેલ, સારો અર્જુન પણ સમજેલ. ૩૭
વાઘો રામજી જાદવ જાણો, દેવરાજ ને ડાહ્યો પ્રમાણો;
પાંચો ઠાકરશી અને વસ્તો, જેણે જાણ્યો છે મોક્ષનો રસ્તો. ૩૮
પ્રભુ ભક્ત પટેલ જેરામ, તેના પુત્રનું અર્જુન નામ;
ગોવો દેવશિ ને ભગો જસો, જેના જીવમાં સત્સંગ ઠસ્યો. ૩૯
એ તો સર્વે સુવાગિયા સાખે, પ્રીતિ પ્રભુપદમાં બહુ રાખે;
ભગો મૂળો પટેલ કલ્યાણ, વળિ પ્રેમજી પોંકિયો જાણ. ૪૦
ખીમો ખુંટ ભગો રાજો કલો, હરજી લીંબો માલાણિ ભલો;
રુડો સાવલિયો મહામુક્ત, ચાર પુત્ર તેના હરિભક્ત. ૪૧
રાજો દેવજી કરશન કાનો, ભક્ત એકે નથી એમાં છાનો;
ભાયો સાવલિયો સુત નરસી, તેના પુત્ર આંબો ને ધરમશી. ૪૨
સાખે શીંગાળાનાં કહું નામ, ધનો બેચર ને વિશરામ;
વિશરામ તણો સુત વસ્તો, તે તો ધર્મને મારગે ધસ્તો. ૪૩
એહ આદિક ત્યાંના નિવાસી, મળ્યા નિર્ખવાને અવિનાશી;
પરગામથી આવેલા જેહ, તેનાં નામ કહું સુણો તેહ. ૪૪
બધા ગણતાં તો આવે ન પાર, કહું મોટા મોટા સરદાર;
સેંજળેશ સાદૂળે ખુમાણ, જેની ભક્તિનાં થાય વખાણ. ૪૫
જેણે કરવા પ્રભુને પ્રસન્ન, કર્યાં અર્પણ તન મન ધન;
જોતાં જેહનું ઉત્તમ જ્ઞાન, પડે ઝાંખા પ્રહ્લાદ સમાન. ૪૬
ત્રણ પુત્ર તેનાં કહું નામ, માણશીયો કાંથડ ને મેરામ;
શેલણે વાજસુર ખુમાણ, ભમોદ્રાના તો ઓઘડ જાણ. ૪૭
મોટા ભક્ત તે બે થયા કેવા, અંબરીશ ને જનકજિ જેવા;
એનો ભાળીને ઉત્તમ ભાવ, મન રીઝે મનોહર માવ. ૪૮
તેના દિલમાં દિસે નહીં દંભ, થયા બે સતસંગના થંભ;
પછિ તેનો થયો પરિવાર, ભલો તે પણ ભક્ત ઉદાર. ૪૯
ઝીંઝુડાના તો ખૂમાણ દાનો, વાઘો માતરો તે પણ ત્યાંનો;
કાઠિ હાથીયો પણ સાથ હતા, જોવા કૃષ્ણને આતુર થતા. ૫૦
વંડા ગામના ઉનડ ધીર, તેના પુત્ર મામૈયો હમીર;
એહ આદિક જે હતા આવ્યા, થયા સજ્જ સામૈયામાં જાવા. ૫૧
ચાલ્યા સામૈયે સૌ સજ થઈ, વાજાં વિવિધ પ્રકારનાં લઈ;
સરદારો થયા અસવાર, પ્રગટાવિ મશાલો અપાર. ૫૨
ઘણા હરિજન ચરણથિ ચાલે, હાથે પૂજાનો સામાન ઝાલે;
કોઈયે લીધા પુષ્પના હાર, લીધાં કોઇયે શ્રીફળ સાર. ૫૩
કોઈ તાલ મૃદંગ બજાવે, કોઈ ગરબી તાળિ પાડિ ગાવે;
દસરાની જેવી અસવારી, સામૈયું ચાલ્યું એ અનુસારી. ૫૪
વાટે દેવા મશાલીને તેલ, કુડલાં ધર્યાં ગાડે ભરેલ;
વસે વાણિયા ઝીંઝૂડે ગામ, કરે તેલ દીધાનું તે કામ. ૫૫
મોદી આંબો ને વીઠ્ઠલ બેય, લાધો સોરઠિયો તહાં છે;
સુત જાણો તેનો જિવરાજ, કરે તે પણ ત્યાં તેહ કાજ. ૫૬
એક રાઠોડ ભક્ત કલ્યાણ, રહે પીઠવડીમાં સુજાણ;
તેના પુત્ર ભલા ભગો લાધો, જેણે સ્નેહથી સત્સંગ સાધ્યો. ૫૭
કરે રાઠોડ જનનો સમાજ, દારૂખાનું છોડ્યા તણું કાજ;
તેમાં કલ્યાણ તો કાવ્ય કરે, કોઠિ દારુનિ કર માંહિ ધરે. ૫૮
પાંચ પીપરનો કુવો જ્યાંય, ગયું સામૈયું તે બધું ત્યાંય;
અવિનાશિ તણી અસવારી, ત્યાં તો જાન સહિત પધારી. ૫૯
ગંગા સાગરમાં મળે જેમ, મળી તે બેય અસ્વારી તેમ;
એહ શોભાની શી કહું વાત, શેષનાગ ન કહિ શકે ભ્રાત. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
મિલિત સુજનવૃંદ જેહ ઠામ, હરિવરને હરખી કરે પ્રણામ;
નિરધન જનને નિધાન1 જેમ, હરખ વધે મળવાથી થાય તેમ. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિઉત્તમરાજ-પીઠવડીપુરગમનનામૈકોનચત્વારિંશો વિશ્રામઃ ॥૩૯॥