વિશ્રામ ૪
પૂર્વછાયો
કૃપાનિધિ કારિયાણિયે, જમી ચાલીયા જગદાધાર;
સુંદરિયાણે સંચર્યા, આવ્યા હરિજન સામા અપાર. ૧
ચોપાઈ
વાજતે ગાજતે પધરાવ્યા, સૌને સારા ઉતારા અપાવ્યા;
ડોસા ખાચરનો દરબાર, ઉતર્યા પ્રભુ પ્રાણઆધાર. ૨
લીંબડો હતો ત્યાં ફળિયામાં, સભા ત્યાં સજી તેહ સમામાં;
બેઠા સંત તથા હરિજન, બોલે શ્રીહરિ મધુર વચન. ૩
ભગા શેઠનો સુત પીતાંબર, જેની સાત વરસની ઉમર;
તેણે કીધા આવીને પ્રણામ, જોઇ બોલિયા સુંદરશ્યામ. ૪
મન નિર્મળ છે અતિ આનું, નેણમાં ઝળકે નથી છાનું;
સતસંગી ઘણો સારો થાશે, ઘણા જન માંહિ મુખ્ય ગણાશે. ૫
એવામાં વના શેઠને ઘેર, કર્યો વર્ષિયે થાળ સુપેર;
વના શેઠે કહ્યું શીર નામી, ચાલો જમવાને અંતરજામી. ૬
પછી જમવા પધાર્યા જીવન, વના શેઠ તણે જ સદન;
મોજડીયો મુકી ફળિયામાં, અવિનાશી ગયા ઓરડામાં. ૭
ભગાશેઠ તનુજ પીતાંબરે, દીઠી મોજડી એ અવસરે;
જાણ્યું કોઇક આ લઇ જાશે, માટે રાખું હું સાચવી પાસે. ૮
પછી મોજડીયો તે ઉપાડી, નિજ અંગરખામાં સંતાડી;
જમી ઉઠિયા જીવન જ્યારે, લાગ્યા મોજડી શોધવા ત્યારે. ૯
ત્યારે પીતાંબરે કરી હાસ, મુકી મોજડી શ્રીહરિ પાસ;
જોઈ રાજી થયા મુનિનાથ, મુક્યો તેહને મસ્તકે હાથ. ૧૦
પછી જૈને તળાવની પાળે, સભા ત્યાં કરી દીનદયાળે;
બેઠા સત્સંગી ને બેઠા સંત, કરે પ્રશ્ન ઉત્તર ભગવંત. ૧૧
બ્રહ્મઆનંદની વૃષ્ટિ થાય, કાંઇ ઉપમા કહી નવ જાય;
દોઢ પોર રાત1 ગઈ તોય, ત્યાંથી ઉઠવા ઇચ્છે ન કોય. ૧૨
ત્રિભુવનપતિ બોલિયા ત્યારે, સુઓ સંતો જઈને ઉતારે;
હરિજન પણ ગામમાં જાઓ, અમ પાસે થોડાક રોકાઓ. ૧૩
અહિં વાય છે સારો પવન, અમે તો આંહિ કરશું શયન;
ચોકી પેરા તણો બંદોબસ્ત, તમે કરજો મળીને સમસ્ત. ૧૪
સુણી આજ્ઞા ચડાવીને માથે, કર્યું એ રીતે સૌ જન સાથે;
તહાં પોઢી રહ્યા પ્રભુ રાતે, પછી ઉઠીને ચાલ્યા પ્રભાતે. ૧૫
હરિભક્ત વળાવાને આવ્યા, ગાઉ સૂધિ તો સાથે સિધાવ્યા;
વળો એમ કહ્યું વારે વારે, સતસંગી વળ્યા સહુ ત્યારે. ૧૬
પ્રભુ વેજળકે રુડી પેર, ઉતર્યા ભીમ પંડ્યાને ઘેર;
હરિભક્ત રસોઇ કરાવી, જમ્યા સૌ મનમાં મુદ લાવી. ૧૭
પછી ધોળકે જઇ રહ્યા રાત, ત્યાંથી પરવર્યા ઉઠી પ્રભાત;
ચાલ્યા જેતલપર ઘનશ્યામ, આવ્યું ત્યાં વચમાં એક ગામ. ૧૮
હતા વાઢ2 ત્યાં શેલડી તણા, કોલ3 ફરતા હતા તહીં ઘણા;
સુરા ખાચરે જૈ જોયું ધારી, ધોળી શેલડીયો દિઠી સારી. ૧૯
એના અંતરમાં એમ આવ્યું, શેલડી શ્રીહરિને ધરાવું;
વાઢના પતિને કહિ વાત, હરિ આવ્યા છે આંહિ સાક્ષાત. ૨૦
તેનું સ્વામિનારાયણ નામ, કર્યો છે ઝાડ હેઠે વિરામ;
સંત હરિજન છે ઘણા સાથે, પ્રભુ રાજી થશે તમ માથે. ૨૧
આપો શેલડીયો મુલ લૈને, પ્રભુને હું ધરાવીશ જૈને;
વાઢવાળો બોલ્યો વેણ સારાં, ધન્ય ભાગ્ય છે આજ અમારાં. ૨૨
ક્યાંથી આંહિ આવે જગદીશ, ભેટ શેલડી હું જ કરીશ;
પછી શેલડીનું ગાડું ભર્યું, જૈને શ્રીહરિને ભેટ કર્યું. ૨૩
સાંઠા કૃષ્ણે કર્યા અંગિકાર, વેં’ચ્યા નિજજનને તેહ વાર;
ત્યાંથી ચાલિયા સૌ જન સાથ, ગયા જેતલપુર જગનાથ. ૨૪
રહ્યા શ્રીહરિ ત્યાં જઇ રાત, સેવ્યા ભક્તજને ભલી ભાત;
ગંગામાએ કર્યો તહાં થાળ, જમ્યા જીવન જન પ્રતિપાળ. ૨૫
બીજે દિવસ તળાવની પાળે, સભા સારી સજી વૃષલાલે;
મેમદાવાદના તેહ ઠામ, આવતા હતા દુર્લ્લભરામ. ૨૬
હતા ઘોડી ઉપર અસવાર, પ્રભુ પાસે જવાનો છે પ્યાર;
ઘોડી જાવા લાગી ગામ ભણી, ખેંચે દુર્લ્લભરામ તો ઘણી. ૨૭
એવું જોઇને સુંદરશ્યામ, સભાજનને કહે તેહ ઠામ;
જુવો ભક્તો તમાસો આ કેવો, દેવા યોગ્ય છે દૃષ્ટાંત જેવો. ૨૮
દ્વિજને આવવું છે તો આંહીં, ઘોડી લૈ જાય છે ગામ માંહી;
બળ દુર્લ્લભરામમાં હશે, તો તે આ સભા પાસ આવશે. ૨૯
ઘોડીનું બળ ઝાઝું જણાશે, તો તે ગામ ભણી લઈ જાશે;
તેમ જે બળીયો જીવ હશે, તે તો અક્ષરધામમાં જશે. ૩૦
બળ ઓછું હશે જેહમાંઇ, માયા ખેંચી જશે તેને ક્યાંઈ;
પછી જોરથી દુર્લ્લભરામ, આવ્યા જ્યાં હતા શ્રીઘનશ્યામ. ૩૧
પ્રણમ્યા પ્રભુને પગે જ્યારે, ધન્ય ધન્ય બોલ્યા હરિ ત્યારે;
કહ્યું એવી જ રીતે સદાઈ, માયાને તમે જીતજો ભાઇ. ૩૨
વળી બોલિયા શ્રીહરિ વાત, તમે સાંભળો સૌ જનજાત;
પ્રભુને છે તો એવો વિચાર, સૌને ઉતારવા ભવપાર. ૩૩
પણ જીવના અવળા સ્વભાવ, તેથી બુડી મરે છતાં નાવ;
કહું છું તેનું દૃષ્ટાંત એક, સર્વ સાંભળો રાખી વિવેક. ૩૪
એક વાદી4 હતો નદી તીર, નદીમાં પુર આવેલું નીર;
લીધો સર્પનો કંડીયો માથે, હતું બકરું તે ઉપાડ્યું હાથે. ૩૫
ખભે માંકડાને તો બેસાર્યું, ત્રણેને પાર લઇ જવા ધાર્યું;
જ્યારે કેડ સમે જળે આવ્યો, મર્કટે5 ત્યાં સ્વભાવ જણાવ્યો. ૩૬
ઢાંકણું કંડીયાનું ઉઘાડ્યું, ત્યારે સર્પ સ્વરૂપ દેખાડ્યું;
વશ્ય જાતિસ્વભાવને થઈ, પડ્યો મર્કટ ઊપર જઈ. ૩૭
માંકડાંની મતિ પણ જુદી, પડ્યો પાણી વિષે જઈ કુદી;
બકરું પણ તે બુદ્ધિહીન, ન રહ્યું જ વાદીને આધીન. ૩૮
જોરે કુદી પડ્યું જળમાંઇ, ગયાં તે રીતે ત્રણે તણાઇ;
વાદીયે તો લેવા માંડ્યાં સાથે, પણ એકે રહ્યું નહિ હાથે. ૩૯
ગયાં તેને સ્વભાવે તણાઇ, તેમાં વાદીનો વાંક શો ભાઇ;
તેમ જીવને ભવજળપાર, તારવાનો પ્રભુનો વિચાર. ૪૦
પણ પોતપોતાને સ્વભાવે, જીવ સંસારમાં ઝંપલાવે;
એવી વાત ઘણી ઘણી કરી, હરિભક્તોયે હૈયામાં ધરી. ૪૧
ગઢડાનો નાથો ભાવસાર, હતો હાસ્યવાણી બોલનાર;
તેણે કૌતકી6 વાણી કરીને, ઘણી વાર હસાવ્યા હરિને. ૪૨
એમ કરતાં ગઈ મધ્યરાત, પછી પોઢી રહ્યા જગતાત;
પોઢ્યા સંત જઇને ઉતારે, વળી સર્વ તે ઉઠ્યા સવારે. ૪૩
પૂર્વછાયો
જેતલપુરમાં જગપતિ, વસ્યા બેય દિવસ નિશિ વાસ;
સુખ દીધાં સતસંગિને, કર્યા જ્ઞાનનો અધિક પ્રકાશ. ૪૪
ચોપાઈ
સુખ સત્સંગિને દીધું જેહ, મુખે વર્ણન થાય ન તેહ;
પછી ત્યાંથી પ્રભુજી સિધાવ્યા, મેમદાવાદમાં હરિ આવ્યા. ૪૫
ત્યાંથી વાલો આવ્યા વરતાલ, ધર્મરક્ષક ધર્મનો લાલ;
ઉતર્યા હરિમંડપ માંય, બીજા સર્વે ઘટે જેમ જ્યાંય. ૪૬
પુષ્પિતાગ્રાવૃત્ત
વૃષસુત ઉપદેશ નિત્ય દે છે, નિજજનનાં મન શુદ્ધ તે કરે છે;
અતિશય હરિ છે દયાળુ એવા, નહિ નહિ કોઈ કૃપાળુ કૃષ્ણ જેવા. ૪૭
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ વૃત્તાલયઆગમનનામ ચતુર્થો વિશ્રામઃ ॥૪॥