કળશ ૮

વિશ્રામ ૪૦

પૂર્વછાયો

શોભા શ્રીહરિની સ્વારિની, જીભે વરણવી નવ જાય;

શોભા સામૈયાની વળિ, જોતાં તે પણ સરસ જણાય. ૧

ચોપાઈ

થાય બંદુક કેરા બહાર, વાજાં વાજે ત્યાં વિવિધ પ્રકાર;

સંત હરિજન કીર્તન ગાય, જયકાર તણી ધુન્ય થાય. ૨

મશાલો ઘણિ શોભે છે કેવી, નભમાં તારામંડળ જેવી;

મીન મેષ વૃષભ કહેવાય, મિથુન કર્ક ને સિંહ જણાય. ૩

જેમ રથમાં શોભે વરરાય, ચંદ્ર શોભે છે રોહિણીમાં:

અવની નભ જોઇયે નિરખી, શોભા બેયની દીસે છે સરખી. ૪

હરિભક્ત હવાઈ ચડાવે, તારા તેમાંથિ ખરતા જ આવે;

જાણે કૃષ્ણનાં દર્શન કાજ, તારા આવે છે અવનીમાં આજ. ૫

દુરથી દેખિ વિશ્વઆધાર, ઉતર્યા સરવે સરદાર;

જય જય ઉચ્ચરી એહ ઠામ, પ્રભુને કરે દંડપ્રણામ. ૬

કદિ કોઇને જે નહિ નમે, નમ્યાં શ્રીહરિને તેહ સમે;

કોઇ હાર ચડાવે છે આવી, કોઈ ભેટ ધરાવે છે લાવી. ૭

તોરો પાઘમાં કોઇ ધરાવે, કોઈ ભૂષણ શુભ પહેરાવે;

જેને રીઝે બહૂ વનમાળી, તેને ભેટે ભુજા માંહી ઘાલિ. ૮

નમ્યા સંતોને સૌ હરિજન, કહિ જયજયકાર વચન;

વરને મળ્યા સૌ જન પ્રીતે, મળ્યા જાનૈયાને રુડી રીતે. ૯

આપ આપના વાહન પર, અસવાર થયા સહુ નર;

રથમાં ગૌરિયો ગીત ગાય, તેનિ શોભા વરણવિ ન જાય. ૧૦

ગામમાં ચાલી તે અસવારી, મળ્યાં જોવા બહૂ નરનારી;

જૂથ જૂથ મળિ જોવા જાય, ભારે રસ્તામાં ભીડ ભરાય. ૧૧

સખી પ્રત્યે કહે સખી કોઈ, આવી શોભા કદી નવ જોઈ;

રુડા સાવલિયા તણે ઘેર, ઉતર્યા પ્રભુજી રુડી પેર. ૧૨

પછિ જેને જહાં ઘટે જેવો, આપ્યો ઉતારો સર્વને એવો;

કરી સૌની સારી બરદાશ, તેમાં કાંઈ ન રાખિ કચાશ. ૧૩

ત્યાંનિ બાઈયો જે સતસંગી, તેઓ સર્વ મળિને ઉમંગી;

કરિ રાખેલ સીધું સામાન, તેનાં નામ સુણો ધરિ કાન. ૧૪

પુત્રી રૂડા પટેલની જેહ, નામે કૃષ્ણા કહે સહુ તેહ;

બીજી અમરબાઈ બોલાવી, કલુ રાણી ને દેવકી આવી. ૧૫

કરી જાણે રસોઈ જે સારી, બોલાવી રસોઈ કરનારી;

પૂતળી શિવા જોશિની માય, મોંઘી મીનજિની અંગનાય.1 ૧૬

એહ બેયે રસોઇ બનાવી, ધર્યો થાળ પ્રભૂજીને લાવી;

જમ્યો સંતનો સર્વ સમાજ, જમી જાન તથા વરરાજ. ૧૭

પછિ સૌ બેઠા શ્રીહરિ પાસ, પ્રભુએ કર્યું જ્ઞાન પ્રકાશ;

વળિ દેખાડ્યો પરમ પ્રતાપ, દીઠું સૌ જને તેજ અમાપ. ૧૮

સતસંગી ઘણા તેથિ થયા, ધરિ નિયમ ને નિજ ઘેર ગયા;

ભગા મૂળાને ઘેર પધારી, પોઢ્યા ત્યાં જ પલંગે મુરારી. ૧૯

કહે વર્ણિ સુણો નરરાજ, જ્યાં છે ઓટો મંદિર માંહિ આજ;

ભગા મુળાનાં ત્યાં હતાં ઘર, પોઢ્યા ત્યાં હતા શ્યામ સુંદર. ૨૦

સેવા કરવાને સરદારો પાસ, રહ્યા કુંભાર જે હરિદાસ;

એક માવો અને બિજો નાજો, જેને પ્રભુપદમાં પ્રેમ ઝાઝો. ૨૧

કરિ સેવા તેણે ભક્ત જાણી, આપ્યાં પાત્ર આપ્યું જળ આણી;

પછિ પોઢી રહ્યા સહુ રાતે, ઉઠ્યા ભજન તે કરતા પ્રભાતે. ૨૨

કરિ ચાલવા તૈયારિ જ્યારે, ત્યાંના ભક્ત બોલ્યા સહુ ત્યારે;

ક્યારે અહીં પધારશો ફરી, રહેશો દિન બે ત્રણ ઠરી. ૨૩

ઘણા જનને રસોઈ છે દેવી, આશા ક્યારે પુરી થશે એવી;

સાથે ઉત્તમરાયની જાન, એવો જોગ ક્યાંથી ભગવાન. ૨૪

સુણિ બોલિયા સુંદરશ્યામ, લગ્ન કેરું છે આજ તો કામ;

વળતાં વળિ આવશું જ્યારે, સૌની લેશું રસોઇયો ત્યારે. ૨૫

એવું સાંભળિ વાલાનું વેણ, લાગ્યું સૌને દિલે સુખ દેણ;

પછિ હરજી પટેલ સુજાણે, પૂજા કીધિ પ્રભુનિ તે ટાણે. ૨૬

પૂરી પાંચસેં કોરિયો લાવી, ભગવાનને ભેટ ધરાવી;

કહે કૃષ્ણ આ કોરિયો લેશું, ઢાઢી લંઘાઓને વેંચિ દેશું. ૨૭

બોલ્યા હરજી તે જોડિને હાથ, કરો જેમ ગમે તેમ નાથ;

હું તો અક્ષરધામ મોઝાર, એનું ફળ આપ પાસ લેનાર. ૨૮

પછિ પાર્ષદે કોરિયો લીધી, ચાલવાનિ તૈયારિ ત્યાં કીધી;

જેવી અસ્વારિએ હરિ આવ્યા, એવિ શોભા સહિત સિધાવ્યા. ૨૯

ઘણા લોકે કર્યાં દરશન, ઘણા આવ્યા વળાવાને જન;

ત્યાંના ભક્તોની ભાળિને ભાવ, રુદે રીઝ્યા મનોહર માવ. ૩૦

પૂર્વછાયો

ગાધકડાને મારગે, વાડિ સુધિ ગયા શુભ પેર;

પીઠવડીના ભક્તને, પાછા વાળ્યા પ્રભુએ ઘેર. ૩૧

ચોપાઈ

બીજા જે જે વળાવાને આવ્યા, પ્રભુએ સૌને પાછા વળાવ્યા;

ગયા ગાધકડે ગિરધારી, નાહ્યા ત્યાં નદી માંહિ મુરારી. ૩૨

આવ્યા હરિજન દર્શન કાજ, તેનાં નામ કહું સુણો રાજ;

વિપ્ર નાગજિ જ્યોતિષ જાણ, સતસંગિ સંપૂર્ણ પ્રમાણ. ૩૩

જેણે સો વર્ષના ભાવ ભાખ્યા, સારા કુંડળિયા કરિ રાખ્યા;

સામુદ્રિક ચિહ્ન જોઇ નિદાન, જેણે જાણિયા શ્રીભગવાન. ૩૪

ધન્ય ધન્ય ડહાપણ એનું, ધન્ય જોતિષનું જ્ઞાન તેનું;

આવ્યા દર્શને ખોડો ખુમાણ, આવ્યા આહિર ભક્ત સુજાણ. ૩૫

રુડો હીરો પુનો અને રાણો, હીરો કાતરિયો ભક્ત જાણો;

મહા ભક્ત છે રાણો મેરાઈ, એહ આદિક આવિયા ધાઈ. ૩૬

પ્રભુને કર્યા દંડપ્રણામ, ભલી ભેટ ધરી તેહ ઠામ;

પછિ સૌ થઈને સાવધાન, ચાલી ગામ વચ્ચે થઈ જાન. ૩૭

શોભે જાનમાં હરિ સુખકારી, કરે દર્શન સૌ નરનારી;

સૌને દૈને ત્યાં દર્શનદાન, ગયા ગોરડકે ગુણવાન. ૩૮

ગામથી દિશા પશ્ચિમમાંય, નદિને તટ વાડીમાં ત્યાંય;

કર્યો વાલાએ જૈને વિરામ, ભક્ત ગામના આવ્યા તે ઠામ. ૩૯

કાઠિ માતરો કડવો ને દાનો, ત્રણેની સાખ્ય ચાંદુ તે માનો;

મહા ભક્ત મેઘો કુંભકાર, રામાનંદનો શિષ્ય ઉદાર. ૪૦

એહ આદિક આવ્યા સુજાણ, કરિ ભોજનની બહુ તાણ;

સુણિ બોલિયા શ્રીમહારાજ, સાંઝે લગ્ન થવાનું છે આજ. ૪૧

માટે જમવા નહીં રહેવાય, જમિ ભાતું ને થાશું વિદાય;

પછિ સૌને તહાં ભાતું દીધું, પ્રભુએ પણ ટીમણ કીધું. ૪૨

ગામ સોંસરો મારગ જાણી, ચાલ્યા ગામમાં સારંગપાણી;

ઉગા ચાંદુ તણું પુછે ઘર, ગયા ત્યાં ચાલિ ધર્મકુંવર. ૪૩

વિધવા જે ઉગા ચાંદુ તણી, લાડુબાઇ પવિત્ર તે ઘણી;

તેણે કીધા પ્રભૂને પ્રણામ, ભલે આવ્યા કહ્યું ઘનશ્યામ. ૪૪

બોલ્યા તે સમે વિશ્વ આધાર, ગઢપુરમાં અમે એક વાર;

મળ્યા ઉગા ચાંદુને તે જ્યારે, તેણે માંગ્યું હતું એવું ત્યારે. ૪૫

કરુણા કોઈ અવસરે કરી, મારે ઘેર પધારવું હરિ;

તેને દીધું વચન તેહ વારે, અમે આવશું ઘેર તમારે. ૪૬

તમે ઘેર હશો કે ન હશો, તેનો તો નહિ નિશ્ચય કશો;

બોલ્યું પાળવા તેહ પ્રમાણે, અમે આવ્યા છૈયે એહ ટાણે. ૪૭

એવું સાંભળિ બાઈ વિચારે, અંત અવસરે મુજ ભરતારે;

સો રુપૈયા ને વેઢ સોનાનો, મને આપ્યો છે સર્વથિ છાનો. ૪૮

કહ્યું છે આ પટારામાં ધરજો, કૃષ્ણ આવે ત્યારે ભેટ કરજો;

કૃષ્ણ અંતરજામિ જો હશે, મારિ પાસેથિ તેહ માગશે. ૪૯

બાઈએ એવું અંતરે આણ્યું, તે તો અંતરજામિએ જાણ્યું;

મુખ મલકાવિને બોલ્યા માવો, રુપૈયા શત ને વેઢ લાવો. ૫૦

કહ્યા છે ઉગા ચાંદુએ જેહ, તમે મુક્યા પટારામાં તેહ;

સુણિ બાઈ તો આશ્ચર્ય પામી, આપ્યું તે પ્રભુને શિર નામી. ૫૧

પછિ રથમાં બેસી તેહ ટાણે, મહારાજ ગયા મેરિયાણે;

ખળાવાડમાં રથ ત્યાં રખાવ્યા, ત્યાંના હરિજન દર્શને આવ્યાં. ૫૨

ભલા ભક્ત પ્રજાપતિ જેહ, હાજો માંડવિયો આવ્યા તેહ;

ભગો દેવજિ તેના બે તન, આવ્યા કરવાને હરિ દર્શન. ૫૩

આવ્યા સાજણ પાંડવ સાખે, ઘણિ પ્રીતિ પ્રભૂ પર રાખે;

ત્રણ પુત્ર તેના ગુણવંત, કાનો કરસન ત્રીજો સામંત. ૫૪

પુનો પાંડવ ને પુત્ર હાજો, જેનો પ્રેમ પ્રભૂ પદે ઝાઝો;

ભક્ત આણંદ સાખે જે વોરો, ત્યાંના સત્સંગિનો શિર તોરો. ૫૫

એહ આદિ પ્રજાપતિ આવ્યા, દેવા પાંડવને સાથે લાવ્યા;

બીજા જે હતા ત્યાં સતસંગી, આવ્યા દર્શન કરવા ઉમંગી. ૫૬

પ્રભુને કરી પ્રેમે પ્રણામ, કહ્યું જમવા રહો એહ ગામ;

મહારાજ ઉતાવળા થયા, તેથિ ત્યાંથિ ભમર ગામ ગયા. ૫૭

જગો રાઠોડ ત્યાં હરિજન, તેને દીધાં જઈ દરશન;

પછિ ત્યાંથિ ગયા સુખધામ, ગામ ઘાણલે શ્રીઘનશ્યામ. ૫૮

ગામથી જઈ પુર્વ દિશાયે, રથ રાખ્યો ઉભો હરિરાયે;

આવ્યા હરિજન કરવા પ્રણામ, વિપ્ર મેવાડા ગોવિંદરામ. ૫૯

માણસૂર કાઠી ત્રંબગડિયા, ગીગા સૂત સુધાં પગે પડિયા;

સાંખે વરિયા પ્રજાપતિ જેહ, આવ્યા હીરો પટેલ ત્યાં તેહ. ૬૦

ભક્ત પીઠો ભગો પણ એવો, ભગાના સુત રૈયો ને દેવો;

કૃપાનંદનું મંડળ હતું, આવ્યું તે પણ હરખિત થતું. ૬૧

સૌને દર્શન દૈ સુખધામ, ચાલ્યા રાજુલે પૂરણકામ;

રસ્તો દેખાડવા ભલિ ભાતે, હીરા ભક્તને લીધા સંઘાથે. ૬૨

પુષ્પિતાગ્રાવૃત્ત

સુખનિધિ હરિ રાજુલે સિધાવ્યા, સનમુખ સૌ સતસંગિ ત્યાંથિ આવ્યા;

કરિ દરશન કૃષ્ણદેવ કેરાં, જનમન તો હરખાં તહાં ઘણેરાં. ૬૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઉત્તમરાજ્ઞા સહ રાજુલાગ્રામપ્રાપ્તનામ ચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૦॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે