કળશ ૮

વિશ્રામ ૪૧

પૂર્વછાયો

રાજુલાના સતસંગિ સૌ, બાઈ ભાઈ આવ્યાં મળિ જેહ;

મુખ્ય હતા હરિભક્ત જે, તેનાં નામ સુણાવું તેહ. ૧

ચોપાઈ

દેવજી ને વીઠલ રાજગર, આવ્યા તે તહાં આનંદભર;

આવ્યા રાઠોડ ગોર તે ઠામ, ભગો ગીગો કલો તેનું નામ. ૨

નાગદાન સોની તણી નારી, સતસંગિ તે તો બહુ સારી;

તેના પુત્ર તણો પુત્ર રામ, આવ્યો દર્શન કરવા તે ઠામ. ૩

તેને પૂછે ધર્મદુલારો, કહો ક્યાં ગયા દાદો તમારો;

બોલ્યા રામ સોની જોડિ હાથ, ગયા છે તે તો મુંબઈ નાથ. ૪

કહે શ્રીજિ સુણો કહું વાત, તેને માથે વિતી મોટિ ઘાત;

નાવમાંથિ પડ્યા નિધિમાંય, તેનિ રક્ષા કરી અમે ત્યાંય. ૫

તેને સ્વપ્ન વિષે કહ્યું અમે, ભટવદર આવજો તમે;

નૃપ ઉત્તમ પરણાવા જાશું, તહાં આવશો તો ભેળા થાશું. ૬

માટે દર્શન કરવા ચહાઈ, ભટવદરે આવશે ભાઈ;

તમે ચિંતા ન કરશો લગાર, સારા જાણજો આ સમાચાર. ૭

બોલ્યા સર્વે કરીને પ્રણામ, ઘણું સારું કર્યું ઘનશ્યામ;

તમે ભક્તવત્સલ ભગવાન, દ્યો છો દાસને જીવનદાન. ૨૮

પછી શ્રીહરિ ગામ મોઝાર, જહાં આથમણી છે બજાર;

કુંભનાથનિ આગળ થઈ, ચાલ્યા સર્વને દર્શન દઈ. ૯

પછિ ત્યાંથિ વિદાય તે થયા, પ્રભુ બારપટોળિયે ગયા;

ગામથી દિશા દક્ષિણમાંય, રથ રાખ્યો ઉભો હરિ ત્યાંય. ૧૦

કાળુ વાવડિયાનું તે ગામ, પણ તે ન હતા તેહ ઠામ;

ખીમો વાઘ જે તેનો ભાણેજ, આવ્યા શ્રીહરિ આગળ એ જ. ૧૧

કહ્યું તેણે કરીને પ્રણામ, પ્રભુ જમવા રહો એહ ઠામ;

કહ્યું કૃષ્ણે નહીં રહેવાય, વેળા લગ્ન તણી વહિ જાય. ૧૨

ખીમો વાઘ કહે હરિરાય, બળદો બહુ થાક્યા જણાય;

માટે ઘી ગોળ હું જઇ લાવું, ખૂબ બળદોને તે ખવરાવું. ૧૩

એટલું તો કરી અંગિકાર, કરુણાનિધિ જગકરતાર;

પછિ ઘી ગોળ જૈ લઈ આવ્યા, બળદોને તો તૃપ્ત કરાવ્યા. ૧૪

પછિ તાણ કરી કૃપાનાથે, લીધા જાનમાં તેહને સાથે;

ભટવદર ગૈ જ્યારે જાન, આવ્યું સામૈયું દેવાને માન. ૧૫

ગાજતે વાજતે રુડિ રીતે, ગામમાં પધરાવિયા પ્રીતે;

જેહને ઘટે જ્યાં શુભ જેવો, આપ્યો ઉતારો સર્વને એવો. ૧૬

જાણ્યું આવ્યા જગત કરતાર, ત્યારે હરખ્યા સકળ નરનાર;

ઉછરંગ થયો ઉરમાંથી, કહે કૃષ્ણનાં દર્શન ક્યાંથી. ૧૭

ધન્ય ધન્ય ત્રિભુવનભૂ૫, કર્યું ગામ આ તીરથરૂપ;

પછિ તો કુળાચાર પ્રમાણે, કરી લગ્નવિધિ તેહ ટાણે. ૧૮

સારા સારા ત્યાં વિપ્ર તેડાવી, હતી રાખિ રસોઈ કરાવી;

ભાત ભાત તણાં પકવાન, ભગવાન જમ્યા જમિ જાન. ૧૯

વિવા વર્ણન જો આંહિ થાય, મોટો ગ્રંથ બહુ વધિ જાય;

માટે એટલું ઉચ્ચરું આંહિ, એવો વિવા થયો નથિ ક્યાંઈ. ૨૦

ધારે અંતરે શ્રીઘનશ્યામ, ઉતાવળથી જવાનું છે કામ;

બીજે દિવસ એકાદશિ આવી, તોય નાથે વરોઠિ1 ઠરાવી. ૨૧

પછિ નોતરિયું આખું ગામ, જમ્યા આવિને લોક તમામ;

આસપાસ તણાં ગામ કેરા, જમ્યા આવિને લોક ઘણેરા. ૨૨

કહે ભૂપ સુણો બ્રહ્મચારી, વ્રત કેમ લોપાવ્યું મુરારી;

ત્યારે વર્ણિ કહે સુણો મર્મ, આજ્ઞા શ્રીહરિની એ જ ધર્મ. ૨૩

ઉપજાતિવૃત્ત (પ્રભુની આજ્ઞા એ જ ધર્મ તે વિષે)

આજ્ઞા કરે શ્રીહરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તેહ ટાણે;

આજ્ઞા પ્રમાણે વરતે જ જેહ, પામે પ્રભૂ ધામ નિવાસ તેહ. ૨૪

શો વાનરાએ શુભ ધર્મ ધાર્યો, પુલસ્તનો વંશ વિશેષ માર્યો;

તથાપિ રીઝ્યા રઘુનાથ તેથી, પામ્યા સહૂ ઉત્તમ ધામ એથી. ૨૫

ગોવાળ ગોપિ વ્રજવાસિ જેહ, શી સાધનાઓ કરતા જ તેહ?

તથાપિ આજ્ઞા પ્રભુજીનિ પાળી, તો પાપ નાખ્યાં સઘળાં પ્રજાળી. ૨૬

અષ્ટાંગ જોગી જન જોગ સાધે, તથાપિ તેને નહિ ધામ લાધે;

તે ધામ પામી કુબજા કુનારી, જો કૃષ્ણ આજ્ઞા નિજશીશ ધારી. ૨૭

જો અર્જુને ધારિ સુધર્મનિષ્ઠા, પ્રીતિ ન દીઠી પ્રભુની વરિષ્ઠા;

ધર્યાં સુશસ્ત્રો પ્રભુના કહ્યાથી, ત્યારે ગયા મોક્ષ પ્રભૂ કૃપાથી. ૨૮

પ્રભૂનિ આજ્ઞા તપ જાપ તેહ, પ્રભૂનિ આજ્ઞા વ્રત સર્વ એહ;

આજ્ઞાથિ સૌ સાધન સિદ્ધિ થાય, સર્વે પદો હસ્તિ પદે સમાય. ૨૯

આજ્ઞા ધરે સૌ સુર ને સુરેશ, આજ્ઞા ધરે શેષ તથા મહેશ;

આજ્ઞા થકી સૂર્ય કરે પ્રકાશ, આજ્ઞા થકી મૃત્યુ કરે વિનાશ. ૩૦

પ્રભૂનિ આજ્ઞા શુભ એ જ ધર્મ, પ્રભૂનિ આજ્ઞા શુભ એ જ કર્મ;

પ્રત્યક્ષ જ્યારે પ્રભુ આંહિ હોય, આજ્ઞા કરે તે શ્રુતિ સત્ય સોય. ૩૧

ચોપાઈ

પ્રભુ સ્વેચ્છા પ્રમાણે આચરે, કરે ન કરે ને અન્યથા કરે;

પ્રભુ જે કહે તે ધર્મ ધરવો, એમાં સંશય કાંઈ ન કરવો. ૩૨

વરોઠી કરીને જશ લીધો, ડંકો દેશ બધા માંહિ દીધો;

દ્વિજને બહુ દક્ષિણા દીધી, રાજા ઉત્તમે આશિષ લીધી. ૩૩

આવ્યા ત્યાં બહુ માગણ જાત, ભાટ ચારણ આદિ પ્રખ્યાત;

તેને દેવા માંડી પછિ દાત,2 ધન વસ્ત્ર ભૂષણ ભાતભાત. ૩૪

નાગાજણ નામે રાવળ ભક્ત, જનમેલો દિસે કોઈ મુક્ત;

ગાય લૈને રવાજ3 તે પાસ, નારી પીશાચા મત કરો આશ. ૩૫

ત્યારે તેને કહે હરિરાય, એહ અવસરે તે ન ગવાય;

જેવું ટાણું તેવું ગાન કરિયે, એવો વિવેક અંતર ધરિયે. ૩૬

ત્યારે ગાયો તેણે બિજો ભાવ, તેને આપ્યો સારો સિરપાવ;

કરે કવિજન કીર્તિ ઉચ્ચાર, આપ્યા અશ્વ સજી શણગાર. ૩૭

હતા જાનમાં જે સરદાર, તેણે પણ દીધાં દાન અપાર;

હતા અસ્વાર જેહ રુપાળા, આપિ અશ્વ પોતે થયા પાળા. ૩૮

માથે બાંધેલાં મંડિલ રેટા,4 તે તો આપી માથે બાંધ્યા ફેંટા;

કડાં વેઢ વીંટી હતાં હાથે, કવિયોને દીધાં સહુ સાથે. ૩૯

આપ્યાં અંગનાં વસ્ત્ર ઉતારી, તેથિ કીર્તિ વધી બહુ સારી;

જેમ છોડથિ પુષ્પ ઉતારે, જશ છોડનો વિસ્તરે ભારે. ૪૦

પહેરામણી વેવાઇએ કીધી, વસ્તુ વિવિધ પ્રકારની દીધી;

વરરાજાને બહુ ધનમાલ, આપ્યાં ભૂષણ મંદિલ શાલ. ૪૧

દાયજો5 પુર્યો અપરમપાર, જોવા જાય ઘણાં નરનાર;

સગાવાલાએ હરખ સમેત, હાથગરણું6 કર્યું ધરિ હેત. ૪૨

દાદા ખાચરને ભગવાને, આપ્યો સોનાનો દોરો તે સ્થાને;

જસુબાઇને ઊતરિ આપી, ભક્ત પોતા તણી કરિ થાપી. ૪૩

પછી બીજાએ પણ રૂડી રીતે, હાથગરણું કર્યું પુરિ પ્રીતે;

પછિ પાદર કૃષ્ણ પધારી, સભા મેદાનમાં ભરિ સારી. ૪૪

બેઠા સંત ને સૌ સરદાર, બેઠા ગામના લોક અપાર;

પરગામના પણ બહુ જન, આવેલા કરવા દરશન. ૪૫

રાજુલા ને બિજા ગામ કેરા, હતા હરિજન આવ્યા ઘણેરા;

સભા માંહિ બેઠા જન સહુ, જ્ઞાનવાત કરે પ્રભુ બહુ. ૪૬

કોઇ સદગુરુ પણ કરે વાત, જેથિ જ્ઞાન પામે જનવ્રાત;

પછિ કીર્તન પણ કોઈ ગાય, કોઈ જનને સમાધિ ત્યાં થાય. ૪૭

અતિ પ્રૌઢ પ્રતાપ જણાય, તેથિ બહુજન સત્સંગિ થાય;

કરે વારતા શ્રીઘનશ્યામ, બ્રહ્મરસ વરસે તે ઠામ. ૪૮

એવામાં તો સોની નાગદાન, આવ્યા મુંબઈથી તેહ સ્થાન;

હતા ખારવા બે તેનિ સાથ, નમ્યા હેતે જોડી સહુ હાથ. ૪૯

પ્રેમઆતુર સર્વે જણાય, પ્રેમઆંસુ આંખે વહ્યાં જાય;

કહે કૃષ્ણ કહો ક્યાંથિ આવ્યા, ક્યાંથિ ખારવા બે સાથે લાવ્યા. ૫૦

નાગદાન બોલ્યા જોડિ હાથ, આપ અંતરજામિ છો નાથ;

અજાણ્યું નથિ આપનું કાંઈ, તોય વાત કહું છું હું આંહીં. ૫૧

નાવમાં બેસિ મુંબઇ જાતાં, કાંઠે નાવને જૈને ડોકાતાં;

નિધિમાં પડ્યો હું મહારાજ, ગયું બે ગાઉ દૂર જહાજ. ૫૨

ખારવા મુજને ઓળખતા, તેઓ શીયાળ બેટના હતા;

જોયું ખારવાએ નાવમાંય, મુજને તો દીઠો નહિ ત્યાંય. ૫૩

પડ્યો નાવથિ અંતરે આવ્યું, ત્યારે નાવ તે પાછું ચલાવ્યું;

મુજ પાસે આવ્યું નાવ જ્યારે, મુજને દીઠો ખારવે ત્યારે. ૫૪

જેમ કેડ સુધી જળ હોય, તેમાં ઉભો રહે જન કોય;

તેમ ઉભો દિઠો મને તેણે, લીધો નાવમાં એ સમે એણે. ૫૫

મને તરતાં ન આવડે નાથ, નવ જાણું હલાવિ હું હાથ;

હું તો જાણું છું હે વનમાળી, તમે રાખ્યો તહાં મને ઝાલી. ૫૬

નહિ તો નહિ ત્યાં ઉગરાય, નકિ જીવનું જોખમ થાય;

એવું સાંભળી શ્રીઅવિનાશ, મંદ મંદ કર્યું મુખહાસ. ૫૭

નાગદાન વદે મુખ વાણી, વળિ સાંભળો સારંગપાણી;

મને પૂછ્યું આ ખારવે ત્યારે, ઇષ્ટદેવ છે કોણ તમારે. ૫૮

ત્યારે મેં લીધું આપનું નામ, ઇષ્ટદેવ મારા ઘનશ્યામ;

સર્વ અવતારના અવતારી, એ જ રક્ષા કરે છે અમારી. ૫૯

સુણિ બોલ્યા આ ખારવા બેય, નકિ તે પ્રભુ સમરથ છેય;

નહિ તો નિધિ માંહિ અઘાત, આમ જીવે નહિ જન જાત. ૬૦

એવા શ્રીહરિનાં કોઇ સમે, ક્યાંથિ દર્શન પામીયે અમે;

એમ વાત ઉચ્ચારતા બહુ, ગયા મુંબઇમાં અમે સહુ. ૬૧

ચાર પુત્ર મળ્યા નિધિતીર, આલો લાખો ને ભગો હમીર;

સૌએ જાણ્યો બનેલો બનાવ, આપ્યો ખારવાને સરપાવ. ૬૨

વિત્યા સાત દિવસ તહાં અમને, ત્યાં તો મેં દિઠા સ્વપ્નમાં તમને;

તમે એમ કહ્યું મહારાજ, દાદા ખાચરના વિવા કાજ. ૬૩

ભટવદરમાં અમે જાશું, તહાં આવશો તો ભેળા થાશું;

તેથિ નાવમાં બેસવા જ્યારે, ગયો બંદર ઊપર ત્યારે. ૬૪

એ જ નાવ મને મળિ આવ્યું, તેમાં બેઠો ને નાવ ચલાવ્યું;

ત્યારે ખારવાને વાત કરી, ભટવદર આવશે હરી. ૬૫

અમે શીયાળબેટ ઉતરિયા, તમ દર્શને આંહિ સંચરિયા;

સુણિ સૌ જન આશ્ચર્ય પામ્યા, ઉર આનંદના ઓઘ જામ્યા. ૬૬

થયા ખારવા તે સતસંગી, વળિ વંદ્યા પ્રભુને ઉમંગી;

તેહ ખારવાને સુખદાની, રેટો બંધાવિયો જરિયાની. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

અચરજમય કામ કૃષ્ણ કીધાં, નિજજનને સુખ તો અનંત દીધાં;

બહુજન સતસંગ તો કરાવ્યો, પ્રગટ પ્રતાપ અતિ ઘણો જણાવ્યો. ૬૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિઉત્તમરાજ-વિવાહકરણનામૈકચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે