કળશ ૮

વિશ્રામ ૪૩

પૂર્વછાયો

ભૂત ભવિષ્યની વારતા, સર્વ જાણે છે શ્રીમહારાજ;

જાણ્યું આવે છે દ્વારિકાપતી, સાથે તીર્થનો લઇને સમાજ. ૧

ચોપાઈ

સભામાં કહે શ્રીજગદીશ, અહીં આવે છે દ્વારિકાધીશ;

ગોમતી આદિ તીર્થ છે પાસ, કરશે વરતાલમાં વાસ. ૨

આપણે પણ સૌએ વિચારી, જવા વરતાલ કરવિ તૈયારી;

એવું સાંભળિ સૌ નરનાર, થવા લાગ્યાં જવાને તૈયાર. ૩

તપ્તમુદ્રા ત્યાં જનને અપાવા, મહારાજે તે માંડિ કરાવા;

શંખ ચક્ર ગદા પદ્મ જેહ, છાપો ચાર કરાવિ ત્યાં તેહ. ૪

ડાબે હાથે ઉપર શંખ છાજે, તેહ નીચે તો ચક્ર બિરાજે;

જમણે ભુજે પદ્મ ને ગદા, તપ્તમુદ્રા ધરે જન સદા. ૫

શંખ પદ્મમાં શ્રીકૃષ્ણ નામ, શોભે અક્ષર ત્રણ સુખધામ;

હવે દ્વારિકાની કહું વાત, ધર્મવંશિ રહ્યા છે જ્યાં રાત. ૬

કરી પારણું ચાલિયા પ્રીતે, મુનિ સચ્ચિદાનંદ સહીતે;

રાત વાસો જહાં રહેવાય, સૌને સ્વપ્નમાં દર્શન થાય. ૭

તેહ ગામના પણ કોઇ જન, સ્વપનામાં કરે દરશન;

જાણે આવિયા દ્વારિકાનાથ, ગોમતી આદિ તીર્થ છે સાથ. ૮

પગે લાગિને અચરજ પામે, પ્રભુ ક્યાંથિ આવ્યા એહ ઠામે;

કરે તર્ક વિતર્ક તે ટાણે, ગામના જન મર્મ ન જાણે. ૯

એમ કરતા મુકામ મુકામ, દ્વિજ આવ્યા દુરગપુર ધામ;

તિથિ ફાગણ શુદિ છઠ જ્યારે, પહોંચ્યા તેહ ગઢપુર ત્યારે. ૧૦

કર્યાં શ્રીજિ તણાં દરશન, મળ્યા ગઢપુરના હરિજન;

વાસુદેવ નારાયણ તણી, સાંઝે આરતિ થઈ શુભ ઘણી. ૧૧

તેહ ઓરડામાં તેહ ટાણે, કોટિ સૂર્ય શશાંક પ્રમાણે;

સૌએ તેજ નિહાળ્યું ત્યાં અતી, દીઠાં લક્ષ્મી ને દ્વારિકાપતી. ૧૨

ગોમતી આદિ તીર્થ જણાયાં, પછિ તે સહુ ત્યાં જ સમાયાં;

પૂછે હરિજન હે મહારાજ, ક્યાંથિ આવ્યો એ સર્વ સમાજ. ૧૩

સુણિ બોલિયા શ્રીજી સાક્ષાત, સચ્ચિદાનંદને પુછો વાત;

મુનિને પછિ પૂછિયું તહીં, ત્યારે તે મુનિએ કથા કહી. ૧૪

દીધું વરદાન દ્વારિકાનાથે, જેવિ રીતે ચાલ્યા વળિ સાથે;

વિગતે બધિ વાત ઉચારી, ધર્મવંશિ બોલ્યા મનધારી. ૧૫

વાટે જ્યાં અમે રાત રહ્યાતા, સ્વપને દ્વારિકેશ દેખાતા;

તેહ ગામના લોકોને ત્યાંય, દીધાં દરશન સ્વપનામાંય. ૧૬

સુણિ સૌ જન હરખ્યા અત્યંત, બોલ્યા ભક્તિતનુજ ભગવંત;

કાલે વરતાલની લેશું વાટ, સાથે આવજો સૌ તેહ માટ. ૧૭

લાધા ઠક્કરને ત્યાં બોલાવી, કંકોતરિયો કૃપાળે લખાવી;

એમાં એવું લખાવ્યું વિશેષ, ગોમતીજિ સુદ્ધાં દ્વારિકેશ. ૧૮

ફુલડોળ ઉપર તતકાળ, આવશે વસવા વરતાલ;

માટે તે સમે ત્યાગિ ગૃહસ્થ, તહાં આવજો ભક્ત સમસ્ત. ૧૯

કંકોતરિયો એ રીતે લખાવી, દેશોદેશ વિષે મોકલાવી;

પછિ ચાલ્યા પ્રભાતમાં નાથ, સંત હરિજન સૌ લઈ સાથ. ૨૦

દાદા ખાચર આદિક ભાઈ, લલિતા જયા આદિક બાઈ;

ધર્મવંશિ સરવ નરનારી, સાથે લૈ સંચર્યા ગિરધારી. ૨૧

રહ્યા સારંગપુર સુખધામ, બીજે દિવસ સુંદરિયાણે ગામ;

હીમરાજ શાથે પૂજા શાયે, સેવા શ્રીહરિની સજિ ત્યાંયે. ૨૨

જ્યાં જ્યાં રાત રહે હરિરાય, દ્વારિકાપતિ જનને દેખાય;

ચાલ્યા સુંદરિયાથી શ્યામ, સાથે લૈ નિજસંઘ તમામ ૨૩

દોઢ પો’ર ચડ્યો દિન જ્યારે, આવ્યું એક તળાવ ત્યાં ત્યારે;

ગાંફ પછિમ ને ગામ ખસતું, ત્રણ ગામને સીમાડે વસતું. ૨૪

સર પીંપરિયું તેનું નામ, ઠર્યા પિંપર છાંયે તે ઠામ;

તહાં સર્વે જને કર્યું સ્નાન, કરિ નિત્યક્રિયા તેહ સ્થાન. ૨૫

બેઠા સૌ ભાતું જમવાને કાજે, ત્યારે લૈ બરફી મહારાજે;

સંત વર્ણિ પાળાઓને દીધી, સૌએ સમજિ પ્રસાદિ તે લીધી. ૨૬

રઘુવીર અયોધ્યાપ્રસાદ, તેને આપ્યો પ્રભુએ પ્રસાદ;

પછિ ગોપાળજી નંદરામ, તેને આપિ પ્રસાદિ તે ઠામ. ૨૭

બનિ ત્યાં એક આશ્ચર્ય વાત, કહું તે તમે સાંભળો ભ્રાત;

તેહ ગોપાળજી નંદરામ, કરવા લાગ્યા પૂજાનું કામ. ૨૮

ઘસી ચંદન કીધું તૈયાર, પાસે લૈ બેઠા પુષ્પના હાર;

પછી સંપુટ1 લાલજિ કેરાં, ન જડ્યાં બેયે શોધ્યાં ઘણેરાં. ૨૯

પછિ તો ચિત્ત માંહિ વિચાર્યા, એ તો સુંદરિયાણે વિચાર્યા;

લાલજીનિ પૂજા ન કરાય, ત્યાં લગી બરફી ન ખવાય. ૩૦

પછિ સંપુટ લેવાને કાજે, સ્વાર મોકલિયો મહારાજે;

ચિત્તે વિચાર્યું ગોપાળજીએ, પ્રભુ પ્રત્યક્ષને જ પૂજીએ. ૩૧

એ છે અવતારના અવતારી, નથી એથિ અધિક સુખકારી;

પછિ ચંદન પુષ્પ લઈને, પૂજ્યા પ્રગટ પ્રભુને જઈને. ૩૨

નેહથી નાથને પગે નમ્યા, પછિ બરફિ પ્રસાદિની જમ્યા;

નંદરામે ત્યાં એમ ઉચ્ચાર્યું, જમ્યા તે તમે નવ કર્યું સારું. ૩૩

ઉપવાસ ભલે સાત થાય, લાલજી પૂજ્યાવિણ ન જમાય;

કહે ગોપાળજી શું વખાણું, હું તો લાલજી શ્રીજિને જાણું. ૩૪

લાલજીને હું પૂજું છું જેહ, રૂપ શ્રીજિનું જાણિને તેહ;

માટે શ્રીજિનું પૂજન કીધું, પછિ અશન2 પ્રસાદીનું લીધું. ૩૫

પછિ લાલજિનું નંદરામે, બેસિ ધ્યાન ધર્યું તે ઠામે;

થયું લાલજિનું દરશન, દીઠા પ્રત્યક્ષ નંદનંદન. ૩૬

કહ્યું તે કૃષ્ણે ઉભા રહીને, કેમ નિંદો છો ગોપાળજીને;

સર્વ અવતારના અવતારી, એણે પૂજ્યા પ્રભુ ભાવ ધારી. ૩૭

પછી ભોજન મુખ માંહિ લીધું, ખોટું એણે નથી કાંઇ કીધું;

એમ કહિ થયા અંતરધાન, નંદરામને ઉપજ્યું જ્ઞાન. ૩૮

સરવોપરિ શ્રીજિને જાણી, કરિ પૂજા ભલો ભાવ આણી;

જમ્યા બરફી પ્રસાદીની લઈ, એમ કરતાં ઘણી વાર થઈ. ૩૯

લૈને સંપુટ આવિયો સ્વાર, આપ્યાં બેયને તે તેહ વાર;

જોયાં સંપુટ ઉઘાડી જ્યારે, તાજાં પુષ્પ ચંદન દીઠાં ત્યારે. ૪૦

ચડાવ્યાં હતાં શ્રીજિને જેહ, દીઠાં લાલજી ઊપર તેહ;

જાણ્યું પૂજ્યા શ્રીવૃષકુળરાયા, તેથિ લાલજી દીસે પૂજાયા. ૪૧

એવિ અદ્‌ભુત લીલાઓ ઘણી, કેટલી સંભળાવું તે ગણી;

પછિ ત્યાંથી પ્રભુ પરવરિયા, મોટિબોરુયે આવી ઉતરિયા. ૪૨

ગામથી અગનીકોણ ભાગ, ત્યાં છે સુંદર એક તડાગ;

ઉતર્યા ત્યાંથિ કાંઇક દૂર, આવ્યા હરિજન હરખીને ઊર. ૪૩

સૌએ સ્નેહ ધરી સેવા કીધી, રુડી રીતે રસોઈ ત્યાં દીધી;

વરિયાળી સુવાસિની બાઈ, પ્રભુની નાનિ મોટિ ભોજાઈ. ૪૪

તેણે કીધો રુડી રીતે થાળ, બેઠા જમવાને જનપ્રતિપાળ;

સૌએ કૌતુક દીઠું તે ઠાર, કહું સાંભળો ભૂપ ઉદાર. ૪૫

રમા ગોમતી દ્વારિકાનાથ, જમતા દીઠા શ્રીહરિ સાથ;

જોઈ અચરજ પામિયાં સહુ, કેટલુંક વખાણીને કહું. ૪૬

પુષ્પિતાગ્રાવૃત્ત

અચરજમય કૃષ્ણ કેરિ લીલા, શુભ સુણશે હરિભક્ત જે રસીલા;

અતિ હરખિત તેહ સર્વ થાશે, અસુર જનો સુણતાં દિલે દઝાશે. ૪૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિદ્વારિકેશસહ-વૃત્તાલયગમનનામ ત્રિચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે