વિશ્રામ ૪૪
પૂર્વછાયો
વર્ણિ કહે નૃપ સાંભળો, ચાલ્યા બોરુ થકી બળવંત;
એકાદશીએ સંધ્યા સમે, વરતાલ આવ્યા ભગવંત. ૧
ચોપાઈ
વરતાલ વિષે થઈ વાત, આવે છે સંઘ લઈ જગતાત;
સતસંગી ને સંતસમાજ, ગયા સામૈયું કરવાને કાજ. ૨
કરાવી અગણીત મશાલો, અન્યોઅન્ય કહે ચાલો ચાલો;
લીધા પુષ્પના તોરા ને હાર, લીધાં વાજિંત્ર વિવિધ પ્રકાર. ૩
પ્રભુને કર્યા જૈને પ્રણામ, પૂજ્યા પ્રેમથી શ્રીઘનશ્યામ;
હાર તોરા ચડાવ્યા હરીને, મળ્યા સર્વને સ્નેહ કરીને. ૪
આવ્યા મંદિર માંહી જીવન, કર્યાં દેવ તણાં દરશન;
થોડી વાર ઉભા રહિ ત્યાંય, ઉતર્યા હરિમંડપ માંય. ૫
બીજા સૌને જેને ઘટે જેમ, આપ્યા ઉતારા ઉત્તમ એમ;
એ જ અવસરે વટપુર થકી, મુક્તાનંદ આવ્યા તહાં નકી. ૬
મતવાદિઓને જિતિ આવ્યા, સારો સંદેશો ભૂપનો લાવ્યા;
પ્રભુને કહ્યું પ્રણમીને પાય, ભૂપ આપને મળવા ચહાય. ૭
વારે વારે કહ્યું મુજ કને, ક્યારે મળશે મહાપ્રભુ મને;
તેડાવ્યાનો કરે છે વિચાર, પેખ્યો ભૂપનો પૂરણ પ્યાર. ૮
મતવાદીને જીતિયા જેહ, જાણિ રાજી થયા પ્રભુ તેહ;
આપ્યો ઉરથી પ્રસાદિનો હાર, પ્રશંસા કરી વારમવાર. ૯
તેના મંડળના સહુ સંત, ભેટ્યા તેઓને શ્રીભગવંત;
એ જ એકાદશી તણી રાતે, વરતાલમાં સૌ જન જાતે. ૧૦
દીઠાં રુક્મિણી દ્વારિકાનાથ, ગોમતિ આદિ તીરથ સાથ;
જન જાગિયા જ્યારે પ્રભાત, કરિ તેહ પરસ્પર વાત. ૧૧
દ્વાદશી દિન શ્યામશરીર, ગયા ધારુ તળાવને તીર;
આંબાનું વન છે તેહ ઠામ, બેઠા સિંહાસને સુખધામ. ૧૨
શાર્દૂલવિક્રીડિત
આંબાનાં બહુ ઝાડઝુંડ ઝુકિયાં છે મોર બેઠો ઘણો,
કૂકૂકૂ સ્વર કોકિલા બહુ કરે તેવો મયૂરો તણો;
સૌખ્યે ત્યાં શુક સારિકા બહુ વસે વાયૂ ત્રિધા ત્યાં વહે,
શ્રીજી ધારુતળાવ નેણ નિરખી છે સારું સારૂં કહે. ૧૩
ઉપજાતિવૃત્ત
શ્રી અક્ષરાનંદ મુનીંદ્ર જેહ, ખોદાવિયું ખૂબ તળાવ તેહ;
નિહાળિને રાજિ થયા દયાળ, કહે પ્રભુજી વળિ તેહ કાળ. ૧૪
આ ખોદવાનું હજિ છે અધૂરું, હવે કરાવો મુનિ તેહ પૂરુ;
માંડ્યું મુનિએ સુણિને કરાવા, મહાપ્રભુને મુદ ઊપજાવા. ૧૫
પછી પ્રભૂ મંદિર સંચરીને, બેઠા સુશોભીત સભા ભરીને;
બોલ્યા હરી હાથ ઉંચા કરીને, સુણો તમે સ્વસ્થ ચિતે ઠરીને. ૧૬
શ્રીદ્વારિકાધીશ પ્રસન્ન થૈને, આવ્યા અહીં સર્વ સમાજ લૈને;
સદા અહીં તે કરશે નિવાસ, પ્રતાપ પૂરો કરશે પ્રકાશ. ૧૭
કહે જનો સત્ય કહી કથા તે, અમે કર્યાં દર્શન આજ રાતે;
તેનો અમે મર્મ કશો ન જાણ્યો, ભલે પ્રભુ શ્રીમુખથી વખાણ્યો. ૧૮
શ્રીજી કહે સૌ સુણજો સમાજ, કહું તમારા હિતને જ કાજ;
દ્વારામતી આ વરતાલ જાણો, એમાં નહીં સંશય કાંઈ આણો. ૧૯
શ્રીલક્ષ્મિનારાયણ દેવ જે છે, શ્રીદ્વારિકાધીશ સ્વરૂપ તે છે;
શ્રીગોમતીજી પણ દિવ્ય વેશે છે, આવિયાં તે અહિં જન્મ લેશે. ૨૦
તે જન્મ લૈને જળરૂપ થાશે, ત્યારે સદા સૌ જનને જણાશે;
તે માટે તેને વસવાનું ઠામ, કરો મળીને સહુ પૂર્ણકામ. ૨૧
જો કાલથી પૂનમ સુધિ થાય, તો કામ સંપૂરણ તે કરાય;
પ્રતીપદાને દિન જન્મ લેશે, તે ગોમતી તે સ્થળમાં રહેશે. ૨૨
બોલ્યા જનો હે હરિ મેઘશ્યામ, પ્રભાતથી તે કરશું જ કામ;
એવું કહી સર્વ ગયા ઉતારે, જાગ્યા થયો કાળ પ્રભાત જ્યારે. ૨૩
નિત્યક્રિયા તે કરિ સજ્જ થૈને, મંડ્યા સહૂ ધારુતળાવ જૈને;
મહાપ્રભુ તેહ તળાવ પાળે, બિરાજિયા જૈ વળિ તેહ કાળે. ૨૪
મંડ્યા હરિભક્ત તહાં હજારો, રીઝાવવા ધર્મ તણો દુલારો;
લૈ ટોપલા ગાળ ઉપાડિ જાય, પ્રત્યેક સાથે મમતે ભરાય. ૨૫
મટોડિ ત્યાં શ્રીહરિએ ઉપાડી, ઘણાક શ્રીમંત હતા અગાડી;
ઓઢેલ શેલાં વળિ શાલ જેણે, તેમાં ભરી લીધિ મટોડિ તેણે. ૨૬
વડોદરાના નર નારુપંત, મહીપતી ઉત્તમ દ્રવ્યવંત;
એવા હતા તે પણ તેહ ટાણે, તે કામમાં મંડિ પ્રમોદ આણે. ૨૭
ઉંચે સ્વરે સૌ જયકાર બોલે, આનંદ સૌને ઉપજયો અતોલે;
જૈ સર્વને દર્શન કૃષ્ણ દે છે, કૃપાનિ દૃષ્ટીથિ ખુશી કરે છે. ૨૮
ત્યાં એક ખોદી વળિ ખાડ એવી, જોતાં દિસે આકૃતિ વાવ્ય જેવી;
એવી રિતે કામ અનેક ઠામ, કરે જનો કૃષ્ણ પ્રસન્ન કામ. ૨૯
સારી રિતે પૂનમ સુધિ ત્યાંય, ચાલ્યું ઘણું કામ તળાવમાંય;
ત્યાં પુષ્પદોલોત્સવ દિન આવ્યો, ભલો સહૂના મન માંહિ ભાવ્યો. ૩૦
પ્રભાતમાં ઊઠિ કૃપાનિધાન, કરી લિધી નિત્ય ક્રિયા નિદાન;
સાથે લઈ વાડવ1 વેદજાણ, તળાવ ચાલ્યા વૃષવંશભાણ.2 ૩૧
સાથે લિધો સંત તણો સમાજ, સાથે લિધો પૂજન કૃત્ય સાજ;
જે ધર્મવંશી નર ત્યાં હતા તે, ચાલ્યા પ્રભૂ સાથ ખુશી થતા તે. ૩૨
આવ્યા હતા દર્શન કાજ જેહ, ગયા તળાવે જન સર્વ તેહ;
ગયા વળી ઉત્સવિયા સહૂ ત્યાં, વાજિંત્રવાળા જન તો બહૂ ત્યાં. ૩૩
જ્યાં વાવ્ય આકાર ખણેલ સારો, ઉભા તહાં જૈ વૃષનો દુલારો;
છે ખોદતા ત્યાં વળિ કૈક શાળા, કોદાળિ આદી લઇ પ્રેમવાળા. ૩૪
તેમાં હતા પાર્ષદ ભીમભાઈ, તેને કહે શ્રીહરિ સુખદાઇ;
તમે ખણો આ સ્થળ એક વાર, થશે તહાંથી જળ કેરિ ધાર. ૩૫
આજ્ઞા પ્રમાણે કર્યું એમ જ્યારે, જોરેથિ છૂટી જળધાર ત્યારે;
જાણે તહાંથી થઇ બાણગંગા,3 પ્રભુપ્રસન્નાર્થ પવિત્ર અંગા. ૩૬
દેખાઈ ત્યાં ગોમતિ મૂર્તિમાન, અત્યંત તે તેજ તણું નિધાન;
ગોપાળજી ને વળિ નંદરામ, મળી કર્યું પૂજન તેહ ઠામ. ૩૭
વિપ્રે કહી વેદવિધિ પ્રમાણે, તહાં કર્યું સ્થાપન તેહ ટાણે;
તે દેવિએ ત્યાં હરિકૃષ્ણ કેરી, ઉચ્ચારિ એ ઠામ સ્તુતી ઘણેરી. ૩૮
માલિની
જય જય ભયહારી સર્વદા સૌખ્યકારી,
વૃષકુળ તનુધારી મુક્તિદાતા મુરારી;
અગણિત નરનારી આ સમામાં ઉદ્ધારી,
વચન નિજ વિચારી શુદ્ધ લીધી અમારી. ૩૯
ઉપજાતિવૃત્ત
એવી રિતે ઊચરિ એહ ઠામ, પ્રેમે પ્રભૂને કરિને પ્રણામ;
નારી મટીને થઈ નીરરૂપ, ધારા વછૂટી બહુધા અનૂપ. ૪૦
શિરે હરીને અભિષેક કીધો, સ્વચિત્ત જાણે શુભ લાભ લીધો;
એવું વધ્યું ત્યાં જળ કેરું પૂર, જનો ગયા સૌ ડરિ ત્યાંથિ દૂર. ૪૧
શ્રીગોમતીનો શુભ જન્મ જાણી, જનો વદે સૌ જયકાર વાણી;
બહુ થયા બંદુકના બહાર, વાજિંત્ર વાજે વળિ ત્યાં અપાર. ૪૨
કોઈ જનો પુષ્પ વડે વધાવે, કોઈ જનો શ્રીફળ લૈ ચડાવે;
ત્યાં ઉત્સવો ઉત્સવિયા કરે છે, આનંદ ઝાઝો ઉરમાં ધરે છે. ૪૩
આકાશમાં દેવવિમાન છાયાં, રંભા4 મળી મંગળ ગીત ગાયાં;
રાજી થયા સૌ સુર ને સુરેશ, પુષ્પો તણી વૃષ્ટિ કરે વિશેષ. ૪૪
શ્રીજી બિરાજ્યા સર કેરિ પાળે, સિંહાસને વેદિ વિષે વિશાળે;
બેઠા સમીપે સહુ આવિ દાસ, બોલ્યા પ્રભુ તે જન સર્વ પાસ. ૪૫
આવ્યાં જુઓ ગોમતિ એહ ઠામ, તો ગોમતી આ સર કેરું નામ;
જે આવિને આ સરમાં નહાશે, તો ગોમતી તીર્થનું પુણ્ય થાશે. ૪૬
વૃત્તાલ દ્વારામતિથી વિશેષ, છે લક્ષ્મિનારાયણ દ્વારિકેશ;
આ ગોમતી ઉત્તમ તીર્થદેવી, આંહીં જ શંખાદિક છાપ લેવી. ૪૭
જે તપ્તમુદ્રા અહિં આવિ લેશે, દૂરે ડરીને જમડા રહેશે;
તેને જ સત્સંગિ ગણીશ મારો, માટે તમે સૌ જન છાપ ધારો. ૪૮
હુતાશનીની પડવે પ્રમાણો, તે ગોમતીનો દિનજન્મ જાણો;
તે વાસરે જે જન આંહિ આવે, પૂજા કરી ઉત્સવને કરાવે. ૪૯
સંતો તથા બ્રાહ્મણને જમાડે, તે પૂર્વનાં પાપ બધાં મટાડે;
પુત્રાદિ પામે ધન ધાન્ય પામે, અંતે વસે અક્ષર નામ ધામે. ૫૦
વૈકુંઠવર્ણી બટુ વાસુદેવ, તેને કહે શ્રીહરિ તર્તખેવ;
આપો તમે સૌ નર અંગ છાપ, જેથી ટળે ચિત્ત તણા ઉતાપ. ૫૧
તે વર્ણિયોએ પછિ છાપ દીધી, તે ધર્મવંશી નર સર્વ લીધી;
સંતે તથા સૌ સતસંગિયીએ, લીધી વળી સૌ વરણી જનોએ. ૫૨
ગંગાખ્ય માતા હરિભક્ત બાઈ, તેને કહે શ્રીહરિ સૌખ્યદાઈ;
દાદા દવેની જમના તનૂજા,5 છાપો તમે બાઈ જનોનિ ભૂજા. ૫૩
તે બે મળીને કૃત6 તેહ કામ, રાજી થયા તે થકિ મેઘશ્યામ;
વર્ણીન્દ્ર બોલ્યા વળિ વાસુદેવા, કહ્યું તમે હે હરિ છાપ લેવા. ૫૪
માટે કહ્યું તે કરશો ઉપાય, તો છાપ સૌથી સુગમ ધરાય;
જે ધામ કીધાં વળિ જેહ થાશે, જો છાપ સર્વ સ્થળમાં અપાશે. ૫૫
તો જેહને જ્યાં અનુકૂળ આવે, ત્યાં તે જઈને તવ છાપ લાવે;
કહે હરિ એમ કદી ન થાય, જ્યાં જે ક્રિયા યોગ્ય તહાં કરાય. ૫૬
જય દ્વારિકા ગોમતિ તીર્થ જ્યાં છે, છાપો તણો તો અધિકાર ત્યાં છે;
જે મારિ આજ્ઞા જ વિષે રહેશે, તે આવિને છાપ અહીં જ લેશે. ૫૭
તેને જ હું ભક્ત ગણીશ મારો, એ રીત બોલ્યા વૃષનો દુલારો;
વૃતાલના વાસિ કુબેરદાસ, તથા પગી જોબન તેહ પાસ. ૫૮
નારાયણાખ્યો ગિરિ સૌ મળી ત્યાં, દીધી રસોઈ હરિને વળી ત્યાં;
રસોઇ નારાયણ બાગ માંઈ, થૈ ધર્મવંશી જન કાજ ભાઈ. ૫૯
છે આમ્રની વાડિ તળાવ ઘાટે, કીધી રસોઈ તહિ સંત માટે;
સમસ્ત વિપ્રો અરથે રસોઈ, તહાં કરાવી શુભ ભૂમિ જોઈ. ૬૦
નારાયણાનંદ બટૂ મહાંત, તે આવિ બોલ્યા પ્રભુ પાસ શાંત;
છે જન્મદાડો બદરીશ કેરો, ઉત્સાહ છે સૌ જનને ઘણેરો. ૬૧
રંગે રમ્યાનો દિન આજ સારો, માટે પ્રભૂ મંદિરમાં પધારો;
સુણી ગયા મંદિરમાં ઉમંગે, રમ્યા સખા સંગ વિશેષ રંગે. ૬૨
પછી પ્રભૂ ગોમતિયે જઈને, નાયા સહૂ સાથે ખુશી થઈને;
પછીથિ નારાયણબાગ માંય, પધારિયા શ્રી વૃષવંશરાય. ૬૩
પછી અયોધ્યાખ્ય પ્રસાદ કેરી, નામે સુનંદા સુશિલા ઘણેરી;
વીર્જા રઘૂવીર તણી સુપત્ની, જે છે પ્રભૂને ભજવા પ્રયત્ની. ૬૪
રસોઈ તે બેય મળી બનાવી, જમ્યા પ્રભૂ ભાવ વિશેષ લાવી;
થયા દ્વિજોના પણ પાક સિદ્ધ, સંતો તણા પાક થયા પ્રસિદ્ધ. ૬૫
થૈ પંક્તિયો ગોમતિ કેરિ પાળે, આશ્ચર્ય પામી જન સૌ નિહાળે;
દીધી દ્વિજોને બહુ દક્ષિણાઓ, કૃતાર્થ તે વિપ્ર થયા ઘણાઓ. ૬૬
સાયં સમે મંદિર માંહિ જૈને, બેઠા સભામાં હરિ સ્વસ્થ થૈને;
પૂજા કરી સૌ સતસંગિવૃંદે, કરી સુ વાર્તા વૃષવંશચંદે. ૬૭
સત્સંગિના સંઘ કર્યા વિદાય, રહ્યા હરી શ્રીવરતાલ માંય;
શ્રીગોમતી સ્થાપન જેહ કીધ, સર્વત્ર તે વાત થઈ પ્રસિદ્ધ. ૬૮
પુષ્પિતાગ્રાવૃત્ત
વૃતપુર કૃત ગોમતી નિવેશ, રુકમણિ યુક્ત પ્રસિદ્ધ દ્વારિકેશ;
પુનિત ચરિત તે સુણે સુણાવે, ફરિ ભવ માંહિ કદાપિ તે ન આવે. ૬૯
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
ધારુતડાગેશ્રીગોમતી-પ્રતિષ્ઠાનિરૂપણનામ ચતુશ્ચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૪॥