કળશ ૮

વિશ્રામ ૪૫

પૂર્વછાયો

ગોમતિની કરિ સ્થાપના, પછિ વાલો વસ્યા વરતાલ;

ચરિત્ર ત્યાં જે જે કર્યાં, સુણો ભાવ સહિત ભૂપાળ. ૧

ચોપાઈ

ગોમતી તણું કામ ચલાવે, વળિ મંદિર પૂર્ણ કરાવે;

હરિનવમિ તણો દિન આવ્યો, ત્યારે સારો સમૈયો શોભાવ્યો. ૨

નડિયાદના મોહનરામ, ગંગારામ તો ભાઇનું નામ;

વાઘા જરિયાનિ દેવને કાજે, લાવ્યા તે બહુ ઉત્તમ છાજે. ૩

વટપત્તન શ્રીપુર કેરા, હરિજન પણ લાવ્યા ઘણેરા;

દેવને તે ધરાવિયા જ્યારે, જન રીઝિયા જોઇને ત્યારે. ૪

સભા શ્રીજિની પાસે ભરાઈ, બેઠાં યોગ્ય રિતે બાઈ ભાઈ;

ઇચ્છારામના સુત ગુણવાન, નામ ગોપાળજી મતિમાન. ૫

થયો સંકલ્પ તેને તે ઠામ, દ્વારિકામાં તો કૃષ્ણ છે શ્યામ;

આંહીં લક્ષ્મીનારાયણ રૂપ, શ્વેત મૂર્તિ છે એ તો અનુપ. ૬

ધાર્યું લક્ષ્મીનારાયણ નામ, નથી રણછોડજી એહ ઠામ;

એવો લોકોને સંશય થાશે, રણછોડજી કેમ મનાશે. ૭

માટે રણછોડજી નામ ધારી, શ્યામ મૂર્તિ સ્થપાય તો સારી;

વાત અંતરજામિએ જાણી, બોલ્યા ગોપાળજી પ્રતિ વાણી. ૮

કૃષ્ણ છે તે નારાયણ જાણો, નારાયણ એ જ કૃષ્ણ પ્રમાણો;

એમાં ભેદ નથી કાંઈ ભાઈ, તોય શંકા જે તમને જણાઈ. ૯

તમે સંકલ્પ મન કર્યો જેહ, સિદ્ધ થાશે સરવ વાત તેહ;

રણછોડજિ આંહિ સ્થપાશે, શ્યામ રંગે તે મૂર્તિ સોહાશે. ૧૦

રીઝ્યા ગોપાળજી મહારાજ, પામ્યો અચરજ સર્વ સમાજ;

ચૈત્ર શુક્લ દશમ દિન જોઈ, સીતારામને દીધિ જનોઈ. ૧૧

રચ્યો મંડપ મોટો મેદાન, સર્વ જાણિને વેદ વિધાન;

ઇચ્છારામ ને વરિયાળિબાઈ, ગ્રહશાંતિ1 કરી સુખદાઈ. ૧૨

કર્યા સંસ્કાર એણે અશેષ,2 દીધો શ્રીજિએ મંત્રોપદેશ;

પોંચિ ને દોરો કાંચન કેરો, આપ્યો પોશાક સરસ ઘણેરો. ૧૩

હરિભક્તોએ પણ તેહ કાળ, આપ્યા પોશાક ને ધનમાલ;

તેહ લખવાને બેઠા ઠક્કર, ગામ બૂધેજના પીતાંબર. ૧૪

આવિ ઊભિ તહાં અષ્ટસિદ્ધિ, જહાં કૃષ્ણ તહાં નવ નિધિ;

સંત બ્રાહ્મણ ભોજન કીધાં, દક્ષિણા દાન વિપ્રોને દીધાં. ૧૫

પછિ એકાદશી દિન આવ્યો, ત્યારે ઉત્સવ સરસ કરાવ્યો;

દ્વાદશીને દિને ઇચ્છારામ, કહે હરિને કરીને પ્રણામ. ૧૬

મારિ પુત્રી જે ફુલઝરી છે, તેને સાસરે મોકલવી છે;

માટે આજ્ઞા આપો મહારાજ, તો હું જાઉં સ્વદેશમાં આજ. ૧૭

સુણિ બોલિયા શ્રીઅવિનાશ, તમારે રહેવું મુજ પાસ;

તહાં મોકલો ગોપાળજીને, આવશે એહ કામ કરીને. ૧૮

નિજ કુટુંબ આદિક જેહ, સાથે તેડિને આવશે તેહ;

સુણિ આજ્ઞા ધરી નિજ શીશ, જાણે છે શ્રીજિને જગદીશ. ૧૯

માને આજ્ઞા બ્રહ્માંડના રાય, તેની આજ્ઞા તે કેમ લોપાય;

નંદરામ ગોપાળજી ભાઈ, ત્રીજાં તો વળિ ફુલઝરી બાઈ. ૨૦

જવા ત્રણેને તૈયાર કીધાં, દ્રવ્ય ખરચી માટે ઘણાં દીધાં;

જવા નીકળ્યા તે પછિ જ્યારે, વળાવાને ગયા સહુ ત્યારે. ૨૧

જોળ્ય મુક્યા પછી આંબાવાડી, જતાં રસ્તામાં આવિ અગાડી;

ગયા ત્યાં સુધિ સુંદરશ્યામ, ભેટ્યા ભત્રિજને સુખધામ. ૨૨

બોલ્યા શ્રીહરિ સ્નેહ ધરીને, વે’લા આવજો કામ કરીને;

સાથે લાવજો સૌ પરિવાર, જેઓને મુજ પર બહુ પ્યાર. ૨૩

બોલ્યા ગોપાળજી નંદરામ, અહો શ્રીહરિ સુંદરશ્યામ;

કેમ તમને તજીને જવાશે, અતિ અંતર તો અકળાશે. ૨૪

આડિ પાંપણો નિરખતાં આવે, એટલું પણ અમને ન ભાવે;

અમે જીવિયે જોઇને તમને, કેમ દૂર કરો છો જી અમને. ૨૫

એમ ઉચ્ચરતાં તજિ ધીર, વહેવા લાગ્યાં નેણથિ નીર;

સુણિ બોલિયા શ્રીજિ વચન, દૈશ અંતરમાં દરશન. ૨૬

માટે ધીરજ અંતરે લાવો, સિદ્ધ કામ કરી સદ્ય આવો;

કહી એમ કરીને વિદાય, આવ્યા મંદિરમાં હરિરાય. ૨૭

કેટલાએક દિન અવિનાશ, કર્યો વરતાલ માંહિ નિવાસ;

પછિ સંતમંડળ લઈ સાથ, ચાલ્યા દુર્ગપુરે દીનનાથ. ૨૮

સતસંગિનાં જ્યાં આવે ગામ, કરે રાત્રિએ ત્યાં જ વિરામ;

ગયા ગઢપુરમાં ગિરધારી, જોઇ રાજિ થયાં નરનારી. ૨૯

શુદિ વૈશાખિ ચૌદશ જેહ, નરસિંહ જયંતિ તો તેહ;

એ જ પૂનમે કૂર્મજયંતી, હરિભક્તને હરખ કરંતી. ૩૦

એ બે ઉત્સવ ગઢપુરમાંય, કર્યા શ્રીહરિયે વસી ત્યાંય;

એવામાં જુનેગઢ જેનો વાસ, ઝીણાભાઇ આવ્યા પ્રભુ પાસ. ૩૧

પુજોભાઈ આવ્યા ધોલેરાથી, થયા મગ્ન પ્રભૂને મળ્યાથી;

નમિ બેય બોલ્યા તેહ ઠામ, અમારા ગામમાં કરી ધામ. ૩૨

મોટું મંદિર શીખરવાળું, કૃપાનાથ કરાવો રુપાળું;

સંતમંડળ મોકલો એક, જાણે જુક્તિયો જેહ અનેક. ૩૩

આશા દાસ તણી પુરનારા, પ્રભુ પૂરો મનોરથ મારા;

વિનતી બેયની સુણિ લીધી, કૃપાનાથે કૃપા ઘણિ કીધી. ૩૪

બ્રહ્માનંદજિને ભગવાન, કહે જાઓ જુનેગઢ સ્થાન;

કરો મંદિર માનિ વચન, તેથિ હું ઘણો થૈશ પ્રસન્ન. ૩૫

અદ્‌ભુતાનંદ નિષ્કુળાનંદ, તેઓને કહે વૃષકુળચંદ;

તમે ઘોલેરે સદ્ય સિધાવો, રુડું મંદિર જૈને રચાવો. ૩૬

જગ્યા આપિ છે શ્રીસરકારે, તેમાં કહેવાનું એ છે અમારે;

અમે બેઠા’તા જેહ જગ્યાય, દેવનું ત્યાં સિંહાસન થાય. ૩૭

એવી રીતે કરાવજો તમે, થાશું તમને પ્રસન્ન તો અમે;

કામ મંદિરનું તે કરાય, મુરતી સ્થાપવા જોગ્ય થાય. ૩૮

ત્યારે લખજો આંહિ સમાચાર, કહે બેયને ધર્મકુમાર;

કહિ એમ મંડળ મોકલાવ્યાં, ધામ બેય કરાવા મંડાવ્યાં. ૩૯

જનમાષ્ટમિ દસરા દિવાળી, વસ્યા ગઢપુરમાં વનમાળી;

અન્નકૂટનો ઉત્સવ કીધો, હરિભક્તે ભલો લાવ લીધો. ૪૦

એક રજનીમાં ધર્મકુમાર, બેઠા અક્ષરભુવન મોઝાર;

ત્યારે ચિત્તમાં કીધો વિચાર, લીધો જે માટે મેં અવતાર. ૪૧

તે તો કામ થયું હવે પૂરું, એમાં શું શું રહ્યું છે અધૂરું;

ધર્મસ્થાપન ધરણીમાં કર્યું, વળિ અસુર તણું બળ હર્યું. ૪૨

મોટા ધામમાં દેવ સ્થપાયા, એ તો સત્સંગના ઊંડા પાયા;

હવે ધર્મની ધુર ધરનાર, આચારજ સ્થાપવા એહ ઠાર. ૪૩

સમૈયો પ્રબોધિનીનો થાય, અભિપ્રાય ત્યાં સૌના લેવાય;

સૌને ગમતું આવે મનમાંય, તેને આચાર્ય પદવી અપાય. ૪૪

પછિ લાધા ઠક્કરને બોલાવી, દેશોદેશ કંકોત્રિ લખાવી;

સમૈયો મોટો વરતાલ ભરશું, ગાદિના ત્યાં આચારજ કરશું. ૪૫

માટે આવવું સૌએ જરૂર, અતિ આનંદ રાખિને ઊર;

એમ પત્રો લખ્યા ભલિ ભાતે, પછિ કાર્તકિ ત્રીજે પ્રભાતે. ૪૬

ચાલ્યા વરતાલ શ્રીઘનશ્યામ, સાથે લીધા તેનાં કહું નામ;

રામપ્રતાપ ને ઇચ્છારામ, તેઓના પુત્ર સદ્‌ગુણધામ. ૪૭

અયોધ્યાપ્રસાદ રઘુવીર, મહા ધર્મધુરંધર ધીર;

સાથે સંચર્યા ઉત્તમ રાય, સંત પાર્ષદના સમુદાય. ૪૮

ગોપઅષ્ટમિ કાર્તિક માસ, આવ્યા વરતાલમાં અવિનાશ;

દેવભુવનથી3 નૈરુત માંય, હરિમંડપ છે ભલો જ્યાંય. ૪૯

કર્યો ત્યાં શ્રીહરિએ ઉતારો, જાણિ ઊતરવા જોગ્ય સારો;

અગ્નિકોણમાં દેવમંદિરથી, નારાયણમોલ છે નામ ધરથી.4 ૫૦

તહાં ઊતર્યા રામપ્રતાપ, પરિવાર સહીત તે આપ;

મેડિ ધામથી પશ્ચિમ માંય, સકુટંબ ઇચ્છારામ ત્યાંય. ૫૧

દાદા ખાચર આદિક એમ, ઉતર્યા તે જેને ઘટે જેમ;

નવમી તથા દશમી દન, દેશદેશના આવિયા જન. ૫૨

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિદરશન કાજ સંઘ આવ્યા, વિવિધ પ્રકારની ભેટ તેહ લાવ્યા;

સરવર તટમાં કર્યા ઉતારા, તરુવરના સમુદાય જોઇ સારા. ૫૩

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસ્વાચાર્યસ્થાપનાર્થે-વૃત્તાલયઆગમનનામ પંચચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે