વિશ્રામ ૪૭
પૂર્વછાયો
કૃષ્ણે આચારજ બે કર્યા, ભ્રાતપુત્રને લઇ ભલિ ભાત;
એ જ એકાદશી દિવસની, વળિ વિશેષ વર્ણવું વાત. ૧
ચોપાઈ
રહ્યો પાછલો દિન ઘડિ ચાર, ઘનશ્યામે સભા સજી સાર;
ધામ પાછળ છત્રી છે જ્યાંય, બેઠા સિંહાસને હરિ ત્યાંય. ૨
બેઠા આગળ હરિજન સંત, બેઠા ધર્મવંશી ગુણવંત;
બેઠા પાર્ષદ ને બ્રહ્મચારી, બેઠિ વેગળે હરિજન નારી. ૩
ભાખે એ અવસર ભગવંત, સુણો હરિજન વર્ણિ ને સંત;
અમે સ્થાપ્યા બે આચાર્ય જેહ, તમો સર્વેએ માનવા તેહ. ૪
શિખરિણી
કહે શ્રીજિ સ્વામી મુનિજન અકામી સહુ સુણો,
સુપુત્રો બે મારા તનમન તમારા ગુરુ ગણો;
સદા એની આજ્ઞા સુણિ સુણિ સુખેથી અનુસરો,
કદી તેની સાથે વચનથિ વિવાદે નવ કરો. ૫
મહાન્તાઈ આપે કદિ વળિ ઉથાપે તહિં થકી,
તમે ચિત્તે તેથી સુખદુખ ન રાખો લવ નકી;
રહો રાજી કેવા જડભરત જેવા ગુણ ધરી,
ન બંધાવું ક્યાંઈ વરસ બહુ એક સ્થળ ઠરી. ૬
અમારે શું એમાં બગડતું દિસે છો બગડતું,
કદી એવું ધારી મન થકિ ન મેલો રખડતું;
તમે જો સૌ આવા મુજ મન રિઝાવા મન ચહો,
સદા આવી રીતે મમત નિજ ચિત્તે ધરિ રહો. ૭
પછી આચાર્યોને વચન શિખનાં શ્રીહરિ કહે,
અમારી ગાદીયે ગુરુપદ ધરી જે જન રહે;
અસંબંધી સ્ત્રીથી વચન ન વદે દૃષ્ટિ ન ધરે,
ન એકાંતે ક્યારે દરશન દિયે સ્પર્શ ન કરે. ૮
ધરે એવો વેષ પ્રગટ દરસે પંડિત તણો,
ન રાખે તે મેલો રજગુણ ન રાખે પણ ઘણો;
નહીં મૂછો મોટી નહિ વળિત વાંકીય ધરવી,
શિરે મોટી ચોટી કદિ પણ વધારી ન કરવી. ૯
મહાંતો જે સંતો તવ ચરણમાં મસ્તક ધરે,
ન છાજે તે માટે રજગુણ તમારા તન પરે;
ન થાવું સ્વછંદી સહુ મળી કહે તે સમઝવું,
કરે લોકો નિંદા તરત તક તે કૃત્ય તજવું. ૧૦
સવારે ને સાંઝે હરિગુણ કથાની તક સહી,
તજીને તે ટાણે જહિંતહિં તમારે જવું નહીં;
નહીં રસ્તે જાતાં નટવિટ1 તમાસા નિરખવા,
નહીં જોવા મેળા અવર જન લાગે પરખવા. ૧૧
ગજેન્દ્રે અસ્વારી કરિ નગર મધ્યે વિચરતાં,
ધરો દૃષ્ટી નીચી નજર ચહુ પાસે ન કરતાં,
સ્વનારીને વશ્ય સ્વમતિ બળ ખોઈ થવું નહીં,
કહે સંતો રસ્તો બળથિ તજિ બીજે જવું નહીં. ૧૨
ઉપજાતિવૃત્ત
ગૃહસ્થ આચાર્ય ઘણા ફરે છે, શિષ્યો તણા તે ધનને હરે છે;
દીસે ભવાયા સમ વેષ કેવા, તમે ન થાશો કદિ છેલ એવા. ૧૩
સત્સંગિ શ્રીમંત ગરીબ હોય, તે જાણજો બેય સમાન હોય;
જણાય જૂદી સનમાન રીતી, તથાપિ તે સાથ સમાન પ્રીતી. ૧૪
શ્રદ્ધાથિ આપે જન તે જ લેવું, વિશેષ લેવા નહિ દુઃખ દેવું;
જે ધર્મ પાળે સતસંગ મોટો, ન ધર્મ પાળે ધનવંત ખોટો. ૧૫
કરે તમારી પધરામણી તો, કરો ન આપ્યા તણિ પંઠણી2 તો;
તેડાવશે તે જન ઘેર જાવું, શ્રદ્ધાથિ આપે લઇ તુષ્ટ3 થાવું. ૧૬
વિદ્યા તણો તો અભિયાસ રાખો, જ્યાં ત્યાં ઘણી ગ્રામ્યકથા ન ભાખો;
સદ્ધર્મના ગ્રંથ રચો રચાવો, સત્સંગની પુષ્ટિ સદા કરાવો. ૧૭
આચાર્ય તો ધર્મ થકી જ શોભે, શોભે નહીં દ્રવ્ય વિશેષ લોભે;
આચાર્ય જો વૈભવથી મનાય, તો સર્વ શ્રીમંત જનો પુજાય. ૧૮
માહાત્મ્ય જાણો વળિ સંત કેરું, હું જાણું છું તેહ તણું ઘણેરું,
સંત પ્રતાપે સતસંગ થાય, સંત પ્રતાપે શુભ સંપ્રદાય. ૧૯
સંતો કરે દંડપ્રણામ જ્યારે, ઉભા થવું તર્ત તહાં તમારે;
ન કોઇને તો કરવો ટુંકારો, ન કોઇને ગાળ કદી ઉચારો. ૨૦
જો કોઇમાં ચૂક કદાપિ આવે, તજ્યાનું જો પંચ મળી બતાવે;
બોલી મિઠાં વેણ કરી વિદાય, જેથી ઘણો તે નહિ દ્રોહિ થાય. ૨૧
સન્માન દે શિષ્ય રુચી સમાન, માગો ન લેવા કદિ શ્રેષ્ઠ માન;
જે માનવી માન ઘણું સહાય, જરૂર એનું અપમાન થાય. ૨૨
નિર્માનિને માન ઘણું મળે છે, માની તણું માન સદા ટળે છે;
ગંભીરતા સાગર જેવિ રાખો, અજ્ઞાનિના બોલ સદૈવ સાંખો. ૨૩
જે માન મોહાદિ અધર્મ અંગ, અમે કર્યું છે બહુ માનભંગ;
તે વૈર લેવા કરશે ચડાઈ, જો ચેતશો તો વધશે વડાઈ. ૨૪
કહે મળી સદ્ગુરુ પંચ સંત, કે પંચ સત્સંગિ સુબુદ્ધિમંત;
તે વાતને અંતર માનિ લેવી, ક્રિયા સદાયે કરવી જ એવી. ૨૫
ભાસે ક્રિયા જે નિજચિત્ત શુદ્ધ, તથાપિ સત્સંગ થકી વિરુદ્ધ;
તેવી ક્રિયા તો તજવી જરૂર, કરો નહીં આગ્રહ રાખિ ઊર. ૨૬
જે ધર્મ પાળે જન તે અમારો, પાપીથિ હું દૂર સદા થનારો;
સગો અમારે નહિ કોઈ કાળે, સગો ગણું જે શુભ ધર્મ પાળે. ૨૭
છે ધર્મ પોતે જ પિતા અમારા, તેના જ શત્રુ જન જે થનારા;
તે સાથ હું કેમ કરૂં જ પ્રીત, પ્રીતિ કરે તેહ કુપુત્ર રીત. ૨૮
હતા સહૂએ ગુરુઓ કરેલા, તે સર્વ જાણ્યા કપટે ભરેલા;
તેને તજી શિષ્ય થયા અમારા, તે શિષ્ય જાણો સરવે તમારા. ૨૯
સદા તમે સદ્ગુરુની જ રીત, તે માટે રાખો ચિત્તમાં ખચીત;4
બિજા ગુરૂથી વ્રત શાં વિશેષ, વિચારજો તે મનમાં હમેશ. ૩૦
રાખો સદા વૃદ્ધ તણો પ્રસંગ, તજો ઘણો સંગ જુવાન અંગ;
શાસ્ત્રો સુણો વાંચિ વળી વિચારો, તે તો સદા ધર્મ ભલો તમારો. ૩૧
તમે સહૂને ઉપદેશ આપો, શિષ્યો તણા સંશય સર્વ કાપો;
આચાર્યના તો ગુણ નિત્ય એ છે, સચ્છાસ્ત્રવાદી કવિયો કહે છે. ૩૨
જુઠી જ કાયા વળિ જૂઠિ માયા, પદાર્થ જૂઠાં જગમાં જણાયાં;
એવો તમારો સુણિ ઊપદેશ, વૈરાગ્ય થાશે જનને વિશેષ. ૩૩
જો દ્રવ્ય માટે લડશો તમે જ, તો વ્યર્થ થાશે ઉપદેશ એ જ;
પછી કહ્યું કેમ કરી મનાશે, તેથી તમારો વિશવાસ જાશે. ૩૪
અન્યોન્યના દેશ વિષે તમારે, જવું પડે કોઈ સમે જ ત્યારે;
ત્યાંના જનો ભોજન દે જ જેવું, તે લેવું ને દ્રવ્ય કદી ન લેવું. ૩૫
જો ધાતુના લાલજિ હોય પાસ, તેને ધરે ભેટ તહાં જ દાસ;
એવે પ્રકારે કરિ કાંઈ બાનું, લેવું નહીં દ્રવ્ય કદી તહાંનું. ૩૬
જે મંદિરે સ્થાપિત મૂર્તિ હોય, ત્યાં આવિને ભેટ ધરે જ કોય;
તે દેવનો માલ સદા ગણાય, તેમાં નહીં બાધ કશો જણાય. ૩૭
બે દેશમાં જે નૃપરાજ હોય, જે દેશમાં હોય નિવાસ તોય;
તે જો બિજાને કદિ ભેટ મૂકે, લેનારા દેનાર સ્વધર્મ ચૂકે. ૩૮
જે ગામ આચારજ દેશમાંય, આચાર્ય આપે કદિ જાય ત્યાંય;
ત્યારે તહાં જો નૃપ કાંઇ દેય, તો તે સ્થળે તેહ સુખેથિ લેય. ૩૯
બીજે સ્થળે દે ફળ આદિ મેવા, તે તો તમે લાયક જાણિ લેવા;
તથાપિ તેવે પણ કાંઈ બાને, ઝાઝું ન લેવું કદિ એહ સ્થાને. ૪૦
આજ્ઞા ઉલંઘી કદિ કોઇ લેશે, કે પુણ્ય જાણી હરિભક્ત દેશે;
તો પુણ્ય સાટે બહુ પાપ થાય, એકે અમારો નહિ તે ગણાય. ૪૧
ગુરૂનું નાણું કરજે ન લેવું, તથા ગુરૂએ કરજે ન દેવું;
સુણો તમે સૌ ગુરુ શિષ્ય ભાઈ, અમારિ આજ્ઞા અતિ સૌખ્યદાઈ. ૪૨
ન વસ્ત્ર કે વાહન માંગિ લેવું, જો કોઈ માગે ગુરુએ ન દેવું;
આ શાસ્ત્રનું વેણ તમે ઉથાપી, તે માટે એવું ન કરો કદાપી. ૪૩
સત્સંગિ કે કોઈ કુસંગિ હોય, તમે ગણો શિષ્ય સમસ્ત તોય;
અન્યોન્યના દેશ વિષે રહે તે, લેવું નહીં દ્રવ્ય કદાપિ દે તે. ૪૪
વિદ્યાનિ શાળા ભલિ ભાત થાપો, વિદ્યા તણું દાન વિશેષ આપો;
જે કામ માટે પરઠી5 મજૂરી, તેમાં ન દેશો જરિયે અધૂરી. ૪૫
ન રાખવી થાપણ કોઈ કેરી, જમાન6 થાવું નહિ કોઇ ફેરી;
અન્નાર્થિ આવે જન જે ભિખારી, તો અન્ન દેવું કરુણા જ ધારી. ૪૬
કોઈ વિષે ક્રૂર કદી ન થાવું, ગરીબના વત્સલ તો ગણાવું;
ભિક્ષા જમો આપદ કાળમાંઈ, માથે કદી દેણું કરો ન કાંઈ ૪૭
જે ભૂમિમાં છે સરવાર દેશ, તે ભાગ તો ઉત્તરમાં હમેશ;
તથાપિ જૂનું વતને તમારું, વિશેષ કાંઈ કહું તેહ સારું. ૪૮
સગા તથા આશ્રિત હોય તેના, તે શિષ્ય થાશે પ્રિય જેહ જેના;
તે કાંઈ આપે સુખથી જ લેવું, તેમાં નથી કિંચિત બાધ7 જેવું. ૪૯
તે દેશમાં ખેતર કે ગરાસ, વેચાતું રાખો લઈ કોઈ પાસ;
કે કોઇ રાખો કદિયે ઘરાણે, તો કોઈ તેમાં નહિ શંક આણે. ૫૦
સગા વિનાના ધનમાલ દેય, તે લક્ષ્મિનારાયણના ન લેય;
આજ્ઞા અમારી શુભ એહ જાણો, વિચારિને અંતર માંહિ આણો. ૫૧
આચાર્ય બેને કદિ કાંઇ વાંધો, પડ્યાથિ તૂટે વ્યવહાર સાંધો;
તો બેયને જેનિ પ્રતીત આવે, એવા ગૃહસ્થો વચમાં ઠરાવે. ૫૨
શબ્દો તણા અર્થ અનેક થાય, માટે પડે સંશય તેહ માંય;
તો તેનો નિર્ણય પંચ પાસે, કરાવવો ઉત્તમ એહ ભાસે. ૫૩
આચાર્યને હોય સુતો ઘણાય, આચાર્ય તો સદ્ગુણિ તે જ થાય;
જો ગાદિને યોગ્ય ન હોય એવો, તો ધર્મવંશી થકિ દત્ત લેવો. ૫૪
જો આ અમારાં વચનો વિચારી, તે પાળશો તો અતિ સૌખ્યકારી;
એકે ઘડી કેમ કુસંપ થાશે, દુરાગ્રહ દુઃખ ઘણું જણાશે. ૫૫
આચાર્ય બે છો બહુ બુદ્ધિમંત, વળી તમે છો શુભ ધર્મવંત;
તથાપિ મેં વંશપરંપરાને, માટે કહ્યું છે બહુ એહ સ્થાને. ૫૬
આચાર્યપત્ની પણ એ જ રીતે, પાળે સદાચાર વિશેષ પ્રીતે;
સંબંધિયોથી નર અન્ય જેહ, તેને તજે અષ્ટપ્રકાર એહ. ૫૭
સત્સંગિ સર્વે સુણજો અમારા, આચાર્ય આ એ જ ગુરૂ તમારા;
તે પાળશે ધર્મ પળાવિ જાણે, કલ્યાણદાતા કહિ સૌ વખાણે. ૫૮
જે જે તમે ઉદ્યમથી કમાઓ, જો શિષ્ય સાચા મુજના ગણાઓ;
દશાંશ વીશાંશ ગજા8 પ્રમાણે, દેવાર્થ દેજો ધન તેહ ટાણે. ૫૯
કુટુંબ માંહી જન જેહ હોય, તે બાળ કે વૃદ્ધ જુવાન કોય;
પ્રત્યેક નામે ગણિ આઠ આના, દેજો ગુરૂને પ્રતિ વર્ષ દાના. ૬૦
એવી રિતે વાત કરી વિશેષ, સૌએ ધરી ચિત્ત સુણી અશેષ;9
બિજે દિને દ્વાદશિ જાણિ નેક, જમીડિયા સંત દ્વિજો અનેક. ૬૧
જે વેદમૂર્તી હરિભાઈ નામ, તેને દિધાં વસ્ત્ર વિચિત્ર દામ;
તે માંહિ દીધી ડગલી રુપાળી, રાજી થયા સૌ હરિભક્ત ભાળી. ૬૨
બિજા દ્વિજોને પણ દ્રવ્યદાન, દીધાં કૃપાથી કરુણાનિધાન;
એ રીત આચારજ બેય થાપ્યા, વિભાગ પાડી જુગ દેશ આપ્યા. ૬૩
પુષ્પિતાગ્રાવૃત્ત
ગુરુપદ જુગ ભ્રાતૃપુત્ર થાપ્યા, કરિ સુવિભાગ અશેષ દેશ આપ્યા;
પુનિત ચરિત તે સુણે સુણાવે, હરિ ભવમાં જન તે કદી ન આવે. ૬૪
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
આચાર્યશિક્ષા-નિરૂપણનામ સપ્તચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૭॥