કળશ ૮

વિશ્રામ ૪૮

પૂર્વછાયો

પવિત્ર કાર્તિકી પૂર્ણિમા, દિન સભા સજી ઘનશ્યામ;

સંત તથા સતસંગિયો, બેઠા પ્રભુને કરિને પ્રણામ. ૧

ચોપાઈ

નારુપંત બોલ્યા મતિમંત, મુક્તાનંદ સુણો મહા સંત;

વટપત્તનમાં જેહ વારે, ગયે વર્ષે તમે હતા ત્યારે. ૨

મહારાજ શિયાજીરાવે, કહ્યું હતું હરિ આંહિ આવે;

ભૂપે ભાવ જણાવ્યો અઘાત,1 તમે જાણો છો તે સર્વ વાત. ૩

વળિ આ અવસર પણ પત્ર, મુજ સાથે છે મોકલ્યો અત્ર;

માટે ત્યાં મહારાજ પધારે, એવિ યુક્તિ તો કરવી તમારે. ૪

દૃઢ એવો કરીને વિચાર, આવ્યા તે બે સભાની મોઝાર;

નારુપંતે પ્રણામ ત્યાં કીધો, પછિ પત્ર પ્રભૂજિને દીધો. ૫

વળિ વદને કહ્યા સમાચાર, ભૂપતીનો છે ભાવ અપાર;

મુક્તાનંદ કહે અહો હરી, નારુપંતની વાત છે ખરી. ૬

ઘણો ભાવ છે ભૂપને ઊર, માટે જાવું તો જોઇએ જરૂર;

પત્ર વાંચિને બોલિયા માવ, ભૂપ છે પણ કેવો છે ભાવ. ૭

નારુપંત સિધાવોજિ તમે, વટપતન આવશું અમે;

જઈ ભૂપતિને કરો જાણ, અમે આવશું વચન પ્રમાણ. ૮

ગયા વટપુર તે નારુપંત, ત્રીજે દિન વિચર્યા ભગવંત;

લીધા બેય આચારજ સાથે, સંત વૃંદ લીધાં મુનિનાથે. ૯

રહ્યા સાંકરદે સરવેશ, ત્યાં તો ભક્ત પટેલ ગણેશ;

બીજા ભક્ત ત્યાં દુલ્લભભાઈ, તેણે સેવ્યા પ્રભુ સુખદાઈ. ૧૦

ગામ છાંણિ ગયા ગિરધારી, સામિ આવિ ત્યાં નૃપનિ સવારી;

હાથિ ઘોડા ને ડંકો નિશાન, રથ પાલખિયો તાવદાન. ૧૧

સ્વારી લૈને આવ્યા નારુપંત, માનિતા ભૂપના તે અત્યંત;

એહ સ્વારિ તણી શોભા જેહ, લખિ છે ઘણા ગ્રંથમાં તેહ. ૧૨

તમે સાંભળિ છે બહુ વાર, માટે સંક્ષેપમાં કહું સાર;

વટપત્તનમાં પ્રભુ ગયા, પુરવાસી બહુ રાજી થયા. ૧૩

શિયાજીરાવ સન્મુખ આવ્યા, દેવઘરમાં પ્રભૂ પધરાવ્યા;

પછિ ભૂપતિયે જઇ સાથ, મસ્તુબાગમાં ઉતાર્યા નાથ. ૧૪

મોટા તંબુ ત્યાં ઉભા કરેલા, કુંભ કનકના ઉપર ધરેલા;

ઘણો શોભિત તે બાગ સારો, તહાં ઊતર્યા ધર્મદુલારો. ૧૫

કરિ સરભરા સર્વ પ્રકારે, પછિ રાય ગયા દરબારે;

મોકલી બીજે દિન અસવારી, તેડ્યા દરબારમાં ગિરધારી. ૧૬

પ્રભુ પૂજિયા પ્રેમ સહીત, દીધાં વસ્ત્ર ભૂષણ ભલી રીત;

હતા રાજકુમાર જે ચાર, પ્રભુને પ્રણમ્યા તેહ વાર. ૧૭

દત્તપુત્ર પૂજ્યા પ્રભુ કેરા, ભૂપે પૂજિયા સંત ઘણેરા;

પ્રભુ ત્યાંથી પધાર્યા ઉતારે, મતવાદિ આવ્યા ભારે ભારે. ૧૮

સૌને જીતિ કર્યો જેજેકાર, ત્રણ દિવસ રહ્યા કરતાર;

ધામધૂમે આવ્યા હતા જેમ, પાછા શ્રીજિ સિધાવિયા તેમ. ૧૯

નારુપંત વળાવાને આવ્યા, અસવારી સારી સજિ લાવ્યા;

દિગવિજય કરી દીનનાથ, ચાલ્યા મધ્યાને સૌ જન સાથ. ૨૦

હાથીથી ઉતર્યા હરિ જ્યારે, બેઠા માણકિ ઘોડિયે ત્યારે;

ચાલ્યા ઝડપથી ધર્મકુમાર, રહ્યા સાથે સહૂ અસવાર. ૨૧

થઈ શીતળ આરતી જ્યારે, વરતાલ આવ્યા વાલો ત્યારે;

હનુમાન તણે દરવાજે, આવી જય કહી મિત્ર સમાજે. ૨૨

ઊંચા સ્વરનો સુણી જયકાર, જાણું આવિયા જગતઆધાર;

કર્યાં સૌ જને દર્શન ત્યાંય, પધાર્યા પ્રભુ મંદિરમાંય. ૨૩

તહાં દેવનાં દર્શન કરી, થોડી વાર ઉભા રહ્યા હરી;

ઉચ્ચર્યા નારાયણ બ્રહ્મચારી, દૂધ પૂરિ જમો ગિરધારી. ૨૪

સુણિ હા કહી વૃષકુળચંદે, ઉષ્ણોદક2 આણ્યું માધવાનંદે;

રૂપચોકિ જે દક્ષિણ કેરી, તહાં બેસીને નાહ્યા લહેરી. ૨૫

રુડું અંગે પીતાંબર ધારી, ગયા મંદિર માંહિ મુરારી;

કોળી3 લક્ષ્મીનારાયણ તણી, જમ્યા ત્યાં બેસી વૃષકુળમણી. ૨૬

પ્રભુ કહે અક્ષરાનંદ પાસ, કરો મેમાનની બરદાસ;

જેને જે જોઇયે તેહ આપો, સારા ઉતારા દૈ સ્થિર થાપો. ૨૭

સુણિ આજ્ઞા અંતર માંહિ ધરી, બરદાશ મેમાનોની કરી;

હરિમંડપમાં જઈ હરી, પલંગે પોઢ્યા આનંદભરી. ૨૮

વટપત્તનની વાટે જેહ, પછવાડે રહ્યા હતા તેહ;

બીજે દિન વરતાલે તે આવ્યા, ભલા શ્રીહરિને મન ભાવ્યા. ૨૯

બીજે દિવસ પછી બળવંતે, ભાખ્યું ભક્ત પ્રતી ભગવંતે;

દાદા ખાચર આદિક જેહ, પરગામથી આવ્યા છો તેહ. ૩૦

જાઓ પોતપોતા તણે ગામ, કરી જૈ વ્યવહારીક કામ;

એમ કહિ કર્યા સૌને વિદાય, રહ્યા વરતાલ વૃષકુળરાય. ૩૧

વટપત્તનથી વસ્ત્ર જેહ, શિયાજીરાવે અર્પેલાં એહ;

રઘુવીરજીને સર્વ દીધાં, પ્રસાદી પ્રભુની જાણિ લીધાં. ૩૨

ધર્મવંશી સરવ જન સાથે, પછી ગઢપુર મોકલ્યા નાથે;

નિત્યાનંદ કહે મહારાજ, કરશે કોણ થાળનું કાજ. ૩૩

કેના હાથનિ જમશો રસોઈ, એક નક્કી કરો જન કોઈ;

કહે કૃષ્ણ ચિંતા કરો એ શી? નરનારાયણના જે દેશી. ૩૪

થાળ આપવા ચિત્ત ચહાય, ત્યારે તો રાંધશે ગંગામાય;

દેશિ લક્ષ્મીનારાયણ તણો, આપે થાળ ધરી ભાવ ઘણો. ૩૫

નડિયાદવાસી રેવા ત્યારે, કરે થાળ તે અરથે અમારે;

અથવા કરે જમનાબાઈ, વસોની જે નિવાસી ગણાઈ. ૩૬

પછી મંદિરને પછવાડે, હવેલી હતી જે તે દહાડે;

નીચે ઓરડા બે હતા સારા, પ્રભુને પ્રિય પૂરવ દ્વારા. ૩૭

આપ્યા બે બાઈઓને રહેવા, પ્રભુને થાળ ત્યાં કરિ દેવા;

ઓસરીમાં બેસે હરિ જમવા, હરિભક્તને અંતરે ગમવા. ૩૮

એમ વીત્યા થોડા દિન જ્યારે, આવ્યા ગોપાળજી તેહ વારે;

સાથે લૈને આવ્યા પરિવાર, મેના નામે છે તેહની નાર. ૩૯

ઇચ્છારામનો ઊતારો જ્યાંય, ઉતર્યા એ જ હવેલી માંય;

દેશમાંથિ આવ્યા ઘણે માસે, માટે શ્રીજિએ રાખિયા પાસે. ૪૦

કહે ગોપાળજી જોડી હાથ, દયાસિંધુ સુણો દીનનાથ;

ધર્મવંશમાં અવતર્યા તમે, પણ લાવ લીધો નહિ અમે. ૪૧

બીજી બાઇયો કરે થાળ જ્યારે, ત્યારે શો પ્રભુ લાવ અમારે?

સુણિ બોલિયા જનપ્રતિપાળ, તમારો ત્રિજે દિન જમું થાળ. ૪૨

ત્રણ દિન તણો કીધો ઠરાવ, ત્રણેનો ભાળી ઉત્તમ ભાવ;

બોલ્યા ગોપાળજી રુડી રીતે, નિજ પત્નિની આગળ પ્રીતે. ૪૩

મોટા જજ્ઞ વિષે જમનાર, જેનો મહિમા છે અપરમપાર;

કહે છે જેને કાળના કાળ, જમશે તે તો આપણો થાળ. ૪૪

અહો આપણાં ભાગ્ય અપાર, એમ ધારું છું હું નિરધાર;

હિંદુસ્થાની રસોઈની રીત, તમે જાણો છો સારી ખચીત. ૪૫

ગુજરાતી રસોઈ અભ્યાસ, કરજો રેવા બાઇની પાસ;

મેનાએ કહિ રેવાને વાત, જે છે પ્રગટ પ્રભુ સાક્ષાત. ૪૬

ત્રીજે દિવસ અમારી તે થાળ, જમશે પ્રભુ જનપ્રતિપાળ;

હસિ રેવાએ બોલ સુણાવ્યો, તમે ભક્તિમાં ભાગ પડાવ્યો. ૪૭

પછિ રેવા સ્વદેશની રીતે, પાક શિખવતાં ઘણી પ્રીતે;

કાર્તિકી કૃષ્ણ એકાદશીથી, કથા વંચાવી કૃષ્ણે પ્રીતીથી. ૪૮

ભાગવત દશમસ્કંધ જેહ, પ્રાગજી દવેયે વાંચ્યો તેહ;

દોઢ માસે દશમ પૂરો કીધો, પછિ પંચમ વાંચવા લીધો. ૪૯

આવી વસંતપંચમી જ્યારે, થયો તે પણ પૂરણ ત્યારે;

સાંઝે સાંઝે સભામાં વંચાય, તેનો મર્મ કહે હરિરાય. ૫૦

ઘણા જીવના કલ્યાણ કાજે, વિચાર્યું મનમાં મહારાજે;

શક્ષાપત્રી રચું એક સારી, સર્વ શાસ્ત્રનો સાર ઉદ્ધારી. ૫૧

જેમ પાર પમાડવા હેતુ, રચે સાગર ઉપર સેતુ;

શીક્ષાપત્રિ પ્રમાણે જો ચાલે, ભવપાર પામે કળિ કાળે. ૫૨

એવું અંતર માંહિ વિચારી, લખવા માંડી પત્રિ મુરારી;

કૃપાનાથે કૃપા કરી ત્યાંય, કર્યો આરંભ કાર્તિકમાંય. ૫૩

નારાયણમોલ માંહિ પ્રભાતે, લખે પત્રિ પ્રભુ ભલિ ભાતે;

સાલ બ્લાશીયાની હતી જ્યારે, આવી વસંતપંચમી ત્યારે. ૫૪

થઇ તે દિન પત્રી તે પૂરી, એમાં કાંઈ રહી ન અધુરી;

લખ્યા ચારે વરણ તણા ધર્મ, લખ્યો ત્યાગી ગૃહસ્થનો મર્મ. ૫૫

ધર્મ ભક્તિ ને જ્ઞાન વૈરાગ, લખ્યો તેહના ભેદનો ભાગ;

લખ્યા આચાર્યના ધર્મ તેહ, લખ્યું આ રીતે વર્તે ન જેહ. ૫૬

સતસંગથી તે છે વિમુખ, નરકે જઇ પામશે દુઃખ;

બિરાજી હરિમંડપ માંય, શિક્ષાપત્રિ શોધી પછિ ત્યાંય. ૫૭

નિત્યાનંદ આદિક વિદવાન, કહે સૌ પ્રત્યે શ્રીભગવાન;

આમાં ભૂલ જે કાઢે એકાદી, તેને આપું હું થાળ પ્રસાદી. ૫૮

પછિ સર્વેયે પત્રી તપાસી, પણ ભૂલ કશી નહિ ભાસી;

ત્યારે સર્વે બોલ્યા શિર નામી, આપ સર્વજ્ઞ અંતરજામી. ૫૯

વાણિ આપની તે વેદવાણી, એમાં ભૂલ કશી નવ જાણી;

સવિત્રાનંદ આદિક સારા, જે જે સંત હતા લખનારા. ૬૦

તેની પાસે ઘણીક લખાવી, દેશદેશ પ્રત્યે મોકલાવી;

સર્વ સંત તથા બ્રહ્મચારી, સૌને આપિ બોલ્યા ધર્મ ધારી. ૬૧

ભણેલા નિત્ય પાઠ તે કરજો, ન ભણેલા તે શ્રવણ આદરજો;

મારિ વાણિ સ્વરૂપ છે મારું, માનજો હિત ચાહિ તમારું. ૬૨

પાઠ નિયમ ચુકે કોઈ દાસ, કરે એક દિવસ ઉપવાસ;

એવું ઉચ્ચારી નિયમ ધરાવ્યા, પાઠ કરવાના નિત્ય ઠરાવ્યા. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

લખિ હરિ નિજ ધર્મપત્રિ શીક્ષા, નિજ મત કેરિ ધરે જ જેહ દીક્ષા;

કૃત દરશિત સર્વ ધર્મ તેના, સુણિ વરતે અઘબંધ મુક્ત જેના. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવટપુરવિચરણ તથા વૃત્તાલયે શિક્ષાપત્રીલેખનનામ અષ્ટચત્વારિંશત્તમો વિશ્રામઃ ॥૪૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે